22 ફેબ્રુઆરી, 1900ના રોજ સંધ્યાકાળે સ્વામી વિવેકાનંદ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવી પધાર્યા. 11 સપ્ટેમ્બર, 1893ના એ ઐતિહાસિક દિવસે સ્વામીજી શિકાગો ધર્મ મહાસભામાં ‘અમેરિકન બહેનો અને ભાઈઓ’ના રૂપમાં પશ્ચિમી સભ્યતાને સંબોધીને વેદાંત પ્રચારનું જે બીડું ઉઠાવ્યું હતું, એની પરિસમાપ્તિ 6 વર્ષે સાન ફ્રાંસિસ્કોમાં આવી. સાન ફ્રાંસિસ્કોમાં જ સ્વામીજીએ માનવજાતને પોતાનો અંતિમ સંદેશ આપ્યો હતો. સ્વામીજી બેલુર મઠમાં પોતાના ઓરડામાં 4 જુલાઈ, 1902ની રાતના 9.00 વાગ્યા બાદ મહાસમાધિમાં પ્રવેશ્યા હતા. અવશ્ય, સાન ફ્રાંસિસ્કો છોડ્યાથી લઈ મહાસમાધિ સુધી સ્વામીજીએ પ્રવચનો આપ્યાં છે અને પત્રો પણ લખ્યા છે, પરંતુ એમણે પ્રાણ ઢાળીને સાન ફ્રાંસિસ્કોમાં જ અંતિમ જાહેર પ્રચાર કર્યો હતો.

22 ફેબ્રુઆરી થી 8 માર્ચ સુધીમાં સ્વામીજીના કેટલાક નિયમિત વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગયા હતા. તેમને માટે દૈનિક વર્ગ ચલાવવા માટે 1719 ટર્ક સ્ટ્રીટ પર એક મકાન ભાડે રાખવામાં આવ્યું હતું. આવો, ટર્ક સ્ટ્રીટના એ દિવસોની થોડી વાતો આપણે મમળાવીએ.

એ સમયે સ્વામીજી રાજયોગના વિજ્ઞાન ઉપર જાહેર પ્રવચનો આપી રહ્યા હતા. એમના શ્રોતાઓએ વિનંતી કરી કે રાજયોગના અભ્યાસ માટે સ્વામીજી દૈનિક વર્ગ શરૂ કરે. આ માગણીના આધારે માર્ચ અને એપ્રિલના પ્રથમ અઠવાડિયા સુધી એ વર્ગો ચાલ્યા હતા. સ્વામીજી બે વર્ગો લેતા—નવા આવેલ વિદ્યાર્થીઓ માટે સવારે તથા જૂના વિદ્યાર્થીઓ માટે બપોરે.

સવારના વર્ગનો આરંભ 10.30 વાગ્યે થતો. વર્ગના અંતનો કોઈ નિશ્ચિત સમય ન હતો. ઈશ્વરીય પ્રેરણાના આવેશમાં સ્વામીજી જ્યાં સુધી બોલી શકતા ત્યાં સુધી—એક કલાકથી લઈ અઢી કલાક સુધી—વર્ગ ચાલતો. સ્વામીજીની દિવ્ય ઉપસ્થિતિમાં સમય ક્યાં વહ્યો જતો એ વિદ્યાર્થીઓ સમજી શકતા નહીં. 30 થી 40 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેતા. સ્વામીજીનું મકાન એક બહુમાળી ઇમારતના ત્રીજા માળે હતું. આટલો દાદરો ચડીને, સાંકડાં ગલિયારાં પાર કરીને વિદ્યાર્થીઓ તેમના નાનકડા બેઠકખાનામાં ભેગા થતા. બધાને બેસવા માટેની ખુરશીઓ ન હતી. તેથી કેટલાંક પુરુષો અને સ્ત્રીઓએ ગાલીચા બિછાવેલા ફર્શ પર બેસવું પડતું. 10.30ના વર્ગ પહેલાં સ્વામીજી ભોજનકક્ષમાં કોઈક વિદ્યાર્થીને અંગત મુલાકાત આપતા. માર્ગદર્શન આપતાં આપતાં તેમને સમયનું પણ જ્ઞાન ન રહેતું.

ફ્રેંક રોડહેમલ એ સમયે સ્વામીજીના પાકા અનુયાયી બની ગયા હતા. તેઓ 10.30ના વર્ગ પહેલાંની પોતાની અંગત મુલાકાતનું વિવરણ આપે છે:

“મારી પહેલી મુલાકાતના દિવસે એમને જાેઈને મને જે સહર્ષ આશ્ચર્ય થયું હતું એમાંથી હું હજુ પણ ઊગરી શક્યો નથી. વેરવિખેર દીર્ઘ કેશ સહ ભૂખરા રંગના લાંબા ડગલા (dressing-gown) પરિહિત તેઓ એક ખુરશી ઉપર પલાંઠી વાળીને બેઠા હતા. 10.30ના વર્ગનો સમય થઈ ગયો, તે ઉપરાંત 15 મિનિટ વહી ગઈ. એકાએક સ્વામીજીનાં અનુયાયી અને વર્ગનું સંચાલન કરતાં મિસિસ હેન્સબ્રો આવીને કહેવા લાગ્યાં: ‘અરે સ્વામીજી! તમે તો યોગ વર્ગ વિશે ભૂલી જ ગયા. 15 મિનિટ મોડું થઈ ગયું છે અને બેઠકખાનું વિદ્યાર્થીઓથી ભરાઈ ગયું છે.’

“તત્ક્ષણાત્‌ ઊભા થઈ સ્વામીજીએ કહ્યું: ‘વારુ, રજા આપશો! હવે હું બેઠકખાનામાં જઈશ.’ હું પણ ઊભો થઈ બેઠકખાનામાં ગયો. સ્વામીજી ભોજનકક્ષ અને બેઠકખાના વચ્ચે રહેલ પોતાના શયનકક્ષમાં ગયા. આશ્ચર્ય, હું બેઠકખાનામાં જઈને બેઠો એ પહેલાં તો તેઓ પોતાના શયનકક્ષમાંથી વેરવિખેર કેશને સુવ્યવસ્થિત ઓળીને, સંન્યાસીનાં વસ્ત્ર ધારણ કરીને બેઠકખાનામાં આવી પહોંચ્યા હતા! વેરવિખેર કેશ અને ડગલા સહિત શયનકક્ષમાં પ્રવેશી, સુવ્યવસ્થિત કેશ અને સંન્યાસીનાં વસ્ત્ર પરિહિત આરામથી બેઠકખાનામાં પ્રવેશ કરવામાં એમને એક મિનિટથી વધુનો સમય લાગ્યો ન હતો. કાર્યમાં ઝડપ અને ચોકસાઈ એમના હાગવગા હતાં.”

જાે બેઠકખાનું ભરાઈ જતું તો સ્વામીજીના શયનકક્ષના દરવાજા ખોલી દેવામાં આવતા અને ત્યાં પણ વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવતી. સ્વામીજી દિવાન ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરતા અને વર્ગનો આરંભ કરતા. ફ્રેંક રોડહેમલ કહે છે:

“અમે વર્ગમાં એમની આસપાસમાં બેસતા. તેઓ હતા ગેરુઆ વસ્ત્ર પરિહિત, દિવાન ઉપર આસિત, એક દિવ્ય આત્મા! પોતાની વિશાળ આંખો દ્વારા તેઓ અમારા અંતરમનને નીરખતા, પરંતુ તેઓને શું જાેવા મળ્યું હતું એનો કોઈ તાગ એમના ચહેરા પર વર્તાતો નહીં. યોગાભ્યાસ શીખવવા તેઓ આસન, શ્વાસોચ્છ્વાસ તથા સહજાવસ્થા વિશે કેટલાંક સૂચનો આપતા. તેઓની શિક્ષણપદ્ધતિ જડ કે રૂઢિગત ન હતી. તેઓનો ઉદ્દેશ હતો અમને સહજાવસ્થામાં લાવવા કે જેથી એકાગ્રતારંજિત અંતર્મુખિતા હળવેકથી અમને પ્રાપ્ત થાય.

ફ્રેંક રોડહેમલ

“સ્વામીજીનું અનુકરણ કરીને જમીન ઉપર પલાંઠી વાળીને બેસતા. (અમેરિકન હોવાથી તેઓને આ રીતે બેસવાનો અભ્યાસ ન હોવાથી તેઓને પગમાં દરદ થતું.) સ્વામીજી તેઓને નીરખીને હસવા લાગ્યા અને કહ્યું: ‘તમે પલાંઠી વાળીને નહીં બેસી શકો. તમારા પગને પલાંઠી વાળવાનો અભ્યાસ જ નથી. ભારતમાં અમે બાળપણથી જ આવી રીતે બેસતા આવ્યા છીએ.’ એ ભાઈએ અને બહેને પલાંઠી છોડી નહીં. બહેને જવાબ આપ્યો: ‘અરે, મારા માટે તો આ આસાન છે. મને આનો અભ્યાસ છે. હું હંમેશાં આવી રીતે જ બેસું છું.’ ભાઈ માત્ર હસ્યા. સ્વામીજીએ કહ્યું: ‘આવો, અહીં દિવાન ઉપર મારી સાથે બેસો અને તમારા પગને આરામ આપો. તમે પલાંઠી વાળીને ધ્યાન નહીં કરી શકો.’ પરંતુ એમણે સ્વામીજીની વાત ન જ માની. સ્વામીજીએ સહાસ્ય એમને મનાવવાનો પ્રયત્ન છોડી દીધો. અન્ય વિદ્યાર્થીઓ પણ હસવા લાગ્યા. સ્વામીજીએ કહ્યું: ‘સ્થિર સુખપૂર્વક બેસી શરીર ટટાર રહે, એટલું જ માત્ર જરૂરી છે. તમારું શરીર ઉજ્જ્વળ જ્યોતિ સ્વરૂપ છે, એવી કલ્પના કરો.’”

પલાંઠી વાળીને બેસવા વિશે એક બીજા પ્રસંગનું વર્ણન મળે છે. એક ભાઈ સત્યસદનનાં પરિચાલિકા મિસ લિડિયા બેલના અનુયાયી હતા અને સ્વામીજીના વર્ગમાં નિયમિત હાજરી આપતા. એ સમયે અમેરિકામાં વિભિન્ન શહેરોમાં સત્યસદન હતાં. સત્યસદનના પરિચાલકો પૂર્વની અને ખાસ કરીને ભારતની આધ્યાત્મિક પરંપરાઓની અમેરિકાની સંસ્કૃતિ સાથે ખીચડી બનાવી લોકોમાં પ્રસાર કરી રહ્યા હતા. તેઓને ભલે શુદ્ધ વેદાંતની મહત્તા ન સમજાઈ હોય, કે ભલે તેઓએ સાધનાનાં ઉચ્ચ સોપાનો સર ન કર્યાં હોય—તેઓ સ્વામીજીનો અલૌકિક પ્રભાવ ભાળી ગયા હતા. કેલિફોર્નિયાના વિવિધ શહેરોમાં સ્વામીજીને સત્યસદનમાં સસ્નેહ આવકાર મળ્યો હતો અને તેમાં તેઓ ઘણા દિવસો રોકાયા પણ હતા. સત્યસદનના કેટલાક પરિચાલકો સ્વામીજીના એકનિષ્ઠ અનુયાયીઓ બની ગયા હતા.

એક દિવસ આ ભાઈ વર્ગમાં મોડા પડ્યા અને ખુરશીના અભાવે એમને ફર્શ ઉપર બેસવું પડ્યું. એ દિવસોની ઢબ અનુસાર પુરુષના પાયજામા એટલા સાંકડા રહેતા કે એ પહેરીને પલાંઠી વાળીને બેસવું અસંભવ હતું. સ્વામીજી એમને પગ વાળવાની મથામણ કરતા જાેઈ બોલી ઊઠ્યા: “મૂર્ખામી કરો મા! આવો, મારી સાથે બેસો.” એ ભાઈ વિનમ્ર અને શાંત સ્વભાવના હતા. બીજું કોઈ હોત તો સ્વામીજીની સાથે એક જ દિવાન પર બેસવામાં કેટલોય સંકોચ કરત. પરંતુ આ ભાઈ સ્વામીજીનું આમંત્રણ સ્વીકારી શાંતિથી એમની સાથે જઈને બેસી ગયા.

યોગ-વર્ગની શરૂઆત ધ્યાનથી થતી કે જે 15 મિનિટથી લઈને અડધો કલાક સુધી ચાલતું. ત્યાર બાદ સ્વામીજી ધ્યાન અને આધ્યાત્મિક જીવન વિશે સૂચનો આપતા. અંતે વિદ્યાર્થીઓ સ્વામીજીને વ્યાયામ, વિશ્રામ અને આહાર સંબંધિત પ્રશ્નો કરતા. અન્ય એક વર્ણન અનુસાર વર્ગના અંતમાં ધ્યાન કરવામાં આવતું. ધ્યાન વર્ગના આરંભમાં હોય કે અંતમાં, સ્વામીજીની સાથે ધ્યાન કરવું એ કદી ન વિસરી શકાય એવો અનુભવ હતો. જ્યારે સુમધુર સ્વરે સંસ્કૃત મંત્રોનું સુલલિત ગાન થતું ત્યારે હૃદયના તાર ઝંકૃત થઈ ઊઠતા. ફ્રેંક રોડહેમલ કહે છે:

“સંસ્કૃત મંત્રોનો બુદ્ધિ કરતાં તો લાગણીઓ પર ગહન પ્રભાવ પડતો. વર્ગમાં એક અવ્યક્ત મધુરતા છવાઈ જતી. અમારું મન વિશ્રાંત થઈ જતું. સ્વામીજીની સ્વાભાવિક અનુભૂતિની અદ્‌ભુત ગહનતાનો એક અંશ અમને પણ પ્રાપ્ત થતો. તેઓ વાણીના માધ્યમથી જાદુગરની જેમ તેજ-પુંજસમ આધ્યાત્મિક પ્રભાનું સર્જન કરતા. તેઓનું વ્યક્તિત્વ લોકચુંબકની જેમ અમારા મનને અહંકારથી દૂર કરી પોતાના તરફ ખેંચી લેતું. અન્ય સમયે સાંસારિક મનમાં ક્યારેય ઉદ્‌ભવી ન શકે એવા ઉચ્ચ વિચારો અમારા ધ્યાનકેન્દ્રિત મનમાં ઝબકારા મારતા. માંહ્યલો જાણે કે ઊછળી ઊઠતો. અહંકારની બેડીઓ તોડીને દિવ્ય પ્રકાશ પથરાઈ જતો. સાંસારિક જીવન જાણે કે અનાકર્ષક પરંપરામાં ખોવાઈ જતું.

સ્વામીજીની સામે વર્ગમાં જે લોકો ઉપસ્થિત હતા, તેમાંથી કોઈ એવું નહીં હોય જેની ઉપર સ્વામીજીની ગાઢ પ્રશાંતિ કે ગહન ધ્યાનના છાંટા ન ઊડ્યા હોય. સ્વામીજી કહેતા: “હું મારા મનને અખંડ આનંદના પ્રદેશમાં લઈ જાઉં છું, જેના પરિણામે તમારું મન પણ એ જ આનંદમાં ડૂબી શકે.” અરે, જેઓ સ્વામીજીની સામે ઉપસ્થિત ન હતા તેઓ પણ તેમના ધ્યાનનો ઉપભોગ કરતા. એક દિવસે સવારે મિસિસ હેન્સબ્રો રસોડામાં કામ કરી રહ્યાં હોવાથી વર્ગમાં હાજર ન રહી શક્યાં. તેઓ યાદ કરતાં કહે છે:

“હું પ્રતિદિન સ્વામીજી માટે ખાસ પ્રકારનો સૂપ બનાવતી, જેને પકાવવા માટે ત્રણ થી ચાર કલાક ઉકાળવો પડતો. આ સૂપ અતિ ગુણકારી અને બળપ્રદ બનતો. એક દિવસે કોઈ કારણવશ હું સૂપ 10.30 સુધીમાં તૈયાર કરી શકી નહીં. વર્ગ આરંભ કરતાં પહેલાં સ્વામીજીએ રસોડામાં ડોકિયું કરીને પૂછ્યું: ‘તમે આવવાનાં નથી?’ મેં ઉત્તર આપ્યો કે મેં મારું કામ સમયસર આરંભ્યું ન હોવાથી હવે મારે રસોડામાં જ રહેવું પડશે. સ્વામીજીએ કહ્યું: ‘ભલે, સારું. હું તમારા માટે ધ્યાન કરીશ.’ અને સાચે જ, જ્યાં સુધી વર્ગ ચાલતો રહ્યો ત્યાં સુધી મને અનુભૂતિ થતી રહી કે સ્વામીજી મારા માટે ધ્યાન કરી રહ્યા છે. એટલું જ નહીં, મને લાગે છે કે સ્વામીજી હજુ પણ મારા માટે ધ્યાન કરી રહ્યા છે.”

Total Views: 344

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.