(શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021 દરમિયાન આ શ્રેણીના ત્રણ લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે. સપ્ટેમ્બરના અંકથી હવે આ શ્રેણી આગળ વધારીએ છીએ. -સં.)

ઈ.સ. ૧૮૮૪ : શ્રીઠાકુર-નરેન્દ્રનાથ અને દુર્ગાપૂજા

(મહાષ્ટમીના દિવસે રામને ઘેર શ્રીરામકૃષ્ણદેવ)

આજ રવિવાર, મહા-અષ્ટમી. ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. ઠાકુર શ્રીરામકૃષ્ણદેવ કોલકાતામાં માતાજીનાં દર્શન કરવા આવ્યા છે. અધર સેનને ત્યાં શારદીય નવરાત્રિ-ઉત્સવ છે. ઠાકુરને ત્રણ દિવસનું આમંત્રણ છે. અધરને ઘેર પ્રતિમાનાં દર્શન કરતાં પહેલાં રામને ઘેર થઈને જાય છે. વિજય, કેદાર, રામ, સુરેન્દ્ર, ચુનીલાલ, નરેન્દ્ર, નિરંજન, નારાયણ, હરીશ, બાબુરામ, માસ્ટર વગેરે ઘણાય હાજર છે. બલરામ અને રાખાલ એ વખતે વૃંદાવનમાં રહે છે.

નરેન્દ્ર સામે બેઠેલ. તેની વય બાવીસ-ત્રેવીસ. વાત કરતાં કરતાં ઠાકુરની નજર નરેન્દ્ર ઉપર પડી. ઠાકુર ઊભા થઈ ગયા અને સમાધિસ્થ થયા. નરેન્દ્રના ગોઠણ પર એક પગ લંબાવી દઈને એ જ ભાવમાં ઊભેલા છે. સંપૂર્ણ બાહ્યભાન રહિત, ચક્ષુ પલકહીન.

ઘણી વાર પછી સમાધિ ભંગ થઈ. તોય હજી સુધી સમાધિના આનંદનો નશો ઊતર્યો નથી. ઠાકુર પોતાની મેળે વાત કરી રહ્યા છે. ભાવાવસ્થામાં જ પરમાત્માનાં નામ લે છેઃ “‘સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ!’ બોલું? ના, આજે કારણાનંદદાયિની! કારણાનંદમયી! સા, રે, ગ, મ, પ, ધ, નિ. ‘નિ’ સૂરે રહેવું ઠીક નહિ. એક સૂર નીચે રહીશ.”

નરેન્દ્રનાથ ગીત ગાવા લાગ્યાઃ

“મને દે મા પાગલ કરી (બ્રહ્મમયી), હવે નહિ કામ જ્ઞાન વિચારે…”

ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર વળી સમાધિ-મગ્ન થયા. સમાધિભંગ થયા પછી ઠાકુર ગિરિ-રાણી મેનકાનો ભાવ પોતામાં આરોપિત કરીને આગમની-ગીત ગાય છે. તેમાં ગિરિ-રાણી કહે છે, “પુરવાસીઓ, શું મારી ઉમા આવી?” ઠાકુર પ્રેમોન્મત્ત થઈને ગીત ગાય છે.

ગીત પછી ઠાકુર ભક્તોને કહે છે કે આજે મહા-અષ્ટમી છે ને? મા આવ્યાં છે ને, એટલે આટલું ઉદ્દીપન થાય છે.

ઠાકુરે બીજી બાજુએ નજર કરીને એમને એમ પોતાના ખ્યાલથી ગીત ઉપાડ્યુંઃ

“થયો જેના સારુ પાગલ, તેને પામ્યો ક્યાં?”

ઠાકુર ગીત ગાય છે. એટલામાં અચાનક ‘હરિબોલ, હરિબોલ’ કહેતાં કહેતાં વિજય ઊભા થઈ ગયા. ઠાકુર શ્રીરામકૃષ્ણદેવ પણ ભાવમાં મસ્ત થઈને વિજય વગેરે ભક્તો સાથે નૃત્ય કરવા લાગ્યા.

કામારપુકુરમાં દુર્ગાપૂજા

ઈ.સ.૧૮૮૬માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી શ્રીમા શારદાદેવી કામારપુકુરમાં અત્યંત કષ્ટમય દિવસો વિતાવતાં હતાં. જ્યારે ઠાકુરના ભક્તોને આ વાતની ખબર પડી ત્યારે પરિસ્થિતિ થોડી સુધરી. અશ્વિન માસમાં નવરાત્રીના સમયે નવમીના દિવસે શ્રીરામકૃષ્ણના પૈતૃક મકાનમાં શીતલામાતાની ષોડશોપચાર પૂજા થતી, ભોગ-નૈવેદ્ય નિવેદિત થતાં અને બ્રાહ્મણ-ભોજન પણ થતાં. શ્રીમા પહેલેથી જ પોતાના હાથે ચોખા તૈયાર કરતાં હતાં અને અન્યાન્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરી રાખતાં હતાં; તેઓ સ્વયં રસોઈ પણ રાંધતાં હતાં. પીસરતી વખતે તેઓ શિવુદાદાને કહેતાં, “શિવુ, તું પતરાળાં પાથર, જળ અને મીઠું પીરસ, હું બધાને ભાત પીરસું છું.” સાગરનાં માતા કહે છે, “તેમનો જાણે કે લક્ષ્મીનો ભંડાર હતો. કોઈ પણ ચીજની ઊણપ રહેતી ન હતી, જે કંઈ પણ બચતું તે બધું સાવધાનીપૂર્વક સાચવી રાખતાં હતાં. બીજા દિવસે અમને બધાંને બોલાવીને અત્યંત પ્રેમપૂર્વક ખવડાવતાં હતાં.”

રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાની શરૂઆત

રામકૃષ્ણ સંઘના પ્રથમ મઠનો પ્રારંભ ઈ.સ. ૧૮૮૬માં (૧૯ ઓક્ટોબર, દુર્ગાપૂજા પછી) વરાહનગરના એક જૂના-પુરાણા મકાનમાં થયો, જેને ઈ.સ. ૧૮૯૨માં (ફેબ્રુઆરીની શરૂઆતમાં) આલમબજાર અને ૧૩ ફેબ્રુઆરી, ૧૮૯૮માં બેલુરમાં આવેલ નીલાંબર બાબુના ઉદ્યાનભવનમાં સ્થાનાંતરિત કરાયો હતો. અંતે, તેને ૨ જાન્યુઆરી, ૧૮૯૯માં બેલુરની પોતાની નવી તથા સ્થાયી જગ્યા પર સ્થાનાંતરિત કરાયો.

શરૂઆતનાં થોડાં વર્ષો દરમિયાન દુર્ગાપૂજા પ્રતિમારૂપે કરવામાં આવતી ન હતી. જો કે રામકૃષ્ણ સંઘના પ્રારંભમાં અથવા મઠ જ્યારે વરાહનગરમાં હતો ત્યારથી જ શ્રીરામકૃષ્ણદેવના શિષ્યો દુર્ગાપૂજાની ઉજવણી પ્રતિમા વગર જ નાના પાયા પર કરતા હતા. નવરાત્રીનો ઉત્સવ દુર્ગાદેવીનો ફોટો તથા ઘટ-સ્થાપિત કરીને ઊજવવામાં આવતો હતો. તે સમયે સ્વામી વિવેકાનંદે પૂજાવિધિને અત્યંત સંક્ષિપ્તમાં કરાવ્યો હતો.

ઈ.સ.૧૮૮૭માં દુર્ગાપૂજા

જ્યારે ઠાકુર કાશીપુરમાં અસ્વસ્થ હતા, ત્યારે માસ્ટર મહાશય પોતાના ઘરે દુર્ગાપૂજા કરવા ઇચ્છતા હતા. પરંતુ ઠાકુરે તેમને કહ્યું હતું કે, “તમારી આ ઇચ્છા ભવિષ્યમાં પૂરી થશે.” ઓક્ટોબર, ૧૮૮૮માં દુર્ગાપૂજા પહેલાં શ્રીમા શારદાદેવી માસ્ટર મહાશયના નિવાસસ્થાને રહેતાં હતાં. ઠાકુરે શ્રીમાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “માસ્ટરની દુર્ગાપૂજા કરવાની ઇચ્છા છે, તમે તેમના ઘરે ઘટ-સ્થાપના કરજો.” તે પ્રમાણે ૮ ઓક્ટોબર, ૧૮૮૮ના દિવસે શ્રીમાએ ચંડીમંગલ ઘટની સ્થાપના કરી અને સાથે સાથે ઠાકુરની છબિની પણ ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરી.

ઈ.સ.૧૮૯૪માં દુર્ગાપૂજા

જયરામવાટીમાં કેટલાક દિવસ રહીને શ્રીમા જ્યારે કોલકાતા પધાર્યાં, તે વખતે ભક્તોએ તેમના રહેવાની વ્યવસ્થા બેલુરમાં કરી. આ સમય દરમિયાન શારદીય દુર્ગાપૂજનનો સમય આવી પહોંચ્યો. સ્વામી પ્રેમાનંદનાં ભક્તિમતી માતાએ પોતાનાં નિવાસસ્થાન આંટપુરમાં કેટલાંક વર્ષો પછી આ સમયે દશભુજા-દુર્ગાની મૂર્તિ બનાવડાવીને પૂજનનું આયોજન કર્યું હતું. તે લોકોના વિશેષ આગ્રહથી શ્રીમાને દુર્ગાપૂજાના ઉપલક્ષમાં ત્યાં જવું પડ્યું. આ પ્રસંગનો ઉલ્લેખ કરીને સ્વામી વિવેકાનંદે અમેરિકાથી સ્વામી શિવાનંદને લખ્યું હતું, “બાબુરામનાં માએ વૃદ્ધત્વને કારણે, પોતાની મતિ ગુમાવી લાગે છે અને તેથી તેઓ તે જીવંત માતાને બદલે મૂર્તિમાં દુર્ગાનું પૂજન કરવા માગે છે…” જીવંત માતા અર્થાત્‌ શ્રીમા શારદાદેવી. પૂજન બાદ શ્રીમા આંટપુરથી જયરામવાટી ચાલ્યાં ગયાં.

ઈ.સ.૧૮૯૬માં દુર્ગાપૂજા

દુર્ગાપૂજા વખતે શ્રીમા કોલકાતાના બાગબજાર મહોલ્લાના એક ભાડાના મકાનમાં ત્રીજે માળે નિવાસ કરી રહ્યાં હતાં. અષ્ટમીના દિવસે સાધુ તથા ભક્તો શ્રીમાને પ્રણામ કરવા આવ્યા હતા. માસ્ટર મહાશય પણ ત્યારે ત્યાં ઉપસ્થિત હતા. બધા લોકો શ્રીમાને પ્રણામ કરવા ગયા પરંતુ માસ્ટર મહાશય ગયા નહીં. તેમને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે હસીને કહ્યું, “હું તેમનાં દર્શન કોલકાતાના બાગબજારમાં આવેલ સિદ્ધેશ્વરી કાલીમંદિરમાં કરીને આવ્યો છું.” તેમને પ્રત્યુત્તર મળ્યો, “પરંતુ શ્રીમા તો ત્યાં ગયાં જ નથી.” વળતા જવાબમાં તેઓએ કહ્યું, “પરંતુ મેં તેમનાં દર્શન ત્યાં જ કર્યાં છે,” આવું કહીને તેઓ એક ભજન ગાવા લાગ્યા. અર્થાત્‌ માસ્ટર મહાશયે મા કાલીની મૂર્તિમાં જ શ્રીમાનાં દર્શન કર્યાં હતાં.

ઈ.સ.૧૮૯૭માં દુર્ગાપૂજા

મઠ ત્યારે આલમબજારમાં હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગાપૂજા ઘટ-પટમાં ઊજવવામાં આવી. પૂજારી હતા સુશીલ મહારાજ (સ્વામી પ્રકાશાનંદ) અને તંત્રધારક હતા સુધીર મહારાજ (સ્વામી શુદ્ધાનંદ). સ્વામી તુરીયાનંદે પૂજાવિધિની સાથે સાથે નવ દિવસ સુધી ચંડીપાઠ કર્યો હતો. મહાષ્ટમીના દિવસે અર્થાત્ રવિવાર, ૩ ઓક્ટોબર, ૧૮૯૭ના રોજ લગભગ પચાસ ભક્તો પૂજાવિધિ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો અને ભજન-કીર્તનને કારણે ઉત્સવમાં અનેરો રંગ જામ્યો હતો.

ઈ.સ.૧૮૯૮માં દુર્ગાપૂજા

કાશ્મીરમાં સ્વામી વિવેકાનંદ અત્યંત બીમાર હતા અને સ્વાસ્થ્ય-સુધારણા પછી તેઓ સીધા કોલકાતા પાછા આવ્યા. ખેતડીના મહારાજાને ૧૬ ઓક્ટોબર, ૧૮૯૮ના દિવસે લખેલ પત્રમાં તેઓ જણાવે છે, “છેલ્લાં દશેક વર્ષથી મેં બંગાળમાં મોટા પાયા પર થતી દુર્ગાપૂજા જોઈ નથી. આ વર્ષે ત્યાં દુર્ગાપૂજામાં ઉપસ્થિત રહેવાની આશા રાખું છું.”

અચાનક સ્વામીજી સદાનંદને લઈને લાહોરથી સીધા ૧૮ ઓક્ટોબર, ૧૮૯૮ના રોજ નીલાંબર બાબુના મકાનમાં આવેલ મઠમાં હાજર થઈ ગયા. વાતાવરણ આનંદમય બની ગયું. પરંતુ સ્વામીજીના બગડેલા સ્વાસ્થ્ય અને ગહન અંતર્મુખભાવને જોઈને રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ)ની ચિંતા વધી ગઈ. બે-ત્રણ દિવસ પછી સ્વામીજીના પ્રિય શિષ્ય શરત્‌ચંદ્ર ચક્રવર્તી મઠમાં આવ્યા ત્યારે રાજા મહારાજે તેમને કહ્યું, “કાશ્મીરથી પાછા આવ્યા પછી સ્વામીજી કોઈની પણ સાથે વાતચીત કરતા નથી, સૂનમૂન થઈને બેસી રહે છે. તું સ્વામીજીની પાસે બેસીને, વાર્તાલાપ કરીને સ્વામીજીના મનને નીચે ઉતારવાનો પ્રયત્ન કર.” શિષ્યે સ્વામીજીનું દર્શન કરીને અનુભવ્યું કે અમરનાથનાં દર્શન કર્યા બાદ ભગવાન શિવ જાણે કે તેમના મસ્તિષ્કમાં કબજો જમાવીને બેસી ગયા છે!

થોડાક દિવસોમાં જ સ્વામીજી સ્વસ્થ થઈ ગયા. એક દિવસ તેઓ બપોરે મઠના મેદાનમાં આવ્યા. તે દિવસે સંધ્યા સમયે તેઓએ કાશ્મીરના નિવાસ દરમિયાન તેમણે રચેલ પોતાની ગંભીર ભાવ-વ્યંજનાથી યુક્ત ‘મા કાલી’ અને બીજી બે અંગ્રેજી કવિતાઓ બધાને ગાઈ સંભળાવી. દુર્ગાપૂજા આવી. મઠમાં આનંદ-ઉલ્લાસના તરંગો ઊઠવા લાગ્યા. નવરાત્રી-વ્યાપી ચંડીપાઠ અને ઘટ-પટમાં પૂજાનું આયોજન થયું. ૧૯ અને ૨૦ ઓક્ટોબર, ૧૮૯૮ના રોજ સ્વામીજીએ પોતાના હસ્તે ‘સપ્તશતી’ હોમ કર્યો. બીજા દિવસે એટલે કે (૨૧ ઓક્ટોબર, ૧૮૯૮) સપ્તમીના દિવસે તેઓ રાજા મહારાજ, પ્રકાશાનંદ અને વિમલાનંદની સાથે બાગબજારમાં શ્રીમા શારદાદેવીની ચરણવંદના કરવા ગયા. ૨૧, ૨૨ અને ૨૩ ઓક્ટોબર, ૧૮૯૮ના દિવસે દુર્ગાપૂજાનું પર્વ અત્યંત ઉત્સાહ સાથે પસાર થયું અને સ્વામીજી પણ તેમાં સમ્મિલિત થયા. ઘણા બધા ભક્તો પણ એકત્રિત થયા હતા. ૨૪ ઓક્ટોબર, ૧૮૯૮ના રોજ સ્વામી તુરીયાનંદ અલમોડાથી મઠમાં આવી પહોંચ્યા. આ રીતે દુર્ગાપૂજા અત્યંત આનંદ સાથે સંપન્ન થઈ. વધુમાં, આ પ્રકારે તેમની વરાહનગર મઠની સ્મૃતિઓ જાગ્રત થઈ.

Total Views: 168

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.