ગતાંકમાં આપણે વાંચ્યું હતું કે વાંચન શું છે અને કઈ રીતે વંચાય તથા તેની શી અગત્યતા છે. વાચનપ્રક્રિયામાં મહત્ત્વનું પરિબળ છે વાતાવરણ.

આપણી આજુબાજુ એટલે કે ઘર, છાત્રાલય કે અન્યત્ર કયા પ્રકારની કુદરતી કે કૃત્રિમ પરિસ્થિતિ છે, આપણા ઘરનાં લોકો કે આપણા સાથે રહેનારાં લોકો કેવાં પ્રકારનાં વર્તનશૈલી ધરાવે છે, આપણું મિત્રવર્તુળ (ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં આ મોટો પ્રશ્ન ભારતીય વિદ્વતજનોને અને તંત્રને સતાવી રહ્યો છે).

ધાંધલધમાલભર્યા કાર્યક્રમો વચ્ચે કંઈ વાચન માટેની એકાગ્રતાની અપેક્ષા રાખી શકાય? સંબંધિત આયોજકોએ અને સહુએ વિદ્યાર્થીજગતનાં હિતને માટે વાતાવરણને વાંચવા યોગ્ય બનાવવા કટિબધ્ધ થવું પડશે. માત્ર કાયદાથી બધું સાધી શકાતું નથી, તે માટે અનુશાસન કે સ્વયંશિસ્ત લાવવી રહે છે.

જે વિદ્યાર્થીજગતની ચિંતા સેવે છે તે ભવિષ્યના રાષ્ટ્રની ગતિ અને ધ્યેય નક્કી કરે છે. સામાન્યત : આપણી સહુની મૂંઝવણ એ હોય છે કે વિદ્યાર્થીઓનાં મન-બુદ્ધિની કક્ષા અને સ્થિતિને વાલીઓ એક રીતે મૂલવે છે જ્યારે તંત્ર બીજી રીતે મૂલવે છે.

આ બન્નેનો તાલમેલ બેસાડવો ભારે પડતો હોય છે. માતાપિતા કે વાલીઓ અર્થલક્ષી અને જીવનલક્ષી એમ બન્ને પ્રકારનું શિક્ષણ ઇચ્છતાં હોય છે એટલે બાળક પર ‘વાંચ, વાંચ’ એવી ટકટક કર્યાં કરતાં હોય છે. પ્રશ્ન એ છે કે તેમને આપણે વાંચવા યોગ્ય વાતાવરણ આપી શકીએ છીએ ખરા ?

ગરીબ વિદ્યાર્થીના ઘરમાં અગવડતા અને અન્યોનાં ઘરોમાં સગવડતા. એક ધનવાન શાળામાં અને બીજો ગરીબોની શાળામાં? આવું ક્યાં સુધી ચાલશે? આમાં વાંચવા યોગ્ય વાતાવરણ ખરેખર ખડું થઈ શકે કે કેમ એ પ્રશ્નનો ઉકેલ આપણા જ હાથમાં હોઈ શકે.

વાંચવા કે વંચાવવા માટે કે તેનું વાતાવરણ સર્જવા માટે સહુ પ્રથમ જરૂર છે વાંચનપ્રિયતા પ્રગટાવવાની, ઉદિપ્ત કરવાની. નાનકડાં બાળકોની સામે વાર્તાઓ સંભળાવીને, તેને કલ્પનાજગતમાં લઈ જઈને ઇત્યાદિ ઉપાયોથી વાંચન તરફ બાળકોને અભિમુખ કરી શકાય. અહીં એક ઘટનાનું ચિંતન કરી લઈએ. એક માતાપિતા તેનાં બાળકની દૂરદર્શન જોવાની ઘેલછાને કારણે બહુ પરેશાન હતાં.

એક વખત તેઓ તે બાળકને પુસ્તકોના ભંડારમાં લઈ ગયાં. તે બાળકે કુતુહલવશ તેનાં માતાપિતાને પૂછયું કે આ બધું શું છે? માતાપિતાએ જવાબ આપ્યો બેટા, તારા બધા ટીવીના કાર્યક્રમો તું જે સતત જોયા કરે છે ને તે આ બધાં પુસ્તકોમાંથી જ બને છે. આ રીતે બાળકને વાંચન તરફ વાળવાની આ ઘટના સહુના માટે ઉદાહરણીય છે.

 

હાલનાં ચંચળતાભર્યાં વાતાવરણમાં જેમ કે મોબાઈલ જેવાં સાધનોની અનિવાર્યતાના સંજોગોમાં વાંચનને રુચિકર બનાવવું તે સરળ તો નથી પણ સઘન અને ગંભીર પ્રયાસો કરવા ઘટે.

પ્રથમ તો ભણવાના પાઠ્યક્રમો વિદ્યાર્થીઓને ગમે છે કે કેમ તે વધુ વાંચનની ભૂખ ઉઘાડવાના દર પર આધારિત છે. પાઠ્યક્રમો જો જિજ્ઞાસા જગાડે તો તેના હેતુઓ સિદ્ધ થયા ગણાય.

વિદ્યાર્થીજગતના સંદર્ભે વાંચનયોગ્ય વાતાવરણમાં મુખ્યત્વે ઘર, શેરી કે વસાહત, શાળા, વર્ગખંડ, આર્થિક સ્થિતિ તથા સમગ્ર તંત્ર પણ ગણાવી શકાય.

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.