(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં)

શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે શ્રીમા છે સરસ્વતી. તેઓ જ્ઞાન વિતરિત કરવા આવ્યાં છે. હિંદુ પરંપરા અનુસાર સરસ્વતી વિદ્યા અને સંગીતનાં દેવી છે; તેથી તેમણે એક હસ્તમાં પુસ્તક અને અન્ય હસ્તમાં વીણા ધારણ કરેલાં છે. 

શ્રીમા શાળામાં ગયાં ન હતાં કે ન તો સંગીત વર્ગમાં પ્રવેશ મેળવ્યો હતો. બાલ્યાવસ્થાથી તેઓ બાઉલનાં ગીતો, રામાયણપરક ભજનો, મનસાદેવીનાં ભજનો, તર્જ અને અવારનવાર અહર્નિશ ચાલતાં કીર્તનો સાંભળતાં આવતાં હતાં. 

જૂના સમયમાં ગ્રામ્ય બાળકો પોતાનાં દાદા-દાદી તેમજ વરિષ્ઠ સંબંધી પાસેથી સાંભળીને હાલરડાં અને લોકગીતો શીખતાં. શ્રીમાને બાલ્યકાળમાં સાંભળેલ ગીતો અને કથા-વાર્તાઓ યાદ હતાં. શ્રીરામકૃષ્ણ સાથે લગ્ન થયા બાદ શ્રીમા તેમની પાસેથી ઘણાં ભજનો શીખ્યાં હતાં. શ્રીમા પછીથી યાદ કરીને કહેતાં, ‘આહ! શ્રીરામકૃષ્ણ કેવા મહાન ગાયક હતા! તેમનો કંઠ અતિ મધુર હતો. તેઓ ગાતી વખતે ગીત સાથે તદાકાર થઈ જતા. તેમનો સ્વર હજુય મારા કર્ણોમાં ગુંજે છે, જ્યારે તે યાદ કરું છું ત્યારે અન્ય સ્વરો ફીક્કા જણાય છે. નરેનનો પણ કંઠ અતિ મીઠો હતો. ગિરીશનો પણ મધુર કંઠ-સ્વર હતો.’

દક્ષિણેશ્વરના નોબતખાનામાં અવસ્થાન દરમિયાન શ્રીમા અને લક્ષ્મી ઠાકુરના ઓરડામાં ચાલતાં ભજન-ગાન સાંભળતાં, રાત્રે તેઓ આ ભજનો ગાતાં. પંચવટીમાં જતી વખતે, એક દિવસે ઠાકુરે તે બંનેને ગાતાં સાંભળ્યાં. યોગિનમા પોતાની સ્મૃતિ યાદ કરીને કહેતાં, ‘શ્રીમાનો સ્વર મધુર અને સંગીતમય હતો. એક રાત્રે શ્રીમા અને લક્ષ્મી ધીમા સ્વરે ગાતાં હતાં. તેમનાં ગીતોનો રણકાર ઠાકુરનાં કર્ણો સુધી પહોંચ્યો. બીજા દિવસે તેમણે કહ્યું, ‘કાલે રાત્રે તમે ઘણું સારું ગાતાં હતાં. તે ઘણું સારું કહેવાય, સાચે જ સારું.’ આમ ઠાકુર શ્રીમાને ગાવા બાબતે પ્રોત્સાહન આપતા. ઈશ્વર સાથે અનુસંધાન કરવા માટેનો અદ્‌ભુત પથ છે સંગીત.

કેટલીક વાર શ્રીમા જયરામવાટીમાં સાંજના ટાણે રાધુ, માકુ અને નલિનીને હાલરડાં અને બાળવાર્તાઓ કહી સંભળાવતાં. એક વાર રાધુએ ફરિયાદ કરી કે તે આ બધું પહેલાં સાંભળી ચૂકી છે અને શ્રીમાને ગીત સંભળાવવાનું કહ્યું. રાધુની વિનંતીથી શ્રીમાએ ગિરીશચંદ્ર રચિત ‘ચૈતન્યલીલા’માંથી ગીત ગાઈ સંભળાવ્યું:

કેશવ કરો કરુણા દીન પર,
કુંજ-કાનન-ચારી;
માધવ મનોમોહન,
મોહન મુરલીધારી.
હરિ બોલ, હરિ બોલ,
હરિ બોલ, મન મારા. 

શ્રીરામકૃષ્ણની જેમ શ્રીમા પણ સાધુઓ અને ભક્તોને ભજન ગાવા માટે પ્રોત્સાહિત કરતાં. સરયૂબાલાએ લખ્યું છે:

“આજે સાંજના વખતે ઉદ્‌બોધનમાં કાલી-કીર્તન થયું. બેલુર મઠના સંન્યાસીઓએ તેમાં ભાગ લીધો. સંગીત કાર્યક્રમ રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થયો. સંગીત સાંભળવા સર્વ સ્ત્રીઓ ઉપરની ઓરડીમાં બેઠી. હું શ્રીમાને ચરણે તેલ ઘસતી હતી અને ત્યાં બેઠી બેઠી કીર્તન સાંભળતી હતી. 

સાધુઓ શ્રીરામકૃષ્ણદેવે ગાયેલાં ભજનો અવારનવાર ગાતા. ઉત્તેજિત થઈ શ્રીમા બોલ્યાં, ‘ઠાકુર આ જ ભજન ગાતા!’

સાધુઓ ગાઈ રહ્યા હતા:

મસ્ત થયો મન-ભમરો શ્યામાપદ નીલ કમળે,
(શ્યામાપદ નીલ કમળે, કાળીપદ નીલ કમળે)
વિષય-મધુ તુચ્છ થયા, કામાદિ કુસુમ સર્વે.
ચરણ કાળાં, ભ્રમર કાળા,
કાળામાં કાળો મળી ગયો,
પંચતત્ત્વ, પ્રધાન મા, રંગ દેખી ભંગ દીધો.
કમલાકાન્તના મનમાં,
આશા પૂર્ણ આટલા દિવસે,
તેને સુખદુઃખ સમાન થયાં,
આનંદ-સાગર ઊછળ્યો.

શ્રીમા વ્યગ્ર થઈ ઊઠ્યાં. એમના નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગ્યો. તેમણે મને કહ્યું, ‘બેટી! આવ, આપણે ઓસરીમાં જઈને આ ભજન સાંભળીએ.’ કીર્તન પૂરું થતાં મેં શ્રીમાને ચરણે પ્રણામ કર્યા અને ઘેર પાછી ફરી.”

કેટલીક વાર સંધ્યા આરતી પછી શ્રીમા પોતાની સેવિકા દ્વારા સ્વામી સારદાનંદને ભજનો ગાવાનું કહેણ મોકલાવતાં. નીચેના ખંડમાં આવેલ પોતાના કક્ષમાં સ્વામી સારદાનંદ પાસે તબલાં અને તાનપૂરો હતાં. શ્રીમાની વિનંતીથી સ્વામી પોતાના મધુર સ્વરે ભજન ગાતા:

ગાઢ અંધકારે મા, તવ ચમકે અરૂપ-રાશિ,
તેથી યોગી ધ્યાન ધરે, થઈ ગિરિગુહા-વાસી…
અનંત આંધાર-ખોળે, મહાનિર્વાણ-હિલ્લોળે,
ચિર-શાંતિ-પરિમલ, વહી વહી જાય ખાસી…
મહાકાલ-રૂપ ધારી, અંધકાર-વસ્ત્ર પહેરી,
સમાધિ-મંદિરે કોણ, રહી તું એકલી બેસી!…
અભય પદ-કમળે, પ્રેમ-વીજ ઝળહળે,
ચિન્મય મુખમંડળે, શોભે અટ્ટ અટ્ટ હાસિ…
અને બીજું ભજન પણ:
શિવસંગે સદા રંગે, આનંદે મગના…
સુધા પીને ઢળે ઢળે, પણ ઢળી પડે ન મા;
વિપરીત રતાતુરા, પદભરે કંપે ધરા;
બંને બન્યા છે પાગલાથી પર,
લજ્જાભયમાં માને ના..

કેટલીક વાર શ્રીમા સવારમાં ધ્યાન બાદ ભજનો ગણગણતાં. સ્વામી ઈશાનાનંદે નોધ્યું છે કે શ્રીમા ઠાકુરને રાત્રિના શયન બાદ પ્રભાતમાં જગાડતી વખતે હિંદી ભજનની પંક્તિઓ ગણગણતાં: 

ઊઠો લાલજી ભોર ભયો,
સુર-નર-મુનિ હિતકારી;
સ્નાન કરો, દાન દેહુ,
ગો-ગજ-કનક સુપારિ.

૧૯૧૨માં શ્રીમા વારાણસીમાં રહેતાં હતાં તે દરમિયાનની ઘટનાનો ઉલ્લેખ કરતાં સ્વામી શાંતાનંદે નોંધ્યું છે કે શ્રીમા વહેલી સવારે આ ભજન ગાતાં હતાં:

વારાણસી છે શિવનો દિવ્યવાસ,
મા અન્નપૂર્ણા શાંતિથી કરે ત્યાં નિવાસ.

જ્યારે ગિરીશચંદ્ર ઘોષના થીએટરમાંથી નટીઓ આવતી ત્યારે શ્રીમા તેમને ભજનો ગાવાનું કહેતાં. તેઓ શ્રીમાને ભજનો ગાઈને આનંદ પમાડતી, સાથે આનંદ લૂંટતી શ્રીમાની સંગાથિનીઓ અને સંન્યાસીઓ.

શ્રીમા અલૌકિક કથાવાર્તા કરનાર હતાં અને તેમની સ્મૃતિશક્તિ વિલક્ષણ હતી. તેઓ પોતાના શિષ્યો અને ભક્તોને સ્વયંના વ્યક્તિગત જીવનનું તેમજ ઠાકુર અને તેમના ભક્તોના જીવનના પ્રસંગોનું આલેખન વિગતપૂર્ણ રીતે રોચક ભાષામાં કરતાં. ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ના રચનાકાર સ્વામી સારદાનંદે આ ગ્રંથની રચના વખતે શ્રીમા પાસેથી મહત્ત્વપૂર્ણ વિગતોનું સંકલન કર્યું હતું.

Total Views: 41
By Published On: January 23, 2023Categories: Chetanananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram