આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે નાસીપાસ થઈ જાય. ઠાકુર એક સરસ વાર્તા કહેતા: એક પંડિતજી નૌકામાં સવાર થઈને ગંગા પાર કરી રહ્યા છે. તેઓ નાવિકને પૂછે છે, ‘શું તેં સાંખ્ય, યોગ, પંચદશી, વગેરેનો અભ્યાસ કર્યો છે?’ નાવિક બિચારો કહે છે, ‘ના. પંડિતજી.’ એકાએક જોયું તો ગંગામાં તોફાન આવ્યું અને નૌકા ઊલટી પડી ગઈ. હવે નાવિકે પંડિતજીને પૂછ્યું, ‘શું તમને તરતાં આવડે છે?’ પંડિતજી કહે, ‘ના.’ આમ, માત્ર ભણવાથી ભવસાગર પાર ન થાય.

આધ્યાત્મિક ‘ગણતર’ અર્થાત્‌ જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યપૂર્ણ જીવન જો ન હોય તો ફરી ફરીને જન્મ લેવો પડે અને ફરી ફરીને તાપ-સંતાપ-વ્યાધિનો ભોગ બનવું પડે. શ્રીરામકૃષ્ણ આધ્યાત્મિક ગણતરના રાજા હતા. તેઓએ પોતે જ કહ્યું હતું કે તેઓ ભક્તોના રાજા થવા માગતા હતા. પરંતુ સાથે જ કોલકાતામાં રહીને અંગ્રેજી શિક્ષિત ભક્તો, સાધકો, અને જિજ્ઞાસુઓના સંપર્કમાં આવી તેઓએ પણ કેટલાક અંગ્રેજી શબ્દો શીખી લીધા હતા. તેઓના શ્રીમુખે આ શબ્દો સાંભળવાનો લહાવો જેમને મળ્યો હતો તેમના ભાગ્યની આપણે કલ્પના જ કરવી રહી.

આવો, આપણે પણ અહીં એ પ્રસંગો વાગોળીએ, જેમાં શ્રીરામકૃષ્ણે અંગ્રેજી શિક્ષિત ભક્તોને સહજ રૂપે સમજાય એ રીતે હજારો હજારો વર્ષો પુરાણી ભારતીય આધ્યાત્મિકતાનું અમૃતપાન કરાવ્યું હતું. કૌંસમાં આપેલ સંદર્ભ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નો ભાગ તથા પૃષ્ઠ સંખ્યા સૂચવે છે.

ગુલામો ‘બૂટ’-જોડાના ગોદા સવાર-સાંજ ખાય

‘બારસો મુંડા અને તેરસો મુંડી, તેનો સાક્ષી ઉદમ સાંડી’ એ વાત તો જાણો છો ને? નિત્યાનંદ ગોસ્વામીના પુત્ર વીરભદ્રના તેરસો મુંડિયા ચેલાઓ હતા. એ બધા જ્યારે સિદ્ધ થઈ ચૂક્યા ત્યારે વીરભદ્રને ડર લાગ્યો. તેને થવા લાગ્યું કે આ બધા તો સિદ્ધ થયા, લોકોને જે કહેશે તે ફળશે. જે બાજુ જાય તે બાજુ બીક. કારણ કે માણસો બિચારા અજાણતાથી આ લોકોનો અપરાધ કરે તો તેમનું અનિષ્ટ થાય. એ બધું વિચારીને વીરભદ્રે તેમને બોલાવીને કહ્યું, ‘તમે બધા ગંગામાં જઈને સંધ્યા-વંદન કરી આવો.’

એ મુંડિયાઓનું એટલું તેજ કે ધ્યાન કરતાં કરતાં સમાધિ લાગી ગઈ. ગંગાની ભરતીનું પાણી ક્યારે તેમના માથા પર ચડી ગયું તેનું તેમને ભાન નહિ; તેમજ પાછી ભરતી ઊતરી ગઈ તો પણ ધ્યાન છૂટે નહિ. એ તેરસોમાંથી એકસો કળી ગયા હતા કે વીરભદ્ર શું કહેવાના છે. ગુરુનું વચન ઉથાપાય નહિ, એટલે એ લોકો ત્યાંથી જ નાસી ગયા, વીરભદ્રને મળ્યા જ નહિ. બાકીના બારસો હાજર થયા. એટલે વીરભદ્રે કહ્યું, ‘આ તેરસો મુંડકીઓ તમારી સેવા કરશે, તમે લોકો એમને પરણી લો.’ એ લોકોએ કહ્યું, ‘જેવી આજ્ઞા, પણ અમારામાંથી સો જણ ક્યાંક ચાલ્યા ગયા છે.’

આ બારસોમાંથી દરેકને હવે સેવા-દાસી સાથે રહેવું પડતું. એટલે પછી અગાઉના જેવું તેજ રહ્યું નહિ, તપસ્યાનું એ બળ રહ્યું નહિ! સ્ત્રીઓ સાથે રહેવાથી પહેલાંનું બળ રહ્યું નહિ, કારણ કે એથી સ્વતંત્રતાનો લોપ થઈ જાય. (વિજયને) તમે બધા તો પોતે જુઓ છો ને કે બીજાની નોકરી લઈને શું થઈ ગયા છો? વળી જુઓ કેટલાય આવી ડિગ્રીવાળા, અંગ્રેજી ભણેલા ગણેલાઓ શેઠિયાઓની નોકરીમાં રહીને તેમનાં બૂટ-જોડાના ગોદા સવાર-સાંજ ખાય! એનું કારણ કેવળ ‘કામિની’. વિવાહ કરીને વહેવારની દુકાન એક વાર નાખી, એટલે પછી દુકાન ઉપાડી લેવાની ત્રેવડ રહે નહિ. એટલે પછી આવાં અપમાન ખમવાં પડે, આટલો ગુલામીનો ત્રાસ ભોગવવો પડે!’ (1.139)

ઉપાધિની સાથે સ્વભાવ બદલાય અને ‘બૂટ’ મોજાં પહેરાય

‘જુદી જુદી ઉપાધિ આવે અને એ સાથે જીવનો સ્વભાવ બદલાતો જાય. જેણે કાળી કિનારનું ધોતિયું પહેરેલું હોય તેને જોજો કે મોઢામાં એકાદું નાટકનું ગાયન આવી જાય. એ ઉપરાંત ગંજીફે રમવાનું, ફરવા જતાં હાથમાં સોટી, એવું એવું આવીને વળગે. એકાદો દૂબળો માણસ પણ જો બૂટ મોજાં પહેરે, તો તરત તે મોઢેથી સીટી વગાડવા લાગે, દાદરો ચઢતાં સાહેબ લોકોની પેઠે છલાંગ મારીને ચઢે. માણસના હાથમાં જો કલમ આવે તો કલમનો જ એવો પ્રભાવ, કે તરત એકાદો કાગળ-બાગળ હાથમાં લઈને તે તેના પર સર સર કરતોને લીટા તાણવા લાગે.’ (1.142)

અહંકારી નાનકડા ચોરને પણ ‘પોલીસ’માં પકડાવે

‘જે ‘અહંકાર’ સંસારી બનાવે, કામ-કાંચનમાં આસક્ત કરે, તેવો ‘અહંકાર’ ખરાબ. જીવ અને આત્માનો જે ભેદ પડી ગયો છે તે આ ‘અહંકાર’ વચમાં છે એટલે. પાણીની સપાટી ઉપર એક લાકડી મૂકવામાં આવે તો પાણીના બે ભાગ જેવું દેખાય, પણ ખરી રીતે તો એક જ પાણી છે, લાકડીને લીધે તે બે ભાગમાં દેખાય છે.’

‘અહંકાર એ જ લાકડી. લાકડી ઉપાડી લો એટલે એ એક જ પાણી રહે. ‘કમજાત ‘અહંકાર’ કયો? જે ‘અહંકાર’ બોલે કે શું મને ઓળખતો નથી? આટલી મારી મિલકત, મારાથી મોટો કોણ છે?, જો ચોર આવા માણસની દશ રૂપિયાની ચોરી કરે ને પકડાય, તો પહેલાં તો રૂપિયા ઝૂંટવી લે, ત્યાર પછી ચોરને ખૂબ મારે; એટલેથીયે એને છોડે નહિ, દરવાનને બોલાવીને પોલીસમાં પકડાવે અને જેલમાં નંખાવે. કમજાત અહંકાર કહેશે, ‘ખબર નથી? મારા દશ રૂપિયા ચોર્યા છે. તેની એટલી બધી હિંમત?’ (1.144)

પાકી ભક્તિ છે ‘ફોટોગ્રાફ’ના કાચ પર લગાવેલ રસાયણ જેવી

‘પરંતુ કોઈ કોઈમાં રાગ-ભક્તિ આપોઆપ આવે, સ્વતઃસિદ્ધ, નાનપણથી જ હોય, નાનપણથી જ ઈશ્વર સારુ રડે, જેમ કે પ્રહ્લાદ. વિધિવાદીય અથવા વૈધી-ભક્તિ શેના જેવી? જેમ કે પવન નાખવા સારુ પંખો કરવો, હવા કરવા માટે પંખાની જરૂર પડે તેમ.’ ‘ઈશ્વર ઉપર પ્રેમ આવે એટલા માટે જ જપ, તપ, ઉપવાસ. પરંતુ જો પશ્ચિમનો પવન એની મેળે વાય તો લોકો પંખાને મૂકી દે. ઈશ્વર ઉપર અનુરાગ, પ્રેમ, એની મેળે આવે તો જપ વગેરે કર્મોનો ત્યાગ થઈ જાય. હરિપ્રેમમાં મસ્ત થયા પછી વિધિપૂર્વકનાં કર્મો કોણ કરે?’

‘જ્યાં સુધી ઈશ્વર ઉપર પ્રેમ ન જન્મે, ત્યાં સુધી ભક્તિ કાચી ભક્તિ. ઈશ્વર ઉપર પ્રેમ આવે ત્યારે એ ભક્તિનું નામ પાકી ભક્તિ.’

‘જેની ભક્તિ કાચી હોય, તે ઈશ્વરની કથા, ઉપદેશની ધારણા કરી શકે નહિ. પાકી ભક્તિ આવે ત્યારે ધારણા કરી શકે. ફોટોગ્રાફના કાચ ઉપર જો રસાયણ લગાડેલું હોય તો જે છબી પડે તે રહી જાય. (1.147)

‘સાર્જન્ટ’ સાહેબ, અજવાળું આપ આપના પોતાના ઉપર નાખો

વિજય: ઈશ્વર-દર્શન કેવી રીતે થાય?

શ્રીરામકૃષ્ણ: ચિત્તશુદ્ધિ થયા વિના ન થાય. કામ-કાંચનથી મન મલિન થઈ રહ્યું છે, મનમાં મેલ જામ્યો છે. સોય કાદવથી ખરડાયેલી હોય તો લોહચુંબક તેને ખેંચે નહિ. ધૂળ-કાદવ ધોઈ નાખીએ તો લોહચુંબક તેને ખેંચે. તેવી રીતે મનનો મેલ આંખનાં આંસુથી ધોઈ નાખી શકાય. ‘હે ઈશ્વર, હવે એવું કામ નહિ કરું,’ એમ કહીને કોઈ પશ્ચાત્તાપથી રડે તો મેલ ધોવાઈ જાય, તો પછી ઈશ્વરરૂપી લોહચુંબક મનરૂપી સોયને ખેંચી લે. ત્યારે સમાધિ થાય, ઈશ્વર-દર્શન થાય.

‘પરંતુ હજાર પ્રયાસ કરો, પણ ઈશ્વરની કૃપા ન હોય તો કાંઈ વળે નહિ. તેમની કૃપા ન હોય તો તેમનાં દર્શન થાય નહિ. કૃપા શું સહેજે થાય? અહંકારનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. ‘હું માલિક’ એ ભાવના રહે ત્યાં સુધી ઈશ્વર-દર્શન થાય નહિ. કોઠારમાં એક માણસ રાખી દીધો હોય, એ વખતે ઘરના માલિકને જો કોઈ કહે કે આપ આવીને ચીજવસ્તુ બહાર કાઢી આપો, તો માલિક કહેશે કે ‘કોઠારમાં એક જણ રહેલો છે, એટલે હું આવીને શું કરું?’ જે પોતે ઘરસંસારનો માલિક થઈને બેઠો છે તેના હૃદયમાં ઈશ્વર સહેજે આવે નહિ.

‘કૃપા થતાંવેંત દર્શન થાય. ઈશ્વર જ્ઞાનસૂર્ય. તેમના એક કિરણથી આ જગતમાં જ્ઞાનનો પ્રકાશ પડે છે, ત્યારે જ આપણે એકબીજાને જાણી શકીએ છીએ અને જગતમાં કેટલાય પ્રકારની વિદ્યા શીખી શકીએ છીએ. તેમનો જ્ઞાન-પ્રકાશ જો એક વાર તે પોતે પોતાના ચહેરા ઉપર નાખે તો દર્શન થાય. સાર્જન્ટ (ફોજદાર) સાહેબ રાત્રે અંધકારમાં ફાનસ લઈને ફરવા નીકળે, ત્યારે તેમનું મોઢું કોઈ દેખી શકે નહિ. પરંતુ એ અજવાળાથી તે સૌનાં મોઢાં દેખી શકે અને સૌ પરસ્પર એકબીજાનાં મોઢાં જોઈ શકે.

‘જો કોઈ સાર્જન્ટ સાહેબને જોવા ઇચ્છે તો તેમને વિનંતી કરવી પડે. તેમને કહેવું પડે કે સાહેબ, કૃપા કરીને એક વાર અજવાળું આપ આપના પોતાના ઉપર નાખો, તો હું તમારાં દર્શન કરું.

‘તેમ ઈશ્વર પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ! જ્ઞાનનો પ્રકાશ એક વાર તમારા પોતાના ઉપર નાખો કે જેથી હું તમારાં દર્શન કરું. (1.148)

‘સોડા’ પીઈશ તો સાજો થઈશ

રાખાલને ઠીક નથી. એ વાત શ્રીરામકૃષ્ણ ભક્તોને કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ: આમ જુઓ, રાખાલ માંદો થઈ ગયો છે. સોડા પીએ તો મટી જશે? શું થાશે,બાપુ? રાખાલ, તું જગન્નાથનો પ્રસાદ ખા.

એ શબ્દો બોલતાં બોલતાં ઠાકુર અદ્ભુત ભાવથી ભરપૂર થયા. જાણે જોવા લાગ્યા કે સન્મુખે સાક્ષાત્ નારાયણ રાખાલરૂપે બાળદેહ ધારણ કરીને આવ્યા છે. એક બાજુ કામ-કાંચન-ત્યાગી શુદ્ધાત્મા બાલ-ભક્ત રાખાલ, બીજી બાજુ ઈશ્વર-પ્રેમમાં રાતદિવસ મસ્ત શ્રીરામકૃષ્ણનાં એ પ્રેમનાં ચક્ષુ. સહેજે વાત્સલ્ય-ભાવનો ઉદય થયો. તેઓશ્રી બાલક-રાખાલને વાત્સલ્ય-ભાવથી જોવા લાગ્યા અને ‘ગોવિંદ, ગોવિંદ,’ એ નામનું પ્રેમભર્યે સ્વરે ઉચ્ચારણ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણને જોઈને યશોદાને જે ભાવનો ઉદય થતો, આ જાણે કે તે જ ભાવ.

ભક્તો આ અદ્‌ભુત દૃશ્ય જોઈ રહ્યા છે, એટલામાં બધું સ્થિર. ‘ગોવિંદ’ નામ લેતાં લેતાં ભક્તાવતાર ઠાકુર શ્રીરામકૃષ્ણને સમાધિ થઈ છે. શરીર ચિત્રમાં આલેખેલની પેઠે સ્થિર, ઇન્દ્રિયો બધી કામ બંધ કરીને જાણે કે ચાલી ગઈ છે. દૃષ્ટિ નાસિકાગ્ર પર સ્થિર. શ્વાસ કોણ જાણે ચાલે છે કે નથી ચાલતો! શરીર માત્ર આ લોકમાં પડ્યું છે. આત્મા-પક્ષી, એમ લાગે છે કે ચિદાકાશમાં વિહરી રહ્યું છે. આટલા વખત સુધી જે સાક્ષાત્ માની પેઠે સંતાનને માટે આતુર થયા હતા, તે અત્યારે ક્યાં? આ અદ્‌ભુત ભાવાન્તરનું નામ શું સમાધિ? (1.185)

‘ક્રોસ’ લઈ શાંતિજળ છાંટવા લાગ્યો

‘ખોટું કાંઈ સારું નહિ. ખોટો ભેખ પણ સારો નહિ. ભેખના જેવું જો મન હોય તો ક્રમે ક્રમે સર્વનાશ થાય. ખોટું બોલતાં બોલતાં કે કરતાં કરતાં ધીમે ધીમે ભય નીકળી જાય. તેના કરતાં ધોળાં લૂગડાં સારાં. મનમાં આસક્તિ, વચ્ચે વચ્ચે વળી પતન થાય છે, અને બહાર ભગવાં! અતિ ભયંકર!’ એટલે સુધી કે જેઓ સત્પુરુષો છે તેમણે વિનોદમાં પણ ખોટું બોલવું કે ખોટું કામ કરવું સારું નહિ. કેશવ સેનને ત્યાં નવ-વૃંદાવન નાટક જોવા ગયો હતો. ત્યાં એક જણ કંઈક લાવ્યોઃ ક્રોસ (Cross). પાછો એ પાણી છાંટવા લાગ્યો, કહે કે શાંતિજળ. મેં જોયું તો એક જણ દારૂડિયાનો પાઠ ભજવતાં ભજવતાં છાકટાઈ કરી રહ્યો છે. (1.186)

‘ઓફિસ’માં અરજી કરશો તો ગેસ મળશે

જ્ઞાન સૌને થઈ શકે. જીવાત્મા અને પરમાત્મા. પ્રાર્થના કરો તો એ પરમાત્માની સાથે બધા જીવોનો યોગ થઈ શકે. ગેસનો નળ બધાનાં ઘર પાસે લગાવેલો છે. ગેસ કંપની પાસેથી ગેસ મળી શકે. અરજી કરો, કરતાંની સાથે જ ગેસનો બંદોબસ્ત કરી આપશે, ઘરમાં પ્રકાશ થશે. કોલકાતામાં શિયાલદહમાં ઓફિસ છે. (સૌનું હાસ્ય).

કોઈ કોઈને આત્મચૈતન્યની જાગૃતિ થઈ હોય. પણ તેનાં લક્ષણ છે. ઈશ્વર સંબંધી વાતચીત વિના બીજું કાંઈ સાંભળવું તેને ગમે નહિ. અને ઈશ્વર સંબંધી વાતચીત સિવાય બીજું કાંઈ તેને બોલવું ગમે નહિ. જેમ કે સાત સમુદ્ર, ગંગા, યમુના વગેરે નદીઓ છે, એ બધામાં જળ રહેલું છે, પરંતુ ચાતક વર્ષાનું જ પાણી પીએ. તરસથી છાતી ફાટી જાય તોય બીજું પાણી પીએ નહિ. (1.199)

હું ગાડી, તમે ‘એન્જિનિયર’

‘શું થાય? આ કાળને માટે તૈયાર થાઓ. કાળે ઘરમાં પ્રવેશ કર્યો છે, માટે પ્રભુના નામનું હથિયાર લઈને યુદ્ધ કરવું જોઈએ. બધું કરનારો એ જ. હું કહું કે ‘પ્રભુ તમે જેમ કરાવો તેમ કરું, તમે જેમ બોલાવો તેમ બોલું; હું યંત્ર, તમે યંત્રી; હું ઘર, તમે ઘરમાં રહેવાવાળા; હું ગાડી, તમે એન્જિનિયર. ભગવાનને મુખત્યારનામું સોંપો. સારા માણસ ઉપર ભાર મૂક્યો હોય તો નરસું થાય નહિ. તેની જેમ ઇચ્છા હોય તેમ કરે. (1.204)

‘ડેપ્યુટી’પદ ઈશ્વરની કૃપાથી મળ્યું છે

ઠાકુર ઓરડાની ઉત્તર બાજુની ઓસરીમાં ઊભા રહીને અધરની સાથે વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (અધરને): તમે ડેપ્યુટી. એ પદ પણ ઈશ્વરની કૃપાથી મળ્યું છે, માટે ઈશ્વરને ભૂલતા નહિ. પણ એટલું જાણજો કે સૌને એક માર્ગે જવાનું છે. અહીં તો બે દિવસને માટે જ. (1.204)

Thank you

શ્રીરામકૃષ્ણ (વૈદ્યનાથને): વાદ કરવો એ સારું નહિ, આપ શું કહો છો?

વૈદ્યનાથ: જી હા. જ્ઞાન થાય તો વાદ કરવાની ઇચ્છા જાય.

શ્રીરામકૃષ્ણ: Thank you. (સૌનું હાસ્ય). તમને (ઈશ્વરપ્રાપ્તિ) થશે. ઈશ્વરની વાત જો કોઈ બોલે તો માણસો માને નહિ. જો કોઈ મહાપુરુષ કહે કે ‘મેં ઈશ્વરને જોયો છે, તોય સાધારણ માણસો એ મહાપુરુષની વાત માને નહીં. માણસો એમ કહેશે કે એણે જો ઈશ્વરને જોયો છે તો અમને દેખાડી દે ને? પરંતુ એક દિવસમાં નાડી જોતાં શીખી શકાય કે? વૈદ્યની સાથે ઘણા દિવસો સુધી રહેવું જોઈએ. ત્યારે પછી કઈ કફની, કઈ વાતની, કઈ પિત્તની નાડી એ કહી શકાય. જેમનો નાડી જોવાનો ધંધો હોય તેમનો સંગ કરવો જોઈએ. (સૌનું હાસ્ય). (1.208)

Total Views: 552

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.