રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતીના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વડપણ હેઠળ ગુજરાતનાં તમામ કેન્દ્રોના સહયોગથી અને ગુજરાત સરકારના આર્થિક અનુદાનથી ભારતભરનાં તથા અન્ય કેટલાક દેશોનાં કેન્દ્રોના ૧૧૬ જેટલા મહંતો-સંન્યાસીઓ સ્વામી વિવેકાનંદની ચરણધૂલીથી પાવન થયેલ ગુજરાતની ધરાનાં દર્શન કરવા તા. ૧લી ફેબ્રુઆરીથી ૯મી ફેબ્રુઆરી દરમિયાન તીર્થયાત્રા પર આવ્યા હતા. તા. ૮મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં આયોજિત સમાપન સમારોહ પ્રસંગે કેટલાક સંન્યાસીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ સ્વામી શુભંકરાનંદજી મહારાજના ભજનથી થયો અને ત્યાર બાદ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તીર્થયાત્રાના આયોજન અને કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી.

રામકૃષ્ણ મિશન આશ્રમ, ગુરાપ, પ. બં. ના સચિવ પૂ. સ્વામી નિરંતરાનંદજીએ સંસ્મરણો વાગોળતાં જણાવ્યું, ‘રામકૃષ્ણ સંઘના ઇતિહાસમાં આ પહેલી ઘટના છે કે જેમાં પરિવ્રાજક સંન્યાસી  સ્વામી વિવેકાનંદનાં ચરણોથી પાવન થયેલ ધરતીનાં દર્શને સંઘના ૧૨૫ સંન્યાસીઓ માટે તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય.’

રાજકોટ આશ્રમના પૂર્વ અધ્યક્ષ અને પછીથી મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ તથા શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને યાદ કરીને તેમણે કહ્યું કે, ‘તેમના સમયથી આદર્શ ત્રિમૂર્તિઓના ઉપદેશોનો જે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો, તેના કારણે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સમગ્ર ગુજરાતમાં છવાઈ ગયેલ જોવા મળે છે. ગુજરાતના લોકો વધુ ને વધુ આધ્યાત્મિક પ્રગતિ કરે તેવી ત્રિમૂર્તિને પ્રાર્થના.’

કેરળ, હરિપાદ સ્થિત રામકૃષ્ણ મઠના અધ્યક્ષ પૂ. સ્વામી વીરભદ્રાનંદજીએ જણાવ્યું, ‘જે અસંભવ હોય અને સંભવ બની જાય તે દૈવીમાયા. વર્ષોથી ગુજરાત આવવાની મારી ઇચ્છા હતી, પરંતુ સંભવ ન બની શક્યું. આજે સ્વામીજીની કૃપાથી આ અવસર મને મળ્યો. ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવી આ અજોડ તીર્થયાત્રામાં સ્વામીજીથી પ્રેરિત ગુજરાતના લોકોનાં મેં દર્શન કર્યાં. હિંદુ સામ્રાજ્યનું જ્યારે નિર્માણ થાય ત્યારે તેની પાછળ એક સંત હોય છે. બધા ધર્મોનો સ્વીકાર કરીને ‘મેરા ભારત, અમર ભારત’નું નિર્માણ થઈ રહ્યું છે અને તેની પાછળ સ્વામી વિવેકાનંદ ઊભા છે. આ નવીન ભારતની ઝલક સમગ્ર ગુજરાતમાં મને યાત્રા દરમિયાન જોવા મળી છે. ‘ઉપનિષદથી ઉપગ્રહ’ સુધી એટલે કે આધ્યાત્મિકતાથી લઈને ટેક્નોલોજિકલ વિકાસ અહીં જોવા મળે છે.’ ‘જતાં જતાં યાદોનાં આંસુ વહાવી અમે જઈએ છીએ.’

રામકૃષ્ણ મઠ-મિશન, માલદા, પ.બં. ના સચિવ પૂ. સ્વામી ત્યાગરૂપાનંદજીએ મુંડક ઉપનિષદના શ્લોક સાથે પ્રારંભ કરી જણાવ્યું, ‘જેમ નદી ચારે બાજુથી આવીને પોતાનો પરિચય ગુમાવીને સમુદ્રમાં વિલીન થઈ જાય તેમ વિદ્વાન પોતાનાં નામ-રૂપનો પરિચય ભગવાનમાં વિલીન કરી નાખે છે અને પરમપુરુષને પ્રાપ્ત કરે છે. સ્વામીજીએ ભારત-ભ્રમણ દરમિયાન સૌથી વધુ સમય ગુજરાતમાં વિતાવ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતના લોકો તેમને પોતાનામાંના જ એક માનતા હોય. અને એ સાચું જ છે એવું આ તીર્થયાત્રા દરમિયાન મેં અનુભવ્યું છે. ગુજરાતના લોકો નમ્ર, સેવાભાવી છે એમ કહું તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. સ્વામીજી વારંવાર કહે છે, ‘Be pure, be unselfish, Everything else you will be able to achieve.’ આ જ આપણને ગુજરાત-તીર્થયાત્રા યાદ અપાવે છે. આપણું મૂળભૂત લક્ષ્ય હોવું જોઈએ કે આપણે પણ નિસ્વાર્થી બનીએ અને વિશ્વ સમક્ષ, સમાજ પ્રત્યે, પુરુષો અને સ્ત્રીઓ પ્રત્યે આપણે આપણી જવાબદારીનું વહન કરીએ.’

અરુણાચલના પાટનગર ઇટાનગર સ્થિત રામકૃષ્ણ મિશન હોસ્પિટલના સ્વામી પ્રદીપ્તાનંદજીએ ભજન પ્રસ્તુત કર્યું હતું.

રાંચી, રામકૃષ્ણ મિશન આશ્રમના પૂર્વ સચિવ પૂ. સ્વામી શશાંકાનંદજીએ જણાવ્યું, ‘મારા પૂર્વવર્તી વક્તાઓની સાથે હું સંપૂર્ણ રીતે એકમત છું. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ થી એક વાત મને સમજાઈ કે તે આપણને એકતાનો સંદેશ આપે છે. સ્વામીજીના સુંદર સ્વપ્નનું ભારત, એકત્વને પ્રાપ્ત કરવાવાળું ભારત કેવું હોવું જોઈએ; તેનું નિદર્શન મને આ તીર્થયાત્રામાં જોવા મળ્યું. ગુજરાતનાં કેન્દ્રોના સ્વામીજીઓ, બ્રહ્મચારીઓ અને સ્વયંસેવકોએ આ એકતાનું પ્રમાણ આપ્યું છે. મને યાદ નથી આવતું કે કોઈ રાજ્યમાં ક્યારેય આ પ્રકારની તીર્થયાત્રાનું આયોજન થયું હોય. શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજી, આ ત્રણેય વિભૂતિઓએ આ જ એકત્વનો સંદેશ વિશ્વને આપ્યો છે.’

આમ, તમામ વક્તા સ્વામીજીઓએ એકસૂરે આ સુખદ તીર્થયાત્રાના આયોજન અને સુવિધાઓ માટે સ્વામી નિખિલેશ્વરાનંદજી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

સમાપન વક્તવ્યમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ભવિષ્યના અન્ય કેટલાક પ્રકલ્પો વિષે માહિતી આપી. તેઓએ આભારદર્શન કરતાં તીર્થયાત્રામાં જોડાયેલ તમામ ૧૧૬ સંન્યાસીઓ, ભક્તો અને સ્વયંસેવકો પ્રત્યે આભાર વ્યક્ત હતો. અને ખાસ ‘ટુરિઝમ ડિપાર્ટમેન્ટ’ના આર્થિક અનુદાન માટે ગુજરાત સરકારનો તેમજ તન-મન-ધનથી સેવા કરનાર તમામ લોકોનો આભાર માન્યો હતો.

અંતમાં, ‘રામકૃષ્ણ શરણમ્’ ધૂન સાથે આ સમગ્ર કાર્યક્રમનું સમાપન થયું હતું.

Total Views: 504

One Comment

  1. Kamlesh Nakrani March 16, 2023 at 4:34 am - Reply

    વાહ.. અદ્ભુત ,
    આપણું અહોભાગ્ય કે એક સાથે આટલા સંન્યાસીઓના ગુર્જરી ધરા પર આપણે યજમાન થયા.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.