જ્ઞાન અને સત્ય

સ્વામી વિવેકાનંદ કહે છે: “કેવળ જ્ઞાન જ આપણને પૂર્ણ બનાવે છે. જે સત્યરૂપી ઈશ્વરને ભક્તિપૂર્વક અનુસરે, તેની પાસે સત્યરૂપી ઈશ્વર પ્રગટ થાય.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 3, Pg. 284)

અહીંયાં સ્વામીજી બે આદર્શ વ્યક્ત કરે છે. એક છે સત્ય અને બીજું છે જ્ઞાન. વેદાંતની દૃષ્ટિએ જ્ઞાન અર્થાત્‌ ‘બ્રહ્મ સત્ય જગત્‌ મિથ્યા.’ ઉપનિષદના ચાર મહાવાક્યો કહે છે:

प्रज्ञानम् ब्रह्म,
अयम् आत्मा ब्रह्म,
तत् त्वम् असि,
अहम् ब्रह्म अस्मि।

અર્થાત્‌ હું આ શરીર નથી, ઇન્દ્રિયો નથી, કે નથી મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર. હું તો છું આ દેહથી પર એક અતીન્દ્રિય આત્મા. આ અનુભૂતિને કહે છે જ્ઞાન.

અને સત્ય શું છે? સત્ય એટલે પ્રતિદિન આપણે અન્ય લોકો સાથે જે વ્યવહાર કરીએ છીએ, તેમાં કરવામાં આવતું સત્ય અને પ્રામાણિકતાનું પાલન. જ્ઞાન અર્થાત્‌ ઈશ્વર સાથે આપણો સંબંધ તથા સત્ય એટલે આપણો આપણી આસપાસના લોકો સાથેનો સંબંધ. અન્ય લોકો સાથેનો આપણો સંબંધ સત્યના આધાર પર હોય છે, જ્યારે ઈશ્વર સાથેનો આપણો સંબંધ જ્ઞાન આધારિત હોય છે.

જ્ઞાન એટલે શું?

આપણે ધન-સંપત્તિ, પ્રતિષ્ઠા કે માન-યશની પાછળ આંધળી દોડ લગાવીએ છીએ. જો કે આ તો બહુ સ્થૂળ વસ્તુઓ છે. આ ઉપરાંત, આપણી અનેક સૂક્ષ્મ વાસનાઓ પણ હોય છે. ઉદાહરણ તરીકે, આપણે કોઈ સંસ્થામાં સેવા આપતા હોઈએ, કોઈ કંપનીમાં નોકરી કરતા હોઈએ, કે જે પરિવારમાં રહેતા હોઈએ—ત્યાં બધે આપણે કેટલાક એવા લોકોને જોઈએ છીએ કે જેઓ હંમેશાં લોકોની દૃષ્ટિ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરતા રહેતા હોય, કે લોકોનું એટેન્શન (attention) ખાઈ જવાનો પ્રયત્ન કરતા હોય. એમની એવી લાલસા હોય છે કે લોકો એમના કાર્યની નોંધ લે. તેઓ ઇચ્છે કે લોકો માત્ર એમની સાથે જ વાત કરે, બીજા કોઈની સાથે નહીં. આને કહેવાય attention seeking behaviour અર્થાત્‌ લોક-નજરમાં રહેવાનો રોગ.

પ્રશંસા કદાચ એ લોકો ન ઇચ્છે, કારણ કે પ્રશંસા માણવી એ એક સ્થૂળ ભોગ છે. બીજું પ્રશંસાની પાછળ દોડવાથી લોકોમાં પણ હાંસીપાત્ર બની જાય છે! શાળામાં તમે જોશો કે આવા વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષક ભણાવતા હોય ત્યારે કારણ વિનાના પ્રશ્નો કર્યા કરશે કે જેથી બાકીના વિદ્યાર્થીઓ તેમની સામે જોશે અને એમના વિશે વાતો કરશે.

જ્યારે તેઓની આ ઇચ્છાની પૂર્તિ નથી થતી ત્યારે તેઓ નાના બાળકોની જેમ ત્રાગાં કરશે. મા જ્યારે શિશુને એની મનગમતી વસ્તુ ન આપે ત્યારે એ કેવું રોવાનું અને ચીસો પાડવાનું ચાલુ કરી દે છે! મોટા થયા પછી આપણે રોઈ-રોઈને ચીસો તો નથી પાડતા, પરંતુ અણગમો વ્યક્ત કરવાનાં ઘણાં માધ્યમો શોધી કાઢીએ છીએ. કામિની-કાંચનરૂપી સ્થૂળ ભોગ-વાસનાનું જ આ સૂક્ષ્મ માનસિક સ્વરૂપ છે.

ઠાકુરે કહ્યું છે કે કામિની-કાંચનનો ત્યાગ કરવો. માટે આપણે યથાસંભવ એનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આ માનસિક ભોગનું સૌથી મોટું જોખમ એ છે કે આને આપણે ભોગના રૂપમાં સ્વીકારતા પણ નથી અને પરિણામે એનો પ્રતિકાર કરવાનો પણ પ્રયત્ન કરતા નથી.

નિષ્કર્ષ એ છે કે બાહ્ય-ભૌતિક ભોગ હોય કે સૂક્ષ્મ માનસિક વાસનાઓ હોય, જે દિવસે આપણને સમજાઈ જશે એ બધી અસ્થાયી, ક્ષણભંગુર છે— એ દિવસે આપણને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે.

જેમ કે, નારદ મુનિની એક વાર્તા છે. નારદ મુનિ તો એક બ્રહ્મચારી, ત્યાગી પુરુષ હતા. એમને સાંસારિક માયાજાળની મોહિનીશક્તિ કેટલી પ્રચંડ હોય છે એ વાતનો અંદાજ ન હતો. એક દિવસ તેઓએ ભગવાન વિષ્ણુ સાથે વાર્તાલાપ કરતાં કહ્યું કે, “પ્રભુ, સંસારની માયામાં લિપ્ત લોકો કેટલા મૂર્ખ હોય છે!” આથી ભગવાન વિષ્ણુ નારદને માયાનું આકર્ષણ કેટલું ભયંકર, કેટલું ઘાતક (lethal) છે એ વાતની પ્રતીતિ કરાવવા એક ગામના સીમાડે લઈ ગયા અને પોતાના માટે આ ગામના કોઈ ઘરમાંથી પીવાનું પાણી લઈ આવવા કહ્યું. નારદે કહ્યું, “ઠીક છે, પ્રભુ! આપ અહીં વિશ્રામ કરો. હું આપને માટે પાણી લઈને આવું છું.”

તેઓએ એક ઘરમાં જઈને પાણી માગ્યું તો એક યુવતીએ આવીને પાણી આપ્યું. એ યુવતીના સૌંદર્યથી આકર્ષાઈને નારદ પ્રભુની જલતૃષ્ણાની વાત ભૂલી ગયા અને યુવતીના પિતાની પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પિતાએ પણ નારદ મુનિની દિવ્ય આભા અને તેજસ્વી મુખમંડળ જોઈને આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. આમ નારદ મુનિનો વિવાહ થયો, સંતાનો પણ થયાં, અને તેમનું દાંપત્ય જીવન સુખેથી ચાલ્યા માંડ્યું. એક દિવસ અચાનક ગામની નદીમાં પૂર આવ્યું અને નારદ મુનિનાં ઘરબાર, સંતાનો-પત્ની બધું જ નદીના પ્રવાહમાં તણાવા લાગ્યું. તેઓ ઘરની વસ્તુઓ બચાવવા ગયા તો પત્ની તણાઈ ગઈ, અને પત્નીને બચાવવા ગયા તો બાળકો તણાઈ ગયાં. આ વિનાશ જોઈને નારદ મુનિ અત્યંત ભગ્ન-હૃદયે નદીકિનારે બેસીને રુદન કરવા લાગ્યા. એકાએક વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને પૂછ્યું, “અરે, નારદ! તમે તો મારા માટે પાણી લેવા ગયા હતા, શું થયું?” નારદ મુનિ નવાઈ પામીને વિચારવા લાગ્યા કે ભગવાન આ શું કહે છે! મારું ઘર, પત્ની, બાળકો બધું નદીમાં તણાઈ ગયું, મારો સંસાર નષ્ટ થઈ ગયો અને તેમને પાણીની પડી છે!

ત્યારે ભગવાને કહ્યું કે, “નારદ, સમજ્યા માયાનો ખેલ! હજુ થોડી વાર પહેલાં જ તમે મારે માટે પાણી લેવા ગયા હતા. એ ક્ષણભરમાં જ માયાએ તમને વર્ષો વર્ષના સંસારચક્રમાં બાંધીને રાખી દીધા.” આમ, આ માયાવી સંસાર તો ક્ષણમાં છે ને ક્ષણમાં નથી.

આ સંદર્ભે ઠાકુર પણ એક વાર્તા કહેતા.

એક ખેડૂતને મોટી ઉંમરે એક દીકરો થયો. એ છોકરાને તે ખૂબ જતનપૂર્વક સાચવે. છોકરો ધીમે ધીમે મોટો થયો. એક દિવસ ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો છે. એવે સમયે એક જણે આવીને ખબર આપ્યા કે છોકરો બહુ જ માંદો થઈ ગયો છે; મરવાની અણી ઉપર છે. તરતોતરત ખેડૂત ઘેર આવ્યો, પણ ત્યાં તો છોકરો મરી ગયો હતો અને સ્ત્રી ખૂબ રડારોળ કરી રહી હતી. પરંતુ ખેડૂતની આંખમાં જરાય પાણી દેખાયાં નહિ.

એથી સ્ત્રી પાડોશીઓ પાસે જઈને વધુ શોક કરવા લાગી કે આવો રતન જેવો દીકરો ચાલ્યો ગયો પણ એમની આંખમાં આંસુનું ટીપું સરખુંય નહિ. કેટલીક વાર પછી ખેડૂત પોતાની સ્ત્રીને કહે છે કે હું શું કરવા રડતો નથી ખબર છે ?

કાલે મને એક સ્વપ્નું આવ્યું હતું. તેમાં હું રાજા થયો હતો અને સાત દીકરાનો બાપ થયો હતો. એ સાતે દીકરા ગુણવાન, કેટલા સુંદર અને હોશિયાર. એ બધા મોટા થયા, વિદ્યા ભણીગણીને રાનો કારભાર ચલાવવા લાગ્યા.

એટલામાં મારી ઊંઘ ઊડી ગઈ. હવે હું તો વિચારમાં પડી ગયો છું કે મારા એ સાત દીકરાઓને માટે રોઉં કે તારા આ એક દીકરાને રોઉં ?’

જ્ઞાનીઓને હિસાબે સ્વપ્ન-અવસ્થા જેટલી સાચી, જાગ્રત અવસ્થાય તેટલી જ સાચી ! ઈશ્વર જ કરવાવાળો, તેની ઇચ્છાથી જ બધું થાય છે.

(શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ, પૃ. 60)

ખરું જોઈએ તો, ખેડૂતના બેઉ જીવન અસત્ય છે અને બંને સત્ય પણ છે. આપણે જે જગત જોઈએ છીએ એ મિથ્યા છે, પરંતુ જગતમાં રહીને આપણને જે અનુભૂતિ થાય છે, સંસ્કારોનું ગઠન થાય છે, એ વાસ્તવ છે, કારણ કે આ સંસ્કારોને કાપવા માટે આપણે સાધના કરવાની છે.

માયા વિભિન્ન રૂપે ખેલ ખેલે છે. જેમ કે, શેક્સપિયરે કહેલું કે The whole world is a stage. (સંપૂર્ણ જગત એક રંગમંચ છે.) આપણે એક પછી એક પાત્રનો અભિનય કરવા રંગમંચ પર આવ્યે છીએ અને જ્યારે આપણો અભિનય સમાપ્ત થઈ જશે ત્યારે આપણું પાત્ર પણ સ્ટેજ પરથી વિદાય લેશે.

આપણે સમસ્ત પ્રાણશક્તિ લગાવીને આ બાહ્ય ભૌતિક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાનો યેનકેન પ્રકારેણ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અંતમાં વિદાય વેળાએ એમાનું કશું આપણી સાથે આવતું નથી. પછીના જન્મમાં આપણી સંગાથે આવશે ફક્ત આપણે કરેલાં જપ-તપ-સાધનામાંથી પ્રાપ્ત થયેલું પુણ્ય. જગત મિથ્યા છે, એક ઈશ્વર જ સત્ય છે—આ જ્ઞાનની પ્રાપ્તિ થવી એ જ છે ઈશ્વર સાથેનો આપણો સાચો સંબંધ.

સત્ય એટલે શું?

બીજું છે સત્ય. સત્ય અર્થાત્‌ લોકો સાથેનો આપણો સંબંધ. જેમ કે, ઠાકુરે મા કાલીને કહેલું કે,

“મેં માની પાસે કેવળ ભક્તિ માગી હતી. ફૂલ હાથમાં લઈને માને ચરણે મૂક્યાં અને બોલ્યો હતો કે ‘મા, આ લો તમારું પાપ, આ લો તમારું પુણ્ય, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તમારું જ્ઞાન, આ લો તમારું અજ્ઞાન, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તમારું પવિત્ર, આ લો તમારું અપવિત્ર, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તમારો ધર્મ, આ લો તમારો અધર્મ, મને શુદ્ધ ભક્તિ આપો.”

(શ્રીરામકૃષ્ણ કથામૃત, 5.6)

ઠાકુરે પોતાના જીવનમાં જે કંઈ પણ અર્જિત કર્યું હતું—પુણ્ય, જ્ઞાન, પવિત્રતા, અને ધર્મ—આ સર્વસ્વ એમણે મા કાલીનાં ચરણોમાં અર્પણ કરી દીધું હતું.

માયા ત્રણ પ્રકારની હોય છે—તામસિક માયા, રાજસિક માયા, તથા સાત્ત્વિક માયા. તામસિક માયા અર્થાત્‌ ભૌતિક વસ્તુઓ પ્રત્યેનું આપણું આકર્ષણ. રાજસિક માયા એટલે કર્મ અથવા સતત પ્રવૃત્તિશીલ (restless) રહેવા પ્રત્યે આપણું આકર્ષણ. કર્મ કર્યા વિના આપણે રહી શકતા નથી. ઠાકુર એક વાર કેશવ સેનના ઘરે ગયા હતા તો ત્યાં તેના વૃદ્ધ સંબંધીને તાસ (ગંજીફો) રમતા જોયા. ઠાકુરે કહ્યું, “અરે! આ શું કરો છો? આ ઉંમરે ઈશ્વરનું નામ કેમ લેતા નથી.” એ સંબંધીએ કહ્યું કે, “હું શું કરું, કાર્ય કર્યા વિના રહી શકતો નથી એટલે તાસ રમું છું.”

આમ, આપણને પ્રવૃત્તિમય રહેવાની એટલી તો આદત પડી ગઈ છે કે આપણે કોઈ કાર્ય કર્યા વિના રહી શકતા નથી. નવરાશના સમયમાં પણ આપણે ઈશ્વરનાં નામનું સ્મરણ-મનન કરી શકતા નથી.

એમાં પણ આજકાલ આપણને સોશિયલ મીડિયાની એવી તો લત લાગી ગઈ છે કે મોડી રાત સુધી મોબાઇલનો ઉપયોગ કરવો કે મિત્રોની સાથે ચેટીંગ કરવું કે વીડિયો ગેમ્સ રમવી વગેરે બહુ સામાન્ય થઈ ગયું છે. આ કારણે ચંચળતા આપણા મનમાં ઘર કરી ગઈ છે. તેને હરપળ કંઈકને કંઈક પ્રવૃત્તિ જોઈએ છે. આપણે શારીરિકરૂપે તો કશો શ્રમ કરતા નથી, પરંતુ આપણું મન સતત પ્રવૃત્તિશીલ રહે છે. આથી મેદસ્વીપણું, મધુપ્રમેહ જેવી આપણી જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓ ઘર કરી ગઈ છે.

આદર્શ તો એ છે કે આપણે આઠ-નવ કલાક ઑફિસમાં નોકરી કે દુકાનમાં કામ કર્યા પછી કર્મને વિરામ આપીને પરિવારજનો સાથે અથવા તો સંબંધી-મિત્રો સાથે મળીને હાસ્ય-કૌતુક કરવું જોઈએ, કાં તો કોઈ સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ, કે કોઈ મંદિરમાં જઈને ભગવાનનું નામ લેવું જોઈએ. આજના આધુનિક યુગમાં આપણું આધ્યાત્મિક જીવન તો બહુ દૂરની વાત છે, પરંતુ સામાજિક જીવન પણ બરબાદ થવાને આરે ઊભું છે.

પહેલાંના સમયમાં લોકો રોજિદાં કામકાજમાંથી પરવારીને આડોશપાડોશના બધાં આબાલવૃદ્ધ સાથે ઓટલા પર બેસીને પરસ્પર પોતાનાં સુખ-દુઃખની વાતો વહેંચીને એકબીજાને સધિયારો આપતા. આજકાલ તો ઘરની સામે ઓટલે બેસીને ગપ મારવા અથવા તો કાકા-મામાને ઘરે બેસવા જવું એ પ્રથા જ જવા બેઠી છે. આપણું રોજિંદુ કર્મ અને કર્મ સમાપ્ત થયા બાદની અસંગત પ્રવૃત્તિઓ આપણી પ્રાણશક્તિને એવી તો ખાઈ જાય છે કે આપણા માનવીય સંબંધો તૂટતા જાય છે. માટે જ કહેવાય છે કે એકલતા (loneliness) આજના યુગનો સૌથી ઘાતક રોગ બની ગયો છે. એકલતાને કારણે જ માનસિક તનાવ, બેચેની તથા વારંવાર આત્મહત્યાના વિચારો આવવા વગેરેનું પ્રમાણ વધતું જાય છે. આમ, આપણે પ્રવૃત્તિશીલતાનો મોહ ન છોડી શકીએ તો સાધના ક્યાથી કરી શકવાના?

છેવટે આવે છે સાત્ત્વિક માયા. આપણને ખબર છે કે ઈશ્વરની આરાધના કરવી, સદ્‌ગ્રંથોનો અભ્યાસ કરવો, સાધુસંગ કરવો, તીર્થાટન કરવું વગેરે ઈશ્વર-પ્રાપ્તિના માર્ગની સાધનાઓ છે અને આપણે શક્ય એટલું એનું પાલન પણ કરીએ છીએ. પણ શું આપણને ખબર છે કે તેનો પણ એક મોહ લાગી જાય છે, એનો પણ એક અહંકાર માથા પર ચઢી બેસે છે. અલબત્ત, એવું નથી સમજવાનું કે સાધનાનો મોહ લાગી જશે એ ભયથી સાધના છોડી દેવાની છે. સાધના તો કરતા જ રહેવાનું છે, પણ સાથે જ એ જાણીને રાખવું આવશ્યક છે કે જ્યાં સુધી સંપૂર્ણ શરણાગતિ ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સફળતા—ભલે એ સાંસારિક હોય કે આધ્યાત્મિક—અહંકારને પોષણ આપનારી બની શકે છે.

માટે આવો, તામસિક, રાજસિક તથા સાત્ત્વિક—ત્રણેય મોહમાંથી આપણે મુક્ત થઈએ. ઠાકુરે બધું જ ઈશ્વરનાં ચરણોમાં અર્પણ કરી દીધું હતું. પુણ્ય, જ્ઞાન, પવિત્રતા, અને ધર્મ વગેરે સાત્ત્વિક સદ્‌ગુણો છે, જે તપસ્યા-સાધના કરવાથી આપણા હૃદયમાં પ્રગટ થાય છે. ઠાકુરે આ સાત્ત્વિક માયાને પણ ત્યજી દીધી હતી. સામે માગી હતી શરણાગતિ અર્થાત્‌ સંપૂર્ણ નિર્ભરતા.

ઠાકુર કહે છે, “પણ જ્યારે આ બધું બોલતો હતો ત્યારે એમ બોલી શક્યો નહિ કે મા! આ લો તમારું સત્ય, ને આ લો તમારું અસત્ય. બધું ત્યજીને માને દઈ શક્યો, પણ સત્ય ત્યજી દઈ શક્યો નહિ!”

ઠાકુર કહે છે કે સત્ય કળીયુગની તપસ્યા છે. જો આપણે સત્ય-પાલન ન કરી શકીએ તો આ જગતમાં એ સિવાયનું બીજું જે કંઈ પણ કરીશું તેનો કોઈ અર્થ નથી. રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) તો કહે છે કે કળીયુગમાં મહત્ત્વની સાધનાઓ બે જ છે—સત્યનું પાલન અને બ્રહ્મચર્ય.

અવશ્ય, સત્ય અને બ્રહ્મચર્યનું શત-પ્રતિશત અનુષ્ઠાન કરવું અત્યંત કઠિન છે. એના માટે તો ખૂબ જ લાંબી સાધના કરવી પડે છે, પરંતુ આપણે આજથી જ યથાસંભવ એનો આરંભ કરી દેવો જોઈએ. ઈશ્વરની કૃપાથી જ્યાં સુધી પહોંચી શકીએ, ત્યાં સુધી પહોંચીને ત્યાર બાદની યાત્રા પછીના જન્મમાં આગળ ધપાવીશું. પરંતુ શરૂઆત તો આ જન્મમાં જ કરવી રહી.

તારણ

તો આટલું ચિંતન કર્યા બાદ આપણે સમજ્યા કે ઈશ્વર સાથેનો આપણો સંબંધ એટલે જ્ઞાન તથા લોકો સાથેનો આપણો સંબંધ એટલે કે સત્ય—આ બંનેની રક્ષા કરીને આપણે આ જગત-સંસારમાં રહેવાનું છે.

Total Views: 578

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.