એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યમાં યોગ અને વેદાંત શીખવી રહ્યા હતા. એમના અનુયાયી મિસિસ હેન્સબ્રો કહે છે, “આલામેડામાં મારું મન કોઈક કારણસર ઉદ્વિગ્ન અને હતાશ થઈ ગયું હતું. સ્વામીજીએ કહ્યું, ‘આવો, મારી પાસે બેસો. હું તમારા માટે ધ્યાન કરીશ.’ મેં કહ્યું, ‘સ્વામીજી, હું તો ક્યારેય ધ્યાન કરતી નથી.’ સ્વામીજીએ કહ્યું, ‘ભલે, છતાં પણ આવો અને મારી સાથે બેસો. હું ધ્યાન કરીશ.’ હું  એમની પાસે જઈને બેઠી અને મારી આંખો બંધ કરી. ક્ષણભરમાં તો એવો અનુભવ થયો કે જાણે હું હવામાં ઊડવા લાગી છું! તરત જ મેં આંખો ખોલી અને સ્વામીજી તરફ જોયું. તેઓ પાષાણની પ્રતિમા સમ સ્થિર અને નિશ્ચલ બેઠેલા હતા, જાણે કે નિસ્પંદ અને પ્રાણહીન! એમણે પંદરથી વીસ મિનિટ ધ્યાન કર્યું હશે. ત્યાર બાદ એમણે આંખો ખોલી.”

સ્વામીજીને ધ્યાન કરતા જોવા એ એક ભાવ-ગભીર અનુભવ હતો. એમની ધ્યાનમૂર્તિ વિશે ફ્રેંક રોડહેમલ લખે છે, “તેઓ જ્યારે પોતાના સંન્યાસીનાં વસ્ત્રોમાં, પલાંઠી વાળીને, એક હાથ ઉપર બીજો હાથ રાખીને, આંખો બંધ કરીને દિવાન ઉપર બેસતા ત્યારે તેઓ એટલા નિસ્પંદ થઈ જતા કે જાણે કાંસાની પ્રતિમા જેવા લાગતા. સાચેસાચ યોગી! સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિની ઊર્ધ્વે તુરીય અવસ્થામાં સ્થિત. તેઓ શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમના આદર્શ સમ હતા.”

સ્વામીજીના અન્ય એક અનુયાયી લખે છે, “દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલિસ શહેરમાં જ્યારે સ્વામી વિવેકાનંદ વેદાંત-પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એ જ શહેરમાં રહેવાનું મારું મોટું સદ્‌ભાગ્ય હતું. તેઓ જે વિષયો પર બોલી રહ્યા હતા, તે મારા માટે તદ્દન નવા જ હતા. છતાં પણ હું એમનાથી ખૂબ આકર્ષિત થયો હતો. હું જ્યારે ઉત્તર કેલિફોર્નિયાના ઓકલેન્ડ શહેરમાં પાછો ફર્યો ત્યારે સ્વામીજી પણ ત્યાં પધાર્યા હતા અને સાન ફ્રાંસિસ્કો, આલામેડા અને ઑકલેન્ડ શહેરમાં પ્રવચનો આપવા લાગ્યા. મારું એમના પ્રતિ આકર્ષણ અત્યંત વધી ગયું હતું અને હું નિયમિત રૂપે એમને સાંભળવા જવા લાગ્યો હતો.

“એક દિવસે જાહેર કરવામાં આવ્યું કે સ્વામીજી મધ્યાહ્નના સમયે નિયમિત યોગ-ધ્યાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વર્ગ લેવાના છે. વર્ગમાં હાજર રહેવા માટે મેં સ્વામીજીનાં સચિવ મિસિસ હેન્સબ્રો પાસે પરવાનગી માગી. તેઓએ ઉત્તર આપ્યો કે હું નિયમિત રૂપે યોગ-ધ્યાન અભ્યાસ કરતો ન હોવાથી મારે માટે એ વર્ગમાં ઉપસ્થિત રહેવું ઉચિત નથી. આ ઉત્તરથી સંતોષ ન પામીને મેં સીધા સ્વામીજી પાસે જ પરવાનગી માગી. સ્વામીજીએ હર્ષોલ્લાસપૂર્વક કહ્યું, “અવશ્ય પધારો, ભલે પધારો, ભલે પધારો, ભલે પધારો!”

“એ વિશેષ વર્ગમાં સ્વામીજીનું વ્યાખ્યાન બૌદ્ધિક અને આધ્યાત્મિક છપ્પન-ભોગ સમું હતું. અમે ચેતનાના ઉચ્ચ સ્તરે વિહાર કરવા લાગ્યા હતા. થોડો સમય પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવ્યો હતો. કેટલાક પ્રશ્નો સાવ સામાન્ય હતા છતાં પણ સ્વામીજીએ સૌજન્યપૂર્વક બધાના ઉત્તરો આપ્યા હતા. જ્યારે આહાર વિશે ચર્ચા થઈ રહી હતી ત્યારે એક વિદ્યાર્થીએ પૂછ્યું કે, ‘સ્વામીજી, શું ડુંગળી ખાઈ શકાય કે નહિ?’ સ્વામીજીએ ઉત્તર આપ્યો કે, ‘એક સાધક માટે ડુંગળી શ્રેષ્ઠ આહાર નથી. પરંતુ હું જ્યારે કિશોર વયનો હતો ત્યારે મને ડુંગળી કેટલી ભાવતી હતી! હું ડુંગળી ખાઈને ખુલ્લી હવામાં આટાંફેરા મારતો કે જેથી મારા મોઢાની વાસ જતી રહે.’

“એ વર્ગનો છેવટનો અડધો કલાક ધ્યાન-અભ્યાસ માટે ફાળવવામાં આવ્યો હતો. સ્વામીજી ધ્યાનમાં નિમગ્ન બની સ્થિર થઈ ગયા હતા. તેમની ઉપસ્થિતિ ચારેતરફ આધ્યાત્મિક પ્રકાશપુંજ વિખરાવી રહી હતી અને અમારા અંતરમનમાં ગભીરે પ્રવેશી રહી હતી.

“અમે જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે એવો અનુભવ થઈ રહ્યો હતો કે જાણે અમે હવામાં ચાલી રહ્યા છીએ! સ્વામીજીએ જાણે કે અમને દિવ્ય-અમૃતપાન કરાવ્યું હતું.”

સવારના વર્ગો વિશે મિસિસ હેન્સબ્રો કહે છે, “ધ્યાનનો અભ્યાસ કરાવ્યા બાદ એકાદ શાસ્ત્ર વિશે ચર્ચા કરતા. ક્યારેક તેઓ વિદ્યાર્થીઓને પૂછતા કે તેઓ કયા વિષય ઉપર ચર્ચા કરવા માગે છે.” પરંતુ આજે એમને યાદ નથી કે સ્વામીજીએ કયા શાસ્ત્રો અને વિષયો પર ચર્ચા કરી હતી. આપણને ખબર છે કે ઘણા બધા વર્ગોમાં તેમણે રાજયોગ ઉપર માર્ગદર્શન આપ્યું હતું. ફ્રેંક રોડહેમલને આ સૂચનો સારી રીતે યાદ હતા. તેઓ કહે છે, “સ્વામીજીએ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટેની શારીરિક અને માનસિક સુયોગ્યતા વિશે ઊંડાણમાં જાણકારી આપી હતી. ધર્મ અને આધ્યાત્મિક જીવન વિશે માત્ર ચર્ચા-વિચારણા કરતા રહેવી અને ધાર્મિક આદર્શોને જીવનમાં ઉતારવા અને આધ્યાત્મિક સાધના કરવી એ બંને તદ્દન અલગ બાબતો છે. સાધનાની પદ્ધતિમાં અને સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરવામાં નિયમહીન કશું નથી. આખી પ્રક્રિયા એક કુદરતી પ્રણાલીને અનુસરે છે. આમાં જાદુ-ચમત્કાર કે રહસ્યમય કશું જ નથી, અભ્યાસ, અભ્યાસ, અભ્યાસ, જીવનભર અભ્યાસ, અને જરૂર પડી તો જન્મજન્માંતર સુધી અભ્યાસ—આ જ માત્ર છે આધ્યાત્મિક જીવનની પરિણતિ, મુક્તિ પ્રાપ્ત કરવાનો એક માત્ર ઉપાય. અને શેનો અભ્યાસ કરવો? આધ્યાત્મિક ઉપદેશ અને નૈતિક સદ્‌ગુણોનું સ્મરણ, મનન અને નિદિધ્યાસન. માટે જ ધ્યાનમાં ખલેલ પહોંચાડતી બાધાઓનું નિરાકરણ કરવા પર સ્વામીજીએ ભાર મૂક્યો હતો.”

અન્ય એક સમયે ફ્રેંક રોડહેમલ કહે છે કે સ્વામીજી એક નાનું સરખું વ્યાખ્યાન દીધા પછી આસન લગાવીને બેસી જતા અને શ્રોતાઓમાંથી જે લોકો ધ્યાન શીખવા માટે રોકાઈ જતા, તે લોકોને ધ્યાનનું શિક્ષણ આપતા હતા. તે દિવસે તેઓ રાજયોગ તથા પ્રાણાયામની સહજ અને વ્યાવહારિક વિધિઓ પર બોલ્યા. તેઓનાં ભાષણના થોડાક અંશો આ પ્રમાણે છે, “તમારે સાચી રીતે બેસવાની તથા સાચી રીતે શ્વાસ લેવાની રીત શીખવી જરૂરી છે. આનાથી એકાગ્રતા વિકસે છે અને ત્યારે ધ્યાન થાય છે… પ્રાણાયામ કરવા માટે કલ્પના કરો કે તમારું શરીર જ્યોતિર્મય છે…. મસ્તિષ્કના નીચલા ભાગ (સહસ્રાર)થી મૂલાધાર સુધી મેરુદંડની અંદરથી નીચેની તરફ જોવાનો પ્રયત્ન કરો. કલ્પના કરો કે તમે પોલી સુષુમ્ણાથી લઈને કુંડલિનીને મસ્તિષ્કની તરફ ઊઠતી જોઈ રહ્યા છો. ધૈર્ય રાખો. મહાન ધૈર્યની આવશ્યકતા છે.”

જે લોકો સંદેહ અથવા ભય વ્યક્ત કરતા, તેઓને આશ્વાસન આપતા તેઓ કહેતા, “હું અત્યારે તમારી સાથે છું. મારી ઉપર થોડો વિશ્વાસ રાખવાનો પ્રયત્ન કરો.” અમે તેઓની શીખવવાની પદ્ધતિથી અભિભૂત થઈ જતા, જ્યારે તેઓ કહેતા, “આપણે ધ્યાન શીખીએ છીએ એટલા માટે કે જેથી આપણે ઈશ્વરનું ચિંતન કરી શકીએ. રાજયોગ આ ઉદ્દેશ્યની ઉપલબ્ધિ માટેનું એક સાધનમાત્ર છે. રાજયોગના રચયિતા મહાયોગી પતંજલિ આ વાત પોતાના શિષ્યોનાં મનમાં દૃઢતાથી અંકિત કરવા માટે સર્વદા તત્પર રહેતા હતા. તમારામાંથી જેઓ યુવાન છે, તેઓ માટે આ જ સુઅવસર છે. ઈશ્વરનું ચિંતન કરવા માટે ઘડપણ આવવાની પ્રતીક્ષા ન કરો, કારણ કે ત્યારે તમે તેનું ચિંતન કરી શકશો નહીં. યુવાવસ્થામાં જ ઈશ્વર-ચિંતનની શક્તિ વિકસિત થાય છે.”

ફ્રેંક રોડહેમલની નોટબુકમાં આપણને સોમવાર ૨૬ માર્ચ, ૧૯૦૦ના વર્ગની એક નોંધ વાંચવા મળે છેઃ

પહેલું પગથિયું છે આસન. તમારી કરોડરજ્જુને મુક્ત રાખીને કટિપ્રદેશ પર તમારું વજન આવે એવી રીતે બેસો. બીજું પગથિયું છે, પ્રાણાયામ. ડાબા નસકોરામાંથી શ્વાસ લો અને જમણા નસકોરામાંથી છોડો. ફેફસાંને શ્વાસથી પૂરાં ભરી દો અને ત્યાર બાદ બધી જ હવા બહાર નીકાળી દો. ફેફસાંમાંથી અશુદ્ધ હવા પૂરેપૂરી નીકળી જાય એ જુઓ. હવે પૂર્ણ અને ગહન શ્વાસ લો. અનુમાન કરો કે તમારું શરીર જ્યોતિર્મય છે અને ઓજસથી ભરપૂર થઈ ગયું છે. પછીના પગથિયામાં તમારી કરોડરજ્જુના આધાર પર મનને એકાગ્ર કરો. પરંતુ આ આધારને તમે બહારથી ન જુઓ. અનુમાન કરો કે કરોડરજ્જુ પોલી છે અને તમે એની અંદરમાં ઉપરથી નીચે જોઈ રહ્યા છો.

સ્વામીજી ખૂબ વિસ્તૃત રૂપે રાજયોગ શીખવી રહ્યા હતા. અદ્વૈત વેદાંતની સાધના માટે મન અને ઇન્દ્રિયો પર પ્રચંડ સંયમ આવશ્યક છે અને આ સંયમ રાજયોગના અભ્યાસથી આવી શકે. જ્ઞાનયોગની સાધનાના પૂરક રૂપે જ સ્વામીજી રાજયોગ શીખવી રહ્યા હતા. આલામેડામાં આપેલ એક વ્યાખ્યાનમાં તેઓએ કહ્યું હતું કે, “રાજયોગની સાધનાનો કેન્દ્રવર્તી ઉદ્દેશ્ય છે—મનની એકાગ્રતા અને ધ્યાનને વિકસિત કરવાનો.”

વર્ગ-વ્યાખ્યાન ઉપરાંત પણ સ્વામીજી અનેક પ્રકારે કેળવણી આપતા. એમના મુખ્ય ઉપદેશો તો મૌન દ્વારા જ વ્યક્ત થતા. વિદ્યાર્થીઓ સ્વામીજીની નિકટ આસન-ગ્રહણ કરી, એમના જીવંત સંપર્કમાં આવતા એ જ તેમના વર્ગોનો સૌથી મોટો ફાયદો હતો. એમના વ્યક્તિત્વની આભા અને ઓજસ, મનુષ્ય માત્રમાં ઈશ્વરીય-પ્રેમને જાગૃત કરાવી દેવાની એમની ક્ષમતા, દૃષ્ટિ સમક્ષ અતિચેતન તુરીય અવસ્થાની ઝલક દર્શાવી દેવાની ક્ષમતા તથા મુક્તિનો પથ દર્શાવવાની સાથે જ મુક્તિના સ્વરૂપનો આભાસ કરાવી દેવાની ક્ષમતા જાહેર પ્રવચનો કરતાં પણ વર્ગ દરમિયાન અનેકગણી નિખરી આવતી.

ફ્રેંક રોડહેમલ કહે છે: “જાહેર પ્રવચનો કરતાં પણ આ યોગ-વર્ગમાં અમે માનવ અને શિક્ષકરૂપી સ્વામીજીના વધુ ગહન પરિચયમાં આવતા. યોગ-વર્ગમાં સંપર્ક વ્યક્તિગત હતો અને સ્વામીજીનો પ્રભાવ હૃદયસ્પર્શી હતો. પવિત્રતા, સરળતા, અને જ્ઞાનના મૂર્તિમંત સ્વરૂપ સ્વામીજીની વાણીમાં ઈશ્વરીય અધિકારનો રણકો હતો અને એ વાણી રાજયોગમાં મહારત હાંસલ કરાવવા કરતાં પણ મનને ઈશ્વરની શરણાગતિ તથા ત્યાગ તરફ વધુ દોરી જતી. અહીં જ્ઞાનયોગના ગુરુ પ્રેમની શક્તિના રૂપમાં પ્રકાશિત થતા.”

પરંતુ આ જ પ્રેમસ્વરૂપ સ્વામીજી સમય આવ્યે કઠોર પણ થઈ શકતા. મિસિસ હેન્સબ્રો કહે છે: “એક દિવસ તેઓ ત્યાગ વિશે વાત કરી રહ્યા હતા. એક સ્ત્રીએ પૂછ્યું, ‘સ્વામીજી, જો બધા જ ત્યાગ કરવા માંડે તો જગતનું શું થશે?’ એમનો ઉત્તર હતો, ‘મેડમ, તમારા હોઠ ઉપર અસત્ય લઈને તમે શું કામ મારી પાસે આવો છો? તમે આ જગતમાં તમારાં પોતાનાં સુખ-ઉપભોગ સિવાય કશું જ વિચાર્યું નથી!’”

વિનમ્ર, ધૈર્યવાન તથા સ્નેહાળ હોવા છતાં તેઓ આવશ્યકતા અનુસાર ઠપકો આપતા ક્યારેય અચકાતા નહીં. સ્વામીજીનો ઇરાદો હતો ઓજસને પ્રવેશ આપવા માટે મનને મોકળું કરવાનો, નહીં કે મનના ભોગરૂપી અંધકારનું મીઠી વાતોથી તુષ્ટીકરણ કરવાનો. મિસિસ એલન એક દિવસની વાત કહે છે: “સ્વામીજી વર્ગમાં ખૂબ બૌદ્ધિક વક્તવ્ય આપી રહ્યા હતા. એકાએક તેઓ અટકી ગયા અને આવેગપૂર્વક કહ્યું, ‘હું એમનો શિષ્ય છું કે જેઓ પોતાનું નામ પણ લખી શકતા નહીં. છતાં પણ હું તેઓની પાદુકા સ્પર્શ કરવાને પણ લાયક નથી. મેં કેટલીયે વાર ઇચ્છ્યું છે કે જો હું મારી બુદ્ધિને ગંગામાં ફેંકી દઈ શકત તો કેટલું સારું થાત!’”

એક બહેને કહ્યું, “પરંતુ સ્વામીજી તમારો આ જ ગુણ મને સૌથી વધુ ગમે છે.” સ્વામીજીએ ઉત્તર આપ્યો, “મેડમ, એનું કારણ એ છે કે તમે મૂરખ છો—જેમ કે, હું છું.” સ્વામીજીએ જે સરળ, સૌહાર્દપૂર્વક ‘જેમ કે, હું છું’ કહ્યું હતું તેથી જ વિદ્યાર્થી પ્રત્યેનો તેમનો સ્નેહ અને મૈત્રીભાવ ઉજાગર થઈ જાય છે.

Total Views: 432

One Comment

  1. રસેન્દ્ર અધ્વર્યુ September 14, 2023 at 10:47 am - Reply

    ખુબ સરસ લેખ.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.