ગતાંકથી આગળ…

સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત થઈને ભગવદ્ ચર્ચા કરી રહ્યા હતા તથા ભજન વગેરે ગાઈને આનંદ કરતા હતા. બપોર બાદ ચાર વાગ્યે ડાેક્ટર સરકાર આવ્યા પછી થોડીક જ વારમાં નરેન્દ્રે (સ્વામી વિવેકાનંદ) ભજન ગાવાનું શરૂ કર્યું. તે ગીતની દિવ્ય સ્વરલહરી સાંભળીને બધા લોકો આત્મવિહ્વળ થઈ ગયા. શ્રીરામકૃષ્ણદેવ પોતાની નજીક બેઠેલા ડાેક્ટર સરકારને ભજનનો અર્થ સમજાવવા લાગ્યા અને થોડા સમય માટે સમાધિસ્થ થઈ ગયા. ભક્તોમાંથી કોઈ કોઈની ભાવાવેગથી બાહ્ય ચેતના લુપ્ત થઈ ગઈ.

આ રીતે તે મકાનમાં આનંદનો સ્રોત પ્રવાહિત થઈ રહ્યો હતો. સાડા સાત વાગી ગયા. ડાેક્ટર સાહેબને ત્યારે કંઈક હોશ આવ્યો. તેમણે સ્વામીજીને પુત્રની જેમ આલિંગન કર્યું તથા શ્રીરામકૃષ્ણદેવ પાસેથી વિદાય લઈને તેઓ ઊભા થતાં જ શ્રીરામકૃષ્ણદેવ પણ હસતાં હસતાં ઊભા થઈ ગયા અને ગહન સમાધિમાં મગ્ન થઈ ગયા. ભક્તગણ પરસ્પર ધીમે ધીમે બોલવા લાગ્યો, ‘આ સમયે ‘સંધિપૂજન’ (અષ્ટમી તથા નવમી તિથિના સંધિકાળમાં શ્રીજગન્માતાનું જે વિશેષ પૂજન થાય છે તેને સંધિપૂજન કહે છે.)નો સમય છે ને, એટલા માટે શ્રીરામકૃષ્ણદેવ સમાધિસ્થ થયા છે! સંધિક્ષણને જાણ્યા વિના એકાએક આ સમયે દિવ્ય-આવેશમાં આમ તેમનું સમાધિમગ્ન થવું એ ઓછા આશ્ચર્યની વાત નથી!’ લગભગ અડધા કલાક પછી તેમનો સમાધિ-ભંગ થયો અને ડાેક્ટર સાહેબ વિદાય લઈ ચાલ્યા ગયા.

શ્રીરામકૃષ્ણદેવે સમાધિ અવસ્થામાં જે દર્શન કર્યાં હતાં તેનું વર્ણન કરતાં તેઓ કહેવા લાગ્યા, ‘અહીંથી સુરેન્દ્રના ઘર સુધી મને એક જ્યોતિર્મય માર્ગ દેખાયો. મેં જોયું કે તેની ભક્તિને કારણે દેવી-પ્રતિમામાં જગન્માતાનો આવિર્ભાવ થયો છે. તેમના ત્રીજા નેત્રમાંથી જ્યોતિનાં કિરણ નીકળી રહ્યાં છે. પૂજા-મંડપમાં દેવી સમક્ષ દીપમાળા પ્રજ્વલિત કરાઈ છે તથા આંગણામાં બેસીને સુરેન્દ્ર વ્યાકુળ થઈ ‘મા, મા’ કહીને રડી રહ્યા છે. તમે લોકો અત્યારે ત્યાં ચાલ્યા જાઓ. તમને જોઈને તેનું હૃદય શાંત થશે.’

ત્યાર બાદ શ્રીરામકૃષ્ણદેવને પ્રણામ કરીને સ્વામી વિવેકાનંદ વગેરે સુરેન્દ્રને ઘેર પહોંચ્યા તથા તેમને પૂછતાં ખબર પડી કે વાસ્તવમાં દેવી સમક્ષ મંડપમાં દીપમાળા પ્રજ્વલિત કરવામાં આવી હતી અને શ્રીરામકૃષ્ણદેવ જે સમયે સમાધિસ્થ થયા હતા, તે સમયે દેવી સન્મુખ આંગણામાં બેસીને હૃદયના આવેગ સાથે સુરેન્દ્રનાથે લગભગ એક કલાક સુધી ‘મા, મા’ કહીને બાળકની જેમ ઉચ્ચ સ્વરે રુદન કર્યું હતું. આ રીતે બાહ્ય ઘટના સાથે શ્રીરામકૃષ્ણદેવના સમાધિકાળના ઉપર્યુક્ત દર્શનનું સાદૃશ્ય જાણીને ભક્તવૃંદ વિસ્મિત અને આનંદિત થઈ આશ્ચર્યચકિત થઈ ગયું. આનું વર્ણન માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ઘણી જ સારી રીતે કર્યું છે ઃ

શ્રીશ્રીવિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫, રવિવાર. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કોલકાતામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં સાથે રહે છે અને ઠાકુરની સેવા કરે છે. ભક્તોમાંથી કોઈએ હજી સુધી સંસારત્યાગ કર્યાે નથી. તેઓ પોતાનાં ઘેરથી આવજા કર્યા કરે છે.

ઠંડીના દિવસો છે. સવારના આઠ વાગ્યા છે. ઠાકુર બીમાર; પથારીમાં બેઠા છે. પરંતુ પાંચ વરસના બાળકની પેઠે મા વિના બીજું કશું જાણે નહિ. સુરેન્દ્ર આવીને બેઠા. નવગોપાલ, માસ્ટર અને બીજા પણ કોઈ કોઈ હાજર છે. સુરેન્દ્રને ઘેર દુર્ગા-પૂજા હતી. ઠાકુર જઈ શક્યા ન હતા, ભક્તોને પ્રતિમાનાં દર્શન કરવા મોકલ્યા હતા. આજે વિજયાદશમી (પ્રતિમાનું વિસર્જન થવાનું); એટલે સુરેન્દ્રનું મન દુઃખી છે.

સુરેન્દ્ર – ઘરમાંથી નાસી આવ્યો.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – એમાં શું ? મા હૃદયમાં રહો !

સુરેન્દ્ર ‘મા’ ‘મા’ કરીને ભગવતીને ઉદ્દેશીને કેટલીયે વાતો કરવા લાગ્યા.

ઠાકુર સુરેન્દ્રને જોતાં જોતાં આંસુ મુશ્કેલીથી ખાળી રહ્યા છે. માસ્ટરની સામે જોઈને ગદ્‌ગદ સ્વરે બોલે છે, ‘શી ભક્તિ ! અહા, આની કેવી ભક્તિ !’

શ્રીરામકૃષ્ણ – કાલે સાંજે સાત, સાડા-સાતને સમયે ભાવ-અવસ્થામાં મેં જોઈ તમારી ઓસરી. ત્યાં દેવી-પ્રતિમા રહી છે. જોયું તો બધું જ્યોતિર્મય. અહીં ને ત્યાં એક થઈ રહેલ છે. જાણે કે પ્રકાશનો એક પ્રવાહ બંને જગાની વચ્ચે વહી રહ્યો છે ! આ ઘર અને તમારા ઘરની વચ્ચે !

સુરેન્દ્ર – એ વખતે હું ઓસરીમાં માતાજીની સામે ‘મા !’ ‘મા !’ કહીને પુકારી રહ્યો હતો. ભાઈઓ મને છોડીને ઉપર ચાલ્યા ગયેલા ! મનમાં અવાજ આવ્યો, મા બોલ્યાં, ‘હું પાછી આવીશ !’ (શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૨, પૃ.૨૧૩-૧૪)

નવમી:

અષ્ટમીની જેમ નવમીના દિવસે પણ મહાસ્નાન તથા ષોડશોપચાર પછી બલિ અને હોમ કરવામાં આવે છે.

દશમી:

તે દિવસે સવારે દેવીની સંક્ષિપ્ત પૂજા કર્યા પછી શીતલભોગ અર્પણ કરવામાં આવે છે અને આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ પૂજારી તથા તંત્રધારક વેદીની પ્રદક્ષિણા કરતાં કરતાં દેવીનું દર્પણમાં વિસર્જન કરે છે. જે નવપત્રિકા તથા પ્રતિમામાં દેવીને અભિમંત્રિત કરવામાં આવ્યાં હતાં, એમને હવે પોતાના સ્વધામ પાછા ફરવાની પ્રાર્થના કરાય છે, પરંતુ દેવી ભક્તોના હૃદયમાં સર્વદા વિરાજમાન રહે છે. સંધ્યા સમયે દેવી-પ્રતિમાને નવપત્રિકા સાથે ઢોલ-નગારાં વગાડતાં વગાડતાં ગંગાકિનારે લઈ જઈને ગંંગામાં વિસર્જિત કરે છે. બેલુર મઠમાં પ્રતિમા-વિસર્જન પહેલાં પ્રતિમા સમક્ષ સાધુ-ભક્ત ‘ધુનોચી નાચ’ (માટીના વાસણમાં ધૂપ જલાવીને તેને હાથમાં પકડીને કરાતો બંગાળમાં પ્રસિદ્ધ નાચ) કરે છે. પ્રતિમા-વિસર્જન જ્યાં કરે છે, ત્યાંથી લવાયેલ જળને ‘શાંતિજળ’ કહે છે. મંદિર કે મંડપમાં પાછા આવ્યા પછી પ્રત્યેક સાધુ-ભક્ત એક બિલ્વપત્ર લઈને તેના ઉપર ‘આલતા’થી દુર્ગાનામ લખીને એક પાત્રમાં રાખે છે. ત્યાર પછી પવિત્ર શાંતિજળ બધા ભક્તો પર આંબાનાં પાંદડાંથી છાંટવામાં આવે છે અને ભક્તો એકબીજાને આલિંગન કરે છે, મીઠાઈનું વિતરણ થાય છે. આનંદના આ પ્રસંગે મૂર્તિકાર, વાદ્યયંત્ર-કલાકાર વગેરેને વસ્ત્ર, પ્રસાદ અને ધન આપીને વિદાય આપવામાં આવે છે. આ રીતે દુર્ગાપૂજા સમાપ્ત થાય છે. દેવીના મૃણ્મય રૂપનું વિસર્જન થાય છે, પરંતુ તેઓ ચિન્મય રૂપમાં બધાંના હૃદયમાં વિરાજિત રહે છે.

દુર્ગાપૂજા માટે આવશ્યક ઉપકરણ અને ઉપચારઃ

દુર્ગાપૂજાને કળિયુગનો અશ્વમેધ યજ્ઞ કહેવામાં આવે છે, કારણ કે આ પૂજા માટે આવશ્યક ઉપકરણો અત્યંત દુર્લભ હોય છે. વિશેષ કરીને બેલુર મઠની દુર્ગાપૂજાની સામગ્રીની સૂચિ ઘણી જ વિસ્તૃત છે. ચાર દિવસની પૂજા માટે ઘણાં બધાં ફળ, ફૂલ, નૈવેદ્ય, ભોગ ઇત્યાદિની આવશ્યકતા હોય છે. સાધારણ રીતે ભુવનેશ્વરના બિંદુ સરોવરના જળનો દેવીના સ્નાનાર્થે ઉપયોગ કરાય છે. આ ઉપરાંત આસામની બ્રહ્મપુત્રાનું જળ, ગંગાજળ એવાં ઘણાં બધાં નદી સ્થાનોનાં જળ અને પૂજા માટે કેટલાંય દુર્લભ સ્થાનોની માટીની પણ આવશ્યકતા હોય છે.

કલ્પારંભ માટે આવશ્યક દ્રવ્ય:

સિંદૂર, પંચગુડી(પાંચ રંગનો પાવડર-હળદર, ચોખા, લાલ અબીલ, નાળિયેરની ચોટલી બાળીને બનાવેલ કાળો રંગ, સૂકાં બિલ્વપત્રનો લીલો પાવડર), પંચપલ્લવ(પાંચ પ્રકારના વૃક્ષનાં પાન-આંબો, ઉમરડો, વડ, નાગરવેલ, અંજીર), પંચરત્ન(સોનું, હીરો, નીલમ, માણેક, મોતી), પંચશસ્ય(પાંચ ધાન્ય-ચોખા, મગ, તલ, અડદ, જવ), પંચગવ્ય(ગાયનું દૂધ, દહીં, ઘી, ગોમૂત્ર, ગોબર), ઘટ, દીપ પ્રગટાવવા માટે માટીની એક હાંડલી, દર્પણ, તીરકાઠી(એક લાકડાની ત્રણ શાખા), તીર-૪, ચોખાથી ભરેલો માટીનો કટોરો, શિખા સાથેનું લીલું નાળિયેર, ઘટને ઢાંકવા માટે લાલ કપડું, ભગવાન વિષ્ણુ માટે સફેદ ધોતી, કલ્પારંભ માટે સાડી, ચંડિદેવીની સાડી, તલ, હરડે, પુષ્પ, ચાંદમાલા, દહીં, મધ, ઘી, મોરસ, ત્રણ મોટાં નૈવેદ્ય, એક નાનું નૈવેદ્ય, દર્ભની વીંટી-૧ , મધુપર્ક માટે ત્રણ વાટકી, આરતી માટેનાં દ્રવ્ય, ભોગ માટેનાં દ્રવ્ય.

બોધન દ્રવ્ય:

બિલ્વવૃક્ષ અથવા બે ફળ સાથેની બિલ્વવૃક્ષની ડાળી, ઘટ, અક્ષત સાથેનું એક પાત્ર, ઘટને ઢાંકવા માટે લાલ કાપડ, શિખા સાથેનું લીલું નાળિયેર, તીરકાઠી-૪, પંચગુડી, પંચગવ્ય, પંચધાન્ય, પંચરત્ન, પંચપલ્લવ, બોધન માટે સાડી, બિલ્વવૃક્ષ-પૂજા માટે ધોતી, દર્ભની વીંટી-૨, મધુપર્ક-૨, દહીં, ઘી, પુષ્પ આદિ, તલ, હરડે, માષભક્તબલિ(અડદ,અક્ષત,દહીં,હળદર ચૂર્ણ, આલતો વગેરે), નૈવેદ્ય-૨, નાનું નૈવેદ્ય-૧, છરી-ચપ્પુ, ચાંદમાલા, ભોગનાં દ્રવ્યો, આરતીનાં દ્રવ્યો.

નવપત્રિકા:

નવ પવિત્ર વૃક્ષોની ડાળીઓ લાવીને તેમને એક સાથે બાંધવામાં આવે છે, જેને ‘કોલાબહુ’ કહે છે, જેની સપ્તમીના દિવસે પૂજા કરવામાં આવે છે.

कदली दािडमी धान्यं हरिद्रा मानकं कचुः।
बिल्वोऽशोको जयन्ती च विज्ञेया नवपत्रिका।।

નવ પવિત્ર વૃક્ષ કે જેની નીચે દેવી વાસ કરે છે, તે છે ૧. રંભાવૃક્ષ(કેળ)-અધિષ્ઠાત્રી દેવી બ્રહ્માણી, ૨. કોચુ અરવી(સૂરણ)-દેવી કાલી, ૩.હળદરનો છોડ-દુર્ગાદેવી, ૪. જયન્તીવૃક્ષ-દેવી કાર્તિકી, ૫. બિલ્વવૃક્ષ-દેવી શિવા, ૬. દાડમનું વૃક્ષ-દેવી રક્તદંતિકા, ૭. અશોક-દેવી શોકરહિતા, ૮. માનકોચૂ (સૂરણ જેવું એક કંદ)-દેવી ચામુંડા, ૯. ડાંગરનો છોડ-દેવી લક્ષ્મી. ઉપયોગમાં લેવાતાં અન્ય દ્રવ્યો – શ્વેત ગોકર્ણા લતા, લાલ દોરો, આલતો, શ્વેત અપરાજિતા લતા, નવપત્રિકા બાંધવા માટે સૂતળી, કેળાના ઝાડની છાલ.

આમંત્રણ માટેનાં દ્રવ્ય:

સાડી, દર્ભની વીંટી-૧, મધુપર્ક-૧, દહીં, મધ, મોરસ, ઘી, પુષ્પ વગેરે, નૈવેદ્ય-૧, નાનું નૈવેદ્ય-૧, તલ, હરડે.

અધિવાસ માટેનાં ૨૬ માંગલિક દ્રવ્યો:

તૈલહરિદ્રા (હળદર+તેલ), ગંધ (ચંદન), ભૂમિ(ગંગાની માટીનો પિંડ), શિલા(નાનો પથ્થર), ધાન્ય(અળસીનું ધાન્ય), દૂર્વા, પુષ્પ, ફળ(કેળાની એક લૂમ), દહીં, સ્વસ્તિક(ચોખાથી બનાવેલ સ્વસ્તિક), સિંદૂર, શંખ, અંજન માટે કાજળ, ગોરોચન(ગાયના પિત્તાશયમાં બનતી એક પથરી, જે ગાયના મૃત્યુ બાદ પ્રાપ્ત થાય છે), સફેદ સરસવ, સુવર્ણ, ચાંદી, તાંબું, ચામર, દર્પણ, પ્રજ્વલિત દીપ, વરાહદંત, ખડગ(જે કાલી માના હાથમાં રહે છે), પ્રશસ્તિ પાત્ર(સૂપડામાં બધી ચીજો રાખીને નિવેદન કરવામાં આવે છે), માંગલ્યસૂત્ર(હળદરથી રંગેલ સૂતર જેમાં દૂર્વા બાંધીને દેવીના જમણા હાથે બાંધવામાં આવે છે).

સપ્તમી-પૂજાનાં દ્રવ્યો:

ગુરુ, પુરોહિત, પૂજક, આચાર્ય વરણ વસ્ત્ર-૪, વરણ માટે વીંટી, યજ્ઞોપવીત-૪, તલ, હરડે, પુષ્પ, ઘટ, નાળિયેરની શિખા, માટીના બે વાસણમાં ધાન્ય અથવા ચોખા, બિલ્વપત્ર, કુંડપાત્ર, તીરકાઠી, મોટો દીપ, દર્પણ.

મહાસ્નાન માટે માટી:

ઊધઈના રાફડાની માટી, વરાહદંત, વેશ્યાદ્વાર, વૃષભશૃંગ, અશ્વદંત, ગજદંત, પર્વત, દેવદ્વાર, સરોવર, નદ્યુભયકુલ-નદીના બન્ને કિનારાની, યજ્ઞશાળા, રાજદ્વાર, ચાર રસ્તા, ગંગા કિનારાની, કુશમૂળ, મોટી નદી, નદી, સાગર, ગોશાળા, સર્વતીર્થ.

સ્નાન માટેનાં જળ:

શંખજળ, ગંગાજળ, ઉષ્ણજળ, ગંધજળ, પવિત્રજળ, પુપ્પજળ, શેરડીનો રસ, સર્વઔષધિજળ, મહાઔષધિજળ, પંચરત્ન-જળ, સુર્વણજળ, રજતજળ, નાળિયેર-જળ, શિશિરજળ(ઝાકળબિંદુ), ગોળનું જળ, કર્પૂરજળ, તલનું જળ, વિષ્ણુજળ (વિષ્ણુ બ્રાંડ તેલયુકત જળ), અગરુજળ, પુષ્કરિણીજળ, વૃષ્ટિજળ, પંચકષાયજળ(પાંચ મુખ્ય વૃક્ષોની છાલ જળમાં પલાળીને તેમાંથી બનાવેલ‘કષાય’(કડવો સ્વાદ)જળ-જાંબુ, શીમળો, ખરેટી(બલદાણા), બોરસલ્લી(બકુલ), બોરનાં વૃક્ષ), પંચશસ્ય-જળ(પંચધાન્ય), કુમકુમ-જળ, શર્કરાજળ, સુગંધીજળ, જવ ધાન્યાદિ ચૂર્ણ.

અષ્ટકલશસ્નાનમ્:

ગંગાજળ, વૃષ્ટિજળ, સરસ્વતીજળ, સાત સાગરજળ, પદ્મરેણુ મિશ્રિતજળ, ઝરણાનું જળ, સર્વતીર્થજળ, ચંદનયુક્ત જળ, શુદ્ધ જળ.

તેલ(તલનું તેલ, વિષ્ણુ-તેલ), હળદર, દંતકાષ્ઠ(દાતણ-દાંત સાફ કરવા માટે લીમડાની સળી), આઠ કળશી જળ, સહસ્રધારા પાત્ર, દૂધ, મધ, કર્પૂર, અગરુ, ચંદન, કુમકુમ, પંચગવ્ય, પંચામૃત, કુશ-આસન.

અન્યાન્ય દ્રવ્ય:

પંચગુડી, પંચરત્ન, પંચશસ્ય, પંચપલ્લવ, સિંદૂર, ઘટને ઢાંકવા માટે વસ્ત્ર-૨, આરતી માટે વસ્ત્ર, સફેદ સરસવ, અડદ, જાસૂદ ફૂલ, નાનું નૈવેદ્ય-૧, દર્ભની વીંટી-૪૦,૨૨,૧; મધુપર્ક-૪૦ વાટકી; મધ, મોરસ, નૈવેદ્ય-૪૦,૨૨; મુખ્ય નૈવેદ્ય-૧, નવપત્રિકા માટે સાડી-૧, નવપત્રિકા-પૂજા માટે સાડી-૯,૧; મુખ્ય પૂજાની સાડી-૧, સાડી-લક્ષ્મી, સરસ્વતી, ચંડી દેવી માટે; ધોતી-કાર્તિકેય, ગણેશ, શિવ, વિષ્ણુ, નવગ્રહ માટે; મોર, ઉંદર, વાઘ, અસુર, મહિષ(પાડો), સાંઢ, સર્પ, જયા-વિજયા, વિષ્ણુ, શિવ અને રામ એ બધાં માટે વસ્ત્ર; અર્ઘ્ય, ચાંદમાલા, થાળી, લોટા, નથ(નાકની વાળી), લોખંડનો ટુકડો, શંખ-૨, સિંદૂર વગેરે પ્રસાધન સામગ્રીનો ડબ્બો-૧, પુષ્પમાળા, બિલ્વપત્ર માળા, ભોગનાં દ્રવ્ય, આરતીનાં દ્રવ્ય અને હોમનાં દ્રવ્ય.

અષ્ટમીપૂજા માટેનાં દ્રવ્ય:

મહાસ્નાનદ્રવ્ય, દંતકાષ્ઠ, મુખ્યપૂજાની સાડી-૧, દર્ભની વીંટી-૪૦,૨૨,૧; મધુપર્કની વાટકી-૪૦, દહીં, મધ, ઘી, મોરસ, નૈવેદ્ય-૪૦,૨૨; નાનાં નૈવેદ્ય-૪, ચાંદમાળા, પુષ્પમાળા, બિલ્વપત્રમાળા, થાળી, લોટા, નથ, લોખંડનો ટુકડો, શંખ-૨, સિંદૂરની ડબ્બી-૧, ભોગનાં દ્રવ્ય, આરતીનાં દ્રવ્ય.

નવઘટ-નવપતાકા:

નવશક્તિ-નવચંડિકા અને તેમની વિવિધ રંગની ધજાઓ- ઉગ્રચંડા (લોહિતવર્ણ), પ્રચંડા (કૃષ્ણવર્ણ), ચંડોગ્રા (નીલવર્ણ), ચંડનાયિકા (કર્પૂરવર્ણ), ચંડા (ધૂમ્રવર્ણ), ચંડવતી (પીતવર્ણ), ચંડરૂપા (શુભ્રવર્ણ), અતિચંડિકા (જુદા જુદા રંગ), રુદ્રચંડિકા (લોહિતવર્ણ).

સંધિ-પૂજા દ્રવ્ય:

પુષ્પ, સોનાની વીંટી-૧, મધુપર્ક માટે કાંસાની વાટકી-૧, દહીં, મોરસ, મધ, ઘી, સાડી, નાનું પંચિયું, મુખ્ય નૈવેદ્ય-૧, નાનું નૈવેદ્ય-૧, થાળી-૧, કળશ-૧, લોખંડનો ટુકડો, નથ, સાડી-૧, તકિયો-૧, ચટાઈ-૧, ચંદ્રમાળા-૧, મોટો થાળ-૧, દીપ-૧૦૮, ભોગનાં દ્રવ્ય, આરતીનાં દ્રવ્ય.

નવમી-પૂજા માટેનાં દ્રવ્ય:

મહાસ્નાનદ્રવ્ય, દંતકાષ્ઠ, પુષ્પ, વસ્ત્ર, મધુપર્ક-૧, દર્ભની વીંટી, મુખ્ય પૂજા અને ચંડીની સાડી-૧, દહીં, મોરસ, મધ, ઘી, નૈવેદ્ય-૪૦,૨૨; નાનાં નૈવેદ્ધ-૪, થાળી-૧, વાટકી-૧, સિંદૂરની ડબ્બી-૧, લોખંડનો ટુકડો, શંખ, નથ, ચાંદમાળા, પુષ્પમાળા, રચના, પાનનાં બીડાં, હોમ માટે બિલ્વપત્ર, આરતીનાં દ્રવ્ય.

દશમી-પૂજા માટેનાં દ્રવ્ય:

દશોપચાર-પૂજા દ્રવ્ય, ભાંગ, આરતીનાં દ્રવ્ય.

વિવિધ દેવીપીઠ-પૂજા:

૬૧ દેવી-પીઠ-સ્થાન અને ૬૧ અધિષ્ઠાત્રી દેવી છે જેમ કે વારાણસીનાં વિશાલાક્ષી, નેપાળનાં નેપાલવાસિની ગુહ્યેશ્વરી, કુરુક્ષેત્રનાં કાલરાત્રિ, ઉજ્જૈનનાં વાગીશ્વરી ઇત્યાદિ.

ચતુઃષષ્ટિયોગિની પૂજા (૬૪ દેવી):

બ્રહ્માણી, ચંડિકા, ગૌરી, ઇન્દ્રાણી, ભૈરવી, વારાહી, માહેશ્વરી, સર્વમંગલા, શાકંભરી, અંબિકા, અપર્ણા ઇત્યાદિ.

શહનાઈ, ઢાક, ઢોલ, કાંસાનો ઘંટ:

બેલુર મઠમાં શહનાઈ-ઢાક-ઢોલ-કાંસાના ઘંટ પંચમીથી વગાડવાનું શરૂ થાય છે. શ્રી પંચાનન હાજરાના પરિવારના લોકો પરંપરાગત પેઢીઓથી ઢાક વગાડતા આવ્યા છે. કાંસાનો ઘંટ-એક કાંસાની થાળી હોય છે, જેને એક લાકડીથી વગાડવામાં આવે છે. પંચમીના દિવસે ઢાક-ઢોલ-કાંસાનો ઘંટ વગાડતાં વગાડતાં નારાયણશિલા તથા શિવલિંગને મંડપમાં લાવવામાં આવે છે. સપ્તમીના દિવસે ગાજતે-વાજતે નવપત્રિકાને શ્રીમાના ઘાટ પર ગંગાસ્નાન કરાવવામાં આવે છે.

Total Views: 329

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.