(સ્વામી ચેતનાનંદકૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી-સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી દુષ્યંતભાઈ પંડ્યા અને શ્રી હર્ષદભાઈ પટેલ. -સં.)
લક્ષ્મીદેવી કહે છે:
જ્યારે હું દક્ષિણેશ્વરમાં હતી ત્યારે ક્યારેક ક્યારેક અમારી કુળદેવી અને જગદંબાનું એક રૂપ છે, એવાં શીતલાદેવીને યાદ કરતી હતી. તે વખતે ઠાકુરને મીઠાઈ આપવામાં આવતી ત્યારે તેઓ કહેતા, “આ મીઠાઈ લક્ષ્મીને ખવડાવો, આ મીઠાઈ શીતલાદેવી માટે સુંદર ભોગ-નૈવેદ્ય થશે, કેમ કે લક્ષ્મી તેમનો અંશ છે.” એક વખત તેમણે ગિરીશબાબુને આમ કરવા કહ્યું હતું.
જ્યારે પણ ઠાકુરના ઓરડામાં કીર્તન થતાં ત્યારે તેઓ રામલાલને નોબતખાના બાજુનું બારણું ઉઘાડી નાખવાનું કહેતા. તેઓ કહેતા, “ભક્તિ અને પરમાનંદની શક્તિ અહીં પ્રવાહિત થશે. જો તેઓ જોશે કે સાંભળશે નહીં તો શીખશે કેવી રીતે?” શ્રીમા વાંસના પડદાના એક નાનકડા કાણામાંથી આ બધું જોયા કરતાં અને જોઈને પ્રસન્ન થતાં. ક્યારેક ઠાકુર હસતાં હસતાં કહેતા, “અરે રામલાલ, તારી કાકીના પડદાનું કાણું મોટું થતું જાય છે.”
ઠાકુર મને અને શ્રીમાને રામાયણ અને મહાભારતની કેટલીક વાર્તાઓ—જેવી કે રાજા નળની—કહી સંભળાવતા. અને અમે તે સમજ્યાં છીએ કે નહીં તે જાણવા માટે પ્રશ્ન પૂછતા. તેઓ મને તેની પુનરાવૃત્તિ કરવાનું પણ કહેતા અને પછી રાજી થઈને કહેતા, “એટલે તો હું તમને પોપટ કહું છું.”
ઠાકુર હંમેશાં અમને આધ્યાત્મિક સાધના માટે પ્રોત્સાહિત કરતા હતા. તેઓ અમને કહેતા, “નિરંતર પ્રાર્થના કરો. નિષ્ઠાવાન બનો. પોતાની આધ્યાત્મિક સાધના કોઈપણ સામે પ્રગટ ન કરો. જો ચરિત્ર સારું નહીં હોય તો જપથી શું થવાનું છે? યુવાન સ્ત્રીઓએ વિશેષ સાવધાન રહેવું જોઈએ. પવિત્ર બનો. વૃક્ષ ધરતીમાંથી પોતાના મૂળ દ્વારા જળનું શોષણ કરે છે, જે દેખાતું નથી. તેવી રીતે કેટલાક લોકો બહારથી ધાર્મિક હોવાનો ઢોંગ કરીને સંતાઈને વાસનાઓ સંતોષે છે. પાખંડી કે દંભી ન બનો.”
એક વખત તેમણે મને કહ્યું, “જો તમે ભગવાનનું સ્મરણ નથી કરી શકતાં, તો મારું ચિંતન કરો, તેનાથી જ થઈ જશે.”
ઠાકુરને જીવનભર પેટની બીમારી રહી. જ્યારે દાદીમા (શ્રીરામકૃષ્ણનાં માતા) દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં ત્યારે ઠાકુર દરરોજ સવારે તેમને પ્રણામ કરતા. દાદીમા અત્યંત રૂપાળાં અને દીર્ઘકાય હતાં. પરંતુ તેઓ પ્રાચીન પરંપરાનાં હતાં અને અત્યંત શરમાળ હતાં. પોતાના સૌથી નાના પુત્ર (શ્રીરામકૃષ્ણદેવ) સમક્ષ પણ તેઓ મુખ પર ઘૂંઘટ ઓઢી રાખતાં. જ્યારે ઠાકુર આવતા ત્યારે તેમને પૂછતાં, “તારું પેટ કેવું છે?” ઠાકુર કહેતા, “બરાબર નથી.” દાદીમા ત્યારે સલાહ આપતાં, “મા કાલીનો પ્રસાદ ખાતો નહીં. (એ પ્રસાદ ખૂબ મસાલેદાર રહેતો) જ્યાં સુધી તારું પેટ બરાબર ન થાય, ત્યાં સુધી વહુ મા (શ્રીમા શારદાદેવી) ને કહું છું, તારા માટે બાફેલું શાક અને ભાત બનાવી દેશે, તે જ ખાજે.”
ક્યારેક ઠાકુર સાદું પથ્ય ભોજન ખાઈ ખાઈને કંટાળી જતા ત્યારે તેમનાં માતાને એક-બે વાનગી એવો વઘાર કરીને તૈયાર કરવાનું કહેતા, જેવો વઘાર કામારપુકુરમાં કરતાં. તેથી ક્યારેક દાદીમા તેમના માટે ભોજન બનાવતાં અને ઠાકુર આનંદપૂર્વક આરોગતા.
ઠાકુર સ્ત્રીઓને ભોજન બનાવવા માટે પ્રોત્સાહિત કરતા. તેઓ કહેતા, “મનને વ્યસ્ત રાખવા માટેનું તે એક સારું કાર્ય છે. સીતા, દ્રૌપદી અને પાર્વતી સ્વાદિષ્ટ ભોજન બનાવતાં હતાં. માતા લક્ષ્મી (સુખ-સંપત્તિનાં દેવી) પોતે ભોજન બનાવતાં હતાં અને બીજાંને ખવડાવતાં હતાં.”
પોતાના બે મોટા પુત્રોના મૃત્યુ પછી દાદીમા થોડાં ઉદાસ અને અંતર્મુખી બની ગયાં હતાં. તદુપરાંત, તેઓ આલમબજારની શણની મિલની બપોરની સાયરનનો અવાજ સાંભળ્યા પહેલાં ભોજન ન કરતાં. સાયરન વાગતાં જ તેઓ આશ્ચર્યચકિત થઈને બોલી ઊઠતાં, “અરે! આ વૈકુંઠની વાંસળી છે. આ લક્ષ્મી અને નારાયણને ભોગ ધરાવવાનો સંકેત છે.” છતાંય રવિવારે એ સમસ્યા ઊભી થતી, કારણ કે રવિવારે શણની મિલ બંધ રહેતી હતી. રવિવારે બપોરે સાયરન વાગતી ન હતી અને પરિણામે દાદીમા ભોજન ન કરી શકતાં. તેથી ઠાકુર ખૂબ ચિંતિત થઈ જતા અને દુઃખ વ્યક્ત કરીને કહેતા, “આજે વૃદ્ધાને લઈને કેટલી માથાકૂટ કરવી પડશે! આહા! વૃદ્ધા થયાં છે, ભોજન કરી શકશે નહીં, શરીર નબળું પડી જશે.” હૃદય ઠાકુરને કહેતો, “મામા, ચિંતા કરશો નહીં. જ્યારે દાદીમાને ભૂખ લાગશે ત્યારે તેઓ જાતે જ ભોજન કરશે.” પરંતુ ઠાકુર તેના જવાબમાં કહેતા, “અરે ના, હું તેમનો પુત્ર છું. મારી વૃદ્ધ માતાની સંભાળ લેવી, એ મારું કર્તવ્ય છે.” ઘણું સમજાવી-પટાવીને ઠાકુર પોતાનાં માતાને કૃષ્ણનો પ્રસાદ લેવા મનાવતા.
એક દિવસ હૃદયરામે હુક્કામાં ફૂંક મારીને મોટો અવાજ કર્યો, પછી તેણે દાદીમાને કહ્યું, “દાદીમા, શું તમે હમણાં વૈકુંઠની વાંસળીનો અવાજ સાંભળ્યો? હવે મહેરબાની કરીને ભોજન કરી લો.” પરંતુ દાદીમાએ હસીને જવાબ આપ્યો, “અરે ના, તેં હુક્કામાં ફૂંક મારીને અવાજ કર્યો છે.” બધા લોકો હસી પડ્યા. જ્યારે દાદીમાનું દેહાવસાન થયું ત્યારે ઠાકુરે કલ્પાંત કર્યું હતું.
શ્રીશ્રીમા ઠાકુરના ઓરડામાં તેમનું ભોજન લઈ જતાં. શ્રીમા તરફ સંકેત કરીને ઠાકુર ક્યારેક મજાક કરીને કહેતા, “સૌભાગ્ય છે કે હું આ વૃક્ષની છાયામાં છું, નહીંતર મારું ભોજન કોણ બનાવત? એવી વ્યક્તિ કે જે પોતાના વસ્ત્રનું પણ ધ્યાન રાખી શકતી નથી અને તેણે લગ્ન પણ કર્યા છે.”
લક્ષ્મીદેવીએ અહીં વર્ણવેલી ઘટનાની વાત કરી હતી:
એક રાતે શ્રીઠાકુર રાધાભાવમાં આવી ગયા. તેઓ રાધાજી સાથે એટલા એકાકાર બની ગયા કે તેમણે ભગવાન શ્રીકૃષ્ણને મળવા વસંતમંડપમાં જવાનું નક્કી કર્યું. પોતાના ઓરડામાંથી બહાર નીકળીને તેઓ ગુલાબવાટિકામાં પ્રવેશ્યા. એમને બાહ્યદેહભાન હતું નહિ. તેઓ તો ગુલાબની છોડ-ક્યારીઓમાં આવી ગયા અને ગુલાબના કાંટાએ અહીં-તહીં ઉઝરડા કરી નાખ્યા; છતાં પણ તેઓ ત્યાં જ ઊભા રહ્યા. રાત્રીનો ચોકીદાર જાગી ઊઠ્યો અને એણે અમને જગાડ્યા. તરત જ હું મંદિરના મેનેજર પાસે ગઈ અને તેને ત્યાં લઈ ગઈ. અવાજને કારણે બીજા ઘણા જાગી ગયા અને ટોળે વળ્યા. કાકી પણ ત્યાં આવ્યા અને આંખમાંથી આંસું સારવા લાગ્યાં. આ સમયે પ્રથમ વખત જ તેઓ (શ્રીમા) જાહેરમાં દેખાયાં. જ્યારે શ્રીઠાકુરને એના ઓરડામાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું: ‘હું વસંતમંડપમાં જઉં છું. તમે લોકો શા માટે મને હેરાન કરો છો? મને ત્યાં જવા દો.’ આ ઘટના પછી કાકી અને હું પણ એમના ઓરડામાં સૂવા લાગ્યાં. બે-એક દિવસ પછી શ્રીઠાકુરે અમને કહ્યું: ‘તમે શું કામ હેરાન થાઓ છો? અટાણે તો આટલી ગરમી છે. નોબતખાનામાં તમને વધારે સારી ઊંઘ આવશે.’ અમે એમની આજ્ઞાનું પાલન કર્યું.
લક્ષ્મીદેવી પાસેથી સાંભળેલી વાતોને ભગિની દેવમાતાએ પોતાના પુસ્તકમાં આ રીતે નોંધી છે:
એક સવારે શ્રીરામકૃષ્ણ એકાએક અદૃશ્ય થઈ ગયા. શ્રીમા, લક્ષ્મીદેવી અને બીજા ભક્તો તેમને શોધવા માટે વડલાના ઝાડ પાસે ગયાં પણ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. તેમને બગીચામાં, મંદિરના તળાવમાં, એના ઓરડામાં, મંદિરમાં, ઝૂંપડીમાં—બધેય શોધ્યા. અંતે, શ્રીમાએ જણાવ્યું કે તેઓ સમાધિભાવમાં ગંગાના કિનારે આવી ગયા હશે અને કદાચ પાણીમાંયે પડી ગયા હશે. તેઓ બધાં ખૂબ આક્રંદ કરવા લાગ્યાં. બન્યું એવું કે એ દિવસે એક ગાય ક્યાંક આડીઅવળી ચાલી ગઈ અને માળી એને શોધી ન શક્યો એટલે મંદિરના ચોગાનના એક ખૂણામાં આવેલ કાંટાળા જંગલમાં ખાબક્યો. ત્યાં દક્ષિણેશ્વર સંકુલની સીમા દર્શાવતી દીવાલ પાસે એક બિલીના ઝાડ નીચે એણે શ્રીરામકૃષ્ણને શરીરના બધા દુ:ખદર્દથી સંપૂર્ણપણે પર રહીને સમાધિભાવમાં જોયા. પછીથી શ્રીઠાકુરે સમજાવ્યું હતું કે તેઓ જ્યારે વડના ઝાડ નીચે બેઠા ત્યારે ગંગામાં સ્નાન કરવા જતી ઘણી સ્ત્રીઓએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને અને તેમની પાસે સંતાન પ્રાપ્તિ માટે તેમજ સંસારી ફાયદા માટે આશીર્વાદ આપવાની માગણી કરીને એમને ખલેલ પહોંચાડી. એટલે એમણે એમને કોઈ જોઈ ન શકે એવા એકાંત સ્થળને શોધવાનો નિર્ણય કર્યો અને એ માટે બિલીનું ઝાડ મળી ગયું. ગોખરુમાંથી ચાલ્યા એટલે એમના પગ ઉઝરડાઈ અને ચિરાઈ પણ ગયા. અમે એ ગોખરુને દૂર કરીને ખૂલે પગે એના પરથી ચાલ્યા ત્યારે પગમાં ઘારાં પડી ગયાં હતાં અને લોહી નીતરતું હતું.
બીજો એક પ્રસંગ લક્ષ્મીદેવીના જ શબ્દોમાં જોઈએ:
એક દિવસ હું શ્રીમા સાથે શ્રીઠાકુરનું ભોજન લઈને ગઈ. રાખાલ અને બીજા કે જે એમની સાથે હતા તરત જ અમને ત્યાં એકલા રાખીને ખંડ છોડીને ચાલ્યા ગયા. શ્રીઠાકુર પથારીમાં સમાધિભાવમાં સૂતા હતા. પણ એ એટલા બધા અચેતન જેવા લાગ્યા અને જેમને એમની તબિયતની ઘણા વખતથી ચિંતા રહેતી હતી એવા શ્રીમા તો શ્રીઠાકુરે આ દેહ છોડી દીધો છે, એમ માનીને કલ્પાંત કરવા લાગ્યાં. એ જ વખતે એમને એક વાત યાદ આવી. એમણે કહ્યું હતું કે જ્યારે એમને એવી પરિસ્થિતિમાં જુએ ત્યારે એમના પગને જરા સ્પર્શ કરવો, તેથી તેઓ પાછા બાહ્યભાનમાં આવી જશે. એટલે તેઓ એમના તળિયાં ઘસવા લાગ્યાં. રુદનનો અવાજ સાંભળીને રાખાલ અને બીજા પણ ઝડપથી ઓરડામાં પાછા આવી ગયા અને તેઓ પણ એમના તળિયાં જોરથી ઘસવા લાગ્યા.
આનાથી તેઓ બાહ્ય દેહભાનમાં આવ્યા અને પોતાની આંખો ખોલીને શું થયું હતું, એવા આશ્ચર્ય સાથે પૂછ્યું. પછી એમના ભયને જાણીને તેઓ હસ્યા અને કહ્યું: ‘હું ધવલવર્ણના લોકોની ભૂમિમાં હતો. એમની ચામડી ધોળી, એમના હૃદય પણ ઉજ્જ્વળ, તેઓ સાદા અને નિષ્ઠાવાન છે. એ ઘણો રમણીય દેશ છે, મારે ત્યાં જવું જોઈએ એમ હું ધારું છું.’
શ્રીરામકૃષ્ણનું સૌને મુગ્ધ બનાવી દેતું જીવન અને એમનો વૈશ્વિક સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસરી ગયાં છે. પરંતુ શ્રીઠાકુરે પોતાના શિષ્યોને કેવી રીતે કેળવ્યા એ વિશે એટલું બધું જાણી શકાતું નથી. લક્ષ્મીદેવી જેવી બહુ થોડી સદ્ભાગી વ્યક્તિ હતી કે જેઓ શ્રીઠાકુરની ઘણી નિકટ રહી અને એમની સાથે મુક્તપણે રહી.
ઠાકુરનો ભક્તો પ્રત્યે કેવો તો પ્રેમ હતો! એક વખત બલરામ બાબુ પોતાની પત્ની અને સંતાનોને લઈને નૌકા દ્વારા દક્ષિણેશ્વર આવ્યાં હતાં. ઠાકુરને થોડો વખત મળ્યા પછી બપોર બાદ તેઓ કલકત્તા પાછાં ગયાં. સ્વયં ઠાકુર તેમને વિદાય આપવા ચાંદની ઘાટ પર આવ્યા હતા. સ્મિત રેલાવતાં ઠાકુરે તેમને કહ્યું, ‘ફરી આવજો.’
તેઓની નૌકા નદીમાં આગળ વધવા લાગી અને ઘણે દૂર પહોંચી નહીં ત્યાં સુધી ઠાકુર ઘાટ પર ઊભા રહ્યા. એટલામાં વંટોળ શરૂ થયો અને આકાશ કાળાં વાદળાંથી છવાઈ ગયું. મેં જોયું કે ઠાકુર અત્યંત ચિંતાગ્રસ્ત છે. તેઓ દીન, વ્યાકુળ બાળકની જેમ આઘા-પાછા થવા લાગ્યા. ભારે ઝોલાં ખાતી નૌકા જોઈને તેઓની ચિંતા વધવા માંડી. અધીરાઈપૂર્વક તેમણે મને પૂછ્યું, ‘શું થશે? શું બલરામ અને તેમનો પરિવાર આ વંટોળમાંથી બચી જશે? હાય! શું થશે? લોકો એમ જ કહેશે કે બલરામ એક નકામા અને અભાગિયા સાધુને મળવા દક્ષિણેશ્વર ગયા હતા અને પાછા વળતાં જીવન ગુમાવ્યું. મને કહો, શું થશે?’ ધીરે ધીરે નૌકા અદૃશ્ય થઈ ગઈ. ઠાકુર દુઃખી મને અને ઉદાસ ચહેરે પોતાના ઓરડમાં પાછા ફર્યા અને વ્યાકુળતાપૂર્વક આમતેમ ફરતાં ફરતાં આર્તનાદ કરવા લાગ્યા, ‘મા, શું તમે મારું વ્યક્તિત્વ કલંકિત કરી દેશો? શું તમે મારી પ્રાર્થના નહીં સાંભળો? મા, શું થશે? મા!.’
ઠાકુરની માનસિક અવસ્થા જોઈને યોગીન કંઈ પણ કહ્યા વિના બલરામ બાબુના સમાચાર લેવા એવા વા-વંટોળમાં કલકત્તા જવા નીકળી પડ્યા. આલમબજારથી સહિયારી ઘોડાગાડીમાં બેસી રાત પડ્યાના થોડાક જ કલાકમાં પાછા આવી ગયા અને બલરામ તથા તેમનો પરિવાર સુરક્ષિત ઘરે પહોંચી ગયાના સમાચાર ઠાકુરને કહી સંભળાવ્યા.
યોગીને ઠાકુરને કહ્યું, ‘તમારી કૃપાથી કોઈ દુર્ઘટના નડી નહીં અને તે સૌ સુરક્ષિત ઘેર પહોંચી ગયાં. તમારી વ્યાકુળતા અને ચિંતા જોઈને હું પોતે તેમની ખબર લેવા ચાલી નીકળ્યો. તે લોકોએ જણાવ્યું હતું કે વંટોળમાં નૌકા ખૂબ ઝોલાં ખાતી હતી અને એક વખત તો સાવ ઊંઘી વળી જવાની હતી પરંતુ ગમે તેમ કરીને સમતોલિત થઈ ગઈ.
આ સમાચાર સાંભળીને ઠાકુર ખૂબ આનંદિત થઈ ગયા. પછી તેમણે યોગીનને ધીરેથી કહ્યું,‘તમે શું કહ્યું? મારી કૃપાથી? કોઈ બીજાને આ વાત ફરી કહેતા નહીં. આને તમારા મનમાં રાખો. જગદંબાની કૃપાથી તે સૌ સુરક્ષિતપણે ઘેર પહોંચી ગયાં હતાં.’
જયરામવાટીમાં ગરીબાઈ અને અનેક ઘરકામોની ભીંસમાં પણ શ્રીમા શારદાદેવીનો અક્ષરજ્ઞાન મેળવવાનો ખૂબ આગ્રહ હતો. એ વિશે અગાઉ જણાવ્યું છે. તે જમાનામાં શ્રીમંત ને ઉચ્ચ વર્ણનાં કુટુંબોમાં પણ દીકરીઓને ઝાઝું શિક્ષણ આપવામાં કોઈ માનતું નહીં. તેથી શ્રીમા શારદાદેવીની અક્ષરજ્ઞાનની તીવ્ર ઇચ્છા નાબૂદ ન થઈ, ઊલટી પ્રબળ થતી ગઈ એ જોઈ વધારે નવાઈ લાગે છે. શ્રીમા શારદાદેવીએ પછીથી કહેલું કેઃ ‘કામારપુકુરમાં લક્ષ્મી (શ્રીરામકૃષ્ણના મોટાભાઈ રામેશ્વરની દીકરી) અને હું બાળપોથી વાંચતાં. ભાણેજ હૃદયે ત્યારે ચોપડી ઝૂંટવી લીધી અને કહ્યું કેઃ ‘છોકરીઓએ લખતાં-વાંચતાં શીખીને શું કરવું છે? આખરે શું નાટક ને વાર્તાઓ વાંચવી છે?’ લક્ષ્મી તો ઘરની દીકરી એટલે એણે એની ચોપડી મૂકી ન દીધી. મેં છૂપી રીતે એક આનાની બીજી ચોપડી વેચાતી લીધી. લક્ષ્મી પાઠશાળામાં ભણવા જતી ને આવ્યા પછી મને શીખવતી.’ વિદ્યા મેળવવાનો આ ઉત્સાહ ઘણાં વર્ષો પછી પણ શ્રીમા શારદાદેવીમાં રહ્યો હતો. તેમણે કહેલુંઃ ‘દક્ષિણેશ્વરમાં હું સરખી રીતે લખતાં-વાંચતાં શીખી. ઠાકુર ત્યારે સારવાર માટે શ્યામપુકુર રહેતા હતા. હું સાવ એકલી હતી. ભવ મુખર્જીની એક દીકરી રોજ નાહવા આવતી. વચ્ચે વચ્ચે તે ઘણો સમય મારી પાસે ગાળતી. મારી પાસે પાઠ વંચાવતી ને પ્રશ્નો પૂછતી. બગીચામાંથી જે કંઈ શાકભાજી મને આપી જતા, તેમાંથી હું એને ખૂબ ખૂબ આપતી.’ આ અભ્યાસને પરિણામે શ્રીમા શારદાદેવી રામાયણ જેવાં પુસ્તકો વાંચી શકતાં પણ ખાસ લખી શકતાં ન હતાં. પાછલી અવસ્થામાં તેઓ પોતાની સહી પણ કરી શકતાં નહીં.
જયરામવાટીમાં ગરીબાઈ અને અનેક ઘરકામોની ભીંસમાં પણ શ્રીમા શારદાદેવીનો અક્ષરજ્ઞાન મેળવવાનો ખૂબ આગ્રહ હતો. એ વિશે અગાઉ જણાવ્યું છે. તે જમાનામાં શ્રીમંત ને ઉચ્ચ વર્ણનાં કુટુંબોમાં પણ દીકરીઓને ઝાઝું શિક્ષણ આપવામાં કોઈ માનતું નહીં. તેથી શ્રીમા શારદાદેવીની અક્ષરજ્ઞાનની તીવ્ર ઇચ્છા નાબૂદ ન થઈ, ઊલટી પ્રબળ થતી ગઈ એ જોઈ વધારે નવાઈ લાગે છે. શ્રીમા શારદાદેવીએ પછીથી કહેલું કેઃ ‘કામારપુકુરમાં લક્ષ્મી અને (શ્રીરામકૃષ્ણના મોટાભાઈ રામેશ્વરની દીકરી) હું બાળપોથી વાંચતાં. ભાણેજ (હૃદયે) ત્યારે ચોપડી ઝૂંટવી લીધી અને કહ્યું કેઃ ‘છોકરીઓએ લખતાં-વાંચતાં શીખીને શું કરવું છે? આખરે શું નાટક ને વાર્તાઓ વાંચવી છે?’ લક્ષ્મી તો ઘરની દીકરી એટલે એણે એની ચોપડી મૂકી ન દીધી. મેં છૂપી રીતે એક આનાની બીજી ચોપડી વેચાતી લીધી. લક્ષ્મી પાઠશાળામાં ભણવા જતી ને આવ્યા પછી મને શીખવતી.’ વિદ્યા મેળવવાનો આ ઉત્સાહ ઘણાં વર્ષો પછી પણ શ્રીમા શારદાદેવીમાં રહ્યો હતો. તેમણે કહેલુંઃ ‘દક્ષિણેશ્વરમાં હું સરખી રીતે લખતાં-વાંચતાં શીખી. ઠાકુર ત્યારે સારવાર માટે શ્યામપુકુર રહેતા હતા. હું સાવ એકલી હતી. ભવ મુખર્જીની એક દીકરી રોજ નાહવા આવતી. વચ્ચે વચ્ચે તે ઘણો સમય મારી પાસે ગાળતી. મારી પાસે પાઠ વંચાવતી ને પ્રશ્નો પૂછતી. બગીચામાંથી જે કંઈ શાકભાજી મને આપી જતા તેમાંથી હું એને ખૂબ ખૂબ આપતી.’ આ અભ્યાસને પરિણામે શ્રીમા શારદાદેવી રામાયણ જેવાં પુસ્તકો વાંચી શકતાં પણ ખાસ લખી શકતાં ન હતાં. પાછલી અવસ્થામાં તેઓ પોતાની સહી પણ કરી શકતાં નહીં.
મરીમસાલા ઉપર ઠાકુરને એક પ્રકારની બાલકસુલભ પ્રીતિ હતી. એક દિવસ ભત્રીજી લક્ષ્મીદેવીને બોલાવીને કહેઃ ‘લક્ષ્મી, ચાર પૈસાનું પાંચફોડન (ધાણા, જીરું, મેથી, કાળું જીરું તથા રાઈને પ્રમાણસર મેળવીને બનાવેલ વઘારનો મસાલો) ખરીદી લાવ તો.’ પછી શ્રીમા શારદાદેવીને કહેઃ ‘પંચવટી દાળ બનાવો અને એવો વઘાર કરો કે સૂં… સૂં… અવાજ થાય.’
વળી એક દિવસ તેઓએ સાંભળ્યું કે રામલાલની મા શ્રીમા શારદાદેવીને કહે છે કે ઘરમાં પાંચફોડન નથી, તો તેના વિના જ રાંધવું પડશે. આ સાંભળતાંવેંત જ તેઓ બોલ્યાઃ ‘એ વળી શું? પાંચફોડન નથી તો એક પૈસાનું લાવોને. જ્યાં જેની જરૂર પડે તે મેળવવું જોઈએ. તમારા આ ફોડનના વઘારની સુવાસવાળી રસોઈ માટે તો દક્ષિણેશ્વરની જાતજાતની રસોઈ ને મિષ્ટાન્ન છોડીને આવ્યો અને તમો તેને જ બાદ કરવા માંગો છો?’ સાંભળીને રામલાલની માએ શરમાઈ જઈ તરત વઘારના મસાલાની વ્યવસ્થા કરી.
Your Content Goes Here