(સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવની પાસે યોગસાધનાનાં બધાં અંગોનું અનુષ્ઠાન કરી યોગની સર્વોચ્ચ સિદ્ધિ—નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી, તથા અમેરિકામાં સર્વપ્રથમ યોગનો પ્રચાર કર્યો હતો. જેના પરિણામે 21 જૂન પૂરા વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’ના રૂપે ઉજવાય છે. ભારતીય આધ્યાત્મિક સાધનાનું વિશ્વફલક ઉપર સન્માન આપણા સહુને માટે ગૌરવની વાત છે.

પણ એક વાત આપણે યાદ રાખવાની છે કે યોગ માત્ર સ્વાસ્થ્ય કે તંદુરસ્તી માટે જ નથી, એ ઈશ્વરપ્રાપ્તિ કે બ્રહ્મજ્ઞાનપ્રાપ્તિ માટેની સર્વાંગ સંપૂર્ણ સાધના છે. યોગદિવસ ઉપલક્ષે આવો આપણે શ્રીરામકૃષ્ણદેવ ઉપદેશિત યોગસાધનાના આધ્યાત્મિક આયામને સમજીએ. આ સંકલન શ્રી ‘મ’ લિખિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કરવામાં આવેલ છે. -સં)

જ્ઞાનયોગ

ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત લેતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા. એકલા આખો દિવસ ધ્યાન ચિંતન કરતા, રાત્રે આશ્રમમાં પાછા આવીને કંઈક ફળમૂળ ખાતા. જોવું, સાંભળવું, અડકવું વગેરે બધા વિષયોમાંથી મનને અળગું કરી રાખતા; ત્યારે જ આત્મામાં બ્રહ્મનો અનુભવ કરતા.

કલિયુગમાં અન્ન ઉપર પ્રાણનો આધાર; દેહ- બુદ્ધિ જાય નહિ. એવી અવસ્થામાં સોહમ્ (હું એ ઈશ્વર) એમ કહેવું ઠીક નહિ. બધુંય કર્યે જઈએ છીએ, અને છતાં હું બ્રહ્મ એમ બોલવું એ બરાબર નહિ. જેઓ વિષયત્યાગ કરી શકે નહિ, જેમની ‘અહંબુદ્ધિ’ કોઈ રીતે જાય નહિ, તેમને માટે ‘હું દાસ’, ‘હું ભક્ત’ એ અભિમાન સારું. ભક્તિમાર્ગે રહેવાથી પણ ઈશ્વરને પામી શકાય.

જ્ઞાની ‘નેતિ નેતિ’ કરીને વિષયબુદ્ધિનો ત્યાગ કરે, ત્યારે જ બ્રહ્મને જાણી શકે; જેવી રીતે સીડીનાં પગથિયાં છોડી છોડીને અગાસીએ પહોંચી શકાય. પરંતુ જે વિજ્ઞાની, જે વિશેષરૂપે ઈશ્વરની સાથે વાતચીત કરે તે એથીયે કંઈક વધુ અનુભવ કરે. તે જુએ કે અગાસી જે વસ્તુની બનેલી છે, એ જ ઈંટ, ચૂનો, રેતીથી પગથિયાં પણ બનેલાં છે. ‘નેતિ નેતિ’ કરી કરીને જેનો બ્રહ્મ તરીકે અનુભવ થયો છે, તે જ જીવજગત થયેલ છે. વિજ્ઞાની જુએ કે જે નિર્ગુણ તે જ સગુણ.

અગાસી ઉપર માણસ બહુ વખત રહી શકે નહિ. પાછા ઊતરી આવે. જેઓએ સમાધિસ્થ થઈને બ્રહ્મદર્શન કર્યું છે તેઓ પણ ઊતરી આવીને જુએ કે એ ઈશ્વર જ જીવજગત થઈ રહ્યો છે. સા, રે, ગ, મ, પ, ધ નિ. નિ-સૂરે વધુ વખત રહી શકાય નહિ. અહં જાય નહિ; એટલે પછી જુએ કે ઈશ્વર જ હું, તે જ જીવ, જગત, બધુંય થઈ રહેલ છે. એનું જ નામ વિજ્ઞાન. જ્ઞાનીનો માર્ગ પણ એક માર્ગ, જ્ઞાનમિશ્ર ભક્તિનો માર્ગ પણ એક માર્ગ, તેમજ વળી ભક્તિનો માર્ગ પણ એક માર્ગ. જ્ઞાનયોગ પણ ખરો, ભક્તિયોગ પણ ખરો. બધા માર્ગમાંથી ઈશ્વર પાસે જઈ શકાય. ઈશ્વર જ્યાં સુધી અહં રાખી દે, ત્યાં સુધી ભક્તિમાર્ગ જ સહેલો.

વિજ્ઞાની જુએ કે બ્રહ્મ અટળ, નિષ્ક્રિય, સુમેરુવત્. આ જગત સંસાર, ઈશ્વરના સત્ત્વ, રજ, તમ, એ ત્રણ ગુણોથી થયો છે. એ પોતે અલિપ્ત. વિજ્ઞાની જુએ કે જે બ્રહ્મ, તે જ ભગવાન; જે ગુણાતીત, તે જ ષડૈશ્વર્યપૂર્ણ ભગવાન. આ જીવ, જગત, મન, બુદ્ધિ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ બધું તેમનું ઐશ્વર્ય. (હસીને) જે શેઠને ઘરબાર હોય નહિ અથવા વેચાઈ ગયાં હોય એ શેઠ પછી શેઠ શેનો? (સૌનું હાસ્ય.) ઈશ્વર ષડૈશ્વર્યપૂર્ણ. તેને જો ઐશ્વર્ય ન હોત તો એને માનત કોણ? (સૌનું હાસ્ય.)

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 3, અધ્યાય 4)

ભક્તિયોગ

વિજ્ઞાની શા માટે ભક્તિ લઈને રહે? તેનું કારણ એ કે ‘અહંબુદ્ધિ’ જાય નહિ. સમાધિ અવસ્થામાં જાય ખરી, પણ વળી પાછી આવી પડે. અને સાધારણ જીવનો અહંભાવ કેમેય જાય નહિ. પીપળાનું ઝાડ આજ સાવ કાપી નાખો, તોય પાછું બીજે દિવસે કૂંપળ ફૂટી જ નીકળી છે! (સૌનું હાસ્ય.)

જ્ઞાનપ્રાપ્તિ પછીયે વળી કોણ જાણે ક્યાંથી અહં આવી પડે! સ્વપ્નામાં વાઘ જોયો હોય, પછી જાગી ઊઠ્યા; તોય છાતી ધબક્યા કરે! જીવને હુંપણાને લીધે જ આ બધું દુઃખ. બળદ હમ્મા (હું), હમ્મા (હું) કરે; તેથી તો એને આટલું દુઃખ. એને હળે જોડે, એ તડકો, વરસાદ સહન કરે, છેવટે વળી કસાઈ કાપે; એના ચામડામાંથી જોડા થાય, તથા ઢોલ થાય. ત્યારે ખૂબ પીટે (સૌનું હાસ્ય.)

તોય એનો છુટકારો નહિ! છેવટે એનાં આંતરડામાંથી તાંત તૈયાર થાય; એ તાંતથી પિંજારાની પિંજણ બને; ત્યારે પછી હમ્મા (હું) એમ બોલે નહિ. ત્યાર પછી બોલે ‘તુંહુ’ તુંહુ’ (તમે તમે). એ જ્યારે ‘તમે’ ‘તમે’ કહે ત્યારે છુટકારો. હે ઈશ્વર! હું દાસ, તમે પ્રભુ; હું બાળક, તમે મા.’

રામે હનુમાનને પૂછ્યું, ‘હનુમાન, તમે મને કયા ભાવે જુઓ છો?’ ત્યારે હનુમાન બોલ્યા કે ‘રામ! જ્યારે ‘હું’ એવું મને ભાન હોય છે, ત્યારે જોઉં છું કે તમે પૂર્ણ, હું અંશ; તમે પ્રભુ, હું દાસ; અને હે રામ, જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે જોઉં છું તો તમે તે જ હું, હું એ જ તમે.’

સેવ્ય-સેવક ભાવ જ સારો. અહં તો જવાનો નથી, તો પછી રહે સાલા ‘દાસ હું’ થઈને.

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 3, અધ્યાય 5)

કર્મયોગ

પૂજા, હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે જરૂર નહિ. જ્યાં સુધી હવા ન આવે ત્યાં સુધી જ પંખાની જરૂર; જો પશ્ચિમનો પવન એની મેળે આવવા માંડે તો પંખો મૂકી દેવાય. પછી પંખાની શી જરૂર?

તમે જે બધાં કર્મ કરો છો, એ બધાં સત્કર્મ. જો ‘હું કર્તા’ એ અહંકાર છોડીને નિષ્કામ ભાવથી કરી શકો, તો બહુ સારું. એ નિષ્કામ કર્મ કરતાં કરતાં જ ઈશ્વરમાં પ્રેમભક્તિ આવે. એમ નિષ્કામ કર્મ કરતાં કરતાં જ ઈશ્વરપ્રાપ્તિ થાય.

પરંતુ જેમ જેમ ઈશ્વર ઉપર ભક્તિ આવશે, તેમ તેમ કર્મો ઓછાં થશે. ગૃહસ્થના ઘરની વહુ બે જીવવાળી થઈ હોય ત્યારે તેની સાસુ તેનાં કામ ઓછાં કરી નાંખે. જેમ જેમ દિવસો વધે તેમ તેમ સાસુ તેનાં કામ ઓછાં કરતી જાય. દસ માસ થયે જરાય કામ કરવા દે નહિ; વખતે ગર્ભને કાંઈ હાનિ પહોંચે કે પ્રસવમાં તકલીફ આવે તો? (હાસ્ય.) તમે જે બધાં કર્મ કરો છો એથી તમારું પોતાનું કલ્યાણ. નિષ્કામભાવે કર્મ કરી શકો તો ચિત્તશુદ્ધિ થાય, ઈશ્વર ઉપર પ્રેમ આવે. પ્રેમ આવે એટલે પછી માણસ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. માણસ જગતનો ઉપકાર કરી શકે નહિ, ઈશ્વર જ કરે, કે જેણે ચંદ્ર, સૂર્ય બનાવ્યા છે, જેણે માબાપમાં સ્નેહ મૂક્યો છે, જેણે મહાપુરુષોમાં દયા મૂકી છે, જેણે સાધુભક્તોની અંદર ભક્તિ આપી છે. જે માણસ કામના રહિત થઈને કર્મ કરે તે પોતાનું કલ્યાણ કરે.

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 3, અધ્યાય 6)

યોગનાં વિઘ્ન

કોઈ કોઈમાં યોગીનાં લક્ષણ જોઈ શકાય; પરંતુ તેમણે પણ સાવધાન રહેવું ઉચિત. કામ-કાંચન જ યોગમાં વિઘ્નરૂપ છે. યોગભ્રષ્ટ થયેલા સંસારમાં આવી પડે; કાં તો ભોગની વાસના કંઈક રહી હોય. એ પૂરી થઈ ગયા પછી ઈશ્વર તરફ જાય, વળી પાછી એ યોગની અવસ્થા. ‘છટકી-કળ’ જાણો છો?

અમારા દેશમાં એ હોય છે. વાંસ નમાવી રાખે, તેને બરૂનો ટુકડો લગાડેલી દોરી બાંધેલી હોય, એ બરૂની સાથે માછલીને લલચાવવા સારુ કંઈક ખાવાનો ટુકડો ભરાવેલો ગલ હોય. માછલું જેવું એ ખાય કે તરત જ સટાક કરતોને છટકીને વાંસ ઊંચો થઈ જાય, વાંસનું મોઢું ઉપરની બાજુએ, અગાઉ હોય તેમ જ થઈ જાય.

જેમ કે સોનીનું ત્રાજવું. તેમાં એક બાજુ વજન પડે તો નીચેનો કાંટો ઉપરના કાંટાની સાથે એક થાય નહિ. નીચેનો કાંટો એ મન, ઉપરનો કાંટો ઈશ્વર. નીચેના કાંટાનું ઉપરના કાંટાની સાથે એક થવાનું નામ યોગ.મન સ્થિર ન થાય તો યોગ થાય નહિ. સંસારરૂપી પવન મનરૂપી દીવાને હંમેશાં ચંચળ કરે છે. એ દીવો જો જરાય હલે નહીં તો બરાબર યોગની અવસ્થા થઈ જાય.

કામ-કાંચન જ યોગમાં વિઘ્ન. વસ્તુવિચાર કરવો જોઈએ કે સ્ત્રીના શરીરમાં છે શું? રક્ત, માંસ, ચરબી, આંતરડાં, કૃમિ, મૂત્ર, વિષ્ટા વગરે. એવા શરીર પર પ્રેમ શા માટે? હું રાજસિક ભાવનો આરોપ કરતો, ત્યાગ કરવા સારુ. મને ઇચ્છા થયેલી કે સાચી જરીનો પોશાક પહેરવો, આંગળિયે વીંટી પહેરવી, લાંબી નળીવાળો હોકો પીવો. મેં સાચી જરીનો પોશાક પહેર્યો, – મથુરબાબુએ મંગાવી આપ્યો. થોડીવાર પછી મનને કહ્યું, ‘મન, આનું નામ સાચી જરીનો પોશાક! ત્યાર પછી એ બધું કાઢીને ફેંકી દીધું, પછી એ ગમ્યું નહિ. મનને કહ્યું કે મન, આનું નામ શાલ, આનું નામ વીંટી! આનું નામ નળીવાળો હોકો પીવો. અને એ બધાં ફેંકી દીધાં. પછી ફરીથી મનમાં ઇચ્છા ઊઠી જ નહિ.

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 4, અધ્યાય 2)

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.