(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તક ‘દિવ્ય સ્પર્શઃ શ્રીરામકૃષ્ણ સે પહલી મુલાકાતેં’માંથી આ અંશ સાભાર સ્વીકૃત છે. પુસ્તકના લેખક છે શ્રીરામકૃષ્ણ સંઘના સહાધ્‍યક્ષ પૂજ્યપાદ સ્વામી પ્રભાનંદજી મહારાજ. ગુજરાતી અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. શ્રીરામકૃષ્ણદેવે ભૈરવી બ્રાહ્મણીના માર્ગદર્શન હેઠળ શક્તિ સાધનાનું અનુષ્ઠાન કર્યું હતું. આ લેખમા ભૈરવી બ્રાહ્મણીની શ્રીરામકૃષ્ણદેવ સાથેની પ્રથમ મુલાકાતનું વર્ણન છે. -સં.)

શ્રીરામકૃષ્ણ ત્યારે પચ્ચીસ વર્ષના યુવક હતા. તેઓએ પોતાના ઓરડામાં (શ્રીરામકૃષ્ણ એ સમયે ‘બાબુની કોઠી’ના એક ઓરડામાં રહેતા હતા, જેનું નિર્માણ સર્વપ્રથમ હેસ્ટી સાહેબે કરાવ્યું હતું; પછીથી રાણી રાસમણિએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૧૮૬૯ અથવા ૧૮૭૦ દરમ્યાન પોતાના ભત્રીજા અક્ષયના મૃત્યુ સુધી શ્રીરામકૃષ્ણ આ ઓરડામાં રહેતા હતા.) પ્રવેશ કરીને પોતાના ભાણેજ હૃદયરામને બોલાવ્યો અને કહ્યું, ‘ઘાટના કિનારા પર તું ચાલ્યો જા. ત્યાં તું એક ભૈરવી (તાંત્રિક સંપ્રદાયની એક સંન્યાસિની)ને બેઠેલી જોઈશ. એને બોલાવીને અહીં લઈ આવ.’

એમનો આ આદેશ સાંભળીને હૃદયે સંકુચિત મનથી કહ્યું, ‘તે સ્ત્રી અપરિચિત હશે. બોલાવવાથી જ ભલા કેમ આવી જશે?’ એક અપરિચિત સંન્યાસિનીની સાથે વાર્તાલાપ કરવા માટે મામાજીનો આવો આગ્રહ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે આના પહેલાં તેણે ક્યારેય એમને આવું કરતા જોયા ન હતા.

શ્રીરામકૃષ્ણે ફરીથી જોર દઈને કહ્યું, ‘મારું નામ આપતાં જ તે ચાલી આવશે.’

ઈ.સ. ૧૮૬૧ની ૧૯મી ફેબ્રુઆરીના રોજ રાણી રાસમણિના દેહાવસાનના થોડા દિવસ પછીની વાત હશે. આ સમય સુધીમાં શ્રીરામકૃષ્ણ પોતાના અંતઃકરણની પ્રેરણાથી ઘણી બધી આધ્યાત્મિક અનુભૂતિઓ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. એના પછી પોતાની જન્મભૂમિ કામારપુકુરમાં થોડો વખત વિશ્રામ કરવાને માટે પણ ગયા હતા. એમનો પાંચ વર્ષની શારદામણિ સાથે વિવાહ થઈ ગયો હતો (આ વિવાહ સગાઈનો જ એક પ્રકાર હતો) અને દક્ષિણેશ્વર પાછા ફર્યા બાદથી જ ફરી પોતાની કઠોર સાધનાઓમાં ડૂબી ગયા હતા. આ વિષયમાં સ્વામી સારદાનંદજી લખે છે:

શ્રીજગદંબાને હરહંમેશ દરેકની અંદર કેવી રીતે જોઈ શકું, એ એક જ બાબતે મનનો કબજો લીધો. રાતદિવસ સ્મરણ, મનન, જપ – ધ્યાનને લીધે એમની છાતી ફરીવાર હરહંમેશ લાલચોળ રહેવા માંડી; સંસાર અને સાંસારિક વિષયની વાતો ઝેર સમી લાગવા માંડી; કાળઝાળ બળતરા ફરી એક વાર શરીરમાં શરૂ થઈ અને આંખોને ખૂણેથી નિંદર કોણ જાણે ક્યાંય આઘી સરકી ગઈ! પણ તોય, આ પ્રકારની શારીરિક અને માનસિક અવસ્થાનો અનુભવ પહેલાં એક વાર કરી ચૂક્યા હતા, તેથી તેઓ એને લીધે પહેલાંની જેમ સાવ ગભરાઈ ગયા નહિ.

હૃદયની પાસેથી સાંભળ્યું છે કે મથુરબાબુની સૂચના અનુસાર કોલકાતાના સુપ્રસિદ્ધ વૈદરાજ ગંગાપ્રસાદે ઠાકુરના વાયુપ્રકોપ, અનિદ્રા અને ગાત્રદાહ વગેરે રોગોને મટાડવા આ વખતે અનેક પ્રકારનાં ઔષધ અને તેલના ઉપચાર કર્યા. ચિકિત્સાનું ફળ જલદી ન મળવા છતાં નિરાશ થયા વગર વચ્ચે વચ્ચે હૃદય ઠાકુરને સાથે લઈને કોલકાતા વૈદરાજને ઘેર પહોંચી જતો.

એક દિવસ પ્રાતઃકાળમાં શ્રીરામકૃષ્ણ પોતાની દિનચર્યા અનુસાર ગંગાતટ પર આવેલ પુષ્પવાટિકામાં પુષ્પચયન કરતાં કરતાં કોઈ ભજન ગાઈ રહ્યા હતા. એટલામાં એમણે જોયું કે એ હોડી ‘બકુલતલા ઘાટ’ પર આવી. (દક્ષિણેશ્વરમાં ગંગાતટ પર નોબતખાનાની પાસે સ્ત્રીઓને નહાવાનો ઘાટ. પાસે જ એક વિશાળ બકુલનું ઝાડ હોવાને લીધે આવું નામ પડ્યું.) એક ભૈરવી એમાંથી ઊતરી અને સીડીઓ ચડીને ધીરે ધીરે દક્ષિણ તરફના મુખ્ય ઘાટના ચોક તરફ આગળ વધી. શ્રીરામકૃષ્ણે એને જેવી જોઈ તેવા જ તે વ્યાકુળ બની ગયા, જાણે ઘણા જ વખતથી એની રાહ જોઈ રહ્યા હોય. તેઓ ઝડપથી પોતાના ઓરડામાં પાછા આવ્યા.

ઘણી સંભાવના છે કે શ્રીરામકૃષ્ણને ભૈરવીના આગમનનો પૂર્વાભાસ થયો હોય. સંભવ છે કે શ્રીરામકૃષ્ણે પોતાની સૂક્ષ્મ યોગશક્તિથી પોતાના જીવનમાં ભૈરવીના સંબંધનું મહત્ત્વ જાણી લીધું હોય. સ્વામી સારદાનંજી લખે છે કે—ઠાકુરની પાસેથી સાંભળ્યું છે કે ભૈરવીની ઉંમર ત્યારે ચાલીસની આસપાસની હશે. પોતીકા માણસને જોઈને લોકો જે પ્રકારનું વિશેષ આકર્ષણ અનુભવે, એવો જ અનુભવ ભૈરવીને જોતાં એમને થયો.

હૃદય પોતાના પાગલ મામાના સ્વભાવથી સારી રીતે પરિચિત હતો. એટલા માટે એમના હુકમનું પાલન કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. એણે કહેવામાં આવેલ જગ્યા પર જઈને જોયું—એક લાંબા કદની સુંદર મહિલા ત્યાં બેઠી છે. તેણે ગેરુઆ વસ્ત્ર પહેરેલાં છે અને તેના વાળ વિખરાયેલા છે. ગળામાં એક રુદ્રાક્ષમાળા છે, એક હાથમાં તાડના પાનની બનેલી ટોપલીમાં થોડીક સાડીઓ અને પૂજાની સામગ્રી છે અને બીજા હાથમાં કપડાંમાં બાંધેલી થોડીક પોથીઓ. (વૈકુંઠનાથ સાન્યાલ કૃત શ્રીરામકૃષ્ણ લીલામૃત: બંગાળી પૃ.૩૩) એના વ્યવહારથી પ્રતીત થાય છે કે તે કોઈ પ્રતિષ્ઠિત પરિવારની છે. હૃદયે તેને કહ્યું, ‘મારા મામા ઈશ્વર-ભક્ત છે. તેઓ આપનાં દર્શન કરવા ઇચ્છે છે.’

આ પછીના ઘટનાક્રમોમાં હૃદયરામને વિસ્મયમાં મૂકવા માટે ઘણું બધું હતું. એને ત્યારે ઘણું જ આશ્ચર્ય થયું. જ્યારે ભૈરવી કોઈ પ્રશ્ન કર્યા વિના એની સાથે શ્રીરામકૃષ્ણના ઓરડા તરફ ચાલવા માટે ઊભી થઈ ગઈ. (રોમાં રોલાંના નીચે જણાવેલ કથનથી એ સ્પષ્ટ થાય છે કે આ રીતે દૈવયોગથી સંપન્ન થવા વાળી ઘટનાઓ ઉપર વિશ્વાસ કરવામાં આધુનિક સંશયવાદીઓને કેટલીક મુશ્કેલીઓ પડે છે. ‘અલિફલૈલામાં વર્ણવેલ કિસ્સાઓની જેમ સહજ સુંદર રૂપમાં વર્ણિત આ મિલનકથા યુરોપીય વાચકોના મનમાં સંદેહ પેદા કરે છે. મૅક્સમૂલરની જેમ તેઓ આ દંતકથામાં શ્રીરામકૃષ્ણના માનસિક વિકાસનું પ્રતીક જુએ છે. પણ છ વર્ષના લાંબા સમય સુધી જે આ શિક્ષિકા શ્રીરામકૃષ્ણ સાથે રહી, એ સમયમાં એમના વ્યક્તિત્વમાં અનેક એવાં વ્યક્તિગત લક્ષણો દૃષ્ટિગોચર થાય છે જેનાથી એ વાતમાં કોઈ સંદેહ રહેતો નથી કે તે વાસ્તવમાં એક સ્ત્રી હતી અને સ્ત્રીસુલભ દુર્બળતાઓ પણ એનામાં વિદ્યમાન હતી.’ – રોમાં રોલાં કૃત પુસ્તક ‘રામકૃષ્ણ પરમહંસ’)

ભૈરવી વર્તમાન પૂર્વ બંગાળના જૈસોર જિલ્લાના એક પ્રતિષ્ઠિત પરિવારની બ્રાહ્મણી હતી. તે વિષ્ણુ-ભક્ત અને ઉચ્ચ સાધિકા હતી તથા તાંત્રિક તેમજ વૈષ્ણવ સાહિત્યની પરમ વિદુષી હતી. એનું નામ યોગેશ્વરી હતું. રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) એનો ફક્ત ‘બામની’ (બ્રાહ્મણી) કહીને ઉલ્લેખ કરતા હતા. જીવનવૃત્તાંત લેખકો દ્વારા ઘણી વાર ‘ભૈરવી બ્રાહ્મણી’ અને ઘણી વાર ‘બ્રાહ્મણી’ શબ્દ દ્વારા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાગે છે કે એના પૂર્વાશ્રમ વિશે દક્ષિણેશ્વરમાં કોઈ જાણતું ન હતું. કોઈને એ પણ માલૂમ ન હતું કે એણે ક્યાંથી આટલી વિદ્યા મેળવી હતી અને ક્યાં તથા ક્યારે એણે સાધનાઓમાં આટલી ઉન્નતિ કરી. ભૈરવીએ ક્યારેક જ પોતાના વિશે કંઈક કહ્યું હતું.

શ્રીરામકૃષ્ણને જોતાંવેંત જ ભૈરવી આનંદ અને વિસ્મયથી અધીર થઈ ગઈ; એનાં નેત્રો સજળ બની ગયાં. એની આ વિહ્વળતાના રહસ્યનું કારણ એના શબ્દોમાં દેખાય છે. પોતાના ભાવોને સંયમિત કરવામાં સમર્થ થયા બાદ તે કહેવા લાગી, ‘બાબા, તમે તો અહીં છો! એ જાણીને કે તમે ગંગા કિનારે છો, હું તમને શોધી રહી હતી, આટલા દિવસો પછી તમારી ભાળ મળી.’ શ્રીરામકૃષ્ણે પૂછ્યું, ‘મા, તમને મારા વિશે કેવી રીતે જાણવામાં આવ્યું?’ ભૈરવી બોલી, ‘મારે તમને ત્રણ જણાને મળવાનું હતું. આ વાત મને જગદંબાની કૃપાથી પહેલેથી જ વિદિત થઈ ગઈ હતી. બે (એકનું નામ હતું ચંદ્ર અને બીજાનું, ગિરિજા. બન્નેય બારિસાલ જિલ્લાના હતા, જે અત્યારે બંગલાદેશમાં છે. એમણે કેટલીક આધ્યાત્મિક સાધનાઓ કરી હતી, પરંતુ પછીથી સિદ્ધિઓના ચક્કરમાં પડી ગયા હતા. તે લોકો પછીથી શ્રીરામકૃષ્ણને મળ્યા હતા અને એ મુલાકાતથી તે બન્નેને ઘણો જ લાભ થયો હતો.) વ્યક્તિઓની સાથે પૂર્વ બંગાળમાં પહેલાંથી જ મુલાકાત થઈ ગઈ છે. આજે અહીં તમારી સાથે પણ મુલાકાત થઈ ગઈ.’

શ્રીરામકૃષ્ણે આગંતુકનું ઘણા આદર સાથે સ્વાગત કર્યું હતું. એવું વિચારવું ખોટું નહીં હોય કે શ્રીરામકૃષ્ણે નીચે નમીને ભૈરવીને પ્રણામ કર્યા કારણ કે પોતાના સ્વભાવથી જ દરેક નારીમાં તેઓ સાક્ષાત્ જગદંબાને જોતા હતા. સ્પષ્ટરૂપે ભૈરવીએ પણ પ્રથમ દર્શનમાં જ શ્રીરામકૃષ્ણ પ્રતિ ઊંડો અનુરાગ અનુભવ્યો હતો.

ભૈરવીએ પોતાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો. તેણે પોતાના જીવનનો ઉદ્દેશ સમજાવ્યો, જેનાથી તે બારિસાલના ચંદ્ર અને ગિરિજાને આવશ્યક સાધના શીખવીને થોડાક અંશ પૂરા કરી ચૂકી હતી. અને હવે જ્યારે શ્રીરામકૃષ્ણ મળી ગયા હતા એટલે એનો તે ઉદ્દેશ પરિપૂર્ણ રૂપે સંપન્ન થઈ જશે. એ વાત સ્પષ્ટ છે કે ભૈરવીની દિવ્ય યૌગિક દૃષ્ટિએ એને તે સમજવામાં સહાયતા કરી હશે કે શ્રીરામકૃષ્ણ કેવા પ્રકારના અદ્વિતીય આધ્યાત્મિક સાધક હતા. (ગુરુદાસ બર્મન લિખિત ‘શ્રીરામકૃષ્ણ ચરિત’-બંગલા, પૃ.૨૪.)

ભૈરવીએ આગળ કહ્યું કે તેણે પહેલાંથી જ જોઈ લીધું હતું કે જ્યારે શ્રીરામકૃષ્ણ પુષ્પો ચૂંટી રહ્યા હતા ત્યારે ચાલતી વખતે એમનો ડાબો પગ પહેલાં પડતો હતો, આથી એને એવું લાગ્યું કે જાણે શ્રીમતી રાધિકા જ વૃન્દાવનમાં સોનાની ટોપલીમાં પુષ્પો ચૂંટી રહ્યાં છે. (ગુરુદાસ બર્મન લિખિત ‘શ્રીરામકૃષ્ણ ચરિત’-બંગલા.)

ત્યારે શ્રીરામકૃષ્ણ ભૈરવીની નજીક બેસીને, બાળક જેવી રીતે આનંદિત થઈને પોતાના મનની વાત માતા સમક્ષ વ્યક્ત કરે છે, બરાબર એ રીતે પોતાનાં અલૌકિક દર્શન, ઈશ્વર-અર્ચના સમયે બાહ્યજ્ઞાનનો લોપ થવો, શરીરનાં અંગોનો દાહ, ઊંઘ ન આવવી, શારીરિક વિકાર વગેરે દૈનિક વાતોને બતાવતાં બતાવતાં વારંવાર એ પૂછવા લાગ્યા, ‘એ બતાવો કે મને આવું કેમ થાય છે? શું હું ખરેખર પાગલ થઈ ગયો છું? જગદંબાને હૃદયપૂર્વક પોકારવાને લીધે શું મને સાચેસાચ જ કઠિન રોગ થઈ ગયો છે?’ ભૈરવી એમની વાતોને સાંભળતી સાંભળતી ક્યારેક માતાની જેમ ઉત્તેજિત, ક્યારેક ઉલ્લાસપૂર્ણ તથા ક્યારેક કરુણાર્દ્ર બનીને એમને સાંત્વના દેવા માટે વારંવાર કહેવા લાગી, ‘બાબા, કોણ તમને પાગલ કહે છે? આ તમારું પાગલપણું નથી, તમારી અંદર મહાભાવનો ઉદય થયો છે એટલા માટે તમારી આવી અવસ્થા થઈ છે. શું આ અવસ્થાને સમજવા માટે કોઈ સક્ષમ છે ખરું? એટલા માટે લોકો મનમાં આવે એવી વાતો કરી રહ્યા છે. એક તો શ્રીમતી રાધિકાની અને બીજા ચૈતન્ય મહાપ્રભુની પણ આવી અવસ્થા થઈ હતી. આ વાત ભક્તિશાસ્ત્રમાં વિદ્યમાન છે. મારી પાસે તે બધી પોથીઓ છે. એમાંથી હું તમને બતાવીશ કે જે લોકોએ ઈશ્વરને હૃદયપૂર્વક પોકાર્યા છે, એ બધાની આવી અવસ્થા થઈ છે.’ ભૈરવી બ્રાહ્મણી તથા પોતાના મામાને આ રીતે ઘનિષ્ઠ આત્મીયની જેમ વાર્તાલાપ કરતાં જોઈને હૃદયના આશ્ચર્યનો પાર ન રહ્યો. જ્યારે એણે સાંભળ્યું કે મામાને કોઈ જાતનો સ્નાયુ-વિકાર નથી, પણ તે એક અસાધારણ આધ્યાત્મિક અવસ્થા છે, જેને ‘મહાભાવ’ કહે છે અને જેમાં ૧૯ શારીરિક લક્ષણો જેમ કે આંસુઓનું વહેવું, શરીરમાં કંપન, રોમાંચ થવો, પરસેવો આવવો, શરીરનાં અંગોનો દાહ વગેરે જોવામાં આવે છે, આ સાંભળીને તે આશ્ચર્યથી સ્તંભિત બની ગયો. આ રીતે ઘણા આનંદમાં (ગુરુદાસ બર્મન કૃત ‘શ્રીરામકૃષ્ણ ચરિત’ પૃ. ૫૫. ભૈરવી બ્રાહ્મણીએ આ અવસર પર ‘શ્રી ચૈતન્ય ચરિતામૃત’ માંથી વાક્યો ટાંકીને પોતાના કથનની પુષ્ટિ કરી હતી કે ચૈતન્ય મહાપ્રભુની જેમ જ શ્રીરામકૃષ્ણ પણ ઈશ્વરનો અવતાર છે.) થોડોક સમય વિતાવ્યા પછી શ્રીરામકૃષ્ણે જોયું કે ઘણો જ વિલંબ થઈ ગયો છે અને દિવસ ઘણો જ ચઢી ગયો છે. વિદુષી ભૈરવી પાસેથી એ સાંભળીને કે એમનું જે કષ્ટ છે, તે આધ્યાત્મિક સાધનાની પ્રગતિનું જ સૂચક છે, એમની ઘણી બધી ચિંતાઓનો ભાર હળવો થઈ ગયો.

શ્રીરામકૃષ્ણે બ્રાહ્મણીને જલપાન માટે દેવીનો પ્રસાદ આપ્યો. શ્રીરામકૃષ્ણ પ્રતિ દિવ્ય વાત્સલ્યની અનુભૂતિને કારણે એમને ખવડાવ્યા વિના પોતાને ખાવાનું ભૈરવીને ઠીક ન લાગ્યું. એટલે શ્રીરામકૃષ્ણે એમાંથી થોડોક ભાગ પહેલો લીધો અને ત્યારે ભૈરવી બ્રાહ્મણીએ જુદાં જુદાં મંદિરોમાં દેવદર્શન કર્યા પછી પોતે પ્રસાદ ગ્રહણ કર્યો.

એ સત્ય છે કે મહદ્અંશે આધ્યાત્મિક પુરુષોના જીવનમાં બહારથી વિશેષ કંઈ જોવા મળતું નથી અને શ્રીરામકૃષ્ણ જેવી આધ્યાત્મિક વિભૂતિના વિષયમાં તો આ એથી પણ વધારે સત્ય છે. પોતાની આંખોની સામે જે બની રહ્યું હતું એને જોઈને હૃદયરામ તો વિસ્મિત બની ઊભો હતો અને વિચારતો હતો કે બ્રાહ્મણીનું દક્ષિણેશ્વરમાં આવવું એ ઈશ્વરની અદ્‌ભુત લીલાનું જ અંગ હોવું જોઈએ. પોતાના મામાના કહેવા પર તેણે મંદિરના ભંડારમાંથી ભિક્ષારૂપે લોટ, ચોખા વગેરે લાવીને ભૈરવીને આપ્યાં જેથી રસોઈ બનાવીને તે પોતાના ગળામાં લટકતી શ્રીરઘુવીર શિલાને ભોગ ધરાવી શકે.

બ્રાહ્મણીએ પંચવટીમાં રસોઈ બનાવી અને શ્રીરઘુવીરને ભોગ ધરાવ્યો. અનુષ્ઠાનના ભાગરૂપે તે પોતાના ઇષ્ટદેવનું ચિંતન કરવા લાગી અને તરત જ ગહન ધ્યાનમાં સરી પડી. ધ્યાનના ઊંડાણમાં તેને એક અભૂતપૂર્વ દર્શન થયું. એનાં બન્ને નેત્રોમાંથી પ્રેમાશ્રુની ધારા વહેવા લાગી અને બાહ્યજ્ઞાન પૂર્ણતઃ લુપ્ત થઈ ગયું. એ વખતે શ્રીરામકૃષ્ણ પંચવટી તરફથી એક અદમ્ય ખેંચાણનો અનુભવ કરવા લાગ્યા. તે પાગલની જેમ અર્ધબાહ્ય અવસ્થામાં ત્યાં પહોંચ્યા અને શ્રીરઘુવીરની સમક્ષ અર્પણ કરેલ નૈવેદ્યને આરોગવા લાગ્યા. જ્યારે શ્રીરામકૃષ્ણ નૈવેદ્યનો અધિકાંશ ભાગ આરોગી ચૂક્યા હતા ત્યારે બ્રાહ્મણીની ચેતના પરત આવી. નેત્રો ખોલતાં એ જોઈને તેના આનંદનો પાર ન રહ્યો કે જે દર્શન તેણે પોતાના ધ્યાનની ગહનતામાં કર્યું હતું એનું સામેના દૃશ્યની સાથે અદ્‌ભુત સાદૃશ્ય હતું. પોતાના દર્શનની સત્યતાને તત્કાલ પ્રમાણિત થતી જોઈને દિવ્ય આનંદથી તેનાં રોમે રોમ પુલકિત થઈ ઊઠ્યાં. તરત જ શ્રીરામકૃષ્ણની બાહ્ય ચેતના પાછી આવી અને જ્યારે એમણે અનુભવ કર્યો કે ભાવોન્માદમાં એમણે કંઈક અનુચિત કરી નાખ્યું છે. તેથી એમને ગ્લાનિ થઈ અને પોતાના આચરણને માટે ક્ષુબ્ધ થઈને તે બ્રાહ્મણીને કહેવા લાગ્યા, ‘હું આત્મવિહ્વળ થઈને જાણતો નથી કે આ પ્રકારનું આચરણ કેમ કરી બેઠો છું?’ ત્યારે બ્રાહ્મણી માતાની જેમ એમને ધીરજ આપતી બોલી, ‘બાબા, કંઈ નહીં; આ કાર્ય તમે નથી કર્યું, તમારી અંદર જે વિરાજમાન છે એણે જ કર્યું છે. ધ્યાનમાં નિમગ્ન થઈને મેં જે જોયું છે એનાથી મને નિશ્ચય થયો છે કે કોણે આવું કર્યું છે અને એનું કારણ શું છે. હું એ પણ જાણી ગઈ છું કે હવે મારા માટે પહેલાંની જેમ બાહ્યપૂજાની આવશ્યકતા નથી. આટલા દિવસો પછી મારું પૂજન સાર્થક થયું છે.’

આમ કહીને કોઈ પ્રકારનો સંશય કર્યા વિના બ્રાહ્મણીએ અવશિષ્ટ ખાદ્યસામગ્રીને દેવતાનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી. ત્યાર પછી પ્રેમાશ્રુ વહાવતી તે જે રઘુવીર શિલાનું દીર્ઘકાળથી ભક્તિ-ભાવપૂર્વક પૂજન કરતી હતી એને ગંગાના પવિત્ર જળમાં વિસર્જિત કરી દીધી. એને લાગ્યું કે હવે શિલાના પૂજનની આવશ્યકતા રહી નથી કારણ કે શ્રીરામકૃષ્ણના વ્યક્તિત્વમાં તે જીવંત રઘુવીરનાં દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહી હતી. આ અલૌકિક ક્રિયાકલાપોનો એકમાત્ર જોનાર કદાચ હૃદયરામ જ હતો, જે આશ્ચર્ય પામીને આ બધું જોઈ રહ્યો હતો અને કંઈ સમજી શકતો ન હતો કે આ બધું શું થઈ રહ્યું છે!

આ રીતે ભૈરવી બ્રાહ્મણી અને શ્રીરામકૃષ્ણમાં માતા-પુત્રનો સંબંધ સ્થાપિત થઈ ગયો. ભૈરવીને એવું લાગતું કે શ્રીરામકૃષ્ણ નંદલાલા છે અને તે પોતે જાણે માતા યશોદા છે. શ્રીરામકૃષ્ણ પણ એને પોતાની માતા અને ગુરુ સમજતા હતા. આ રીતે તે એકી સાથે એમની ભક્ત અને વિશ્વાસુ સલાહકાર બની ગઈ.

પોતાના હૃદયની આંતરિક પ્રેરણાથી પરિચાલિત થઈને શ્રીરામકૃષ્ણે પહેલાં જ આધ્યાત્મિક અનુભૂતિની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી પરંતુ એમને સંતોષ ન હતો કારણ કે હજુ પણ સાચા અર્થમાં એમને એ અવસ્થા પર પ્રભુત્વ સાંપડ્યું ન હતું. હવે એમને આ વિદુષી મહિલાના માધ્યમથી સહાય મળી ગઈ જેને એમણે પોતાની ગુરુ માની લીધી. તાંત્રિક અને વૈષ્ણવ સાધનાઓમાં નિષ્ણાત ભૈરવી ત્રણ વર્ષ સુધી વ્યવસ્થિત રીતથી પોતાના આ અપૂર્વ શિષ્યને પરંપરાગત આધ્યાત્મિક સાધના પથ ઉપર પરિચાલિત કરતી રહી અને એની સહાયતાથી શ્રીરામકૃષ્ણ સમક્ષ આધ્યાત્મિક જીવનનાં નવાં નવાં રહસ્યો પ્રગટ થતાં રહ્યાં.

આની સાથે જ ભૈરવી બ્રાહ્મણીએ પ્રાપ્ત કરેલ શાસ્ત્રજ્ઞાનના આધારે શ્રીરામકૃષ્ણના ચરિત્રનું અત્યંત સૂક્ષ્મતાથી અધ્યયન કર્યું અને શાસ્ત્રમાં વર્ણવવામાં આવેલ અવસ્થાઓ સાથે એની તુલના કરી. પોતાનાં સ્વયંનાં દર્શનોથી પણ પુષ્ટ આ જ્ઞાનના બળ પર તે એ ઘોષિત કરવાને માટે પ્રેરિત થઈ કે એકમાત્ર ઈશ્વરના અવતારમાં જ આવા પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિઓનું અભિવ્યક્ત થવું સંભવ છે. વાસ્તવમાં એ જ પ્રથમ વ્યક્તિ હતી કે જેણે શાસ્ત્રોના આધાર પર એ પ્રમાણિત કર્યું હતું કે ચૈતન્ય મહાપ્રભુની જેમ જ શ્રીરામકૃષ્ણ પણ ઈશ્વરનો અવતાર છે.

શ્રીરામકૃષ્ણની સાથે પોતાના બાર વર્ષના લાંબા સાન્નિધ્યમાં તેને પોતાની ઊણપોનું પણ ભાન થયું. પોતાના આધ્યાત્મિક પુત્ર શ્રીરામકૃષ્ણના સ્નેહપૂર્ણ તથા અપ્રતિમ માર્ગદર્શનમાં તે પોતાની ઊણપો દૂર કરવામાં સમર્થ થઈ. શ્રીરામકૃષ્ણ અને ભૈરવી બ્રાહ્મણીની આ મુલાકાત એ બન્નેની આધ્યાત્મિક યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ ઘટના માત્ર નથી, પરંતુ તે આપણને એક એવા આધ્યાત્મિક જીવનનું પણ દર્શન કરાવે છે, જેમાં સઘળું પૂર્ણતાની તરફ લઈ જાય છે.

Total Views: 539

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.