(ડો. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત હતાં. – સં.)

‘ધ્યાન’ શબ્દ આજકાલ કોઈથી અજાણ્યો નથી, તે સર્વત્ર છે—પુસ્તકોમાં, મંદિરોમાં, શાળાઓમાં, હોસ્ટેલોમાં, હોસ્પિટલોમાં, ટી.વી.માં, યુ-ટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં તથા ધ્યાન વિશેની કમ્પ્યૂટર એપ્લિકેશન જેવી કે ‘Clam’ અને ‘Head space’ માં પણ. છેલ્લા બે દાયકાઓથી ધ્યાન વિશે વૈજ્ઞાનિક ઢબે થયેલાં સંશોધનોથી તથા તેના ફાયદાઓ પ્રકાશમાં આવવાથી, તેના પ્રચાર-પ્રસારમાં તથા લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે.

પ્રસ્તુત લેખમાં આપણે ધ્યાન વિશે ઊંડાણથી સમજ મેળવવાની અને વિશેષરૂપે વિદ્યાર્થીઓ માટે તેનું શું મહત્ત્વ છે, તેની ચર્ચા કરીશું.

વિદ્યાર્થીજીવનનો સમયગાળો ભવિષ્યના સુખી, સમૃદ્ધ, સફળ, અર્થપૂર્ણ જીવનની દિશા નક્કી કરે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં અગ્રેસર રહી, ભવિષ્યની ઝળહળતી કારકિર્દીનું સ્વપ્ન સેવતા હોય છે, અને આ હકીકત જ તેમના મન ઉપર દબાણ, તણાવ લાવે છે. આ ઉપરાંત, માતા-પિતા તથા સગાં-સંબંધીઓની અપેક્ષા સંતોષવાની, તરુણાવસ્થા તથા યુવાવસ્થામાં થતા શારીરિક-માનસિક ફેરફારોને સમજીને તેની સાથે તાલમેલ બેસાડવાનો, સોશિયલ મીડિયાની મોહજાળમાંથી પોતાની જાતને બચાવીને પોતાના લક્ષ્યાંકો પૂરા કરવાના ભારણથી જાણે વિદ્યાર્થી ચોપાસથી ભીંસ અનુભવે છે. આ તણાવમાંથી મુક્તિ મેળવવા નિયમિત જીવનચર્યા, અભ્યાસક્રમનું વારંવાર પુનરાવર્તન, શારીરિક વ્યાયામ, પ્રાણાયામ, યોગ, હિતકારી અને પ્રેરણાદાયક વાંચન—પછી ભલે તે પુસ્તકોમાંથી કે ગુગલ અથવા યુ-ટ્યુબમાંથી મેળવાતું હોય—તે ખૂબ જરૂરી છે.

પરંતુ પ્રશ્ન એ છે કે શું આ બધાને અનુસરવું સહેલું છે ખરું? જવાબ છેઃ જો મન વિદ્યાર્થીના કાબૂમાં હશે તો સહેલું છે; નહીં તો અત્યંત કઠિન છે. મન જેટલું લક્ષ્ય પ્રત્યે જાગ્રત, તાલીમબદ્ધ, નિર્મળ, એકાગ્ર—તેટલી સફળતાની ગેરંટી. સ્વામી વિવેકાનંદ કહે છે, તેમ સફળ અને સામાન્ય માનવી વચ્ચેનો તફાવત તેમના મનની એકાગ્રતામાં રહેલો છે. બીજી બધી અનુકૂળતા હોય પરંતુ મન નિયંત્રિત ન હોય, એકાગ્ર ન હોય તો તે અનુકૂળતાનો કોઈ અર્થ રહેતો નથી.

તો શું મનને નિયંત્રિત કરી શકાય ખરું? આપણો અનુભવ તો અલગ જ કહે છે. મન મિત્ર કરતાં શત્રુ વધારે છે. જાગ્રતાવસ્થામાં તે અનેક કાલ્પનિક સંવાદોમાં રોકાયેલું રહે છે. તેમાં વિચાર અને લાગણીના તરંગો ઊઠતા જ રહે છે. ભૂતકાળની સ્મૃતિ તેમાં ધમાસાણ મચાવે છે અને તેને વર્તમાન સાથે સાંકળવાના પ્રયત્નમાં તે લાગેલું હોવાથી મોટે ભાગે વિક્ષિપ્ત કે ક્ષુબ્ધ રહે છે.

આથી જ મનને નિયંત્રિત કરી, તેની પાસે ધાર્યું કામ લેવું અત્યંત દુષ્કર છે. અરે, જે અર્જુને ઝાડ ઉપર બેઠેલા પક્ષીની આંખ વીંધી હતી અને ઉપર ગોળ ગોળ ફરતી માછલીની આંખને હોજમાં પડતા તેના પ્રતિબિંબમાં જોઈને વીંધી હતી—તેવો અર્જુન ભગવદ્‌ગીતામાં કૃષ્ણને પૂછે છે, “આ મન અતિશય ચંચળ, બળવાન, મનસ્વી છે; તેથી તેને વશ કરવું, તે મને વાયુને વશ કરવા જેવું કઠિન લાગે છે.” (અધ્યાયઃ૬, શ્લોક ૩૪). કૃષ્ણ ભગવાન પણ તેના પ્રશ્નને સકારાત્મક વલણથી લઈને કહે છે,“નિઃસંશય તારી વાત સાચી છે, પરંતુ હે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્યથી તેને વશ કરી શકાય છે.” (અધ્યાયઃ૬ શ્લોક ૩૫)

હવે, વિદ્યાર્થી અવસ્થામાં વૈરાગ્ય—એટલે પોતાને લક્ષ્યથી દૂર કરે તેવી સર્વ બાબતો તરફ દુર્લક્ષ્ય સેવવું. અને અભ્યાસ એટલે સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આંતરિક અને બાહ્ય સ્વચ્છતા, સંતોષ, ધ્યેય માટેની નિષ્ઠા એટલે કે તપ, સ્વાધ્યાય વગેરેને જીવનમાં અપનાવવાં.

પતંજલિ યોગસૂત્રો અનુસાર

મિત્રો, એવું પણ લાગે કે આ બધું પુસ્તકોમાં જ સંભવે, જીવનમાં ઉતારવું ખૂબ કઠિન છે. પરંતુ મહાન, સફળ વ્યક્તિઓના જીવનમાં આ દૃષ્ટિગોચર થાય છે જ.

તો ચાલો, આગળ વધીએ. આ બધું કોની પાસે કરાવવાનું છે? તે માટેનું ઉપકરણ છે ‘મન’. મનની ગતિવિધિઓને અવલોકી, તે આપણને ગમે ત્યાં દોરી જાય, તેને બદલે તેને નિયંત્રિત કરી આપણે કહીએ તેમ તેણે કરવું પડે, આ સ્વજાગૃતિ (Self-awareness) કેળવવા માટે ધ્યાનની જરૂરિયાત, તેનું મહત્ત્વ છે.

ધ્યાન એટલે શું?

મનને કોઈ એક વિચાર, મંત્ર કે મૂર્તિ (ઇષ્ટમંત્ર કે ઇષ્ટદેવની મૂર્તિ) તરફ ચોક્કસ સમય માટે સભાનપણે વાળી, અસ્ખલિત રૂપે, એક વૃત્તિરૂપે ત્યાં જ સ્થિર કરવું; તે ધ્યાન. પવિત્ર મંત્રના પુનરાવર્તનથી કે શ્વાસના અવલોકનથી મન એક જ જગ્યાએ આબદ્ધ રહે છે, એકાગ્ર બને છે અને ધ્યાનની અવસ્થા તરફ અગ્રેસર થાય છે. આથી મનનો કોલાહલ શમી જઈ, તે શાંત બને છે. સ્વામી વિવેકાનંદ તેને એકાગ્રતાની વિશિષ્ટ અવસ્થા કહે છે. આમ, ધ્યાન એ ચોક્કસ પરિણામો મેળવવાની ચોક્કસ પ્રક્રિયા છે. મન, ચેતના વગેરે ઉપર પોતાનાં સંશોધનોથી વિશ્વપ્રસિદ્ધ ડો. દીપક ચોપરા ધ્યાનની વ્યાખ્યા આ રીતે કરે છે. “ધ્યાન એ તમારા મનને શાંત કરવા માટે નથી. પરંતુ મનમાં જે સહજ શાંતિ વિદ્યમાન છે, તેને શોધીને ત્યાં સુધી પહોંચવું—તે ધ્યાન છે.”

ધ્યાન શી રીતે કરવું?

આજકાલ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ પ્રચલિત છે, જેમાં વિપશ્યના ધ્યાન, મંત્ર-ધ્યાન, ગુણાતીત (Transcendental), વિશ્લેષણીય (analytical) ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે.

આપણા ઘરના મંદિરમાં, એક સ્વચ્છ ખૂણામાં નિશ્ચિત સમયે, નિશ્ચિત સ્થાને, નિશ્ચિત સમય સુધી ધ્યાનનો અભ્યાસ કરવાથી પણ તેના ઘણા ફાયદાઓ મેળવી શકાય છે. તેની સર્વસામાન્ય પદ્ધતિઓ નીચે મુજબ હોઈ શકે.

૧) ૧૦ મિનિટથી શરૂ કરી, ધીમે ધીમે સમય વધારતા જઈ, શ્વાસનું અવલોકન કરવું. દીર્ઘ શ્વાસ લેવો અને મૂકવો.

૨) સાથે સાથે ઇષ્ટમૂર્તિ તરફ મનને કેન્દ્રિત કરી શકાય કે ઇષ્ટમંત્રનો જાપ પણ કરી શકાય.

૩) ઇષ્ટમૂર્તિ પ્રકાશથી આવરિત છે અને “તેઓ મને પ્રેમપૂર્વક જોઈ રહ્યા છે” તેવી કલ્પના પણ કરી શકાય.

૪) ધીમે ધીમે મન શાંત થશે, અને ધ્યાન દરમિયાન પરમ શાંતિનો અનુભવ થવા લાગશે.

૫) ધ્યાનમાં બેસતાં પહેલાં પ્રાણાયામ પણ કરી શકાય, જેથી શ્વાસ ઉપર ઝડપથી નિયંત્રણ મેળવી શકાય.

૬) ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધ્યાન ઉપરની એપ્સ (applications) પણ ધ્યાન કરવામાં સહાયક બની શકે. જરૂર છે નિયમિતપણે તેનો અભ્યાસ કરવાની.

ધ્યાનના ફાયદા

સ્વ-જાગૃતિ (Self-awareness)ની પ્રાપ્તિ

મહર્ષિ પતંજલિએ પોતાનાં યોગસૂત્રોમાં મનનું સુંદર વિશ્લેષણ કરી, તેની ગતિવિધિઓને ‘વૃત્તિ’ તથા ‘સંસ્કાર’ દ્વારા સમજાવી છે. મનુષ્યના જાગ્રત મનમાં વિચારો, લાગણીઓ, સંકલ્પો વગેરેની જે આવન-જાવન છે, તેને પતંજલિએ ‘વૃત્તિ’ નામ આપ્યું છે. જાગ્રત મનમાં વારંવાર ઊઠતી વૃત્તિઓ જેવી કે, અભ્યાસ કરતાં કરતાં મોબાઇલ ફોનમાં આવતાં નોટિફિકેશન જોવાં કે યુ-ટ્યુબના વીડિયો જોવા વગેરેનું વારંવાર પુનરાવર્તન થાય, ત્યારે તે સંસ્કારમાં પરિવર્તન થઈને અજાગ્રત મનમાં છપાઈ જાય છે. હવે અભ્યાસને અધૂરો મૂકી આવી પ્રવૃત્તિઓ કરવાનું વારંવાર બને છે, એટલે કે સંસ્કારમાંથી વૃત્તિઓ બનતી રહે છે; જેવો તે વીડિયો, નોટિફિકેશન સામે આવે કે સંસ્કાર માથું ઊંચકે, અને વીડિયો જોવાની વૃત્તિ થાય. હવે જો વિદ્યાર્થી ધ્યાનનો અભ્યાસ કરતો હશે, તો તેનું મન સૂક્ષ્મ બનશે અને સંસ્કારમાંથી જેવી વૃત્તિ બનવાનો સળવળાટ થાય કે તે જ ક્ષણે તેનું નિયંત્રણ કરી, તેને વૃત્તિ બનતી અટકાવી શકે છે. આમ, તે વિદ્યાર્થી પોતાના અજાગ્રત મનને કાબૂમાં લઈ શકશે. આથી, ધીમે ધીમે તેની જાગૃતિ વધતી જશે. સ્વ-જાગૃતિ આવવાથી તેને પોતાની નબળાઈઓ, સામર્થ્ય, ધ્યેય વિશેની જાગૃતિ, લાગણીઓ, પ્રતિક્રિયાઓ, ટેવો વગેરેનો પણ ખ્યાલ આવે છે. પછી તો તે વિદ્યાર્થીને મન સાથે મિત્રતા કેળવાઈ જાય છે.

તેથી, સ્વજાગૃતિ આવવાથી આત્મ-સંયમ કેળવાય છે, આત્મવિશ્વાસ વધે છે અને સંકલ્પ-શક્તિમાં વધારો થાય છે. બૌદ્ધિક વિકાસ ઝડપી બને છે અને પછી પરીક્ષામાં તેમજ જીવનમાં સફળતા મેળવવી ખૂબ સરળ બનશે.

એકાગ્રતામાં વધારો

વૈજ્ઞાનિક સંશોધનોમાં એ પુરવાર થયું છે કે ધ્યાન કરવાથી મગજનો ‘prefrontal cortex’ નામનો ચોક્કસ વિસ્તાર ઘટ્ટ બને છે, જે જાગૃતિ, એકાગ્રતા તથા નિર્ણયશક્તિ સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત, મગજના ચેતાકોષો તથા તેની સ્થિતિસ્થાપકતામાં વધારો થવાથી સર્જનાત્મકતા તથા સમસ્યાઓને હલ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.

યાદશક્તિ તથા ભાવનાત્મક સ્થિરતામાં વધારો

સંશોધનોએ ઇંગિત કર્યું છે કે નિયમિત ધ્યાન કરવાથી મગજના Hippo campus નામના કોષો ઝડપથી વધે છે, જે ગ્રહણશક્તિ અને લાગણીઓની સ્થિરતા સાથે સંકળાયેલા છે.

ચિંતા-તણાવમાંથી મુક્તિ

ધ્યાનને પરિણામે મગજમાં વિશિષ્ટ પ્રકારના અંતઃસ્રાવો વધારે પ્રમાણમાં સ્રવે છે, જેને પરિણામે ચિંતા, વ્યગ્રતા, વારંવાર બદલાતા મનોભાવોને બદલે વિદ્યાર્થીઓની માનસિક શાંતિ, પ્રસન્નતા, આનંદમાં વધારો થાય છે. આ અંતઃસ્રાવો છે—ડોપામાઇન, સેરોટોનિન, ઓક્સિટોક્સિન, એન્ડોર્ફિન વગેરે.

સર્જનાત્મકતા તથા સમસ્યાઓને હલ કરવાની શક્તિમાં વધારો

 ૧૫-૭-૨૦૦૦ના રોજ પ્રકાશિત થયેલ પ્રતિષ્ઠિત અમેરિકન સામયિક Newsweekના એક સંશોધન લેખમાં લેખક જેસન મુડ્રોક્સ જણાવે છે કે સામાન્યતઃ એક સરેરાશ વ્યક્તિ એક દિવસમાં ૬૦૦૦ વિચારો કરતી રહે છે, તેમાંના ઘણા તો પુનરાવર્તિત હોય છે, તેથી મગજમાં વિચારોનાં જાળાં બંધાતાં રહે છે. ધ્યાન કરવાથી આ જાળાં તૂટે છે, મન મુક્ત, ગ્રહણશીલ બનવાથી કોઈપણ પરિસ્થિતિઓ—પછી ભલે તે પરીક્ષા હોય—સામનો કરી સફળતા મેળવી શકે છે.

મનની શાંતિમાં વધારો

મનુષ્યના મગજમાં આલ્ફા, બીટા, થીટા, ગામા વગેરે અનેક પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિક સંશોધનોથી એ પુરવાર થયું છે કે ધ્યાનથી ‘આલ્ફા’ પ્રકારના તરંગો વધુ પ્રમાણમાં ઉદ્‌ભવે છે, જેથી મન શાંત, પ્રસન્ન, આરામની અવસ્થામાં રહે છે. આથી કૌશલ્યમાં વધારો થાય છે, ઊંઘની ગુણવત્તા સુધરે છે અને ઓછા સમયમાં નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે.

પોતાના પ્રખ્યાત પ્રવચન The Powers of Mind અંતર્ગત સ્વામી વિવેકાનંદ કહે છે કે બધાનાં મન અલગ નથી, તે એક જ છે, એક જ બૃહદ્‌ મનના નાના અંશો છે. જેમ કે, માટીના એક ઢેફાને જેણે જાણી લીધું છે, તેણે બ્રહ્માંડમાં જેટલાં માટીનાં ઢેફાં છે, તેને જાણી લીધાં છે. જે પોતાના મનને જાણે છે, નિયંત્રિત કરે છે, તે દરેકના મનનાં રહસ્યોને જાણી શકે છે, અને દરેક મન ઉપર તેની સત્તા ચલાવી શકે છે.

તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન વિશે આટલું ચિંતન કરવાથી, તેનો અભ્યાસ ગંભીરતાથી કરવાથી (તેને સાધના પણ કહી શકાય) તમે તમારા અભ્યાસમાં, પરીક્ષાઓમાં તો અવ્વલ રહેશો જ, પરંતુ સમગ્ર જીવન દરમિયાન ધ્યાનની આ તાલીમ તમને સફળતા, આત્મ-સંતોષ, પ્રસન્નતાનાં ગુરુશિખરો સર કરાવશે.

Total Views: 347

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.