(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત હતાં. -સં.)

પવિત્રતા, પ્રામાણિકતા, અનન્ય ઈશ્વરભકિત અને પસંદ કરેલા આદર્શ માટે પૂર્ણ સમર્પિતતા, કાર્યકુશળતા, પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વર-દર્શન કરીને પૂજાની ભાવનાથી કરવામાં આવતાં શૈક્ષણિક, સામાજિક તથા આપત્તિ-નિયમનનાં કાર્યો માટે તેમજ મનુષ્યમાં અંતર્નિહિત દિવ્યતાને જીવનની પ્રત્યેક ક્ષણે પ્રગટ કરવાના તેના આદર્શો માટે રામકૃષ્ણ મઠ અને મિશન જગપ્રસિદ્ધ છે.

મારા પૂ. પિતાશ્રી કનુભાઈ તથા માતુશ્રી કલાબેન  માંડવિયા રાજકોટ આશ્રમમાં પરમ પૂજ્ય સ્વામી ભૂતેશાનંદજી મહારાજ અને ત્યાર બાદ પરમ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં હતાં. શ્રીરામકૃષ્ણદેવ તરફની તેમની અનન્ય ભક્તિનો વારસો, અમને પાંચેય ભાઈ-બહેનો (ચાર બહેનો તથા એક ભાઈ)ને મળ્યો. ૧૯૬૭માં અમારાં માતા-પિતા તથા ૧૯૭૧ અને ૧૯૭૫માં અમે ભાઈ-બહેનોએ પૂ. સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા પ્રાપ્ત કરી. ત્યારથી ગુજરાતનાં રામકૃષ્ણ મિશનનાં વિવિધ કેન્દ્રો દ્વારા અપાતા મૂલ્યલક્ષી શિક્ષણની હું સાક્ષી છું. એટલું જ નહીં, રામકૃષ્ણ મિશનના સંપર્કમાં આવેલા ભક્તોએ પણ આધ્યાત્મિક, મૂલ્યલક્ષી શિક્ષણનો ફેલાવો કરવામાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપ્યું છે. પ્રસ્તુત લેખમાં હું, એવી વ્યકિતઓ તથા મૂલ્યલક્ષી, ચારિત્ર્ય-નિર્માણ કરે, તેવા શિક્ષણ માટેના તેમના પ્રદાન વિશે કહેવા માગું છું.

ઘણાં વર્ષો પહેલાં, બરાબર સાલ મને યાદ નથી, પરંતુ ૧૯૭૧ પહેલાં, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક સમારંભ દરમ્યાન મેં જોયું કે રામકૃષ્ણ મિશનના એક સફેદ વસ્ત્રધારી, તેજસ્વી બ્રહ્મચારી ત્યાં ઉપસ્થિત એક ખાદીધારી સજ્જનને નીચા વળીને ભાવપૂર્વક નમન કરી રહ્યા હતા. એ બ્રહ્મચારીની નમ્રતા તથા પેલા સજ્જનનો શાંત, શક્તિશાળી પ્રભાવ જોઈને, મેં મારા પિતાજીને એમના વિશે પૂછ્યું; તો જાણવા મળ્યું કે તે બ્રહ્મચારી હતા, આપણા સૌના લાડીલા પૂ. પ્રાગજી મહારાજ (પૂ. સ્વામી આદિભવાનંદજી) અને એ સજ્જન હતા, શ્રી નટવરલાલ પટેલ (નટુકાકા) જે આણંદ ખાતે ઉદ્યોગપતિ હતા, પણ શિક્ષણ-ક્ષેત્રે તેમનું અમૂલ્ય પ્રદાન હતું. વિશ્વવિખ્યાત સરદાર પટેલ યુનિવર્સિટીના શિલ્પી પૂ. ભાઈકાકા દ્વારા ૧૯૫૫માં સ્થાપિત, વલ્લભ વિદ્યાનગર સ્થિત શૈક્ષણિક સંસ્થા ‘ચારુતર વિદ્યા મંડળ’ ના ટ્રસ્ટીમંડળમાં તેઓશ્રી કાર્યરત હતા, સાથે સાથે શ્રીરામકૃષ્ણદેવના અનન્ય ભક્ત. તેઓ આણંદ ખાતે ‘શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ’ નામનું કેન્દ્ર ચલાવતા અને અસંખ્ય વિદ્યાર્થીઓને શ્રીરામકૃષ્ણ ભાવધારાથી પ્રેરિત કરતા. ત્યાં શ્રીરામકૃષ્ણદેવનું એક મંદિર પણ હતું, જ્યાં નિયમિત પૂજા-અર્ચના થતી. મારા પૂ. પિતાશ્રીએ મારા વિદ્યાનગરના અભ્યાસ દરમ્યાન મને આ મંદિરમાં જવા પ્રેરિત કરેલી. પૂ. સ્વામી આદિભવાનંદજી મહારાજ ૧૯૫૯-૧૯૬૦માં વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતા, ત્યારે મુરબ્બી શ્રી નટુકાકાના સંપર્કમાં આવેલા અને તેમની પાસેથી ઠાકુર-મા-સ્વામીજીના આદર્શોની અને ભક્તિની જ્યોત તેમનામાં સંક્રમિત થઈ. રાજકોટ ખાતે આવેલા વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયમાં રહીને પૂ. મહારાજે પોતાના જીવન અને નિઃસ્વાર્થ કાર્યોથી અનેક વિદ્યાર્થીઓને પ્રેરિત અને પ્રભાવિત કર્યા. તેમના પ્રેમ, કરુણા, ગ્રામોત્થાન, ગૌસેવા વગેરે આદર્શોથી અસંખ્ય ભક્તો પ્રભાવિત છે, અને તે ભક્તો મા-ઠાકુર-સ્વામીજીના આદર્શોની જ્યોતને પ્રજ્વલિત રાખી રહ્યા છે. શું આ ઘટના રામકૃષ્ણ મિશન અને ભાવધારાની આધ્યાત્મિક શિક્ષણ ક્ષેત્રે પ્રચંડ અસરની દ્યોતક નથી?

આવા એક અન્ય જ્યોતિર્ધરનું મને સ્મરણ થાય છે, અને તે છે પૂ. વિજયાબહેન ગાંધી. તેમણે ઠાકુર-મા-સ્વામીજી વિષયક અત્યંત ભાવવાહી ભજનો લખ્યાં, અને  ‘ગીત-રૂપક’ નામથી સંકલિત કર્યાં. ઉલ્લેખનીય એ છે કે દરેક ભજન notations સાથે પ્રસિદ્ધ કર્યું, જેથી હાર્મોનિયમ પર સહેલાઈથી સ્વરબદ્ધ થઈ શકે. મને બરાબર યાદ છે કે જ્યારે રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ઠાકુર-મા-સ્વામીજીની જન્મતિથિની ઉજવણી હોય, ત્યારે રાજકોટની અંધ છાત્રાલયની કન્યાઓ આવતી અને પાલખીઓ સાથેની શોભાયાત્રામાં વિજયાબહેન રચિત આ સુંદર ભજનોનું ગાન કરતી અને, ત્યારે અપૂર્વ આધ્યાત્મિક વાતાવરણ સર્જાતું! અમે જૂનાગઢ ખાતે તિથિપૂજા વખતે કાર્યક્રમો યોજતાં, તેમાં મારી બહેનો હાર્મોનિયમ સાથે ગાતી અને ભાઈ તબલાં વગાડતો તથા બધા ભક્તો અપૂર્વ આનંદનો અનુભવ કરતા. અમારી અમેરિકાની મુલાકાત વખતે પણ ત્યાંનાં કેન્દ્રોમાં અમે આ ભજનો ગાતાં તથા પૂ. સ્વામીજીઓ તથા ભક્તો ભાવ-ભક્તિમાં તરબોળ થતા! કારણ કે પૂ. વિજયાબહેનની ભક્તિ આ ભાવપૂર્ણ ભજનો મારફત અન્યમાં સંક્રમિત થતી. આધ્યાત્મિકતાનું કેવું અદ્‌ભુત સંક્રમણ! ભક્તિની આ જ્યોતે વિજયાબહેનના, અસંખ્ય પ્રજ્ઞાચક્ષુ બાળાઓના, તથા ભક્તજનોના હૃદયમાં ઊજાસ પાથર્યો, એ ચિરસ્મરણીય રહેશે. રામકૃષ્ણ મિશન દ્વારા મળેલ આધ્યાત્મિક શિક્ષણનો આ પ્રતાપ છે.

અંતમાં, દેશ-વિદેશમાં પ્રસિદ્ધ ‘Sister Nivedita Educational Complex’ ના બે શિલ્પી શ્રી ગુલાબભાઈ જાની તથા શ્રીમતી ઉષાબેન જાનીની પ્રેરણાદાયક કહાની—જેમણે પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજીના કહેવાથી પોતાની સ્થિર, આર્થિક રીતે આકર્ષક એવી કોલેજના અનુસ્નાતક કક્ષાના અધ્યાપક તરીકેની નોકરી છોડી, બાલમંદિરથી પ્રારંભ કરીને શૈક્ષણિક સંકુલ શરૂ કર્યું! ‘Complete works of Sister Nivedita’ વાંચ્યા પછી પ્રેરણા મેળવીને તે બન્ને શિક્ષણ પ્રત્યે ગંભીર બન્યાં. પરમ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજીના શબ્દો ‘તમે ચિંતા ન કરશો, ઠાકુર બધું સંભાળી લેશે’ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી, ૧૯૬૮માં પોતાની નોકરી છોડી, ઉપરોક્ત શૈક્ષણિક સંસ્થા બાલમંદિરથી શરૂ કરી. આજે આ સંસ્થા પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ ૧૨ અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ સાથે કાર્યરત છે. ગુલાબભાઈ કહે છે તેમ શૂન્યમાંથી સર્જન થયું—કેવી રીતે થયું તે સમજ પડતી નથી! સંસ્થાને દેશ-વિદેશમાંથી અસંખ્ય એવોર્ડ મળ્યા છે.

તો, આ છે ઠાકુર-મા-સ્વામીજીનો તથા ગુજરાતમાં શિક્ષણ પર રામકૃષ્ણ મિશન અને ભાવધારાનો, ખાસ કરીને મૂલ્યલક્ષી તેમજ આધ્યાત્મિક શિક્ષણ પરનો પ્રભાવ!

Total Views: 557

One Comment

  1. Kanakray P Jani Ret agriculture university jnd November 11, 2022 at 7:03 am - Reply

    ધન્યવાદ બહેનજી

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.