જગતને ઈશુનો સંદેશ

11 માર્ચ, 1900ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોમાં ‘જગતને ઈશુનો સંદેશ’ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું, જેમાં સ્વામીજી કહે છેઃ

“એકની પાછળ બીજો તરંગ અવિરતપણે આવ્યા જ કરે છે. બધી બાબતોની માફક ધર્મની પ્રગતિ પણ તરંગોમાં જ થાય છે; અને દરેક મહાતરંગના શિખર ઉપર એક પ્રબુદ્ધ આત્મા, મનુષ્યજાતિનો પ્રબળ આધ્યાત્મિક નેતા અને ગુરુ ઊભો હોય છે. નાઝરેથના જિસસ આવા હતા.” (ગ્રંથમાળા 5.547)

આ પ્રવચને સ્વામીજીના શિષ્યો ઉપર અત્યંત પ્રભાવ પાડ્યો હતો. તેમનાં એક શિષ્યા મિસિસ એલન રુરબેક કહે છેઃ “મેં સ્વામીજી વિશે સાંભળ્યું હતું અને મારાથી થઈ શકે એ બધાં પ્રવચનો સાંભળવા હું જતી હતી. સાચે જ, તેઓ અમારા મનમાં જ્ઞાનનો વિસ્ફોટ કરી દેતા હતા.” સ્વામીજીના કયા પ્રવચને એમને સૌથી વધુ પ્રભાવિત કર્યાં હતાં એ પ્રશ્નના ઉત્તરમાં એમણે કહ્યુંઃ “એમનાં બધાં પ્રવચનો એક સમાન શ્રેષ્ઠ હતાં, પરંતુ મને ઈશુના જીવન અને સંદેશ ઉપરનું પ્રવચન ખાસ યાદ છે. ખ્રિસ્તી ધર્મગુરુઓ ઈશુને જેટલા સહેલાઈથી ન સમજાવી શકે એટલી પ્રેરણાદાયી અને સરળ ભાષામાં સ્વામીજીએ ઈશુ વિશે સમજાવ્યું હતું. એમણે સમજાવ્યું કે ઈશ્વર વિભિન્ન અવતારના રૂપમાં જન્મ ગ્રહણ કરે છે. આ એક નવો જ વિચાર હતો.”

ખ્રિસ્તી ધર્મ કહે છે કે ઈશ્વરે માત્ર એક જ વાર અવતાર ગ્રહણ કર્યો છે અને એ છે ઈશુના રૂપમાં. રામ, કૃષ્ણ, કે બુદ્ધ એમના મત અનુસાર સિદ્ધ મહાપુરુષો જ છે. માટે જ બધા ઈશ્વરે અનેક વાર અવતાર ગ્રહણ કર્યો છે અને હજુ પણ અવતરિત થતા રહે છે, એ વાત સાંભળી અમેરિકામાં બધા આશ્ચર્યચકિત થઈ જતા હતા.

અનુભવના સમુદ્રમાં ડૂબકી

ક્રિસ્ટીના એલ્બર્સ નામક અન્ય એક શિષ્યાએ આ સમયની એમની યાદો લખી છેઃ

હું સ્વામી વિવેકાનંદને કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં મળી હતી. આ ઈ.સ. ૧૯૦૦ની વાત છે. હું તેમનું વ્યાખ્યાન સાંભળવા ગઈ હતી. સ્વામીજી વ્યાખ્યાનના લગભગ ૨૦ મિનિટ પહેલાં પધાર્યા અને પોતાના કેટલાક મિત્રોની સાથે વાતો કરવામાં મગ્ન થઈ ગયા. હું તેમનાથી થોડી જ દૂર બેઠી હતી અને તેમનામાં ખૂબ ઊંડાણથી રસ લેતી હતી, કારણ કે મને લાગતું હતું કે તેઓ મને ઘણું આપી શકે તેમ છે. તેમની વાતો સામાન્ય વિષયો પર હતી, છતાંય તેમના વ્યક્તિત્વથી પ્રગટ થયેલી એક અદ્‌ભુત શક્તિનો બોધ મને થઈ રહ્યો હતો.

તે દિવસોમાં તેમનું સ્વાસ્થ્ય સારું નહોતું. જ્યારે તેઓ મંચ પર જવા ઊભા થયા ત્યારે એવું લાગ્યું કે જાણે તેમને તે માટે પ્રયત્ન કરવો પડ્યો હોય અને કષ્ટપૂર્વક ચાલવું પડ્યું હોય. મેં જોયું કે તેમની આંખો સૂજેલી હતી અને તેઓ જાણે પીડામાં હોય એવા જણાતા હતા. બોલતા પહેલાં ક્ષણભર તેઓ મૌન ઊભા રહ્યા અને ત્યાર પછી મેં તેમના વ્યક્તિત્વમાં એક પરિવર્તન નિહાળ્યું. તેમનો ચહેરો ઓજસથી છલકાઈ ગયો અને શરીરનાં તમામ લક્ષણો બદલાઈ ગયાં.

એમણે બોલવાનું શરૂ કર્યું, સાથે જ તેમનામાં સંપૂર્ણ બદલાવ જોવા મળ્યો. મહામાનવનું આત્મતેજ ઝળકી ઊઠ્યું. મેં તેમના વ્યાખ્યાનના પ્રચંડ પ્રભાવનો અનુભવ કર્યો, તેમના શબ્દો સાંભળવા કરતાં તો વિશેષ અનુભવવા યોગ્ય હતા. મને એવો અનુભવ થઈ રહ્યો હતો કે જાણે હું અનુભવના સમુદ્રમાં એટલી ગહન ડૂબકી મારી રહી છું કે, એટલા ઉચ્ચ માનસિક સ્તરે વિરાજિત થઈ ચૂકી છું કે વ્યાખ્યાન પૂરું થયા પછી તેમાંથી નીકળવું જાણે કષ્ટદાયક હતું.

અને તેમની આંખો તો જુઓ! કેટલી અદ્ભુત! જાણે કે ખરતા તારા—જ્યાંથી સતત સ્ફૂરણ થતું રહેતું હોય જ્યોતિનું. આજે એ દિવસને ત્રીસથી પણ વધુ વર્ષો પસાર થઈ ગયાં છે, પરંતુ મારા હૃદયમાં સ્વામીજીનું સ્મરણ સદાય તાજું રહ્યું છે અને રહેશે. પૃથ્વી ઉપર એમના દિવસો ઝાઝા ન હતા પણ કોઈના જીવનના મૂલ્યાંકનમાં આયુષ્યના સમયનું શું મહત્ત્વ છે!

ઈ.સ. ૧૮૯૩માં એક અજ્ઞાત અને અનિમંત્રિત વ્યક્તિના રૂપે તેઓ મહાનગરી શિકાગોના સભાખંડમાં પ્રવેશ્યા પણ જ્યારે તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે પૂજ્ય મહાનાયક બની ચૂક્યા હતા. તેઓ બોલ્યા. બસ, એટલું જ ઘણું હતું. તેમના અંતરાત્માના ઊંડાણમાંથી શંખનાદ ઉદ્ભવ્યો અને સંપૂર્ણ જગત ગૂંજી ઊઠ્યું. માત્ર એક જ વ્યક્તિએ અડધી દુનિયાની વિચારધારાને બદલી નાખી. આ જ તો તેમના જીવનનો ઉદ્દેશ હતો.

શરીર નાશવંત છે. મહાન ઉત્તરદાયિત્વ તેમના શરીર ઉપર બોજારૂપ બનતું ગયું. પરંતુ તેમનું કાર્ય પૂર્ણ થયું. માત્ર ૪૦ વર્ષ આ ધરતી ઉપર—પણ તે ૪૦ વર્ષ કેટલીય શતાબ્દીઓથી વધુ ગરિમામય હતા. દિવ્યલોકમાંથી તેમને એક મહાન કાર્ય પૂર્ણ કરવાના ઉદ્દેશથી મોકલવામાં આવ્યા હતા અને તે કાર્ય પૂરું કર્યા બાદ તેઓ દેવતાઓની વચ્ચે પોતાના તે જ નિયત સ્થાને પાછા ફર્યા, જ્યાંથી તેઓ આવ્યા હતા.

જગતને ભગવાન બુદ્ધનો સંદેશ

18 માર્ચ, 1900ના રોજ સ્વામીજીએ ‘જગતને ભગવાન બુદ્ધનો સંદેશ’ નામક પ્રવચન આપ્યું હતું, જેમાં તેઓ કહે છે:

“બુદ્ધના જીવનમાં એક ખાસ આકર્ષક તત્ત્વ છે. આખી જિંદગી દરમિયાન બુદ્ધ મને બહુ જ ગમ્યા છે—તેમનો સિદ્ધાંત નહિ. બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં તેમના માટે મને વધુ માન છે; એ વીરતા, એ નિર્ભયતા અને એ પ્રચંડ વિશ્વપ્રેમ પ્રત્યે મારું માથું નમે છે. માનવીના ભલા ખાતર એ જન્મ્યા હતા. બીજાઓ ભલે ઈશ્વરની શોધ કરે, બીજાઓ ભલે પોતાને માટે સત્યની શોધ કરે, પરંતુ તેમણે તો પોતાને માટે પણ સત્ય જાણવાની પરવા કરી નથી. લોકો દુ:ખી હતા તે માટે તેમણે સત્ય શોધ્યું. તેમને સહાય શી રીતે કરવી એ જ તેમનો આનંદ હતો. તેમના સમસ્ત જીવનમાં તેમણે પોતાની જાત માટે કદી વિચાર કર્યો નથી. આપણા જેવા અજ્ઞાની, સ્વાર્થી, સંકુચિત મનવાળા માનવ-પ્રાણીઓ આ માનવની મહત્તાને કદી પણ કોઈ રીતે સમજી શકવાના છીએ?

“અને તેના અદ્ભુત મગજનો તો ખ્યાલ કરો! લાગણીવેડાનું નામ નહીં. એ વિરાટ ભેજું કદી અંધશ્રદ્ધાળુ હતું જ નહીં. … તમે તમારી જાતે જ વિચાર કરતા થાઓ; તમારી જાતે જ સત્ય શોધી કાઢો; તમારી જાતે જ અનુભવ કરો. ત્યાર પછી સૌ કોઈને માટે તમને જો એ લાભદાયી લાગે તો લોકોને આપો.” (ગ્રંથમાળા, 5.265)

કોણ છે આ વિશ્વસમ્રાટ?

આ પ્રવચન સાંભળવા એકત્ર થયેલ શ્રોતાઓમાંના એક હતા અર્નેસ્ટ બ્રાઉન. તેઓ સ્વામીજીના એકનિષ્ઠ શિષ્ય બની ગયા હતા, તથા સ્વામીજીના ભારત પાછા ફર્યા બાદ તેઓ સાન ફ્રાંસિસ્કો વેદાંત સોસાયટીના સદસ્ય અને પછીથી અધ્યક્ષ પણ બન્યા હતા. તેઓ પ્રવચન વિશે પોતાનાં સંસ્મરણ તાજાં કરતાં લખે છેઃ

અમે પ્રવચન હૉલમાં પ્રવેશ કર્યો એ સમયે સ્વામીજી ઉપસ્થિત ન હતા, તેથી અમે અમારું સ્થાન ગ્રહણ કર્યું. અચાનક બાજુના ઓરડામાંથી ગેરુઆ-પરિહિત એક સંન્યાસીએ મંચ ઉપર આરોહણ કર્યું. મેં આશ્ચર્યચકિત થઈ વિચાર્યું, ‘કોણ છે આ? એક વિશ્વસમ્રાટ?’ તેઓની ચાલ એક દેવતા જેવી હતી, તેઓ જાણે કે શાસન કરવા માટે જ જન્મ્યા હતા. સ્વામીજીએ જ્યારે મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું ત્યારે શ્રોતાઓએ એમને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. પરંતુ સ્વામીજી સહેજ પણ વિચલિત થયા વગર સ્થિર થઈ બેસી રહ્યા, જ્યારે એમના ચહેરા ઉપર પ્રજ્વલી રહી હતી અંતરની દિવ્ય શાંતિ. ત્યારબાદ તેઓ ઊભા થયા અને શ્રોતાઓની દિશામાં પોતાના હાથ ઊંચા કર્યા. તત્ક્ષણાત્‌ એટલી ગભીર નીરવતા ફેલાઈ ગઈ કે આપણે એને અંતરમાં અનુભૂત કરી શકીએ. મેં મારા મિત્રને કહ્યુંઃ ‘આટલા વિશાળ શ્રોતૃવૃંદને વશ કરીને ક્ષણભરમાં શાંત કરી દઈ શકે એવી આ વ્યક્તિ છે કોણ? સ્પષ્ટ છે કે લોકોને આધીન કરવાની કળા એમને હસ્તગત છે.’

Total Views: 230

One Comment

  1. મનિષ રાજ્યગુરુ, હરિદ્વાર July 26, 2023 at 1:50 am - Reply

    અદ્ભૂત વર્ણન કર્યું છે. વિદેશી માનુની માટે નતમસ્તક થઇ જવાય તેવી પ્રભાવક રજુઆત.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.