શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ

રાજકોટ આશ્રમ દ્વારા ૨૦ જૂનના રોજ સાંજે ૫:૪૫ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની ભજન-કીર્તન સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ૫૦૦ જેટલા ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શ્રીજગન્નાથજીની રથયાત્રા

ગુરુપૂર્ણિમાની ઉજવણી

આશ્રમના શ્રીમંદિરમાં 3 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીમંદિરમાં વિશેષ પૂજા, હવન અને ભજન કરવામાં આવ્યાં. લગભગ ૨૦૦૦ જેટલા ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો. પૂજા દરમિયાન ભજન-કીર્તન કરવામાં આવ્યાં હતાં અને સાંજે શ્રીરામકૃષ્ણ-નામ-સંકીર્તન તથા ભજન કરવામાં આવ્યાં.

ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષપૂજા

મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ

રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળામાંથી ધો. ૫ થી ૮ના ૧૦૦૦ વિદ્યાર્થીઓ અને ધો. ૯ થી ૧૨ના લગભગ ૧૦૦૦ વિદ્યાર્થીઓ મૂલ્યલક્ષી શિક્ષણ માટે દર મહિને આશ્રમ મુલાકાત લે છે. તેઓ માટે ધોરણ અનુસાર નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે: સ્વામી વિવેકાનંદનું જીવન-પ્રદર્શન, સ્વામીજીના પ્રેરક પ્રસંગ પર નાટક, ચરિત્રનિર્માણ અંગે માર્ગદર્શન, પ્રેરણાદાયી વીડિયો ક્લિપ પ્રદર્શન, પુસ્તક વાંચન, ક્વિઝ, એકાગ્રતાની રમતો, યોગાસન-પ્રાણાયામ, મંદિરમાં ધ્યાન, વેદપાઠ, ગીતાપાઠ, પ્રાર્થના અને પુષ્પાંજલિ, પુસ્તક-વિતરણ, નાસ્તો, વગેરે.

આશ્રમ પ્રાંગણમાં મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો

શાળા-કૉલેજમાં મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો

રાજકોટ આશ્રમ દ્વારા જૂનાગઢ, ગોંડલ, રાજકોટ તથા આલિયાબાડા વિસ્તારની શાળા-કૉલેજોમાં આશ્રમના સંન્યાસીઓ દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણના વર્ગો લેવામાં આવ્યા. આ કાર્યક્રમથી ૧૭૨૦ વિદ્યાર્થીઓ લાભન્વિત થયા. વર્ગમાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પર પ્રવચન આપવામાં આવ્યું. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદનાં જીવન પર ચિત્ર પ્રદર્શન અને પ્રેરણાદાયી પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું.

શાળા-કૉલેજમાં મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર

પોરબંદર તા.૧૬.૭.૨૦૨૩ના રોજ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર’ના વિવેકહોલમાં જાહેરસભા યોજાઈ હતી. એમાં ગુજરાત રાજ્યના વન-પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જ્યોતિબહેન થાનકી દ્વારા લિખિત ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરની ૨૫ વર્ષની વિકાસ ગાથા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

જ્યોતિબહેન થાનકી દ્વારા લિખિત પુસ્તક-વિમોચન

મંત્રીશ્રીએ સ્વામી વિવેકાનંદજીને યાદ કરતાં કહ્યું કે, ‘છેલ્લાં ૧૨૫ વર્ષથી રામકૃષ્ણ મિશન ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના સૂત્રને ચરિતાર્થ કરે છે. સ્વામી વિવેકાનંદજી ભારત-ભ્રમણ દરમિયાન ગુજરાતમાં જે સ્થળે આવ્યા હતા ત્યાં મેમોરિયલ બનાવવા તથા કાર્યરત મેમોરિયલને અદ્યતન બનાવવા ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં પૂરતી રકમની જોગવાઈ કરી છે.’ જિલ્લા કલેક્ટર કે. ડી. લાખાણીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદજીનું નામ લેવાથી આપણી અંદર ચેતનાનો સંચાર થાય છે, તેમ જણાવી યુવાનોને સોશિયલ મીડિયામાંથી બહાર આવી લાયબ્રેરીમાં પુસ્તકો વાંચવા અપીલ પણ કરી હતી.

વારાણસીના સ્વામી વિશ્વાત્માનંદજીએ આશીર્વચનમાં કહ્યું હતું કે, ૧૨૫ વર્ષમાં રામકૃષ્ણ મિશને ભારતવર્ષને અનેક શિક્ષકો, અધિકારીઓ, નેતાઓ, ડોક્ટરો, એન્જિનિયરો સહિત સારા નાગરિકો આપ્યા છે. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામીજીને યાદ કરીને રામકૃષ્ણ મિશન, પોરબંદરની સ્મૃતિઓ તાજી કરી હતી. ૧૨ જાન્યુઆરી, સ્વામીજીના જન્મદિવસે ૧૯૯૭માં રામકૃષ્ણ મિશન, પોરબંદરની સ્થાપના થઈ. ૨૦૦૧માં પુસ્તકાલય, મંદિર અને ૨૦૦૬માં તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ દ્વારા વિવેકહોલનું પણ તે જ દિવસે ઉદ્ઘાટન થયેલ.

જાહેરસભામાં ઉપસ્થિત સંતો અને ભક્તો

સચિવ સ્વામી આત્મદિપાનંદજીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સહસચિવ સ્વામી ચિરંતનાનંદજીએ આભાર-દર્શન કર્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી સરજુભાઈ કારીયા, અને પોરબંદર ભાજપના અધ્યક્ષ રમેશભાઈ ઓડેદરા તથા ગુજરાતની રામકૃષ્ણ મિશનની લીંબડી, વડોદરા, અમદાવાદ, ભુજ અને આદિપુર શાખાઓના અધ્યક્ષ સ્વામીજીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. પોરબંદર શહેરના ભક્તો, શુભચિંતકો, શહેરીજનો, આશ્રમમાં ભણતાં વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.