ભારતના સનાતન ધર્મના સર્વોચ્ચ શિખર સમા અદ્વૈત વેદાંતના સિદ્ધાંત-વિચારને આચાર્ય શંકરે પ્રતિપાદિત કર્યો. પરંતુ માત્ર પંડિતો અને બ્રાહ્મણો સુધી જ પહોંચેલા આ દર્શનને વ્યવહારુ બનાવવાનું શ્રેય સ્વામી વિવેકાનંદને જાય છે. તેમણે અદ્વૈત વેદાંતને આધુનિક વિજ્ઞાનની ભાષામાં આધુનિક માનવ માટે રજૂ કર્યું છે જે બુદ્ધિગ્રાહ્ય છે. સ્વામીજીએ વેદાંતને સુસ્પષ્ટ અને બુદ્ધિગમ્ય ભાષામાં આ રીતે રજૂ કર્યું.

(૧) ઈશ્વર (absolute) કે જે સર્વોચ્ચ સત્તા છે, તે જ સમય, સ્થળ અને કારણથી મર્યાદિત બનીને વ્યવહારુ સત્તા (relative) રૂપે પ્રગટ થાય છે. આથી જડ અને ચેતન બધામાં એ એકમેવ, અદ્વિતીય એવું ચૈતન્ય તત્ત્વ વિદ્યમાન છે; બીજા શબ્દોમાં સર્વ કાંઈ તત્ત્વતઃ ઈશ્વર છે.

(૨) સર્વોચ્ચ સત્તા એક જ હોય, તે બે હોઈ શકે નહિ, આથી જે કંઈ અસ્તિત્વમાં છે તે બધું એકબીજાની સાથે સંકળાયેલું છે.

વેદાંતના આ એકત્વ અને સમગ્ર બ્રહ્માંડની સૃષ્ટિમાં એકબીજાની સાથે સાયુજ્યનો ભૌતિકવાદીઓ ભલે વિરોધ કરતા હોય, વિજ્ઞાને શોધખોળને પરિણામે વેદાંતના આ જ સિદ્ધાંતને શોધી, તેને ટેકો આપ્યો છે. પ્રસ્તુત લેખમાં વનસ્પતિ વિજ્ઞાનનો અભ્યાસ કઈ રીતે વેદાંતના આ સિદ્ધાંતોને પુરવાર કરે છે તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આજે તો એ સર્વમાન્ય હકીકત છે કે વનસ્પતિ જીવંત છે, અને જો તેનાં પર્ણો પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક (કાર્બોહાઈડ્રેટ) બનાવીને વાતાવરણમાં ઓક્સિજન ન આપે. તો મનુષ્ય અને બીજું જીવન આ પૃથ્વી પર સંભવી જ ન શકે. આપણે એ પણ જાણીએ છીએ કે વનસ્પતિના મૂળ વોટરપંપ તરીકે કામ કરીને પાણી ખેંચે છે, તે પ્રકાશ અને ઉષ્ણતામાનના ફેરફારો બરાબર નોંધે છે અને તેને આધારે હલનચલન કરે છે તથા પુષ્યો ઉત્પન્ન કરે છે, તેની વૃદ્ધિ, વિકાસ, હલનચલન અને તેનું જીવન મનુષ્યની જેમ જ દેહધાર્મિક તબક્કાઓ જેવા કે વનસ્પતિક વૃદ્ધિ, પ્રાજનનિક વૃદ્ધિ, વૃદ્ધત્વ તથા મરણને પ્રદર્શિત કરે છે, તથા મનુષ્યની જેમ જ તેના ઉપર સૂર્ય, ચંદ્ર અને બીજા ગ્રહોની અસર થાય છે. પરંતુ આનાથી પણ વિશેષ, ઊંડાણપૂર્વકના અભ્યાસે એ બતાવ્યું છે કે તે વિચારી શકે છે, તેને સંવેદના છે અને તે આપણી સાથે સંવાદ પણ સાધી શકે છે. સર જગદીશચંદ્ર બોઝે પ્રયોગોથી એ સાબિત કર્યું છે કે પ્રાણીઓ જેવો જ પ્રતિભાવ વનસ્પતિ અને ધાતુ આપી શકે છે. આમ જીવંતને મૃતથી વિભાજન કરતી રેખાના ખંડનની સાથે સાથે તેમણે ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર વચ્ચેની દિવાલો પણ તોડી, વિજ્ઞાનની બધી શાખાઓ પરસ્પર સંકળાયેલી છે તે બતાવ્યું અને પુરવાર કર્યું કે વનસ્પતિ, પ્રાણી કે ધાતુ બધામાં એ જ ચૈતન્ય ધબકે છે.

ઈ.સ.૧૯૬૬માં ક્લીન બેકસ્ટરે ડ્રેસીના નામના છોડ ઉપર લાઈ ડીટેક્શનના પ્રયોગો હાથ ધર્યા. આ છોડને એક ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવ્યો અને સાથે જોડેલા ગ્રાફ પેપર ઉપર અવલોકનો નોંધાય તેવી વ્યવસ્થા કરવામાં આવી. પછી બેકસ્ટરે વિચાર કર્યો કે ઈલેક્ટ્રોડ સાથે જોડેલા પર્ણને બાળી નાખવું, તેણે તરત જ જોયું કે રેકોર્ડીંગ પેનથી ગ્રાફ પેપર પર ખૂબ ઉપર જતા સંકેતો આવ્યા. આ પછી પર્ણ બળવાનો તેણે ખોટેખોટો વિચાર કર્યો, તો કોઈ સંકેતો ગ્રાફ પેપર ઉપર આવ્યા નહિ. આનો અર્થ એ કે સાચા અને ખોટા સંકલ્પને છોડ બરાબર ઓળખી શકતો હતો. એક દિવસ બેકસ્ટરની એક વૈજ્ઞાનિક મિત્ર તેને મળવા આવી. તેને પોતાના પ્રયોગો બતાવવા બેકસ્ટરે ખૂબ મહેનત કરી પણ કોઈ પણ છોડે તેને પ્રતિભાવ આપ્યો નહિ. આથી બેકસ્ટરને લાગ્યું કે તેની મિત્રની હાજરીમાં છોડવાઓ ભય અનુભવતા હતા. તેને પૂછતાં ખબર પડી કે પોતાની પ્રયોગશાળામાં તે છોડવાઓનું સૂકું વજન લેવા માટે તેમને ઓવનમાં મુકતી હતી! અપણા બેકસ્ટરના છોડવાઓ ભય અનુભવતા હતા કે ક્યાંક તેમને પણ તે મહિલા ઓવનમાં બાળી તો નહિ મૂકે ને? અને તેથી જ જાણે તેઓ મરી ગયા’ અને બેકસ્ટરને કોઈ પ્રતિભાવ ન આપ્યો.

બેકસ્ટરના આ પ્રયોગોથી વનસ્પતિ વિશે વિચારવાની સંશોધકોની દૃષ્ટિ બદલી ગઈ. પછી તો આ પ્રકારના પ્રયોગો ઘણી જગ્યાઓએ થયા. કેલિફોર્નિયાના કેમીસ્ટ માર્સેલ વોગેલે એક પ્રયોગ કર્યો. જેમાં ફીલોડેડ્રોન નામના છોડને એક ગેલ્વેનોમીટર સાથે જોડીને લાગેલ એ છોડની સામે સંપૂર્ણ તનાવરહિત મુદ્રામાં ઊંડા શ્વાસ લઈ પોતાની આંગળીઓથી છોડને સ્પર્શીને ઊભો રહ્યો અને છોડની તરફ ઉષ્માપૂર્ણ લાગણી વહાવવાની શરૂઆત કરી. થોડા સમયમાં તેણે નોંધ્યું કે દોરાતા જતાં ગ્રાફમાં ઉર્ધ્વ રેખાઓ આવવાની ચાલુ થઈ, સાથે સાથે તેની હથેળીમાં જાણે કે છોડમાંથી ઉર્જાનો પ્રવાહ આવતો હોય તેવું તેણે અનુભવ્યું. તેને લાગ્યું કે બે મિત્રો જ્યારે મળે ત્યારે જે આનંદ અને સંતોષની અનુભૂતિ કરે એવું જ તે અનુભવતો હતો. પોતાના એક પ્રવચનમાં વોગેલે જણાવ્યું કે જ્યારે તેની અને છોડ વચ્ચેના બાયોઈલેક્ટ્રીક્લ પોટેન્શયલ (bio- electrical potential) વચ્ચે સંતુલન સધાતું હતું ત્યારે તે છોડ અવાજ, ઉષ્ણતામાન, તેની આસપાસ પ્રવર્તમાન ઈલેક્ટ્રીકલ ફીલ્ડ કે બીજા આજુબાજુના છોડવાઓ-આમાંથી કોઈના પ્રત્યે સભાન નહોતો. તો તો ફક્ત વોગેલને જ પ્રતિભાવ આપતો હતો. વોગેલે કહ્યુંઃ ‘મારા મત પ્રમાણે વનસ્પતિનો આ પ્રતિભાવ એ વનસ્પતિમાં રહેલી કોઈ પ્રકારની બુદ્ધિશક્તિને કારણે નથી, પણ તે મારા પોતાના સ્વરૂપનો વિસ્તાર છે, અને આવા એકત્વને કારણે હું વનસ્પતિના બાયો-ઈલેક્ટ્રીક ફીલ્ડના સંપર્કમાં આવી શકું છું. વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો એક જ વૈશ્વિક ઉર્જાનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેના માધ્યમથી જ વ્યક્તિ અને વનસ્પતિ એક બની શકે છે.’

શ્રીરામકૃષ્ણદેવ ઘાસની ચેતનાની સાથે એકત્વ અનુભવતા હતા એટલે તેમણે ઘાસ ઉપર ચાલવાનો ઈન્કાર કરી દીધો. સ્વામી બ્રહ્માનંદજીને બાગબાનીનો ખૂબ જ શોખ હતો. પોતાના હાથે તેઓ અનેકવિધ છોડ વાવતા, ઉછેરતા અને જીવંત મનુષ્યની સાથે હોય તેવો વહાલ અને આત્મિયતા ભર્યો વ્યવહાર તેમની સાથે કરતા. તેઓ છોડને પ્રેમથી કહેતા કે, ‘ઠાકુરની તિથિપૂજા વખતે વધારે પ્રમાણમાં ખીલી ઉઠો, અને જાણે તેમને ઉમંગપૂર્વક જવાબ આપતા હોય તેમ છોડવાઓ વિપુલ પ્રમાણમાં ફૂલો આપતા! ઠાકુરના ઘણા ભક્તોને આજે પણ છોડ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવાથી એવો જ પ્રતિભાવ મળે છે! સ્વામી રામકૃષ્ણાનંદજીના શિષ્યા ભગિની દેવમાતા તેમના પુસ્તક ‘Days in an Indian Monastery’માં લખે છે. કે એક વખત તેઓ અંદરની રૂમમાં હતા ત્યારે ‘મા, મને બચાવો’ એવો અવાજ સંભળાયો. બહાર બગીચામાં જઈને જોયું તો કેટલાક માણસો તેમના બગીચાના વૃક્ષની ડાળીઓ કાપતા હતા અને એમાંથી બચવા એ વૃક્ષે જ એમને બોલાવ્યા હતા!

વૈદિક સંહિતાનો ‘ઋત’નો વિચાર પણ એકત્વ અને પરસ્પર સાયુજ્યને વ્યક્ત કરે છે. ઋગ્વેદમાં સૂર્ય, વરુણ, જુદા જુદા વૃક્ષો, વનસ્પતિઓ વગેરેને ઉદ્દેશીને કરેલી ઋચાઓ મળી આવે છે. ઋગ્વેદનો ચોથા મંડળનો સત્તાવનમો સુક્ત આખો ખેતી અને વનસ્પતિને લગતો છે. અને તેમાં દર્શાવેલ છે કે બીજ વાવતી વખતે જો પ્રાર્થના કરવામાં આવે તો સો એ સો ટકા અંકુરણ મળે છે.

આમ, વનસ્પતિવિજ્ઞાને એકત્વ અને પરસ્પર સાયુજ્યના અદ્વૈત વેદાંતના આ સિદ્ધાંતોને પ્રયોગાત્મક રીતે પુરવાર કર્યા છે. હવે જરૂર છે આ સિદ્ધાંતોને વ્યવહારમાં લાવવાની. સંસ્કૃતિના વિકાસના પ્રવર્તમાન સમયગાળામાં, જ્યારે વૃક્ષોનું આડેધડ નિકંદન થઈ રહ્યું છે, પર્યાવરણની સમતુલા જોખમાઈ રહી છે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી જમીન, પર્યાવરણ અને પાકની ગુણવત્તા ઉત્તરોત્તર ઘટતી રહી છે, શહેરીકરણને પરિણામે વધુ ને વધુ જમીન હસ્તગત ક૨વા વનસ્પતિઓનો નાશ કરાય છે જેથી આપણા સમૃદ્ધ જૈવ-વૈવિધ્ય (Biodiversity)નો નાશ થઈ રહ્યો છે અને પ્રાચીન કાળથી ઉગતી અસંખ્ય વનસ્પતિઓ આ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ રહી છે, ત્યારે આ સિદ્ધાંતોની મનુષ્યના જીવનમાં ઘણી જ આવશ્યકતા છે. સ્વામી વિવેકાનંદે કહેલું, વેદાંતનો સિદ્ધાંત એકત્વનો છે. તેનો અર્થ સર્વમાં શ્રદ્ધા એવો થાય છે; કારણ કે તમે સર્વરૂપ છો. તેનો અર્થ છે સૌ પ્રત્યે પ્રેમ, વનસ્પતિ પ્રત્યે પ્રેમ, પશુ પ્રત્યે પ્રેમ, કારણ કે તમે સૌ એક છો.’ જો કે ભવ્ય આધ્યાત્મિક વારસો ધરાવનારા આપણે આ વ્યવહારુ વેદાંતથી અજાણ નથી. વૈદિક સંસ્કૃતિ વખતે વૃક્ષ ઉછેર, વનસ્પતિની જાળવણી અને ખેતી દ્વારા ઈશ્વરની આરાધના થતી હતી. ગીતાનો શ્લોક કહે છે, બ્રહ્માર્પણ બ્રહ્મહવિઃ . (ભગવદ્ ગીતા) એટલે કે ઉગાડેલા પાકમાંથી ઉત્પન્ન થયેલું અન્ન બ્રહ્મ છે, જે તેને ખાનાર બ્રહ્મને અર્પણ થાય છે. આપણે ફક્ત આ ભૂલાઈ ગયેલા અભિગમને પુનઃજીવિત કરી, જીવનમાં ચરિતાર્થ કરવાની જરૂર છે. જો વનસ્પતિજગત તરફ આવી પ્રેમની ભાવનાથી વ્યવહાર કરવામાં આવશે તો, કંઈ પણ આશા રાખ્યા વગર આપણને અસંખ્ય રીતે મદદ કરનાર અરે, ફક્ત પોતાના અસ્તિત્વથી જ શાતા આપનાર વનસ્પતિજગત આપણા એ પ્રેમને સમજી, અનેકગણા પ્રેમ અને અસીમ શાંતિનાં સ્પંદનો આપણી તરફ વહાવશે, અને સર્જાશે સુસંવાદિત સહઅસ્તિત્વ, શું માનવજાતના બધા પ્રયત્નો આવી શાંતિ અને સંવાદિતા પ્રાપ્ત કરવા માટેના નથી?

(છોડ ઉપર કરેલા પ્રયોગોનો સંદર્ભ : ‘The Secret Life of plants by Peter Tompkins & Christopher Br.’1973 Penguin Books, London’)

Total Views: 172

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.