(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં)

ઈશ્વર નથી તો સંન્યાસી, કે નથી તો ગૃહસ્થ, તેથી શ્રીમા તો ન હતાં સંન્યાસિની, કે ન તો ગૃહિણી. તેમણે બંનેય આદર્શો પ્રસ્તુત કર્યા હતા. પારિવારિક જીવનને આનંદપૂર્ણ બનાવવા માટે અત્યાવશ્યક બાબતો છે—પારસ્પરિક પ્રેમ અને આદરભાવ, ધૈર્ય અને સહનશીલતા, અનાસક્તિ અને કાર્યનિષ્ઠા, અનુકૂલનશીલતા અને ક્ષમાશીલતા, નિ:સ્વાર્થતા અને સહાનુભૂતિ, આનંદિતતા અને આધ્યાત્મિકતા. આનંદભર્યા ઘર માટે આ બાર ગુણો જરૂરી છે. શ્રીમા પોતાના ગૃહસંસારને આ બાર ગુણો દ્વારા નિભાવતાં હતાં. તેથી તેઓ જ્યાં પણ રહ્યાં ત્યાં શાંતિ અને આનંદ પ્રવર્તિત થતાં રહ્યાં.

શ્રીમાએ પોતાના દિવ્ય પ્રેમ, અનુકંપા અને મધુર શબ્દો દ્વારા લોકોને પોતાના કર્યા હતા. જયરામવાટીમાં એક દિવસ સૂરબાળાને કોઈકે કઠોર શબ્દો કહ્યા. એ સાંભળીને શ્રીમાએ કહ્યું, ‘કોઈને શબ્દો દ્વારા પણ ઠેસ પહોંચાડવી નહીં. અનાવશ્યકપણે અપ્રિય ભાષણ ન કરવું, કર્કશ શબ્દોનો ઉપયોગ કરતાં કરતાં વ્યક્તિ ઉદ્ધત બની જાય છે. જો વાણી પર સંયમ ન હોય તો વ્યક્તિ સંવેદનશીલતા ગુમાવે છે. ઠાકુર કહેતા કે લંગડાને પૂછવું નહીં કે તે કેમ કરીને લંગડો થયો.’

સ્વામી ઈશાનાનંદે પોતાનાં સંસ્મરણમાં નોધ્યું છે:

“એક વાર જયરામવાટીમાં શ્રીમા જ્યારે પોતાના શરીરે તેલ ચોળતાં હતાં ત્યારે કોઈક પ્રાંગણ વાળી રહ્યું હતું. કામ પૂર્ણ થતાં તે વ્યક્તિએ સાવરણી બાજુમાં ફેંકી દીધી. આ જોઈ શ્રીમાએ કહ્યું, ‘આ વળી શું? કામ પૂરું થતાં તમે સાવરણી કેવા અનાદરપૂર્વક ફેંકી? સાવરણીને ખૂણામાં સાચવીને રાખવામાં, તેને ફેંકવા જેટલો જ સમય જાય છે. એકદમ બિનમહત્ત્વની ચીજને પણ નજીવી ન ગણવી જોઈએ. તમને સાવરણીની ફરીથી જરૂર નહીં પડે? વળી, તે તમારા પરિવારનો એક ભાગ છે. તે દૃષ્ટિએ પણ તે આદર કરવા લાયક છે. સાવરણી સુધ્ધાંને આદરભાવે જોવી, નજીવામાં નજીવું કાર્ય પણ આદરભાવથી કરવું.”

શ્રીમા ન તો ઉડાઉ હતાં, ન તો કંજૂસ. પરંતુ તેઓ મીતવ્યયી હતાં. શ્રીમાને ભત્રીજીઓ, શિષ્યો અને દીક્ષા અર્થે આવતા ભક્તોની સારસંભાળ લેવાની હોવાથી, કેટલાક ભક્તો પ્રતિમાસ ઘરખર્ચ માટે નાણાં મોકલતા. લણણી સમયે અનાજ સસ્તું હોય એટલે ભક્તો શ્રીમા માટે ડાંગર ખરીદી લેતા. શ્રીમા દૂરના બજારમાંથી કરિયાણું જથ્થાબંધ ભાવે ખરીદી મંગાવતાં. શ્રીમાના ઘર પર વેરો લાદવામાં આવ્યો ત્યારે તેમણે એ મકાન ધાર્મિક સંસ્થા અંતર્ગત છે, એમ દલીલ કરી જોરદાર વિરોધ કર્યો. તેઓ કુશળ ગૃહિણી હતાં.

સ્વામી સારદાનંદે નોંધ્યું છે, ‘દર વર્ષે સુયોગ્ય સમયે જ્યારે ચોખા, કઠોળ, ગોળ અને વર્ષ દરમિયાન આવશ્યક જણાતી અન્ય ચીજવસ્તુઓ બજારમાંથી ખરીદાવડાવવાની વ્યવસ્થા કરતાં, વળી વર્ષાૠતુ પહેલાં શ્રીમા રસોઈ-બળતણ માટેનાં લાકડાંનો સંગ્રહ કરવાની, બારી-બારણાંના મરામત-કામની તથા માટીની દીવાલો અને ઘાસના છાપરાના સમારકામની વ્યવસ્થા કરાવી લેતાં. તેઓ નાનામાં નાની પ્રત્યેક બાબતો પર નજર રાખતાં.

તેઓ કોઈ પણ જાતનો બગાડ સહન કરી શકતાં નહીં. તેઓ પોતાના સેવકોને છાણ એકઠું કરીને, તેનાં છાણાં બનાવી સૂર્યના તડકામાં સૂકવવાનું જણાવતાં, જેથી તેનો બળતણ તરીકે ઉપયોગ કરાય. જ્યારે કોલકાતા કે અન્ય સ્થળોએથી પાર્સલ આવતાં ત્યારે શ્રીમા ખોખાં અને ઉપર વીંટાળાયેલ કાગળને સાચવી રાખવાનું કહેતાં કે જેથી કોઈ વાર તેનો ઉપયોગ કરી શકાય. શાકભાજી અને ફળફળાદિનાં છાલ-ફોતરાં તેમજ ભાતનું ઓસામણ ગાયોના ખાવામાં ઉપયોગમાં લેવાનું. ભોજન બાદ વધેલાં ભાત-દાળ ભિક્ષુકોને અપાતાં કે ગાયોને ખવડાવાતાં.

‘બગાડો નહીં, માગો નહીં,’ એ કથન યથાર્થ છે. જેટલો અલ્પ બગાડ, ભાવિમાં એટલી અલ્પ તંગી. પશ્ચિમના દેશોમાં થતા અન્નના બગાડમાંથી ત્રીજા વિશ્વના લોકોને જમાડી શકાય. (અમેરિકામાં થતા અન્નના બગાડ બાબતે ‘ન્યુયોર્ક ટાઇમ્સ’માં ૧૮ મે, ૨૦૦૮માં છપાયેલ લેખ સૂચવે છે—અમેરિકનો આશ્ચર્ય પમાડે તેટલો અન્નનો બગાડ કરે છે—સરકારી અધ્યયન મુજબ પોતાના વપરાશનો ૨૬% હિસ્સો—અને આ થાય છે સુપર માર્કેટ્‌સમાં, રેસ્ટોરન્ટ્‌સમાં, કેફેટેરિયાઝમાં અને તમારાં પોતાનાં જ ઘરોમાં. એક અમેરિકનને દરરોજ એક પાઉન્ડ જેટલો અનાજનો જથ્થો પૂરતો છે—૧૯૭૭ દરમિયાન હાથ ધરાયેલા અન્નના બગાડ અંગેના અભ્યાસમાં ‘ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરે’ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં યુ.એસ.એ.માં ૩૫૬ બિલિયન પાઉન્ડ ખાદ્યતેલના જથ્થામાંથી ૯૬.૪ બિલિયન પાઉન્ડ તેલ વણવપરાયેલું રહ્યું હતું. તાજાં ઉત્પાદન, દૂધ, ધાન્યની પેદાશોના જથ્થામાંથી ૨/૩ ભાગનો બગાડ થાય છે.)

રામમય (પછીથી સ્વામી ગૌરીશ્વરાનંદ) બદનગંજ હાઇસ્કૂલમાંથી અવારનવાર શ્રીમાને મળવા આવતા અને રવિવારની રજા સુધી શ્રીમા સાથે રહેતા. એક શનિવારે એક ભક્ત-સ્ત્રીએ ‘ભૂની ખીચડી’ (સ્વાદિષ્ટ વાનગી) બપોરના ભોજન માટે બનાવી અને શ્રીમાએ રામમય માટે થોડીક રાખી મૂકી. જ્યારે રામમય બપોર બાદ આવ્યા ત્યારે શ્રીમાએ તેમને તે વાનગી ખાવા આપી. રામમયે થોડીક ખાધી અને બચેલો હિસ્સો ફેંકવા જતા હતા ત્યારે શ્રીમાએ તેમને કહ્યું, ‘બેટા, આવી સારી વાનગી ફેંકીશ નહીં.’ શ્રીમાએ રામમયને પાડોશમાં રહેતી ગરીબ બાઈને બોલાવી લાવવા કહ્યું, તે બાઈ બચેલો ભાગ આનંદપૂર્વક લઈ ગઈ. પછી શ્રીમા બોલ્યાં, ‘દરેકને પોતાનો હિસ્સો હોય છે. મનુષ્યો ખાઈ શકે તેવું પશુઓને ન ખવડાવી દેવાય. પશુઓ ખાઈ શકે તેવું કૂતરાઓને ન ખવડાવી દેવાય, જે પશુ અને કૂતરા ન ખાઈ શકે, તેવું તળાવમાંની માછલીઓને નાખવું. કશાયનો બગાડ કરવો નહીં.’

પ્રબોધચંદ્ર ચટ્ટોપાધ્યાય બદનગંજ હાઇસ્કૂલના હેડમાસ્ટર હતા, અને શ્રીમાના શિષ્ય પણ. જ્યારે તેઓ જયરામવાટીમાં શ્રીમા પાસે આવતા, ત્યારે મોંઘાં ફળફળાદિ, મીઠાઈ અને અન્ય ચીજો મોટા ટોપલામાં લાવતા. શ્રીમાએ તેમને કહ્યું, ‘બેટા, ઠાકુરની કૃપાથી મારી પાસે બધુંય છે. મારે કશુંય જરૂરનું નથી. તમે ગૃહસ્થ છો અને મારા માટે આટલા બધા પૈસા ખર્ચો છો. તમારે તમારાં પત્ની અને બાળકોની સંભાળ લેવાની હોય છે અને શિક્ષણ પાછળ ખર્ચ કરવો પડે છે, અને આ ઉપહારમાં આટલો બધો ખર્ચ કર્યો?’ પ્રબોધને માઠું લાગ્યું. તેમની ઘવાયેલી લાગણીને લક્ષમાં લઈ શ્રીમાએ કહ્યું, ‘સાંભળો, બેટા! મેં આવું શા માટે કહ્યું. તમે ગૃહસ્થ છો, તમારે કંઈક બચત કરવી જોઈએ. જો તમારી પાસે બચત નહીં હોય તો સાધુસેવા કેવી રીતે કરશો? સાધુઓ કમાવા તો જતા નથી. તેઓ ગૃહસ્થોની આર્થિક સહાય પર નિર્ભય રહે છે.’ શ્રીમાનું દૂરંદેશીપણું અને તેમના પ્રત્યેનું વાત્સલ્ય જોઈ પ્રબોધ દ્રવિત થઈ ઊઠ્યા.

કોલકાતા નિવાસ દરમિયાન સાધુઓ શ્રીમા માટેના કરિયાણાનું અને અન્ય ઘરેલું બાબતોનું ધ્યાન રાખતા, જ્યારે શ્રીમા ભક્તોના આધ્યાત્મિક કલ્યાણની સંભાળ લેતાં, પરંતુ શ્રીમાની ચકોર નજર સર્વત્ર ફરતી. સરયૂબાલાએ નોંધ્યું છે:

‘એક દિવસ બપોરના ભોજન બાદ શ્રીમા આડાં પડ્યાં હતાં અને ઊંઘવાની તૈયારીમાં હતાં. તેટલામાં બલરામબાબુના ઘેરથી એક નોકર સફરજનની એક ટોપલી લઈને આવ્યો અને તેણે તે ટોપલી ઠાકુરના ઓરડામાં મૂકી. નીચે રહેલા સાધુઓને જ્યારે તેણે પૂછ્યું કે ટોપલીનું શું કરે? ત્યારે તેઓએ કહ્યું, ‘તેનો શો ઉપયોગ થઈ શકે? તેને શેરીમાં ફેંકી દેવાની.’ નોકરે તેમ કર્યુ, પરંતુ જેવો તે ગયો કે શ્રીમા તરત જ ઊઠ્યાં અને ઓસરીમાં જઈને ગલી તરફ નજર નાખતાં તેમણે મને બોલાવીને કહ્યું, ‘જો, કેવી સુંદર ટોપલી છે! અને તેઓએ તેને શેરીમાં ફેંકી દેવાનું કહ્યું. તેઓને તેની જરૂર નથી. તેઓ તો નિ:સ્પૃહી છે, અને આવી તુચ્છ વસ્તુ માટે ચિંતા સેવતા નથી! પણ આપણે તો નાનીશી ચીજ નકામી ન જવા દેવી જોઈએ! આપણે છેવટે તેને શાકનાં છોતરાં રાખવાની ટોપલી તરીકે પણ ઉપયોગ કરી શકીએ.’ આમ કહીને તેમણે તે ટોપલી અંદર મંગાવી, તેને ધોઈ અને મુકાવી દીધી. જો કે શ્રીમાના શબ્દોએ અને કાર્યે મને પાઠ ભણાવ્યો; છતાં પણ પડી ટેવ છૂટવી મુશ્કેલ!’

જાન્યુઆરીમાં આવતા, બંગાળી ‘પોષ’ મહિનાના છેલ્લા દિવસે, વિભિન્ન પ્રકારની કેક ખાવાનો પરંપરાગત રિવાજ છે. એકાદ આવા પ્રસંગે જયરામવાટીમાં તાજા ચોખા મેળવવા શ્રીમાએ ડાંગર ખાંડી, અને પછી કાળા મસૂરની દાળ તળાવમાં જોરપૂર્વક ધોઈ. શ્રીમાએ નલિની અને સૂરબાળાને પલાળેલા ચોખા અને દાળ ખરલમાં પીસીને દળદાર બનાવવાનું કહ્યું. પોતાનું સ્નાન અને પૂજાકર્મ આટોપીને શ્રીમા રસોડામાં ગયાં અને વિવિધ પ્રકારની વાનગી—સારુ ચકરી, પૂરી, રસવડાં, પેટીસાટા, અને ચોખાની ખીર તૈયાર કર્યાં. શ્રીમાએ આ સર્વ વ્યંજનોનો ઠાકુરને ભોગ નિવેદિત કર્યો અને ત્યાર બાદ ઉપસ્થિત ભક્તો અને સગાંને પ્રસાદ-વિતરણ કર્યું. સૌએ આ સ્વાદિષ્ટ ચીજો ખાઈને આનંદ માણ્યો. શ્રીમાએ આશુને કહ્યું, ‘મેં ઘણો બધો જથ્થો તૈયાર કર્યો છે અને આવતીકાલ માટે બચાવી રાખ્યો છે. જ્યારે આ બધાંને એક રાત્રિભર રાખી મૂકવામાં આવે છે ત્યારે તે વધુ સ્વાદિષ્ટ બને છે. તમે બધાં આવતીકાલે ફરી પાછાં ખાઈને આનંદિત થશો.’ બધાંને સુપેરે જમાડવા માટે શ્રીમાએ દિવસપર્યંત જે શ્રમ ઉઠાવ્યો તે જોઈને આશુ દંગ થઈ ગયો.

Total Views: 414
By Published On: February 23, 2023Categories: Chetanananda Swami0 CommentsTags: , , , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram