સંન્યાસી બપોરે થોડી વાર વિશ્રામ કરી; પરિક્રમામાં આગળ વધ્યા. રસ્તામાં કાંદરોજ, રાજપુરા, નાવડા થઈ ચાલતાં ચાલતાં છેક સાડા છ વાગે વરાછા પહોંચ્યા. લીંબડી આશ્રમના પૂજ્ય મુકેશ મહારાજ અહીં તપસ્યારત હતા. સંધ્યા થવામાં થોડી વાર હતી. પૂજ્ય મહારાજ નર્મદાસ્નાન માટે જતા હતા, અમે પણ સાથે જોડાયા. ઘાટ પછી સુંદર રેતાળ બીચ જેવું હતું. અહીં પણ મગરનો ભય તો ખરો જ. નર્મદા મૈયામાં સ્નાન કરવાથી બધો જ થાક ઊતરી ગયો અને તાજા-માજા થઈ ગયા.
અહીં વરાછામાં વાલ્મીકેશ્વર મહાદેવ તીર્થ છે, આ ઉપરાંત, બીજાં એક-બે આશ્રમો તથા મંદિરો પણ ખરાં. પૂજ્ય મુકેશ મહારાજ એક સંતના ખાલી આશ્રમમાં તપસ્યા કરતા હતા, આગળ અસા ગામમાં (સેવા રુરલ, ઝઘડિયા) આશ્રમમાં પૂજ્ય મહાદેવ મહારાજ તપસ્યારત હતા. તેઓ પણ રાત્રે મળવા માટે વરાછામાં મુકેશ મહારાજની કુટિયામાં આવી પહોંચ્યા! બીજા દિવસે કન્યાઓને ભોજન કરાવવાનું હોવાથી કન્યાઓ તથા રસોઇયા વગેરેની વ્યવસ્થા થઈ અને રાત્રે પરિક્રમાના અનુભવો તથા પૂજ્ય મહારાજોના સત્સંગથી પરમ આનંદ પ્રાપ્ત થયો.
આજે ૪ ઓક્ટોબર, ૨૦૧૫ને રવિવાર. આજ સવારથી જ સંન્યાસીના મનમાં એક અનેરો આનંદ હતો. આજે મા નર્મદાનું કન્યારૂપે પૂજન! જલદી જલદી પોતાનો નિત્યક્રમ પતાવી રસોઈમાં સહાય કરવા લાગ્યા. રસોઈ તૈયાર થતાં થાળ સજાવી નર્મદા તટે પૂજન-અર્ચન દ્વારા નૈવેદ્ય અર્પણ કર્યું. યથાસમયે ૪૮ જેટલાં બાલક-બાલિકાઓ આવી પહોંચ્યાં. તિલક, ધૂપ, દીપથી પૂજન કરી પ્રેમપૂર્વક ભરપેટ ભોજન કરાવ્યું અને ત્રણેય મહારાજે મળી યથાશક્તિ દક્ષિણા પણ આપી. પ્રસાદરૂપે સંન્યાસીઓએ પણ ભોજન ગ્રહણ કર્યું. પૂજ્ય મુકેશ મહારાજ અને મહાદેવ મહારાજ સાથે સત્સંગ અને સાંજે નર્મદાના પાવન જળના સ્નાનમાં આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી!
બીજે દિવસે સવારે નિત્યકર્મ આટોપી પૂજ્ય મહાદેવ મહારાજ અને ત્યાગીજી સાથે સંન્યાસી વરાછાથી બે-એક કિલોમીટર દૂર નર્મદાતટે જ આવેલ અસા ગામના દગડુબાબાના આશ્રમમાં પહોંચ્યા. ત્યાં મહાદેવ મહારાજની ઓળખાણથી આશ્રમમાં નિવાસની વિશેષ વ્યવસ્થા થઈ.
આશ્રમમાં રામ-લક્ષ્મણ-જાનકી અને મહાદેવનું સુંદર મંદિર, પરિક્રમાવાસીઓ અને ભક્તો માટે વિશાળ અતિથિભવન, સાધકો માટે નાની, પરંતુ સુંદર કુટિયાથી શોભતો, વિશાળવૃક્ષો, દગડુબાબાની સેવા-પરાયણતાની સ્મૃતિ-સુવાસ તથા અખંડ રામધૂનથી ગુંજતો, અન્નક્ષેત્રની મહેકથી મહેકતો આશ્રમ અદ્ભુત હતો.
પૂજ્ય મહાદેવ મહારાજ અસા ગામમાં જ દગડુબાબાના આશ્રમથી ત્રણસો મીટર દૂર આવેલ સેવા રુરલ, ઝઘડિયા આશ્રમમાં તેમના માટે જ બનાવેલ વિશેષ કુટિયામાં નિવાસ કરતા હતા. સાંજના સમયે મહાદેવ મહારાજ સંન્યાસીને પોતાની સુંદર સુવિધાપૂર્ણ નાની એવી કુટિયામાં લઈ ગયા. તપસ્યા, સાધન-ભજનના પરમ તરંગોથી કુટિયા વ્યાપ્ત હતી. અનાયાસે મન ભાવ-વિભોર બને. પૂજ્ય મહાદેવ મહારાજે સંન્યાસીને પરમ તૃપ્ત કરવા મધુર કંઠે ભજનોનું અમૃતપાન કરાવ્યું. સાધારણ રીતે મૌન રહેતા તથા કોઈને પણ ઉપદેશ ન આપતા પૂજ્ય મહાદેવ મહારાજ સંન્યાસી પ્રત્યેના વિશેષ પ્રેમને કારણે સંન્યાસીને ઉપદેશ આપવા લાગ્યા, જેમાં સાધન-ભજન અને તપસ્યાનું મહિમાગાન કરવા લાગ્યા. સંન્યાસી સાધન-ભજનની સાથે સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રબોધેલ કર્મ દ્વારા થયેલ સેવાયોગનો પક્ષ લઈ મહાન તપસ્વી તથા સિદ્ધયોગી પૂજ્ય મહાદેવ મહારાજની સાથે અબોધ બાળકની જેમ તર્ક કરવા લાગ્યા. પણ વંદનીય સંતો સાથે તર્ક કરવો જોઈએ નહીં, એ વાત ત્યારે સંન્યાસી સમજતા ન હતા. જો કે સંન્યાસી આજે પણ પોતાના પક્ષની નિષ્ઠામાં દૃઢ છે.
પૂજ્ય મહારાજે નાનકડા ફ્રિજમાં રાખેલી ખીચડીને ગરમ કરી, ભાગ પાડી અતિથિસત્કાર કર્યો. પૂજ્ય મહારાજની કૃચ્છ્ર તપસ્યાથી સંન્યાસી અવાક બની ગયા. સંન્યાસી રાત્રે ફરી દગડુબાબાના આશ્રમે આવી ગયા. મંગળવાર, ૬ઠ્ઠી ઓક્ટોબર, ૨૦૧૫ના દિવસે પરોઢીયે નિત્યક્રમ પૂર્ણ કરી, ચા પીને ત્યાગીજી અને સંન્યાસી ‘નર્મદેહર’ના સાદ સાથે પરિક્રમામાં આગળ વધ્યા. નાની, પાકી સડક છોડી બન્ને પરિક્રમાવાસી ભૂલથી કેળના બગીચાની કેડી પરથી આગળ વધવા લાગ્યા.
Your Content Goes Here