દરેક પરિક્રમાવાસીની જેમ સંન્યાસી મનમાં ઇષ્ટચિંતન કરતાં કરતાં ત્યાગીજી કરતાં આશરે દશેક મીટર પાછળ પાછળ ચાલતા હતા. સંન્યાસીએ અચાનક જોયું કે ત્યાગીજી અત્યંત ભયભીત થઈને પાગલની જેમ એક-બે ગોળ ચક્કર લગાવી હાંફતા હાંફતા સંન્યાસી તરફ દોડતા આવ્યા. સંન્યાસીએ પૂછ્યું, ‘ત્યાગીજી શું થયું?’ ભયભીત અને કરુણ અવાજે કહ્યું, ‘રામજીએ બચાવી લીધો. એક મોટો કાળો કોબ્રા નાગ કેડી પર બેઠો હતો. મારો પગ તેના પર પડવાનો જ હતો કે અચાનક મારું ધ્યાન જતાં માંડ માંડ બચી ગયો. અને કોબ્રા નાગ સરકીને બગીચામાં જતો રહ્યો.’

ગમે તેમ કરી પંચમુખી હનુમાન મંદિરે પહોંચ્યા. ત્યાં દાદાનાં દર્શન કરી થોડે દૂર ગિરનારી ગુફા આશ્રમમાં આવ્યા ત્યારે બપોર થવા આવ્યો હતો. અહીં પરિક્રમાવાસીઓ માટે કોઈ વિશેષ વ્યવસ્થા હોય તેવું જણાયું નહીં, પરંતુ સદ્‌નસીબે શ્રીમાન વિનુભાઈ તથા ત્યાં ચાતુર્માસ કરતા ઉચ્ચકક્ષાના સાધક પરિક્રમાવાસીએ સંન્યાસી અને ત્યાગીજીને સત્કાર્યા. ભોજન તૈયાર થવામાં વાર હોવાથી સંન્યાસી અને ત્યાગીજી ‘મગરથી સંભાળજો’ એવી સૂચના સાથે નર્મદાસ્નાન માટે ગયા. નવચેતન અને તાજગી સાથે સંન્યાસી અને સાધક પરિક્રમાવાસી સાથે સત્સંગ થયો, ત્યારે તેમણે કહ્યું, ‘નર્મદા પરિક્રમા દરમિયાન મા નર્મદામૈયાના નામનો મંત્ર અને તેમનું જ ઇષ્ટ તરીકે ચિંતન કરવાથી સત્વરે સિદ્ધિ પ્રાપ્ત થાય છે.’

આ પ્રકારનો રહસ્યમય મત એમણે પ્રગટ કર્યો. પણ શ્રીશ્રીમા તો કરુણામયી છે, તેમના માટે તો બધાં બાળક સમાન હોય છે. એ મત મુજબ સંન્યાસી તો પોતાના ઇષ્ટદેવનું જ ચિંતન કરતા હતા. થોડો વિશ્રામ કરી પાણેથા તળાવને કિનારે કિનારે ચાલતાં ચાલતાં સાંજે ઇન્દ્રેશ્વર મહાદેવ પહોંચ્યા. પ્રથમ તો ત્યાં અગાઉથી આવી પહોંચેલા પરિક્રમાવાસી સાધુભક્તોએ આ બન્ને મહાત્મા અહીં ન રહે તે માટે અનેક પ્રકારે ઘણો અણગમો પ્રગટ કર્યો પરંતુ નાછૂટકે બન્ને મહાત્મા સ્થિતપ્રજ્ઞ બની રહ્યા. પછી તેમાંના એક એવા દક્ષિણ ભારતના સાધુ કે જેમણે સંન્યાસીને રામાનંદ સંત આશ્રમમાં જોયા હતા, તેમણે એક રૂમ બતાવ્યો અને સફાઈ કરી ત્યાં જ આસન લગાવવાનું સૂચન કર્યું.

આજે ભૂલથી આડા-અવળા રસ્તે ઘણું ચાલીને આવ્યા હોવાથી બન્ને મહાત્મા ખૂબ જ થાકી ગયા હતા. સાંજે ફરી નર્મદાસ્નાન કરવાની ઇચ્છા તો ઘણી હતી પરંતુ આશ્રમથી નર્મદાતટ આશરે ત્રણેક કિલોમીટર દૂર હોવાથી તે ઇચ્છાનું દમન કર્યું. પછી દક્ષિણ ભારતના આ સાધુ સાથે સંન્યાસીનો સત્સંગ થયો. ભગવદ્‌ ગીતા પર ચર્ચા ચાલી. તેમને ગીતાનો એક શ્લોક વિશેષ રૂપે ગમતો હતો અને જાણે કે તેમને જીવન રહસ્યનું સમાધાન લાધ્યું હોય! ત્યારે સંન્યાસી વિચારવા લાગ્યા કે ખરેખર ભગવદ્‌ ગીતા વિશ્વનો શ્રેષ્ઠ અને મહાન ગ્રંથ છે. દરેક વ્યક્તિને અલગ અલગ રૂપે ત્યાગ, ભક્તિ, પ્રેરણા ને પ્રકાશ આપે છે! આશ્રમના અંતેવાસીના અણગમાનું અન્ય કારણ સંન્યાસીને જણાયું કે આજના સાંજના સીમિત પ્રસાદમાં આગંતુક બે મહાત્માઓ પણ ભાગ પડાવશે તો? તેથી સાંજે દૂધ અને કેળાના પ્રસાદથી જ બન્ને મહાત્માઓ પરિતૃપ્ત થયા.

અનાયાસે આજે સંન્યાસી ગાઢ નિદ્રાને આધીન થયા. સવારે નિત્યકર્મ પૂર્ણ કરી સંન્યાસી અને ત્યાગીજી પરિક્રમા માર્ગે આગળ વધતા હતા ત્યારે આશ્રમ પાસે એક ગાડી આવી ઊભી રહી. એક મહાત્મા ગાડી ચલાવતા હતા. એમનું નામ વિવેકાનંદ હતું. તેઓ આ આશ્રમના મહંત હતા. થોડે જ દૂર આવેલી ગૌશાળાના એક ભવનમાં તેઓ રહેતા. સવારના ક્યાંક ગયા હશે. આવતા સમયે બન્ને પરિક્રમાવાસીની સામે જ તેમનો ભેટો થયો. મહારાજે ગાડીની બારીનો કાચ ખોલી અભિવાદન કર્યું. સંન્યાસીએ પણ મહારાજને પ્રણામ કર્યા. બન્ને પરિક્રમાવાસી વેળુ ગામ થઈ ભાવપુરામાં આવેલ પૂજ્ય રામ મહારાજ ત્યાગીજીના આશ્રમે પહોંચ્યા. ઝાડ-પાન અને ગૌશાળાથી નાનકડો આશ્રમ શોભતો હતો. પૂજ્ય મહારાજે પ્રેમપૂર્વક પરિક્રમાવાસીઓને આવકાર્યા. અહીં દૂધની વ્યવસ્થા હોવાથી તેમજ એકાદશી પણ આવતી હોવાથી ત્યાગીજી અને ત્યાંના પ્રેમિક રામ મહારાજ અને અંતેવાસીઓના આગ્રહથી સંન્યાસી અહીં બે-ત્રણ દિવસ રોકાઈ ગયા. આશ્રમથી લગભગ ૨૦૦ મીટર દૂર નર્મદાસ્નાન માટે જવું પડતું. મગરોનો ખૂબ જ ભય હતો, તેથી વારંવાર સૂચનાઓ અપાતી. પૂજ્ય રામ મહારાજની ગૌસેવા તેમજ ઇષ્ટસેવા અત્યંત હૃદયસ્પર્શી હતી.

Total Views: 217

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.