(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત હતાં. – સં.)

ધર્મપ્રવણ ભારતમાં વૈદિક કાળના (ઈ.સ. પૂર્વે ૩૫૦૦-૩૧૦૦) આર્યો ગ્રહોની પૂજા કરતા હતા, એ આશયથી કે તેઓ સમાજ, દેશને સાનુકૂળ ફળ આપનાર નીવડે. ગ્રહોની ગતિવિધિ જાણવા માટે સમય જતાં વૈદિક પ્રજાની જિજ્ઞાસામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો, જેને પરિણામે જ્યોતિષવિદ્યાનો જન્મ થયો, તથા ગ્રહોનું અધ્યયન, પૃથ્વી તેમજ અન્ય ગ્રહોનું પરિભ્રમણ વગેરેના તલસ્પર્શી જ્ઞાનનો ઉદ્‌ભવ થયો. ખરેખર તો, સૃષ્ટિના રચનાક્રમને જાણવા-સમજવા તથા મનુષ્યને આત્મસત્તાના વિરાટ સ્વરૂપથી પરિચિત કરાવવા અને તેનો સદ્‌ઉપયોગ કરાવવાના ઉદ્દેશ્યથી જ જ્યોતિષવિદ્યાની શરૂઆત થઈ હતી, અને તેને પવિત્ર વિદ્યા માનવામાં આવતી હતી, જેનું સ્વરૂપ સ્પષ્ટપણે ધર્મ તથા અધ્યાત્મ આધારિત હતું. આ અતિ પ્રાચીન મહાન વિદ્યાના વિકાસનાં પ્રમાણ ભારતમાં જ નહીં, વિશ્વના વિભિન્ન દેશોમાં, વિભિન્ન ભાષાઓમાં લિપિબદ્ધ છે.

સમય જતાં સંહિતા, ગણિત અને જાતક—એમ ત્રણ ભાગોમાં જ્યોતિષશાસ્ત્રનો વિકાસ થયો. આર્યભટ્ટ, વરાહમિહિર અને ભાસ્કરાચાર્ય જેવા વિશ્વવિખ્યાત ભારતીય જ્યોતિષવિદોએ પોતાના અદ્‌ભુત સિદ્ધાંતોનો આવિષ્કાર કરીને આ શાસ્ત્રને અભિનવ રૂપ આપ્યું અને સમૃદ્ધ બનાવ્યું.

વૈદિક યુગમાં આપણા  પૂર્વજોના જીવનમાં યજ્ઞનું અનોખું સ્થાન હતું. યજ્ઞનો કાળ અર્થાત્‌ શુભ મુહૂર્તને જાણવા-સમજવાના પ્રધાન આશયથી જ્યોતિષશાસ્ત્રનો વિકાસ થયો અને આગળ જતાં તે સિદ્ધાંત, ફલિત અને ગણિત—આ ત્રણ ભાગોમાં વિકસિત થયું. સિદ્ધાંત શુદ્ધ જ્યોતિષ છે, જેમાં આકાશીય પિંડોની ગતિ-સ્થિતિનું અધ્યયન કરવામાં આવે છે. વૈદિક યુગથી શરૂ કરીને વરાહમિહિર (ઈ.સ. પૂર્વે ૫૮૭-૫૦૫) સુધી સિદ્ધાંતોનો વિકાસ થતો રહ્યો, તથા ખગોળવિદ્યા વિશે અનેક મત પ્રકાશિત થયા. કાળાંતરે આ વિદ્યા અંતર્ગત ગ્રહોનો સંચાર, વર્ષ, માસ, પક્ષ, વાર, તિથિ, ઘંટા વગેરે ઉપર ગહન શોધ થવા લાગી. લગધ, આર્યભટ્ટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, બાલ ગંગાધર તિલક, રામાનુજ વગેરે આપણા દેશના પ્રમુખ જ્યોતિષિઓ છે. આર્યભટ્ટીય, સૌર સિદ્ધાંત, બૃહદ્‌સંહિતા, લીલાવતી, પંચસિદ્ધાંતિકા વગેરે જ્યોતિષવિદ્યાના મુખ્ય સંસ્કૃત ગ્રંથો છે.

જ્યોતિષવિદ્યાના પ્રકારઃ

મુખ્યત્વે બે પ્રકાર ગણી શકાય. (૧) વેદાંગ જ્યોતિષ તથા (૨) લૌકિક જ્યોતિષ. હાલમાં પ્રચલિત જ્યોતિષ એ લૌકિક જ્યોતિષ છે. લૌકિક જ્યોતિષના અનેક ગ્રંથો ઉપલબ્ધ છે અને તેનો મુખ્ય વિષય છે—પંચાંગ સિદ્ધિ. આ પાંચ અંગો છે—તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. વરાહમિહિર (ઈ.સ. પૂર્વે ૫૮૭ -૫૦૫), ઋષિ પરાશર (ઈ.સ. પૂર્વે ૩૦૦૦થી ૫૭ સુધીના સમયગાળામાં), અને ઋષિ ગર્ગ (મહાભારત કાળ આશરે ઈ.સ. પૂર્વે ૩૧૦૦થી ૩૦૦૦) લૌકિક જ્યોતિષના પ્રધાન આચાર્યો છે.

જ્યારે વેદાંગ જ્યોતિષ એ વેદોનું જ ખગોળશાસ્ત્રીય સહાયક અંગ છે, જે ભારતીય જ્યોતિષશાસ્ત્રનો મૂળ સ્રોત છે. ભારતીય વિદ્વાનોએ વેદાંગ જ્યોતિષનો રચનાકાળ ઈ.સ. પૂર્વે ૩૩૦૦ વર્ષનો નક્કી કર્યો છે. જો કે આમાં ઘણા મત-મતાંતર છે. વેદાંગ જ્યોતિષના બે ગ્રંથો ઉપલબ્ધ છે—ઋગ્વેદ વેદાંગ જ્યોતિષ તથા યજુર્વેદ વેદાંગ જ્યોતિષ. ઋગ્વેદ વેદાંગ જ્યોતિષમાં ૩૬ શ્લોક છે (સંસ્કૃતમાં), જે વધુ પ્રચલિત છે. જ્યારે યજુર્વેદ વેદાંગ જ્યોતિષમાં ૪૩ શ્લોક છે. બંનેમાં ઘણા શ્લોકો એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. આગળ જોયું તેમ, આ ગ્રંથોનો ઉપયોગ વૈદિક યુગના ઋષિઓ માટે યજ્ઞ કરવા માટેના એક પ્રકારના સહાયક તરીકે કરવામાં આવતો હતો. વેદાંગ જ્યોતિષના તલસ્પર્શી અભ્યાસ તથા ઉપયોગિતાથી પ્રેરાઈને ભારતીય અને વિદેશી વિદ્વાનોએ તેના પર ટીકાઓ લખી, અને તેનું સારું પરિણામ એ આવ્યું કે મૂળ પુસ્તકનો મર્મ ઉદ્‌ઘાટિત થયો.

આમ, જ્યોતિષવિદ્યાના ઇતિહાસ વિશે થોડું પણ જ્ઞાન મળતાં જ આશ્ચર્યચકિત થઈ જવાય કે આપણા પૂર્વજો ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું કેવું અદ્‌ભુત ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવતા હતા! ભારતમાંથી જ સમગ્ર વિશ્વમાં જ્યોતિષવિદ્યા પ્રસરી! આ વિચાર જ આપણને એ જાણવા પ્રેરે છે કે કોણ હશે જ્યોતિષશાસ્ત્રના રચયિતા? જરૂર તેઓ વિલક્ષણ, અતિ વિદ્વાન, આધ્યાત્મિક ઋષિ જ હોવા જોઈએ. તો કોણ હતા આ મેધાવી ઋષિ? તેનો જવાબ છે મહાત્મા લગધ. ઋગ્વેદ અને યજુર્વેદ—બંનેનાં સંસ્કરણોમાં સ્પષ્ટપણે દર્શાવાયું છે કે ગ્રંથકારને જ્યોતિષનું જ્ઞાન કોઈ ‘લગધ’ નામના મહાત્મા પાસેથી મળેલ છે. તેમના વિશે વિદ્વાનોનો એવો મત છે કે ‘લગધ’ સંસ્કૃત ભાષાનો મૂળ શબ્દ ન હોવાને કારણે તથા સંસ્કૃત સાહિત્યમાં અન્યત્ર આ નામનો ઉલ્લેખ ન હોવાને કારણે ઘણાં વર્ષો સુધી તેમનું નામ પ્રકાશમાં આવેલું ન હતું. અમુક જગ્યાએ એવો ઉલ્લેખ પણ છે કે તેઓ કાશ્મીરના નિવાસી હતા. ઘણા વિદ્વાનો તેમનો જીવનકાળ ઈ.સ. પૂર્વે ૧૧૮૦ જણાવે છે. આમ, મહાત્મા લગધ એક પ્રસિદ્ધ વેદાંગ જ્યોતિષાચાર્ય હતા, જેમણે જ્યોતિષશાસ્ત્રને સુનિયોજિત કર્યું; તેને શાસ્ત્રનું વ્યવસ્થિત રૂપ આપ્યું. ભારતીય જ્યોતિષનો મૂળ સ્રોત આ ‘વેદાંગ જ્યોતિષ’ને માનવામાં આવે છે. આમ, મહાત્મા લગધને જ્યોતિષવિદ્યાના પ્રપિતામહ કહી શકાય.

સંદર્ભ:

‘संस्कृत साहित्य का इतिहास’, चौखम्भा भारती अकादमी, पृ.253
‘आर्यभट्ट’, ज्ञान-विज्ञान प्रकाशन, दिल्ही, पृ.69
‘रुचिरा’, राष्ट्रिय शैक्षिक अनुसंधान और प्रशिक्षण परिषद, पृ.108

Total Views: 208

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.