(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત હતાં. – સં.)

પ્રવર્તમાન અને આવી રહેલ યુગ આધુનિક નારીની ઉત્તરોત્તર પ્રગતિ સુનિશ્ચિત કરે છે. ચંદ્રયાન મિશન-3ની સફળતામાં નારીઓનો સિંહફાળો છે. યાનના ઊતરાણની જગ્યા ‘શિવ-શક્તિ પોઇન્ટ’નું ચયન પણ ઇસરોનો નારી-વૈજ્ઞાનિકોએ કરેલ હતું. એ સુવિદિત છે જ કે લશ્કરથી માંડી વ્યવસાયના દરેક ક્ષેત્રમાં નારીઓ પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે.

આમ છતાં, નારીઓને પોતાની વિશિષ્ટ સમસ્યાઓ છે, મર્યાદાઓ છે. આધુનિક નારીનો મુખ્ય સંઘર્ષ એ છે કે કઈ રીતે પોતાના વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં એકરૂપતા લાવવી? જેના વ્યક્તિગત અને સામાજિક જીવનમાં સુગ્રથિતતા હોય એવી કોઈ વ્યક્તિનું જીવન તેમની સામે ઉદાહરણરૂપે હોય, અને જેનામાં દુન્યવી પ્રવૃત્તિઓનું આધ્યાત્મીકરણ કરવાનું કૌવત હોય તો નારીઓ સરળતાથી તેમનું અનુસરણ કરી શકે. કારણ કે જીવન-સાફલ્ય અને પરિપૂર્ણતા માટે પ્રેમ, સેવા, ત્યાગ, ધૈર્ય જેવા ગુણો સાથેનો આધ્યાત્મિક ઝોક એટલો જ જરૂરી છે, જેટલી વ્યાવસાયિક અને સામાજિક જીવનમાં સફળતા. અર્વાચીન યુગની નારીને મા શારદાદેવીનું જીવન આવો સંપૂર્ણ આદર્શ પૂરો પાડી શકે છે.

પરંતુ, માનું  જીવન વાંચતાં તો તેમના જીવનમાં કોઈ રોમાંચકતા, ઝાકઝમાળ દૃષ્ટિગોચર થતી નથી! જયરામવાટી જેવા બંગાળના નાના ગામડામાં આજથી ૧૭૦ વર્ષો પહેલાં જન્મેલાં શારદાદેવી શાળામાં ક્યારેય ગયાં ન હતાં. પ વર્ષની ઉંમરે શ્રીરામકૃષ્ણદેવની સાથે લગ્ન થયાં હતાં. ૧૮ વર્ષે પતિગૃહે દક્ષિણેશ્વર આવ્યાં અને પતિપરાયણ, સીધી-સાદી ગૃહિણીનું જીવન જીવ્યાં. પોતાનાં સ્વાર્થી, પૈસાભૂખ્યા, ઝઘડાખોર ભાઈઓ તેમજ અન્ય સગાં, પાગલ ભાભી, વિચિત્ર ભત્રીજી તથા શ્રીરામકૃષ્ણદેવના શિષ્યોની વચ્ચે રહીને, વિશાળ ગૃહસ્થી ચલાવતાં ચલાવતાં માએ અમાપ શાંતિ અને ધીરજથી જીવન વ્યતીત કર્યું. શ્રીરામકૃષ્ણદેવની ઈ.સ.૧૮૮૬માં મહાસમાધિ પછી ૩૩ વર્ષનાં માએ ૩૩ વર્ષો સુધી વિકસતા રામકૃષ્ણ સંઘને દોરવણી આપી. આ બધું તેમણે ઉદાહરણરૂપ ધીરજથી, કુશળતાથી, સૌને સાથે રાખીને કર્યું. અસંખ્ય ભક્તોનાં ગુરુ, માતા એવાં શ્રીમાએ હવે સંઘજનની બની પોતાના સમગ્ર જીવનને તથા રામકૃષ્ણ સંઘને ઉચ્ચ આધ્યાત્મિક પરિમાણ આપ્યું. ભગિની નિવેદિતા ઉચિતપણે જ શ્રીમાના જીવનને ‘Long Stillness Of Prayer’ કહે છે.

તો પ્રશ્ન એ ઉદ્‌ભવે કે સીધાં-સાદાં ગૃહિણી, તપસ્વિની, ગુરુમાતા એવાં મા આધુનિક નારી કે જે સંસ્કૃતિ, ઇતિહાસ, પરંપરા તથા આધુનિકતાના ચોરાહે ઊભી છે, તેમનો આદર્શ કઈ રીતે બની શકે? તો ચાલો, તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં તપાસી, તે જોવાનો પ્રયત્ન કરીએ.

ચારિત્ર્યની દૃઢતા

શ્રીમાનો આ સંદેશ— “જો તમે મનની શાંતિ ઇચ્છતા હો તો બીજાના દોષ ન જુઓ—તે તેમની ચારિત્ર્યની દૃઢતાનો દ્યોતક છે. દોષ જોવાની કે ટીકા કરવાની ટેવ પોતાના જ ચારિત્ર્યમાં કડવાશ લાવે છે. ખરેખર તો, આ ટેવથી આપણે પોતાની જાતને જ જીવનની ઉચ્ચ તકોથી વંચિત રાખતા હોઈએ છીએ.

લગભગ અશિક્ષિત એવાં મા શારદાદેવી પ્રખર બુદ્ધિશાળી એવા સ્વામી વિવેકાનંદને પોતાના દૃઢ ચારિત્ર્યના બળે આદેશ આપી શકતાં. બેલુર મઠમાં જ્યારે દુર્ગાપૂજાનો પ્રારંભ થયો ત્યારે પ્રવર્તમાન પ્રણાલિ મુજબ પશુબલિ આપવાનો નિર્ણય સ્વામીજીએ લીધો. શ્રીમાને આ બાબતની જાણ થતાં તેમણે સ્વામીજીને કહ્યું, “શક્તિની પૂજા જરૂર કરો, પણ પશુનો વધ ન કરો. તમે લોકો તો સંન્યાસીઓ છો, ભયમાંથી પ્રાણીમાત્રને મુક્તિ આપવી તે તો તમારું પ્રણ છે.” મહાન સ્વામી વિવેકાનંદે તરત જ શ્રીમાની ઇચ્છાને માન આપ્યું. ઘણા લોકોની કડક ટીકાઓ છતાં એક પરિણીત ભક્તને તેમણે સંન્યાસદીક્ષા આપી, કારણ કે તેઓ સારી રીતે જાણતાં હતાં કે, આગળ જતાં તે ભક્ત એક મહાન સાધુ બનશે, અને ખરેખર તેમ જ બન્યું. તેમના જીવનની શરૂઆતમાં જ, તેમની વીસીમાં તેમણે જાણ્યું કે તેમના પતિ બીમાર છે ત્યારે મુશ્કેલી હોવા છતાં જયરામવાટીથી દક્ષિણેશ્વર જવાનો તેમણે ત્વરિત નિર્ણય કર્યો. જ્યારે તેમણે જાણ્યું કે પતિ સામાન્ય સંસારી માનવી નથી, એટલે પોતાની જાતને શ્રીરામકૃષ્ણદેવની જીવનપદ્ધતિમાં ઢાળી દીધી અને તેેમના જીવનકાર્યમાં સફળ પ્રદાન આપ્યું.

 વ્યવસ્થાપનશક્તિ

ચાવીરૂપ હોદ્દાઓ ઉપર ફરજ બજાવતી સ્ત્રીઓ હોય કે ઘર, બાળકો, ગૃહસ્થી, સામાજિક સંબંધો સંતુલન સાધવા મથતી નારીઓ હોય, અસરકારક વ્યવસ્થાપન-શક્તિની ખૂબ જરૂરિયાત છે. માના જીવનમાં તેનું નિદર્શન જોવા મળે છે. ઈ.સ. ૧૮૯૯માં કલકત્તામાં ફાટી નીકળેલા પ્લેગના રાહતકાર્ય માટે પૈસા ઊભા કરવા કરુણાથી દ્રવિત એવા સ્વામી વિવેકાનંદે બેલુર મઠની જમીન વેચવાનો નિર્ણય કર્યો. માએ સ્વામીજીને એમ કરતાં અટકાવ્યા અને સમજાવ્યું કે આવા એક રાહતકાર્યથી રામકૃષ્ણ મિશનની સેવાનો અંત આવવો જોઈએ નહીં, કારણ કે ભવિષ્યમાં તો મિશન અનેકવિધ રીતે માનવતાની સેવા કરતું રહેશે. સ્વામીજીએ માના આદેશનું અનુસરણ કર્યું. બેલુર મઠ આજે સમગ્ર વિશ્વના લોકો માટે મહાતીર્થ છે! વર્તમાનમાં પણ રામકૃષ્ણ મિશન અનેક રાહતકાર્યો કરી રહ્યું છે. આ ઘટના દ્વારા ટૂંકા તથા લાંબા ગાળાના હેતુઓને સમજી, તર્ક તેમજ લાગણીના ઉચિત સમતોલનથી કઈ રીતે યોગ્ય નિર્ણય લેવો તેનું મા નિદર્શન આપે છે.

રામકૃષ્ણ સંઘના દરેક સભ્યના કલ્યાણ માટે ચિંતિત થઈ, શ્રીમા વારંવાર તેમની પૃચ્છા કરતાં. રામકૃષ્ણ સંઘમાં ઉદ્‌ભવતી નાજુક સમસ્યાઓ, જેનો ઉકેલ સંઘના વડીલ સંન્યાસીઓ પણ ન શોધી શકતા—તેનો મા અચૂકપણે સ્પષ્ટ અને સુયોગ્ય નિર્ણય આપતાં.

 પ્રગતિવાદી અને મુક્ત અભિગમ

આધુનિકતા એટલે જ પ્રગતિવાદી મુક્ત અભિગમ. અતાર્કિક માનસિકતા અને સામાજિક પૂર્વગ્રહોને ઓળંગવાની ક્ષમતા મા ધરાવતાં હતાં. એક વખત અલગ અલગ જાતિના ભક્તોને સાથે બેસાડીને શ્રીમાએ તેમને મમરા તથા મીઠાઈઓ ખવરાવી. જયરામવાટીની દુર્ગાપૂજા વખતે દૂર ઊભીને પૂજા જોતા એક અસ્પૃશ્ય જાતિના છોકરાને બોલાવી મંદિરમાં દર્શન કરાવ્યાં. મદિરામાં મસ્ત રહેવા છતાં માનાં ભજનો ગાતા પદ્મવિનોદને તેમણે આશીર્વાદ પાઠવ્યા. ૧૮૯૯માં તેમણે ‘નિવેદિતા સ્કૂલ’ની સ્થાપના માટે ભગિની નિવેદિતાને પ્રોત્સાહિત કર્યાં, જેથી બાલિકાઓને શિક્ષણ મળી શકે. વર્ષો પહેલાં, એ જમાનામાં મા કહેતાં કે કોઈ બાલિકા જો લગ્ન ન કરવા ઇચ્છતી હોય અને બ્રહ્મચારિણીનું જીવન જીવવા માગતી હોય તો તેને પ્રોત્સાહિત કરવી જોઈએ. પોતાનાં સેવિકા સરલા દેવીને (પ્રવ્રાજિકા ભારતીપ્રાણાજી, જે રામકૃષ્ણ-સારદા મિશનનાં પ્રથમ પ્રમુખ હતાં.) તેમને નર્સિંગની તાલીમ અપાવી. તે સમયના રૂઢિચુસ્ત બંગાળમાં એક બ્રાહ્મણ બાલિકાને આ પ્રકારની તાલીમ લેવરાવવી એ અત્યંત ક્રાંતિકારી પગલું હતું.

 ત્વરિત નિર્ણયશક્તિ

કોઆલપાડા આશ્રમ (જયરામવાટીની બાજુમાં) દ્વારા ગરીબ, અકિંચન લોકો માટે એક ધર્માદાનું દવાખાનું ચાલતું, પરંતુ પૈસેટકે સુખી લોકો પણ તેનો લાભ લેવા લાગ્યા. આશ્રમના વડા સ્વામી આનું નિરાકરણ લાવવા મા પાસે ગયા. મા શારદાદેવીએ તરત જ પોતાનો નિર્ણય સંભળાવ્યો અને કહ્યું, “જુઓ, તમારી પાસે જે માગવા આવે છે, તે ગરીબ જ કહેવાય. આથી કોઈને ના કહેવાને બદલે બધાને સારવાર આપવી જોઈએ.” કેવો અદ્‌ભુત ઉકેલ! પૈસાપાત્ર અને ગરીબની કેવી અસરકારક વ્યાખ્યા અને માની કેવી ત્વરિત સચોટ નિર્ણયશક્તિ!

સૂક્ષ્મ વ્યાવહારિક બુદ્ધિ

જયરામવાટીમાં શ્રીમાને સારું ઘટ્ટ દૂધ મળી રહે એ માટે બ્રહ્મચારી જ્ઞાન મહારાજે વધારે પૈસા લઈને સારું દૂધ લાવવાનું દૂધવાળાને કહ્યું. માને જેવી આ વાતની ખબર પડી કે તરત જ જ્ઞાન મહારાજને બોલાવીને કહ્યું, “અરે, ભાવ વધારાનું કહીને તો તું દૂધના ભાવમાં ફુગાવો લાવી રહ્યો છે! જો તું વધારે પૈસા આપીશ તો દૂધવાળો વધારે પાણી નાખશે, કારણ કે તે તો તેનો સ્વભાવ જ છે. માટે જે ભાવથી જેવું દૂધ લઈએ છીએ તે જ લેવાનું રહેશે.” કેવી સૂક્ષ્મ વ્યવહારિક બુદ્ધિ!

 સ્વતંત્ર વ્યક્તિત્વ અનેનાકહેવાની ક્ષમતા

સ્પષ્ટ વિચારસરણી, ઠોસ નિર્ણયશક્તિ અને દૃઢ વ્યક્તિત્વનાં સ્વામિની મા શારદાદેવી કોઈની શેહશરમમાં આવ્યા વગર પોતે લીધેલા નિર્ણયને પાર પાડવાની ક્ષમતા ધરાવતાં હતાં, કારણ કે પોતાની વિવેકબુદ્ધિ ઉપર તેમને પૂરો વિશ્વાસ હતો. દક્ષિણેશ્વરમાં હંમેશાં મા જ શ્રીરામકૃષ્ણદેવનું ભોજન લઈ જતાં. એક વખતે એક સ્ત્રીએ ઠાકુર માટે ભોજન લઈ જવાની પરવાનગી માગી અને માએ તે સહર્ષ સ્વીકારી લીધી. તે સ્ત્રીના ચારિત્ર્ય વિષે શંકા હોવાથી ઠાકુરે હવે પછીથી તેના મારફત ભોજન ન મોકલે તેવું માને કહ્યું. માએ ઠાકુરના આ સૂચનને નમ્રતા છતાં દૃઢતાપૂર્વક નકારતાં કહ્યું, “આવું હું કરી શકીશ નહીં. કોઈ મને ‘મા’ કહીને બોલાવે અને મારી પાસે કંઈ માગે તો મારે તેને તે આપવું જોઈએ એવું હું માનું છું.” જુઓ, પોતાના સર્વસ્વ એવા ઠાકુરને પણ મા ‘ના’ કહી શકતાં હતાં!

 પવિત્રતા, પ્રેમ અને ધૈર્ય

સ્વામી અભેદાનંદજીએ મા શારદાદેવીને ‘પવિત્રતાસ્વરૂપિણી’ તરીકે બિરદાવ્યાં છે. શ્રીમાનું જીવન શીખવે છે કે જે મન સત્ય, પ્રેમ, ધૈર્ય, સહનશીલતા, પવિત્રતા અને કારુણ્યસભર હોય તે જ ખરા અર્થમાં સ્વતંત્ર મન છે. આવા ગુણોનું પ્રગટીકરણ જ સ્ત્રીઓની વ્યાવસાયિક, કૌટુંબિક તથા સામાજિક જીવનની સફળતાનું રહસ્ય હોઈ શકે. તેમના પ્રેમમય વ્યક્તિત્વમાં સ્ત્રીઓ, પુરુષો, પશુ-પંખીઓ, સંતો, ડાકુઓ—બધાંને સ્થાન હતું! ભગિની નિવેદિતાએ લખ્યું હતું, “વહાલી મા! તમે પ્રેમથી પરિપૂર્ણ છો અને તમારો પ્રેમ મધુર, શીતળ અને સ્વર્ણિમ આભાવાળો છે, જે દરેકનું હિત જ કરે છે!” અખૂટ ધૈર્યથી દરેકની સેવા કરવી, ઉદ્ધાર કરવો એ તેમનું જીવનકાર્ય હતું અને બદલામાં હજારો સ્ત્રી-પુરુષોનો આદર તથા પૂજ્યભાવ તેમને મળ્યો.

આધ્યાત્મિકતા

પોતાના ખરા સ્વરૂપને જાણવું, ખુદની ઓળખાણ ‘દિવ્ય ચેતના’ તરીકે કરવી, તેનું નામ આધ્યાત્મિકતા—જે તપસ્યા અને ઊંડો વિચાર માગી લે છે. પોતાની જાતને તેના ખરા સ્વરૂપે જાણવાથી જ આત્મપરિપૂર્ણતા મળી શકે. શ્રીશારદાદેવી એવી આત્મસાક્ષાત્કાર કરેલ વ્યક્તિનું જીવંત ઉદાહરણ છે, જેમનું બાહ્યજીવન સામાન્ય લાગે છે, પણ આંતરિક જીવન સમૃદ્ધ, અર્થપૂર્ણ છે. એટલે જ તેઓ વિવિધ ભૂમિકાઓ સફળતાપૂર્વક ભજવી શક્યાં. તેઓ વ્યાવહારિક આધ્યાત્મિકતાનું જીવંત ઉદાહરણ છે. તેમનું જીવન એટલે તાત્ત્વિક તથ્યોનું જીવિત ભાષ્ય. હકીકતે તો તેમની વ્યાપક માતૃત્વની ભાવના, પવિત્રતા, પ્રેમ, સામર્થ્ય અને આગળ વર્ણવેલાં વ્યક્તિત્વનાં બધાં પાસાંનું ઉદ્‌ભવસ્થાન તેમની આધ્યાત્મિકતા છે.

તો આધુનિક નારીને શ્રીમાનો સંદેશ ખૂબ સ્પષ્ટ છે: બધા જ પ્રકારની ફરજોને આત્મવિકાસની ઉજ્જ્વળ તકો તરીકે સમજીને અને ધ્યાન-જપ તથા હિતકારી વાંચન દ્વારા આંતરિક જીવનને સમૃદ્ધ કરીને આધુનિક નારી પોતાના જીવનને બાહ્ય તથા આંતરિક સમૃદ્ધિ, સફળતા અને પરિપૂર્ણતાનાં શિખરો સુધી લઈ જઈ શકે છે.

આમ, વર્તમાનયુગની નારીઓની શ્રીમા ખૂબ નજીક છે. એક મહાન, ઉજ્જ્વળ અને અણિશુદ્ધ, પવિત્ર આદર્શના રૂપમાં, તેઓ પોતાના વિચારનો વિસ્તાર લંબાવી, તેમને આત્મસાત્‌ કરી લે તેટલી જ ફક્ત વાર છે.

Total Views: 239

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.