(સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી દુષ્યંતભાઈ પંડ્યા અને શ્રી હર્ષદભાઈ પટેલ. -સં.)

દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુર સાથેના સ્મરણીય દિવસોની વાત લક્ષ્મીદેવી આ શબ્દોમાં વર્ણવતાં:

દક્ષિણેશ્વરમાં અમે (શ્રીમા અને લક્ષ્મી) નોબતખાનામાં રહેતાં હતાં. જ્યારે ઠાકુર નવા આવતા ભક્તોને શ્રીમા વિશે સંકેત કરવા માગતા ત્યારે તેઓ નાકના નીચેના ભાગે પોતાની આંગળીથી એક કુંડાળું બનાવીને ઇશારો કરતા હતા. એનું કારણ એ હતું કે શ્રીમા પોતાના નાકે ગોળ નથ પહેરતાં હતાં. ઠાકુર નોબતખાનાને એક પિંજરાના રૂપે તથા અમને બંનેને તોતા-મેનાના રૂપે ઓળખાવતા હતા. જ્યારે ભવતારિણી જગદંબાને ભોગ ધરાવાયેલ મીઠાઈ અને ફળ ઠાકુર પાસે લવાતાં ત્યારે તેઓ રામલાલને કાયમ યાદ દેવડાવીને કહેતા ‘યાદ રાખ કે તે પિંજરામાં બે પક્ષી પણ છે. તેમને ફળફળાદિ આપવાં પડશે,’ નવાગંતુકો ઠાકુરના આ કથનને શાબ્દિકભાવે લેતા. માસ્ટર મહાશયે પણ શરૂ શરૂમાં આ કથનનો શાબ્દિક અર્થ લીધો હતો.

ગામમાંથી સ્ત્રીઓ જ્યારે શ્રીમાને મળવા આવતી હતી ત્યારે ક્યારેક ક્યારેક ઠાકુર પોતાના ઓરડામાંથી તેમની વાતચીત સાંભળી લેતા હતા. એક વખત તેમણે શ્રીમાને કહ્યું, ‘એ સ્ત્રીઓ આવે છે અને હંસપુકુર તરફ ફરવા જાય છે. ત્યાં તેઓ જઈને પરસ્પર જે વાતો કરે છે, તે હું સાંભળી લઉં છું. તેઓ કહે છે કે, ‘આ પુરુષ છે તો ભલા, પરંતુ એક વિચિત્ર બાબત એ છે કે તેઓ રાત્રે પોતાની પત્ની સાથે સૂતા નથી, મહેરબાની કરીને તેમની વાતો તરફ ધ્યાન ન આપતાં. તે સાંસારિક સ્ત્રીઓ છે. કૃપા કરીને તેમની સલાહ માનવી નહીં. હું પૂરેપૂરો ઈશ્વર-સમર્પિત છું.’ શ્રીમા ગભરાઈ ગયાં અને તેમણે ફરી ઠાકુરને આશ્વાસન આપતાં કહ્યું, ‘ઓહ ના, ના, હું તેમની વાત પર બિલકુલ ધ્યાન આપીશ નહીં.’

મને ક્યારેક કયારેક આશ્ચર્ય થતું કે નોબતખાનાના એ સાંકડા ઓરડામાં અમે બંને બધી જ વ્યવસ્થા કેવી રીતે કરતાં હતાં. એ ઠાકુરની ઈશ્વરીય લીલા હતી. મોટાભાગે નોબતખાનામાં શ્રીમા, એક નાની બાલિકા અને હું રહેતાં હતાં. ક્યારેક ક્યારેક કદાવર શરીરનાં ગોપાલમા અથવા તો કલકત્તાથી આવતી કોઈ બીજી સ્ત્રી પણ અમારી સાથે રહેતી. આ ઉપરાંત, અમારી બધી ચીજવસ્તુઓ, રસોઈનાં વાસણ અને પાણીનું પાત્ર સુધ્ધાં તે ઓરડામાં રાખવાં પડતાં હતાં. ઠાકુરની હોજરી નબળી હોવાને કારણે તેમનું વિશેષ જાતનું પથ્ય-ભોજન પણ અમારે ત્યાં રાખવું પડતું હતું.

ઠાકુર રાત્રે વધુ નિદ્રા લેતા ન હતા, જ્યારે અંધારું હોય ત્યારે ખૂબ વહેલી સવારે તેઓ મંદિરના બગીચામાં જતા હતા અને નોબતખાના પાસેથી પસાર થતી વખતે મોટેથી બોલતા, ‘અરે લક્ષ્મી, લક્ષ્મી, ઊઠી જાઓ, તમારી કાકીને પણ ઉઠાડો. તમે ક્યાં સુધી સૂતાં રહેશો ? સવાર થઈ ગયું છે. કાગડા અને કોયલ બોલવાની તૈયારી છે. મા જગદંબાનું નામ-ગાન કરો.’

શિયાળાના દિવસોમાં ક્યારેક ક્યારેક ઠાકુર મને બૂમ પાડીને બોલાવતા ત્યારે શ્રીમા રજાઈની અંદર જ રહીને મને ધીમેથી કહેતાં, ‘ચુપ રહે. તેમની આંખોમાં ઊંઘ નથી. હજુ ઊઠવાનો સમય નથી થયો અને પક્ષીઓ કલરવ પણ નથી કરતાં, કંઈ બોલીશ નહીં.’ પરંતુ જો ઠાકુરને કોઈ જવાબ ન મળતો તો તેઓ દરવાજા નીચેની તિરાડમાંથી પાણી રેડતા. તે દિવસોમાં અમે જમીન પર સૂતાં હતાં એટલે તરત જ ઊઠી જવું પડતું હતું. ક્યારેક ક્યારેક અમારી પથારી પણ પલળી જતી હતી.

પ્રચંડ ગાત્રદાહને કારણે ઠાકુરના માથાના આગળના ભાગેથી થોડાક વાળ ખરી ગયા હતા અને માથાના કેટલાક વાળ તથા દાઢીના વાળ ભૂખરા થઈ ગયા હતા. વૃદ્ધ બનીને લાંબું આયુષ્ય ભોગવવાની તેમને કોઈ દરકાર ન હતી. તે કહેતા, ‘હું લોકોને એવું બોલતા સાંભળવા માગતો નથી કે રાસમણિના ઉદ્યાનમંદિરમાં એક વૃદ્ધ સાધુ છે.’ શ્રીમાએ જવાબ આપ્યો, ‘એવું બોલશો નહિ. તમે વૃદ્ધ નથી, એના કરતાં તમે એક વૃદ્ધ સાધુ બનીને અહીં રહેશો તો લોકો કહેશે કે રાસમણિના કાલીમંદિરમાં એક બુદ્ધિમાન સાધુ રહે છે.’ ઠાકુરે જવાબ આપ્યો, ‘ઓહ! મને વળી કોણ બુદ્ધિમાન સાધુ કહેવાનું છે? છતાંય મને કોઈ વૃદ્ધ પુરુષ કહે એ મારાથી સહન નથી થઈ શકે.’

લગ્નના થોડા સમય પછી જ હું વિધવા થઈ અને પિતાને ઘેર આવી ગઈ. ત્યારે હું સુંદર યુવતી હતી. એક દિવસ ઠાકુરે મને કહ્યું, ‘પોતાનાં કર્તવ્યો નિભાવતાં રહીને ઘરમાં જ ધર્મનું આચરણ કરો. એકલા એકલા તીર્થસ્થાનોની યાત્રાએ ન જવું. ખબર નહીં કોણ તમને હાનિ પહોંચાડે? તમારાં કાકી સાથે રહો. સંસારમાં એકલાં રહેવું સુરક્ષિત નથી.’

જ્યારે ઠાકુર પોતાના ગામ કામારપુકુરમાં રહેતા હતા ત્યારે દરરોજ તેઓ સંધ્યાકાળે પોતાના પૈતૃક ઘરના બારણે બેસીને રસ્તેથી અવરજવર કરતા લોકોને જોતા રહેતા. બધી ગ્રામ-નારીઓને તે રસ્તેથી તળાવે જળ ભરવા જવું પડતું હતું. સ્ત્રીઓ પાણી ભરીને આવતી વખતે ઠાકુરને ઘરના બારણામાં બેઠેલા જોઈને પોતાના ઘડા નીચે મૂકીને, દરવાજાની સામેના નાનકડા આંગણામાં બેસીને ઠાકુરનો ઈશ્વરીય વાર્તાલાપ કે ભજન સાંભળીને આનંદિત થઈ બધુંય ભૂલી જતી. સ્ત્રીઓ પોતાનાં કર્તવ્યોની ઉપેક્ષા કરી રહી છે, એવી સંભાવના જણાતાં ઠાકુર તેમની સાથે વાત કરવા લાગતા. એક સ્ત્રીએ કહ્યું, ‘મારે ત્યાં એક ગાય છે. મેં જ્યારે તમારા આગમનની વાત સાંભળી ત્યારે મેં ગાય માટે એક મહિનાનો ઘાસચારો કાપીને એકઠો કરી દીધો.’ બીજી એક સ્ત્રીને ઠાકુરે કહ્યું ‘તમારું બાળક કેમ છે?’ વિસ્મય પામીને બોલી, ‘અરેરે! હું તો ભૂલી જ ગઈ, હું મારું બાળક પાડોશીને સોંપીને આવી છું.’ તે એક માઈલથી વધુ પગપાળા ઠાકુરનાં દર્શનાર્થે આવી હતી.

એક દિવસ ઠાકુરે ગામની સ્ત્રીઓને કહ્યું, ‘આજે તમે ગીત ગાઓ, હું સાંભળીશ.’ બધી સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ. એક પણ સ્ત્રીએ બોલવા સુધ્ધાંનું સાહસ કર્યું નહીં. પરંતુ તે સ્ત્રી-મંડળીમાં એક બાલિકા હતી, જેને ઠાકુર ખૂબ વહાલ કરતા હતા. ઠાકુર તે બાલિકાને એટલો સ્નેહ કરતા હતા કે જ્યારે તે આવતી નહીં ત્યારે ઠાકુર તેને બોલાવી લાવવા કોઈને મોકલતા. તે બાલિકાએ જોયું કે કોઈ સ્ત્રી ગીત ગાવા તૈયાર નથી, એટલે તેણે ધ્રુજાવી દે તેવા ઉચ્ચ સ્વરે ગીત ગાયું. બાકીની બધી સ્ત્રીઓ તે સાંભળીએ હસવા લાગી પરંતુ ગીત પૂરું થતાં જ ઠાકુર આનંદિત થઈ ઊઠ્યા. તેમણે આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું, ‘જુઓ તો, તેની ભક્તિ કેવી છે! મેં કહ્યું એટલે તેણે સરળ અને નિષ્કપટ થઈને ગીત ગાયું છે. તમારા બધા કરતાં માત્ર તેની ભક્તિ જ સાચી છે.’

ઠાકુર નિર્લજ્જ અને કુલટા સ્ત્રી સામે જોઈ પણ શકતા ન હતા. તેઓ શ્રીમાને કહેતા, ‘તે સ્ત્રીઓ જેવાં બનશો નહીં. તેમનો એક પગ બીલીના ઝાડ નીચે અને બીજો પગ વડના ઝાડ નીચે હોય છે. તેઓ વર્તન-વ્યવહારમાં નિર્લજ્જ હોય છે. સ્ત્રીઓએ વિનયી હોવું જોઈએ. શાલીનતા, લજ્જા એ સ્ત્રીઓનું આભૂષણ છે.’

કામારપુકુરમાં અત્યંત પ્રખ્યાત ચીનુ શાંખારી ઠાકુરનો બાળપણનો મિત્ર હતો. તે ધર્મપરાયણ વૈષ્ણવ હતો અને તેણે આધ્યાત્મિક સાધના દ્વારા કેટલીક અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ઠાકુરને પકડીને તે કહેતો, ‘ગદાઈ, તમને જોતાંવેંત હું ચૈતન્યદેવના ચિંતનમાં લીન થઈ જાઉં છું.’ અમારા કામારપુકુરના કેટલાક પાડોશીઓ દક્ષિણેશ્વર ગંગાસ્નાન કરવા ગયા હતા, ત્યારે તે લોકોએ ત્યાં ઠાકુરને ચીનુ શાંખારીની અલૌકિક શક્તિઓ અંગેની એક ઘટના કહી સંભળાવી હતી. તેઓએ ઠાકુરને કહ્યું હતું કે એક દિવસ ચીનુને ઘેર કેટલાક અતિથિઓ આવ્યા અને ભોજનમાં કેરી સાથે માછલીનું શાક ખાવાની ઇચ્છા પ્રગટ કરી. તે વખતે કેરીની ૠતુ ન હોવાથી ચીનુ ખૂબ ચિંતાતુર થયો. ચીનુએ અતિથિઓની ઇચ્છા પૂરી કરવાનું સામર્થ્ય મળે તે અર્થે ભગવાનને પ્રાર્થના કરી. અંતિમ ક્ષણોમાં અત્યંત આશાતીત અને અલૌકિક રૂપે ચીનુને કેરીઓ મળી અને તેણે અત્યંત આનંદપૂર્વક અતિથિઓને ભોજન કરાવ્યું.

ઠાકુરે આ ઘટના સાંભળી લીધી અને કામારપુકુર ગયા ત્યારે ચીનુને કહ્યું, ‘છિ:!છિ:! તમારી આધ્યાત્મિક શક્તિઓને ધિક્કાર છે. ફરીથી આનો ઉપયોગ ન કરશો, લોકો તમારો ગેરલાભ ઉઠાવશે અને તમારા આધ્યાત્મિક જીવનમાં વિઘ્ન ઊભાં કરશે. મહેરબાની કરીને આ અલૌકિક શક્તિઓ પ્રત્યે ધ્યાન આપશો નહીં, નહીંતર તમારું મન નિમ્ન સ્તરે પતિત થઈ જશે.’

ઠાકુર ક્યારેય જગન્નાથપુરી ગયા ન હતા. એક દિવસ બલરામ બાબુ જગન્નાથ ધામનો પ્રસાદ લઈ આવ્યા. ઠાકુરે મસ્તકે સ્પર્શ કરાવીને, ભગવાનને પ્રણામ કર્યા. તે વખતે તેઓ આધ્યાત્મિક ભાવમાં હતા. થોડી વાર પછી તેમણે કહ્યું, ‘હું જગન્નાથપુરી ગયો હતો. ત્યાંની દરેક વસ્તુ મહાન છે—વિશાળ સાગર અને લાંબી-પહોળી સડકો. જો આ શરીર ત્યાં ચાલ્યું જશે તો પાછું નહીં આવે.’

જ્યારે હું શ્રીમા સાથે દક્ષિણેશ્વરમાં હતી ત્યારે શ્રીમાએ મને કહ્યું હતું કે ઠાકુરે તેમની જીભ પર એક મંત્ર લખી દીધો હતો. શ્રીમાએ મને પણ સૂચન કર્યું કે મારેય ઠાકુરને એવું કરી દેવા કહેવું. મેં ત્યારે કહ્યું હતું, ‘તેમને કહેતાં મને અત્યંત સંકોચ થાય છે. તેમના ઓરડામાં ઘણા બધા મુલાકાતીઓ બેઠેલા હોય છે.’

અન્ય એક દિવસે હું ઠાકુરને પ્રણામ કરવા ગઈ. હું કંઈ બોલી નહીં પરંતુ તેમણે જાતે જ મને પૂછ્યું, ‘તમને કયા દેવ સર્વાધિક પ્રિય છે?’ આ પ્રશ્નથી આનંદિત થઈ મેં જવાબ આપ્યો, ‘રાધા-કૃષ્ણ.’ એટલે  તેમણે તે મંત્ર મારી જીભ પર લખી દીધો. મારા ગળામાં તુલસીની એક માળા હતી, જે કામારપુકુરના લાહા પરિવારનાં પ્રસન્ન બહેને એમ કહીને આપી હતી કે તે મને ખૂબ જ શોભા આપે છે.

થોડા સમય પહેલાં શ્રીમાએ અને મેં પૂર્ણાનંદ નામના એક વૃદ્ધ સાધુ પાસેથી જગદંબાની પૂજા અંગે કેટલાંક સૂચનો મેળવ્યાં હતાં. તે અતિ સુંદર, શાંત અને ગંભીર પુરુષ હતા. જ્યારે શ્રીમાએ આ અંગે ઠાકુરને કહ્યું ત્યારે તેમણે જણાવ્યું, ‘ઘણું સારું, મેં લક્ષ્મીને બરાબર મંત્ર આપ્યો છે.’

લક્ષ્મીદેવીએ આ બીજી વાત કોલકાતાના કેટલાક ભક્તોને કહી હતી :

શ્રીરામકૃષ્ણ આ સંસારની વાતો સાંભળવાનું સહન ન કરી શકતા. એક વખત કામારપુકુરમાં હાલદારપુકુર ઘાટ પર સ્નાન કરતી કેટલીક ગ્રામ્ય સ્ત્રીઓની વાતો એમણે પોતાના ઘરે સાંભળી. એ દિવસે રાંધવાની વાનગીઓની વાતો કરતી હતી. શ્રીઠાકુરે હૃદયને કહ્યું: ‘જો આ સ્ત્રીઓ માત્ર જુદી જુદી વાનગીઓ કેમ બનાવવી એની જ વાતો કરે છે. શું હું ત્યાં જઈને એમને કહી દઉં કે આવી નકામી વાતો ન કરે?’ હૃદયે એમને એમ કરવા પ્રેર્યા નહિ, કારણ કે એ હાલદારકુટુંબની ભદ્રનારીઓ હતી. પણ જેવો હૃદય ત્યાંથી નીકળી ગયો કે શ્રીઠાકુર હાલદારપુકુર તરફ ઝડપથી ચાલતા ગયા અને પેલી સ્ત્રીઓને કહ્યું: ‘તમે બધી સ્ત્રીઓ તમારું મૂલ્યવાન જીવન આવી ભોજનની સામગ્રીઓ બનાવવાની વાતોમાં ખર્ચી નાખશો કે પ્રભુભજનમાં?’

Total Views: 76

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.