વ્યાસ દર્શન

કાશીથી આચાર્ય શંકર હિમાલય ભ્રમણ કરવાને માટે નીકળ્યા. બદરિકાશ્રમ જવાના રસ્તા પર તેઓ પ્રયાગ વગેરે તીર્થોમાં ફરીને હરિદ્વાર પહોંચ્યા અને ત્યાંથી હૃષીકેશ તરફ આગળ વધ્યા. થોડાંક બીજાં તીર્થોનાં દર્શન કરીને તેઓ બદરિકાશ્રમ પહોંચ્યા. કહેવાય છે કે અહીં જ એમણે બ્રહ્મસૂત્ર, દ્વાદશ ઉપનિષદ, ભગવદ્‌ગીતા, વિષ્ણુસહસ્ત્રનામ અને સનતસુજાતીય—આ સોળ પ્રસિદ્ધ ગ્રંથોની ભાષ્યરચના કરી. કેદારનાથ અને ગંગોત્રીનાં દર્શન કર્યાં પછી આચાર્ય ઉત્તરકાશીમાં આવ્યા.

એક દિવસ, જ્યારે શંકર શિષ્યોને પોતાનું બ્રહ્મસૂત્ર ભાષ્ય ભણાવી રહ્યા હતા, ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણ એમની સામે ઉપસ્થિત થયો અને એમની સાથે શાસ્ત્રાર્થ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. શંકરે સહમતિ આપતાં બ્રાહ્મણ એમને પ્રશ્ન કરવા લાગ્યો. શંકર પણ યોગ્ય જવાબો આપવા લાગ્યા. પ્રશ્નોનો અંત થતો ન હતો પરંતુ શંકર પણ બધા પ્રશ્નોના અનાયાસે જ જવાબો આપી રહ્યા હતા. કહેવાય છે કે આ શાસ્ત્રાર્થ સાત દિવસ સુધી ચાલ્યો. બંનેનાં અસાધારણ પાંડિત્ય, સ્મરણશક્તિ, તથા વિચાર-નૈપુણ્યે શિષ્યોને સ્તંભિત કરી દીધા. પદ્મપાદને લાગ્યું કે હોય ન હોય, આ બ્રાહ્મણ સ્વયં બ્રહ્મસૂત્રના રચયિતા વેદવ્યાસ છે. આચાર્યને પણ પદ્મપાદનું અનુમાન સાચું લાગ્યું. આઠમા દિવસે શંકરે જ્યારે વિનીતભાવથી બ્રાહ્મણનો પરિચય પૂછ્યો, તો બ્રાહ્મણ દેવતાએ પ્રસન્ન થઈને કહ્યું, ‘તમારું અનુમાન સાચું છે.’ શંકરે ત્યારે એમને આદરપૂર્વક પ્રણામ કર્યા અને વ્યાસદેવે એમને આશીર્વાદ આપતાં કહ્યું, ‘તમારી ઉંમર કેવળ સોળ વરસ જ નિર્દિષ્ટ કરવામાં આવી હતી, પરંતુ ઈશ્વરની કૃપા તથા મારા આશીર્વાદથી તમે સોળ વરસ વધારે જીવતા રહેશો. હવે તમે ભારતના પ્રખ્યાત પંડિતોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરીને સંપૂર્ણ ભારતવર્ષમાં વેદોક્ત સનાતન ધર્મની પ્રતિષ્ઠા કરો.’ આટલું કહીને વેદવ્યાસ અંતર્ધ્યાન થઈ ગયા.

કુમારિલ ભટ્ટ અને મંડન મિશ્રની સાથે મુલાકાત

આચાર્ય શંકરે અદ્વૈત વેદાંતનો પ્રચાર કરતાં કરતાં અનેક સ્થળોનું ભ્રમણ કર્યું. તેઓ સૌથી પહેલાં પ્રકાંડ વિદ્વાન કુમારિલ ભટ્ટને મળવા પ્રયાગ ગયા. ભટ્ટ બાળપણથી વેદાંતનાં અનુરાગી હતા અને નાની ઉંમરમાં જ એમણે એક પ્રખ્યાત વેદજ્ઞના રૂપમાં પ્રતિષ્ઠા મેળવી હતી. એક વાર બૌદ્ધ દર્શનનું જ્ઞાન મેળવવા માટે તેઓ છુપા વેશમાં બૌદ્ધ સંઘમાં સામેલ થઈ ગયા. પરંતુ ત્યાં જ્યારે એક બૌદ્ધ સંન્યાસીએ વેદોની નિંદા કરી તો તેઓ એને સહન ન કરી શક્યા, અને એમણે વેદના પક્ષમાં અકાટ્ય તર્ક પ્રસ્તુત કર્યો. બૌદ્ધો સમજી ગયા કે કુમારિલ વેદવિશ્વાસી પ્રચ્છન્ન હિન્દુ છે, અને એમણે વિચાર્યું કે આવી વ્યક્તિને જીવતી છોડી દેવી એમના માટે સુરક્ષિત હશે નહીં. આમ વિચારીને તેઓએ કુમારિલ ભટ્ટને છત ઉપરથી નીચે ફેંકી દીધા. નીચે પડતી વખતે કુમારિલે ભગવાનનું સ્મરણ કરી યોગસ્થ થઈને કહ્યું, ‘જો વેદ સત્ય છે, તો મારા જીવનનું પણ રક્ષણ થઈ જાય.’ ચમત્કાર એ થયો કે કુમારિલ બચી ગયા. પરંતુ કહેવાય છે કે જો કે એમણે ‘જો’ શબ્દનો પ્રયોગ કરીને વેદના સત્ય હોવાના વિષયમાં થોડોક સંશયનો ભાવ વ્યક્ત કર્યો હતો, દૈવીદંડ વિધાન પ્રમાણે એમની એક આંખમાં એક કાંટો ઘૂસી ગયો. એના પછી કુમારિલ વૈદિક કર્મકાંડનો જોરશોરથી પ્રચાર કરવામાં લાગી ગયા. એમના મત મુજબ કર્મકાંડનું અનુષ્ઠાન કરવાથી જ મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકતો હતો. પરંતુ શંકરનું દર્શન જ્ઞાનને જ મહત્ત્વ આપતું હતું. એમના પ્રમાણે ધ્યાન અને વિવેકથી જ આત્મજ્ઞાન થવું સંભવ હતું. આચાર્ય શંકર કુમારિલ ભટ્ટ સાથે શાસ્ત્રાર્થ કરવા અને જ્ઞાનમાર્ગની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે પ્રયાગ આવ્યા. પણ ત્યાં પહોંચીને એમને જાણવામાં આવ્યું કે તેઓ બૌદ્ધ સંઘમાં ખોટું આચરણ કરીને સામેલ થવાના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે તુષાનલમાં પ્રવેશી રહ્યા છે. શંકર તરત જ કુમારિલની પાસે પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં તુષોના ઢગલામાં આગ લગાડી દેવામાં આવી હતી. જ્યારે શંકરે કુમારિલને પોતાના આવવાનું પ્રયોજન બતાવ્યું, ત્યારે કુમારિલે એમને પોતાના શિષ્ય મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરવાની સલાહ આપતાં કહ્યું, ‘મંડનનો પરાજય મારા જ પરાજય સમાન છે. શાસ્ત્રાર્થમાં તે મારાથી કોઈ પણ રીતે ઓછો નથી. મંડનમિશ્ર નર્મદા અને મહિષ્મતી નદીઓના સંગમસ્થાન ઉપર આવેલ મહિષ્મતી નગરમાં રહેતા હતા. આચાર્યે હવે ત્યાં જવા માટે પ્રસ્થાન કર્યું.

Total Views: 235

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.