(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.)

દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે. એટલા માટે જ અંગ્રેજીમાં એને ‘ઇનિશિએશન- Initiation’ કહેવાય છે કે જેનો અર્થ, ‘આરંભ કરવો’, અથવા કોઇ વ્યક્તિને કોઇક નિશ્ચિત માર્ગ કે દિશા તરફ યાત્રા કરવા માટે તૈયાર કરવી,’ એવો થાય છે. દરેક વિશિષ્ટ દીક્ષાનું સાધ્ય તો અલગ અલગ હોઇ શકે છે અને એની પદ્ધતિઓ પણ જુદી જુદી હોઇ શકે છે. ધર્મગ્રંથોમાં ‘યજ્ઞદીક્ષા-કંઇક પ્રાપ્ત કરવાના હેતુથી કોઇક ખાસ પ્રકારના યજ્ઞનું અનુષ્ઠાન’ – કરવાનો ઉલ્લેખ મળે છે. પરંતુ આપણે તો અહીં આપણું ધ્યાન કેવળ ‘મંત્રદીક્ષા’ના વિષય પૂરતું જ મર્યાદિત રાખીશું કે જેનો અર્થ, કોઇક વ્યક્તિને ‘કોઇક મંત્રનો જપ કરવા માટે વ્રત લેવડાવવું,’ એવો થાય છે.

મંત્ર શું છે? મંત્ર એક એવું આધ્યાત્મિક કે ગુહ્ય સૂત્ર છે કે જેનું વારંવાર રટણ – આવર્તન-, અજ્ઞાનના બંધનમાંથી તેમ જ જન્મમરણના સકંજામાંથી મુક્ત કરે છે. મંત્રદીક્ષાનું આ જ પ્રયોજન છે. દીક્ષા શું છે, અને આપણી આધ્યાત્મિક સાધનામાં એ કેટલી મહત્ત્વપૂર્ણ છે, એ વિષયમાં આપણા મનમાં એક મોટો ભ્રમ ફેલાયેલો છે. કેટલાય માણસો, દીક્ષાનો શો અર્થ છે, અને એની પ્રક્રિયાથી શું મેળવવાનું છે, એ બાબતમાં પોતાના મનમાં કશાય સ્પષ્ટ ખ્યાલ વગર જ દીક્ષા લઇ લેવા ઇચ્છે છે. દીક્ષા શબ્દનો પ્રયોગ હું માત્ર આપણી આધ્યાત્મિક ઉપલબ્ધિઓ માટે ગુરુ દ્વારા નક્કી કરાયેલા સૂત્રનું નિયમિત રટણ કરવાનું વ્રત લેવાના અર્થમાં જ કરીશ. મંત્ર શબ્દની વ્યાખ્યા સંસ્કૃતમાં આવી રીતે કરવામાં આવી છે – ‘મનનાત્ ત્રાયતે ઇતિ મંત્ર:’, અર્થાત્ મંત્ર એને કહેવામાં આવે કે જેનું ધ્યાન કરવામાં આવતાં માણસ જન્મમરણના ફેરામાંથી, ભવસાગરમાંથી, માયાના સંસારમાંથી છુટકારો પામી જાય. મંત્ર શબ્દનો આ જ વ્યુત્પત્તિમૂલક અર્થ છે. અને દીક્ષાનો અર્થ એ થાય છે કે ગુરુ દ્વારા નિર્ધારિત એક ખાસ પદ્ધતિથી મંત્રજપનો પ્રારંભ કરવો.

પ્રાચીન કાળમાં મંત્રનો અર્થ ‘વેદોમાં આવતા શ્લોકો’, એવો થતો હતો. બધા વેદો મંત્રો અને બ્રાહ્મણોથી યુક્ત છે. ‘મન્ત્રબ્રાહ્મણયોર્વેદનામધેયમ્’ – વેદ શબ્દનો અર્થ, ‘મંત્ર અને બ્રાહ્મણ એવો કરવામાં આવે છે.’ મંત્રો, જુદા જુદા યશોના સંદર્ભમાં ઋષિઓએ ઉચ્ચારેલા ઉદ્ગારો છે. અને બ્રાહ્મણગ્રંથો વેદના એ અંશનો નિર્દેશ કરે છે કે જે એ મંત્રોના ઉપયોગનું વિવેચન કરે છે. બ્રાહ્મણગ્રંથો એ બતાવે છે કે જુદા જુદા યજ્ઞ વગેરેમાં મંત્રોનો કેવી રીતે પ્રયોગ કરવો જોઇએ. પણ સમય જતાં તંત્રોમાં મંત્ર શબ્દ એક જુદો જ અર્થ ધારણ કરી લે છે. તાંત્રિક દૃષ્ટિથી ‘મંત્ર’ શબ્દનો અર્થ, ‘અમુક શબ્દોનું એક એવું ખાસ રહસ્યમય ગુહ્ય સૂત્ર કે જે ઇશ્વરના કોઇક પાસાંને સૂચવે’ એવો થાય છે. આવા મંત્રો એવી ભાષામાં લખાયેલા હોય છે કે જે અદીક્ષિત વ્યક્તિઓ માટે બોધગમ્ય હોય નહિ. તાંત્રિક મંત્રોનું સ્વરૂપ જ રહસ્યમય હોય છે. એ ઇશ્વરના-દેવ કે દેવીના એક વિશિષ્ટ પાસાંને સૂચિત કરનારા, અર્થગર્ભિત અક્ષરોવાળા હોય છે.

મંત્ર પછી તે વૈદિક હોય કે તાંત્રિક-એ કોઇ માનવપ્રાણીની રચનાઓ નથી. એ ગુરુઓ અને શિષ્યોની પરંપરાથી ઉત્તરોત્તર ચાલતા આવ્યા છે એવી માન્યતા છે. વેદ અને તંત્ર બન્ને કહે છે કે મંત્ર શાશ્વત છે, અનાદિ અને નિત્ય છે. વેદો જો એમ કહે છે કે મંત્રો ઋષિઓ આગળ પ્રગટ થયા, તો તંત્રો પ્રમાણે મંત્રો પાર્વતીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં શિવજીનાં વચનો છે. પાર્વતી પ્રશ્ન પૂછે છે અને શિવ એમને સમજાવે છે. તાંત્રિક અભિપ્રાય પ્રમાણે મંત્ર એક એવું ૨હસ્યપૂર્ણ સૂત્ર છે કે જે ઇશ્વરના એક ખાસ પાસાંનું પ્રતીકાત્મક રૂપ હોય છે. ઇશ્વરનાં જુદાં જુદાં પાસાંઓ માટે જુદા જુદા મંત્રો છે. મંત્રદીક્ષાનો અર્થ એવો થાય કે ગુરુ દ્વારા પોતાના શિષ્યને એક વિશેષ મંત્ર આપવો. શિષ્ય આવા મંત્રનો જપ કરવાનું અથવા એનું ધ્યાન કરવાનું વ્રત લે છે.

તાંત્રિક અને વૈદિક મંત્રોમાં આ ફરક છે. વૈદિક મંત્ર વિશેષ તો યજ્ઞોમાં વિશિષ્ટ દેવદેવીઓને પ્રસન્ન કરવા માટે, એમની અનુકૂળતા માટે ઉચ્ચારાયેલ પ્રાર્થનાઓ, સ્તોત્રો વગેરેનાં સંક્ષિપ્ત રૂપો છે, પણ તાંત્રિક મંત્રો દેવત્વના કોઇ ખાસ પાસાંને કે કીઇ દેવદેવીનું સૂચન કરતાં ગુહ્ય સૂત્રો છે. આજના કાળમાં ભારતમાં જે મંત્રદીક્ષા આપવામાં આવે છે, તે મુખ્યત્વે આ તાંત્રિક પ્રક્રિયાનું અનુસરણ કરે છે. વૈદિક યુગમાં પણ દીક્ષા અપાતી હતી. એની કેટલીક પરંપરાઓ આજના સમયમાંય જીવતી છે. દાખલા તરીકે શિષ્ય જ્યારે પોતાના ગુરુના ઘરમાં પ્રવેશ કરે છે, અને એનો શિષ્ય રૂપે જ્યારે સ્વીકાર કરવામાં આવે છે, ત્યારે એને સર્વજ્ઞાત ગાયત્રીમંત્રની દીક્ષા આપવામાં છે. વૈદિક મંત્ર હોવાને કારણે ગાયત્રીનો આકાર મોટો-લાંબો છે, જ્યારે બીજી બાજુ તાંત્રિક મંત્રો કેવળ નાનકડાં સૂત્રો જ છે.

મંત્રોને પૂરતી કાળજીથી જાળવી રાખવા જોઇએ કે જેથી એના રૂપ અને ગુણમાં કશો ફેરફાર ન થઇ જાય. એમાં ન તો કશું ઉમેરવું જોઇએ કે ન તો એમાંથી કશું બાદ પણ કરવું જોઇએ. આજના જમાનામાં તો વેદો લખી લેવામાં આવે છે, પરંતુ પહેલાનાં કાળમાં કેવળ ગુરુ દ્વારા શિષ્યને (મૌખિક રૂપમાં) આપવામાં આવતા હતા. એને ‘શ્રુતિ’ નામે ઓળખવામાં આવતા. કારણ કે ગુરુમુખે કહેવાયેલા એવા તેમને શિષ્યોએ સાંભળીને સ્મૃતિમાં સાચવવાના હતા. મંત્રોમાં કોઇ પણ જાતના ફેરફારને કે કશાય સંપાદનને મંજૂરી આપવામાં આવતી ન હતી. એમાં વ્યાકરણ સંબંધી સંશોધન પણ કરવામાં આવતું નહિ. તે તૈયાર સામગ્રીરૂપ હતા. અને શિષ્યને કેવળ એના ઉપર ધ્યાન કરવાનું તેમ જ ગુરુના ઉપદેશોનું પાલન કરવાનું જ રહેતું. તંત્રો પ્રમાણે પણ મંત્રોમાં કશુંજ પરિવર્તન કર્યા વગર જતનથી જાળવવા જોઇએ અને પૂરતી સંભાળપૂર્વક એનું અનુસરણ કરવું જોઇએ. તાંત્રિક મંત્રોની બાબતમાં ‘સંપ્રેષણ’ની ગોપનીયતાને કઠોરતાપૂર્વક લાગુ કરવામાં આવતી હતી. એવું શા માટે? એનું કારણ એ છે કે એવું માનવામાં આવતું કે જો આવી કઠોરતાનું પાલન કરવામાં ન આવે તો મંત્રો એટલા પ્રભાવશાળી અને અમોધ ન બની શકે કે જેટલા એણે થવું જોઇએ. મંત્રોનું મોટે અવાજે ઉચ્ચારણ કરવાથી એ પોતાની એવી શક્તિ ખોઇ બેસે છે. મંત્રો ખૂબ શક્તિશાળી હોય છે, એ આપણું આધ્યાત્મિક જ્ઞાન પ્રગટ કરવા સારુ ઘણા જ સમર્થ હોય છે-એવી માન્યતા છે. મંત્રોનો જપ કરવાથી, એ મંત્રનું પ્રતિનિધિત્વ કરનાર ઇષ્ટદેવની મૂર્તિ કે એનું ખરું સ્વરૂપ પણ શિષ્ય સામે પ્રગટ થઈ જાય છે.

પરંતુ આજકાલ તો વેદો છપાયેલ રૂપે મળી શકે છે, અને ગમે તે વ્યક્તિનો એમાં પ્રવેશ થઇ શકે છે. આવી જ રીતે તાંત્રિક મંત્રો પણ તાંત્રિક ગ્રંથોમાં છપાઈને પ્રકાશિત થયેલા છે, અને ગમે તે વ્યક્તિ એને વાંચી શકે છે, પરંતુ વૈદિક અને તાંત્રિક, એ બંને શાસ્ત્રોમાં હંમેશાં આ આદેશ આપવામાં આવ્યો છે કે એમનામાં આ રીતનો મુક્ત પ્રવેશ યોગ્ય નથી. ઉપનિષદોની ઘોષણા છે કે, ‘ફક્ત ગુરુ દ્વારા મેળવેલું જ્ઞાન જ ફળ આપનારું નીવડે છે.’ ‘આચાર્યાત્ હિ એવ વિદિતા વિદ્યા સાધિષ્ઠં પ્રાપયતીતિ’ (છાન્દોગ્ય ઉપનિષદ ૪-૯-૩) આપણા જીવનમાં આપણે જો જ્ઞાનના એક નાનકડા અંશને પણ ખરેખરો ફળદાયી બનાવવો હોય તો એને અવશ્ય જ ગુરુના શ્રીમુખેથી જ સાંભળવો જોઇએ. આવા અનુસરણની બાબતમાં વેદો અને પુરાણો એ બન્નેએ આ સિદ્ધાંતનું ખૂબ ચીવટથી અનુસરણ કરવા માટે ભાર મૂક્યો છે. આ કથન પાછળનો ભાવ એ છે કે ગુરુ કંઇ કેવળ મંત્ર જ આપતા નથી, પણ એની સાથોસાથ શિષ્યને એ પોતાની આધ્યાત્મિક શક્તિમાંથી પણ કેટલીક શક્તિનો સંચાર શિષ્યમાં કરી દે છે. જ્યારે કોઇ વ્યક્તિ છપાયેલાં પુસ્તકોમાં મંત્રો વાંચે છે, ત્યારે આ પ્રકારનો શક્તિપાત થઇ શકતો નથી. હવે આપણે એને વધુ બોધગમ્ય અને તર્કસંગત રૂપે સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. જો આપણે કોઇ પુસ્તકમાં કોઇક આચારસંહિતાઓ વાંચતા હોઇએ તો સંભવ છે કે આપણા ઉપર એનો કંઇક પ્રભાવ પડે. પરંતુ જ્યારે એ આચારગત ઉપદેશોને કોઇક એવી વ્યક્તિને મોઢેથી સાંભળીએ કે જેના ઉપર આપણો પ્રેમ અને શ્રદ્ધા હોય, તો તો સ્વાભાવિક રીતે જ એનો પ્રભાવ આપણા ઉપર કોઈ સાવ અનોખો જ પડવાનો. તો આવી જ રીતે આપણે ભલેને મંત્રદીક્ષા દ્વારા થતા આધ્યાત્મિક શક્તિસંચારની વાસ્તવિક પ્રક્રિયાને જો કે ન સમજી શકતા હોઇએ, તેમ છતાંય આપણે ઓછામાં ઓછું એટલું તો સમજી જ શકીએ છીએ કે પેટેલા દીવામાંથી જ બીજો દીવો પેટી શકે છે, કોઇ પણ આત્માને પ્રદીપ્ત કરવા માટે કોઇ એવા આત્માની આવશ્યકતા હોય છે કે જે પહેલેથી જ પ્રદીપ્ત થઇ ચૂક્યો હોય. ગુરુ દ્વારા શિષ્યમાં શક્તિસંચારનો આ જ અર્થ છે. આ રીતે જીવિત સંપર્ક સિવાય શક્તિસંચાર શક્ય બનતો નથી. જીવિત સંપર્ક દ્વારા મંત્ર વધારે શક્તિશાળી બની જાય છે. આ જ શક્તિને સુરક્ષિત રાખવા માટે શાસ્ત્રો, શિષ્યોને એક પ્રકારની ગુપ્તતા જાળવવાનો આદેશ આપે છે, અને આ નિયમનું ઉલ્લંઘન કરનારને કઠોર દંડ દેવાનો નિર્દેશ કરે છે. ખરી રીતે તો મંત્રોને હલ્કા કે તુચ્છ ગણી લેવામાંથી રોકવા, એ જ એનું પ્રયોજન છે. કોઈ પણ વ્યક્તિએ મંત્રોને ગંભીરતાપૂર્વક સ્વીકારવા જોઇએ. માણસે મંત્રોનું પરીક્ષણ ન કરવું ઘટે. મંત્રોનું આપણા જીવનમાં ઘણું અદકું મહત્ત્વ છે. ઇશ્વરાનુભૂતિ માટે જ્યારે આપણે પોતાને જ સમર્પિત જ કરી દેવાનો પ્રયત્ન હોય, ત્યારે તો આપણે અવશ્ય જ આ વાત જાણી-સમજી લેવી જોઇએ કે એ અનુભૂતિ ઉદાસીન ભાવે કરી શકાતી નથી. ગુરુ કેવળ મંત્રનો જ નહિ, પણ એની સાથે સાથે એવા જ્ઞાનનો પણ સંચાર કરે છે કે જેને એમણે પોતાની વ્યક્તિગત અનુભૂતિ દ્વારા અથવા તો એ જ માર્ગે વળેલા ગુરુની અનુભૂતિ દ્વારા પ્રાપ્ત કરેલું હોય છે. અને એટલા જ માટે શિષ્યને સાચી શિક્ષા આપવા માટે એ સમર્થ હોય છે.

આ સંબંધમાં એક બીજી વાત પણ મારા મનમાં આવે છે. મંત્રો અસંખ્ય છે. જો એ બધા જ આપણી સામે ખડા કરી દેવામાં આવે, તો આપણે ભારે મૂંઝવણમાં પડી જઇએ કે કોને અપનાવવો અને કોને નકારવો? આ મૂંઝવણને દૂર કરવા માટે, જેને આ મંત્રોનો સાક્ષાત્કાર થયો હોય એવી કોઇ અધિકારી વ્યક્તિનો આદેશ માનવો, એ જ સર્વોત્તમ ઉપાય છે. અને એવી વ્યક્તિ જ ગુરુ છે. ખાસ કરીને તંત્રશાસ્ત્રમાં ગુરુને સાક્ષાત્ ઇશ્વર ગણવામાં આવ્યા છે. ‘ગુરુસ્તોત્ર’માં કહેવાયું છે કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શિવ છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે; આવા ગુરુને મારા નમસ્કાર હો.

ગુરુર્બહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ।
ગુરુરૈવ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમઃ॥

ગુરુને પરબ્રહ્મ સ્વરૂપે જ માનવામાં આવ્યા છે. શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા કે સત્-ચિત્ત-આનંદ (સચ્ચિદાનદ) ગુરુ છે, એ વેદો અને અન્ય શાસ્ત્રો પ્રમાણેની જ વાત છે. પરંતુ આપણે જ્યારે દીક્ષા લેવા જઇએ છીએ, ત્યારે આપણે એવો અનુભવ તો કરતા હોતા નથી કે આપણને એ બ્રહ્મને નામે ઓળખાતી સર્વશક્તિમાન પરમ સત્તા દ્વારા જ એ ઉપદેશ મળી રહ્યો છે! આપણે તો એક એવી વ્યક્તિ પાસે જ જઇએ છીએ કે જેને આપણે ગુરુ તરીકે પસંદ કરી હોય. કારણ કે આપણને તો એવો જ અનુભવ થાય છે કે એ વ્યક્તિ આપણને સાચો માર્ગ બતાવવામાં સમર્થ છે. એ વ્યક્તિનો જન્મ થાય છે, એનું મૃત્યુ પણ થાય છે, એનામાં અન્ય માનવગત મર્યાદાઓ ય હોય છે. પરિણામે એને બ્રહ્મથી અભિન્ન રૂપે જાણી કે લેખી શકાતી નથી, પણ આપણાં શાસ્ત્રો તો ગુરુને પરમ સત્તા અર્થાત્ બ્રહ્મના રૂપમાં જ ઓળખવાનો કઠોર આદેશ આપે છે. શું આનો અર્થ સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો વિરોધ છે એવો થતો? હા, એક રીતે તો એ એવો છે ખરો, પણ એવે વખતે એ મૂર્તિમાં ઈશ્વરની આરાધના કરવાની આપણા લોકોને પડેલી આદતના જેવું જ છે. આપણે ઇશ્વરના કોઇક ખાસ પાસાંને સૂચિત કરતી મૂર્તિઓનું નિર્માણ કરીએ છીએ. મૂર્તિ એવા પદાર્થોમાંથી બનાવવામાં આવી હોય છે કે જે જડ હોય છે. અને આપણે એ મૂર્તિ દ્વારા એવા ઇશ્વરનું ધ્યાન કે આરાધના કરીએ છીએ, કે જે અનંત ચેતનાસંપન્ન છે! આપણે આવું કરીએ છીએ. કારણ કે આપણું માનસ એ જ્ઞાનાતીત અનંત સત્તાને પૂરેપૂરું સમજી શકતું નથી. એટલે આપણે કોઇક મૂર્તિ કે કોઇ ચિત્ર અથવા તો કોઇ પ્રતીકાત્મક રેખાના રૂપમાં ઇશ્વરના પ્રતિરૂપનું અવલંબન લેવું પડે છે. વિશ્વમાં એવો કોઇ જ ધર્મ નથી કે જેમાં કોઇક પણ પ્રતિમા વગર આરાધના કરવામાં આવતી હોય. જો આપણે કોઇ પ્રતીક દ્વારા એની આરાધના ન કરીએ તો પછી કોઇ બીજા રસ્તે એના વિષે કશો વિચારવિમર્શ કરી શકાય તેમ નથી. મનમાંથી બધી જ મૂર્તિઓને ફગાવી દેવાની જે લોકો આગ્રહભરી સલાહ આપે છે તેઓ પણ કોઇ એક યા બીજા પ્રકારના પ્રતીકોનો આશરો લે જ છે.

મંત્રો, અપૌરુષેય અને સ્વયંસ્ફુરિત શબ્દોના રૂપમાં ઇશ્વરનાં પ્રતીકાત્મક પ્રતિરૂપો છે. એવા ભક્તોનાં દૃષ્ટાન્તો પણ સાંપડે છે કે જેમણે ઇશ્વરની દેદીપ્યમાન યંત્ર કે મંત્રના જ્યોતિર્મય અક્ષરોના રૂપમાં સંપૂર્ણ અનુભૂતિ પ્રાપ્ત કરી હોય. વાસ્તવિક રીતે આ એક રહસ્યાત્મક અનુભૂતિનું ઉદાહરણ છે. અને ધર્મ એવી રહસ્યપૂર્ણ અભિવ્યક્તિઓથી ભરપૂર છે. આવી તર્કાતીત અનુભૂતિઓને કોઇ તર્કની મદદથી આપણે કદીયે સિદ્ધ ન કરી શકીએ. દુનિયાના દીક્ષારહીત લોકોને આપણે એ ક્યારેય નહિ સમજાવી શકીએ કે આ અનુભૂતિઓ વાસ્તવિક છે, ભલે એ ભૌતિક મૂર્તિ અથવા એક શબ્દ કે પછી એક શ્લોક હોય, તો પણ ઇશ્વરની પ્રાપ્તિ માટે સહાય કરતું અતિ આવશ્યક ઉપકરણ છે. માનવમન મૂર્તિ-પ્રતીકો દ્વારા જ પરમ સત્યને પામી શકે છે, નિરાકારને એ પકડી શકતું નથી. અહીં એવો પ્રશ્ન પૂછી શકાય કે શું આપણે સદા-સર્વદા સાકારને જ વળગી રહેવું પડશે કે? ના, સાકારની સહાયથી આપણે નિરાકારને આંબવો છે. મનની વર્તમાન સ્થિતિનું રૂપાંતર કર્યા વગર સીધા જ એકદમ આપણે કદીએ નિરાકાર સુધી પહોંચી શકતા નથી. શરૂ શરૂમાં આપણું મન, આકારો કે પ્રતીકો વગર કોઇ રીતે વિચારી જ શકતું નથી, એટલા માટે આધ્યાત્મિક સાધના કરવા સારુ પ્રતીક ખૂબ જ જરૂરી છે, અને મંત્રો ઇશ્વરને જ પ્રતિરૂપિત કરનારા શ્લોકો છે.

માની લો કે આપણે કોઇ એક ખાસ મૂર્તિમાં પ્રતિરૂપિત થયેલા ઇશ્વરના એક ખાસ રૂપને ભજીએ છીએ. તો એ તો દેખીતું જ છે કે એ મૂર્તિ ખંડિત થાય કે બેડોળ બની જાય, એ આપણને પસંદ પડતું નથી. એ જ પ્રમાણે મંત્ર પણ વિકૃત ન થવો જોઇએ. એનું આવર્તન, એમાં કોઇ પણ જાતનું પરિવર્તન કર્યા વગર બરાબર, અકબંધ રીતે કરવું જોઇએ. આ નિયમનું સખ્તાઈથી પાલન કરવું જોઇએ. વળી, આપણે પોતાને સાધનાને કોઇ એક જ પદ્ધતિ પૂરતા મર્યાદિત રાખવા પડશે.

આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવા માટે હંમેશા ગુરુ પાસે જવું, એ શું જરૂરી જ છે કે? ચોખ્ખી રીતે જ આ એક વ્યવહારુ અભિગમ છે. ગુરુ પાસે કેટલાક અનિવાર્ય ગુણો હોવા જોઇએ. એના વગર એ અજ્ઞાનીનું માર્ગદર્શન કરી શકતો નથી. એની પહેલી યોગ્યતા તો એ છે કે એ અવશ્ય જ શ્રોત્રિય, એટલે કે શાસ્ત્રોનો જ્ઞાતા હોવો જોઇએ, પણ કેવળ પાંડિત્યથી કોઇ ગુરુ બની જતો નથી. એણે પ્રબુદ્ધ અને પરમ જ્ઞાની પણ હોવું જોઇએ. એ એક એવી વ્યક્તિ હોવી જોઇએ કે જેણે સત્યની પ્રત્યક્ષ અનુભૂતિ પ્રાપ્ત કરી લીધી હોય. ગુરુની બીજી યોગ્યતા એ છે કે એ અનિવાર્ય રૂપે ‘અવૃજિન’ હોવો જોઇએ. અર્થાત્ એનું આચરણ દોષ કે કલંકથી તદ્દન વેગળું હોય. એણે દૃઢતાપૂર્વક શાસ્ત્રીય આદર્શો પ્રમાણે જીવન વ્યતીત કરવું જોઇએ. એણે બધા પાપાચારોથી મુક્ત તેમ જ બિલકુલ પવિત્ર રહેવું જોઇએ. અને છેલ્લે એ સંપૂર્ણપણે ‘અકામહત’ હોવો જોઇએ. એટલે કે શિષ્યની સાથેના એના સંબંધમાં કોઇ પણ પ્રકારનો સ્વાર્થપૂર્ણ હેતુ ન હોવો જોઇએ. મંત્ર આપતી વખતે શિષ્ય પાસેથી કોઇ પણ જાતનો લાભ મેળવવાની આકાંક્ષાથી એણે મુક્ત રહેવું જોઈએ. કોઈનો ગુરુ તરીકે સ્વીકાર કરતી વખતે આજ મુખ્ય ગુણોનું આપણે ધ્યાન રાખવું ઘટે છે.

તો પછી શિષ્યમાં ક્યા ગુણો હોવા જરૂરી છે? આધ્યાત્મિક આદર્શોની ખોજમાં શિષ્ય ઉત્સાહી હોવો જોઈએ. ઉપદેશના અનુસરણથી ફક્ત પોતાનું કુતુહલ શાંત કરવા માગતી વ્યક્તિ જ તે હોવો ન જોઇએ. વળી, ગુરુ દ્વારા અપાયેલા ઉપદેશોને આચરણમાં ઉતારવામાં એણે ગંભીર થવું જોઇએ; એ શુદ્ધ ચારિત્ર્યવાળો પણ હોવો જોઇએ. ગુરુ તેમ જ શિષ્ય એ બન્ને માટે ચારિત્ર્યની શુદ્ધિની બાબતમાં સરખો ભાર મૂકવામાં આવ્યો છે. સૌથી વધારે તો શિષ્યે અનિવાર્ય રીતે નમ્ર થવું જોઇએ, એ અહંકારી તો ન હોવો જોઇએ. આ ગંભીર શ્રદ્ધાભાવ વિના તો એણે ગુરુની પાસે જવું પણ ન જોઇએ અને એનું મૂલ્યાંકન પણ ન કરવું જોઇએ. એક માત્ર વિનમ્રતા જ જિજ્ઞાસુને એક એવું સુયોગ્ય વાહન બનાવી શકે છે કે જેના દ્વારા ગુરુના જ્ઞાનનું વહન થઇ શકે. વિનમ્રતા, ચીવટ, પવિત્રતા અને સેવાભાવ વગર ફક્ત ગુરુના સંપર્કથી જ કંઇ શિષ્યને ફાયદો થઇ જતો નથી. આટલા માટે જ ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે ‘જિજ્ઞાસુએ શાસ્ત્રજ્ઞ અને બ્રહ્મનિષ્ઠ ગુરુની પાસે હાથમાં સમિઘ લઈને (સમિત્પાણિ થઇને) જ જવું જોઇએ – ‘તદ્વિજ્ઞાનાર્થ સ ગુરુમેવાભિગચ્છેત્ સમિત્પાણિઃ શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠમ્’ (મુણ્ડકોપનિષદ, ૧, ૨, ૧૨) સમિઘ-લાકડાં-સેવાનું પ્રતીક છે. એ પ્રાચીન કાળમાં યજ્ઞ કરવા માટે ગુરુને લાકડાંની જરૂર પડતી – લાકડાંના ભારા સાથે ગુરુ પાસે જઈને શિષ્ય, ગુરુની સેવા કરવા માટેની પોતાની તત્પરતા દર્શાવતો હતો. અહીં મહત્ત્વની વાત તો એ છે કે આ સેવાથી ગુરુ પ્રસન્ન થઇ જાય એવું કંઇ નથી, પરંતુ એ કરવામાં આવેલી સેવા શિષ્યની પોતાની શુદ્ધિ માટે આવશ્યક છે. અને એ શુદ્ધિ જ શિષ્યને ગુરુના ઉપદેશો ગ્રહણ કરવા માટે યોગ્ય બનાવે છે. એણે તો ફક્ત ગુરુએ બતાવેલા માર્ગનું – ઉપદેશોનું કશીય બાંધછોડ વગર, અટલ શ્રદ્ધાથી પાલન કરવાનું છે.

ધર્મ કોઇ ધંધાદારી પેઢી નથી. સ્વાર્થી હેતુઓ ગુરુ અને શિષ્યનો સંબંધ બગાડી મૂકે છે. શિષ્યે અવશ્ય વિનમ્રતાભર્યા અને ગુરુસેવામાં ઉત્સાહી રહેવું જોઇએ. એણે ગુરુદેવનાં ચરણોમાં, કશી કિંમત ચૂકવીને શિક્ષણ ખરીદવા આવનાર કોઇ વ્યક્તિની પેઠે નહિ પરંતુ એક સાચા શિક્ષાર્થીના રૂપમાં પોતાનું સર્મપણ કરી દેવું જોઈએ. આધ્યાત્મિક જ્ઞાન તો ગુરુએ આપેલી એવી ભેટ છે કે જે વિનમ્રતા અને સેવાથી જ મેળવી શકાય. ગુરુ શિષ્યને દીક્ષિત કરે છે, એને સુયોગ્ય માર્ગે ચલાવવાનો પ્રારંભ કરે છે. સ્વામી બ્રહ્માનંદ (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય) આ વિષે ઘણું કહ્યા કરતા. જો તમે એમના ઉપદેશો વાંચશો તો તમને એમાંથી ખૂબ કિંમતી માર્ગદર્શન મળી શકશે. એમણે કોઇ પણ વિષયને ગૂઢ બનાવ્યા વગર શિખામણો જ આપી છે.

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધ્યાત્મિક જીવનનો મર્મ’ પુસ્તકમાંથી સંકલિત).

Total Views: 41
By Published On: October 4, 2022Categories: Bhuteshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram