શંકર પોતાની શિષ્યમંડળીની સાથે નર્મદાના કિનારા પર પહોંચ્યા. થોડીક પરિચારિકાઓ પાણી લેવાને માટે નદીની તરફ જઈ રહી હતી. મંડન મિશ્રનું સરનામું પૂછતાં તેમણે કહ્યું, ‘જે ઘરના દરવાજા ઉપર પિંજરામાં બંધ કરેલ પોપટ વેદો પર ચર્ચા કરતાં જોવામાં આવે, સમજી લેજો કે તે જ મંડન મિશ્રનું ઘર છે’.

જ્યારે શંકર મંડન મિશ્રના ઘરે પહોંચ્યા ત્યારે મંડન પિતૃનું શ્રાદ્ધ કરી રહ્યા હતા અને એમના ઘરનો દરવાજો બંધ હતો. કોઈને પણ અંદર જવાની અનુમતિ ન હતી. પોતાના શિષ્યોને બહાર રાહ જોવાનું કહીને આચાર્ય યોગબળથી  આકાશમાર્ગે મંડન મિશ્રના આંગણામાં ઊતર્યા. મંડન મિશ્ર સંન્યાસીઓને સ્વાભાવિક રૂપે જ પસંદ કરતા ન હતા અને શંકરને આ પ્રમાણે આવેલા જોઈને તો તેઓ ક્રોધથી  રાતાપીળા થઈ ગયા. થોડાક વાદવિવાદ પછી શંકરે પોતાના આવવાનું કારણ બતાવ્યું. મંડન શાસ્ત્રાર્થ કરવાને માટે સહમત થઈ ગયા. બીજા દિવસે શાસ્ત્રાર્થનો પ્રારંભ થયો. મંડન મિશ્રની પત્ની ઉભયભારતીને મધ્યસ્થીના આસન પર બેસાડવામાં આવી. એણે બંને પ્રતિપક્ષીઓને ફૂલોની માળા પહેરાવીને કહ્યું, ‘જેના ગળાની માળા કરમાઈ જશે, તે પરાજિત થયેલા ગણાશે.’ કહેવાય છે કે આ બંને મહાત્માઓની વચ્ચે સાત દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. આઠમા દિવસે શંકરે પોતાના મતના સમર્થનમાં શાસ્ત્રોમાંથી એવાં ઉદાહરણો આપ્યાં કે મંડન નિરુત્તર થઈ ગયા. એમના શરીરમાંથી  પરસેવો નીકળવા લાગ્યો અને પરિણામે એમના ગળાની માળા પણ કરમાઈ ગઈ. ઉભયભારતીએ  ખચકાયા વગર પોતાના પતિને પરાજિત જાહેર કરી દીધા. મંડન મિશ્ર  આચાર્યનું શિષ્યત્વ ગ્રહણ કરીને સંન્યાસી બની ગયા અને પછીથી સુરેશ્વરાચાર્યના નામથી વિખ્યાત થયા.

કાપાલિક

સુરેશ્વરાચાર્ય તથા બીજા શિષ્યોની સાથે આચાર્ય શંકર હવે દક્ષિણની તરફ ચાલ્યા. કેટલાંયે તીર્થસ્થાનોનાં દર્શન કરતાં કરતાં તેઓ કૃષ્ણા અને તુંગભદ્રા નદીના સંગમ-સ્થાનની નજીક શ્રીશૈલમ્‌ નામના પ્રસિદ્ધ તીર્થમાં પહોંચ્યા. શ્રીશૈલમ્‌માં એ દિવસોમાં વિશેષરૂપે કાપાલિકોની પ્રધાનતા હતી. આચાર્ય દ્વારા પ્રચારિત બ્રહ્માત્મવિજ્ઞાનના વિરુદ્ધમાં તેઓએ લડાઈની ઘોષણા કરી. પરંતુ આચાર્યની સામે બધા પરાજિત થઈ રહ્યા છે એ સાંભળીને કાપાલિકોનો રાજા અત્યંત વિચલિત થઈ ગયો. એણે ઉગ્રભૈરવ નામના કાપાલિકને આચાર્યની હત્યા કરવા માટે નિયુક્ત કર્યો. કપટી ઉગ્રભૈરવે પોતાનો મતલબ સાધવા માટે પહેલાં આચાર્યને પ્રસન્ન કરીને એમનું  શિષ્યત્વ ગ્રહણ કર્યું. થોડાક દિવસો પછી ઉગ્રભૈરવ શંકરની પાસે આવ્યો અને પોતાનું મસ્તક એમના ચરણોમાં રાખીને રડવા લાગ્યો. જ્યારે શંકરે આનું કારણ પૂછ્યું તો એણે કહ્યું, ‘કૈલાસપતિ શંકરે મને વરદાન દીધું છે કે જો હું કોઈ સર્વજ્ઞ મહાત્માના મસ્તક દ્વારા રુદ્રનો હોમ કરી શકું તો હું શિવલોકમાં નિવાસ કરવાનો અધિકાર મેળવી લઈશ. આપ સર્વજ્ઞ તથા પરમ દયાળુ છો. મારી કામનાની પૂર્તિ કરીને આપ મારા જીવનને કૃતાર્થ કરો.’ આવી આર્ત પ્રાર્થના સાંભળીને આચાર્યનું હૃદય દ્રવિત થઈ  ગયું અને તેઓ જીવનદાન કરવાને માટે તૈયાર થઈ ગયા. કાપાલિકે બલિ આપવાનું સ્થાન નક્કી કરી દીધું અને આચાર્યે આવતી અમાસની મધ્યરાત્રીએ ત્યાં આવવાનું વચન આપ્યું. આચાર્ય પાસેથી મંજૂરી મેળવીને કાપાલિકે  નરબલિ પૂર્વેની પૂજાવિધિનો પ્રારંભ કર્યો.

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.