સ્વામી વિવેકાનંદે બે વખત પશ્ચિમની મુલાકાત લીધી હતી. મે, 1893 થી ડિસેમ્બર, 1896 દરમિયાનની પ્રથમ મુલાકાતમાં સ્વામીજીએ શિકાગો ધર્મ મહાસભામાં ઉપસ્થિત શ્રોતાઓને ‘અમેરિકન બહેનો અને ભાઈઓ’ના નામે સંબોધી પોતાનું વિશ્વ-વિખ્યાત પ્રવચન આપ્યું હતું. મહાસભાના સમાપન બાદ સ્વામીજીએ પૂર્વીય અમેરિકાનાં ન્યૂ યોર્ક, બોસ્ટન, શિકાગો, વગેરે રાજ્યોમાં રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ, વેદાંતદર્શન, તથા શ્રીરામકૃષ્ણદેવનાં અભૂતપૂર્વ જીવન અને સંદેશ વિશે પ્રવચનો આપ્યાં હતાં.

જૂન, 1899 થી નવેમ્બર, 1900 દરમિયાનની દ્વિતીય મુલાકાતમાં સ્વામી વિવેકાનંદે પ્રથમ પાંચ મહિના લંડન, ન્યૂ યોર્ક, તથા શિકાગોમાં પોતાના ઘનિષ્ઠ ભક્તોના સંગમાં વિતાવ્યા હતા. ત્યાર બાદ ડિસેમ્બર, 1899 થી મે, 1900 સુધીના છ મહિના સુધી તેઓએ પશ્ચિમી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વેદાંત-પ્રચાર કર્યો હતો. ફેબ્રુઆરી, 1900 સુધી તેઓએ લોસ એન્જલિસ તથા તેની આસપાસનાં શહેરોમાં પ્રવચનો અને વર્ગો લીધાં હતાં. હવે સમય આવી પહોંચ્યો હતો, કેલિફોર્નિયાના અન્ય મહાનગર સાન ફ્રાંસિસ્કોમાં વેદાંત પ્રચારનો.

27 ડિસેમ્બરથી જ સ્વામીજી સાન ફ્રાંસિસ્કોમાં વેદાંત-પ્રચાર વિશે વિચારી રહ્યા હતા. એ દિવસે એમણે શેક્સપિયર ક્લબમાં એક પ્રવચન આપ્યું હતું. પ્રવચન બાદ સ્વામીજીનાં શિષ્યા મિસિસ હેન્સબ્રોએ કહ્યું, “સ્વામીજી, જો હું સાન ફ્રાંસિસ્કો જાઉં તો તમને ગમશે જ ને.” તેઓની ઇચ્છા હતી કે તેઓ સ્વામીજીના પધારવાના થોડા દિવસો પહેલાં જઈ એમના આગમનની તૈયારી શરૂ કરે. તેઓ ક્યાં રહેશે, કોની સાથે મળશે, ક્યાં પ્રવચન આપશે, વગેરે નક્કી કરી દે, કે જેથી સ્વામીજી પધારીને તરત કાર્ય શરૂ કરી શકે. અમેરિકામાં પ્રથમ વાર બનશે કે સ્વામીજી એક શહેરમાં આગમન કરે એ પહેલાં એક અગ્રદૂત તેઓનો પ્રચાર કરશે. અત્યાર સુધી તો તેઓની ખ્યાતિ જ તેઓની અગ્રદૂત હતી!

મિસિસ હેન્સબ્રોનો આ પ્રસ્તાવ સાંભળીને જ સ્વામીજીની આંખોમાં પ્રકાશનો ચમકારો થઈ ઊઠ્યો.

“હા, હું અવશ્ય ઇચ્છું છું,” તેઓએ ઉત્તર આપ્યો.

હવે જેમ બધાંનાં કુટુંબમાં થાય છે એમ મિસિસ હેન્સબ્રોની બે બહેનોએ વિચાર્યું કે તેઓ તો પેસેડિના જેવા નાનકડા શહેરમાં રહે છે. શું તેઓની બહેન સ્વામીજીના અગ્રદૂત બની સાન ફ્રાંસિસ્કો જેવા મહાનગરમાં જઈ આત્મ-સન્માન જાળવી રાખી સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત લોકોની સાથે કુશળતાપૂર્વક સ્વામીજીના કાર્યની યોજના ઘડી શકશે? તેઓએ મિસિસ હેન્સબ્રોને કહ્યું કે રહેવા દે, આ તારું કામ નહીં.

મિસિસ હેન્સબ્રો કહે છે, “તેમને લાગતું ન હતું કે આ કાર્ય માટે મારું કદ ‘મોટું’ છે, અર્થાત્‌ પ્રભાવક છે. તેઓ એમ પણ માનતા કે હું વ્યવહારુ નથી કે બહુ બુદ્ધિમાન નથી.”

બહેનોની આ સલાહથી હતાશ થઈ મિસિસ હેન્સબ્રોએ પોતાની યોજના માંડી વાળી. પરંતુ થોડા દિવસ બાદ સ્વામીજીએ તેઓને પૂછ્યું, “તમે ક્યારે સાન ફ્રાંસિસ્કો જાઓ છો?” ચમકી ઊઠી મિસિસ હેન્સબ્રોએ ઉત્તર આપ્યો, “જો તમે ઇચ્છતા હો તો હું જઈશ જ.” અંતર્યામી સ્વામીજીએ સ્મિતવદને કહ્યું, “જો તમે એક વાર કોઈ કાર્ય કરવાનો નિર્ણય લઈ લો તો પછી કશાથી હતાશ થશો નહીં. બીજા કોઈની નહીં, માત્ર તમારા હૃદયની જ વાત સાંભળો અને તેને જ અનુસરો.”

મિસિસ હેન્સબ્રો કહે છે, “તેઓ સમજી ગયા હતા કે મને આ યોજનામાંથી વારવામાં આવી હતી.”

વિધિનું વૈચિત્ર્ય કહો કે ઠાકુરનો દિશાનિર્દેશ કહો, આ ઘટનાના થોડા દિવસો બાદ જ સ્વામીજીને સાન ફ્રાંસિસ્કો આવવાનું આમંત્રણ મળ્યું. 25 ફેબ્રુઆરી, 1900ના રોજ સાન ફ્રાંસિસ્કોની પાસેના ઓકલેન્ડ શહેરના ‘ફર્સ્ટ યુનિટેરિયન ચર્ચ’માં ધર્મ મહાસભાનું આયોજન થવાનું હતું. બેન્જામીન ફે મિલ્સ નામક એક પાદરીએ સ્વામીજીને આ ધર્મસભાને સંબોધવાનું નિમંત્રણ આપ્યું.

હવે એક મજાની વાત આવે છે. બેન્જામીન મિલ્સે પ્રસ્તાવ આપ્યો કે સ્વામીજી સાન ફ્રાંસિસ્કોનું પ્રથમ પ્રવચન આ ધર્મસભામાં આપે કે જ્યાં તેઓને એક વિશાળ શ્રોતૃવર્ગ મળી જશે. ધર્મસભા બાદ મિલ્સ સ્વયં સાન ફ્રાંસિસ્કો અને તેની આજુબાજુનાં નગરોમાં સ્વામીજીનાં પ્રવચનોનું આયોજન કરવામાં મદદ કરશે. હવે તેઓ તો મિસિસ હેન્સબ્રોની જેમ નાનકડા શહેરથી આવતાં બિનઅનુભવી અકુશળ વ્યક્તિ તો ન હતા! તેઓ સમાચારપત્રમાં જાહેરાત આપવાથી માંડી પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સાથે જો સ્વામીજીનો પરિચય કરાવી દે તો સ્વામીજીનું કામ કેટલું સરળ થઈ જાય?

મિલ્સનો આ પ્રસ્તાવ સાંભળી મિસિસ હેન્સબ્રો વધુ નિરાશ થઈ પડ્યાં. “હવે તો મારે જવાની જરૂર નથી”, તેઓએ કહ્યું. જો મિલ્સ સ્વામીજીનો પ્રચાર કરે તો અવશ્ય સ્વામીજીનાં પ્રવચનો સાંભળવા બહુસંખ્યક શ્રોતાગણ ઉપસ્થિત થશે. સ્વામીજીની અમેરિકાયાત્રાનો એક ઉદ્દેશ એ પણ હતો કે તેઓ ભારતમાં ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરવા માટે ધનભંડોળ એકત્ર કરે. માટે જ તેઓનાં પ્રવચન સાંભળવા માટે ટિકિટ રાખવામાં આવતી હતી. જો તેઓનાં પ્રવચનો સફળ થાય તો તેઓ પોતાના કાર્ય માટે પર્યાપ્ત માત્રામાં ધનસંગ્રહ કરી શકે.

પરંતુ અમેરિકા આવ્યા બાદ વિશ્વ-આચાર્ય સ્વામી વિવેકાનંદ આત્મ-સાધનરૂપ યોગ અને વેદાંતનો પ્રચાર કરવામાં એવા ડૂબી ગયા હતા કે ધનસંગ્રહરૂપી લક્ષ્ય એમના માટે ગૌણ બની ગયું હતું. પ્રવચનોમાં સફળતા મેળવવા માટે સ્વામીજી ક્યારેય વ્યવહારકુશળ બની શક્યા ન હતા.

ઉપરંતુ, પ્રથમ અમેરિકાયાત્રા દરમિયાન સ્વામીજી એક પ્રવચન ગોઠવનારી પેઢી દ્વારા ઠગાયા હતા, અને તેઓને ફરીથી કોઈને પણ પોતાના પ્રવચન-આયોજનની પરવાનગી આપવાની ઇચ્છા ન હતી. તેઓએ મિલ્સનો ધર્મ પરિષદને સંબોધવાનો પ્રસ્તાવ માત્ર સ્વીકાર્યો, નગરમાં પ્રવચન-આયોજનની જવાબદારી તો તેમણે મિસિસ હેન્સબ્રોને જ આપી.

તેઓએ કહ્યું, “આપણા કાર્યને આપણે જ અમલમાં લાવીશું. સાન ફ્રાંસિસ્કોનું પ્રથમ પ્રવચન હું વ્યક્તિગતરૂપે જ આપીશ. એક અમેરિકન મહિલા ઉપર હું ભરોસો રાખવા તૈયાર છું. એક અમેરિકન પુરુષ ઉપર હું ક્યારેક ક્યારેક ભરોસો મૂકી શકું છું. પરંતુ એક અમેરિકન પાદરી પર ભરોસો—કદાપિ નહીં.”

અમેરિકામાં સ્વામીજી કેટલાક ઉદાર વિચારસરણીવાળા પાદરીઓને મળ્યા હતા ખરા, પરંતુ તેમનો અનુભવ હતો કે કોઈ પાદરી ગમે તેટલો ઉદાર કેમ ન હોય, એનો જીવનનિર્વાહ તો પોતાના ચર્ચના ધર્માંધ અને રૂઢિચુસ્ત ઉપાસકમંડળ ઉપર જ નિર્ભર હતો. માટે જ એ ઉદાર પાદરીઓ શરૂઆતમાં ભલે સ્વામીજીની પ્રશંસા કરતા, પરંતુ છેવટે તો પોતાના ઉપાસકમંડળના દબાવ હેઠળ સ્વામીજીની નિંદા કરવાની જ શરૂઆત કરી દેતા.

આમ, ફેબ્રુઆરીની મધ્યમાં મિસિસ હેન્સબ્રો સ્વામીજીનાં અગ્રદૂત બની સાન ફ્રાંસિસ્કો રવાના થયાં.

જતા પહેલાં મિસિસ હેન્સબ્રોની સ્વામીજીનાં અન્ય એક સંનિષ્ઠ શિષ્યા મિસ મેક્લાઉડ સાથે ચર્ચા થઈ હતી કે સ્વામીજીનાં પ્રવચનો નિઃશુલ્ક રાખવાં કે નહીં. મિસ મેક્લાઉડનું માનવું હતું કે પ્રવચનો નિઃશુલ્ક ન હોવાં જોઈએ. એ સમયે મિસિસ હેન્સબ્રો અંતર્મુખી અને ઓછાબોલાં હતાં અને બહિર્મુખી અને વાચાળ મિસ મેક્લાઉડની સામે સહજતાથી નમતું જોખી દેતાં હતાં.

અનેક વર્ષો બાદ મિસિસ હેન્સબ્રોએ કહ્યું હતું કે, “સ્વામીજી સામાન્ય રીતે આ બધા નિર્ણયો અમારી ઉપર છોડી દેતા. એ સમયે હું આજની જેમ સાહસી અને સ્પષ્ટવક્તા ન હતી, નહિતર તો મેં મિસ મેક્લાઉડની ઠેકડી ઉડાવીને મનાવી લીધાં હોત કે પ્રથમ પ્રવચન તો નિઃશુલ્ક જ હોવું જોઈએ. … આજે મારો એટલો અનુભવ છે કે જો આ આયોજન આજે મારે ફરીથી કરવાનું આવત તો હું આખું અલગથી જ કરત. હું ‘કેલિફોર્નિયા એકેડમી ઓફ સાયન્સ’માં જાત અને તેઓને પ્રથમ પ્રવચનના પ્રાયોજક બનાવત અને નિઃશુલ્ક રખાવત. જો મેં આમ કર્યું હોત તો સ્વામીજીને પહેલેથી જ એક બૌદ્ધિક શ્રોતૃવર્ગ મળી ગયો હોત. ત્યાર બાદ તેઓ નિર્ણય કરત કે અહીંથી આગળ કેમ વધવું.”

પરંતુ એ સમયે તો મિસિસ હેન્સબ્રો પાસે ન હતો અનુભવ, ન હતી ઓળખાણ, કે ન હતી પ્રચાર-પ્રસારની કુશળતા, હતી માત્ર સ્વામીજી ઉપર અપૂર્વ શ્રદ્ધા અને કાર્ય કરવાનો જુસ્સો. તેઓએ પ્રથમ અઠવાડિયું સાન ફ્રાંસિસ્કોમાં રહેતા પોતાના મિત્રો અને પરિચિતો—ખાસ કરીને જેઓ ‘નવ વિચાર’માં રસ ધરાવતા હતા—તેઓની સાથે મુલાકાત કરવામાં વિતાવ્યું. તેઓએ પાઇન સ્ટ્રીટ સ્થિત ‘હોમ ઓફ ટ્રૂથ’માં સ્વામીજીના રહેઠાણની વ્યવસ્થા કરી. પ્રથમ પ્રવચન માટે હોલ ભાડે રાખ્યો, ટિકિટો છપાવી, અને 18 ફેબ્રુઆરીએ ‘સાન ફ્રાંસિસ્કો એક્ઝામિનર’ વર્તમાનપત્રમાં આ જાહેરાત આપી,

“સ્વામી વિવેકાનંદ 23 ફેબ્રુઆરી, શુક્રવારની સાંજે ‘ગોલ્ડન ગેટ હૉલ’માં પ્રવચન આપશે. વિષય છે, ‘વિશ્વધર્મનો આદર્શ’. પ્રવેશ માટે 50 પૈસા. ટિકિટ ‘શેરમેન એન્ડ ક્લે’માંથી મળશે.”

Total Views: 668

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.