શક્તિની આરાધના ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી પ્રચલિત છે. શક્તિસ્વરૂપિણી મા દુર્ગા મધુ-કૈટભ વગેરે દાનવોનો સંહાર કરવા માટે દેવોની આરાધનાના પ્રતિભાવ રૂપે સમયે સમયે વિભિન્ન રૂપોમાં પ્રગટ થયાં. દુર્ગા-આરાધના ભારતની એક મુખ્ય પૂજા છે. દુર્ગા ઉત્સવ ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ઘણી ધામધૂમથી ઊજવવામાં આવે છે. દુર્ગાપૂજા બંગાળી હિન્દુઓની એક પ્રાચીન પરંપરા છે અને તેમનો સૌથી મોટો ઉત્સવ છે. પશ્ચિમ બંગાળ દુર્ગાપૂજાની જન્મભૂમિ છે. ત્યાંથી આ ઉત્સવ પછીથી ભારતનાં પૂર્વી રાજ્યો જેવાં કે આસામ, ઓરિસ્સા, બિહાર વગેરેમાં ફેલાતો ગયો. શારદીય દુર્ગાપૂજા માત્ર બંગાળનો સૌથી મોટો તહેવાર જ નથી, પણ તે બંગાળ-સંસ્કૃતિનો વાહક, ઔદ્યોગિક નિવેશનું વિશાળતમ સાધન, બંગાળ-પર્યટનનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર, ધર્મ અને સંસ્કૃતિનું મુખ્ય અંગ છે. કાલિકા પુરાણ, દેવી પુરાણ, મત્સ્ય પુરાણ અને બૃહદ્ નંદિકેશ્વર પુરાણમાં દુર્ગાપૂજાનું વિસ્તૃત વર્ણન છે. ૧૫મી શતાબ્દીમાં સ્મૃતિકાર રઘુનંદને પણ ‘દુર્ગાપૂજાતત્ત્વ’ નામના મૌલિક ગ્રંથમાં દુર્ગાપૂજાનો સંપૂર્ણ વિધિ આપ્યો છે. ૧૬મી શતાબ્દીમાં તાહિરપુર મહારાજા કંસનારાયણના રાજપુરોહિત પંડિત રમેશ શાસ્ત્રીએ જે પૂજા-પદ્ધતિની રચના કરી હતી તે જ આજે સર્વત્ર પ્રચલિત છે.

માર્કંડેય પુરાણ અનુસાર પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાનો પ્રારંભ બંગાળમાં આવેલ બોલિપૂર (બોલપુર)ના રાજા સુરથે કર્યાે હતો. તેઓએ જ સૌ પ્રથમ મા દુર્ગાની પૂજા કરી હતી. તે વસંતનો સમય હતો. તેને વાસંતી પૂજા કહે છે. બંગાળના પાલા રાજ્યમાં મા દુર્ગાની મહિષાસુરમર્દિનીના રૂપમાં પૂજા કરવામાં આવતી હતી. પાલા રાજ્યમાં ઘણી મોટી સંખ્યામાં મહિષાસુરમર્દિનીની મૂર્તિઓ શાસ્ત્રીય બંગાળી શિલ્પકળા પદ્ધતિ મુજબ બનાવવામાં આવતી હતી. ‘પાંડુ રાજાર ઢિબી’ જે બંગાળની પ્રાચીનતમ (ઈ.સ.પૂર્વે ૧૨૦૧થી ઈ.સ.પૂર્વે ૭૫૦ વર્ષ જૂની) સભ્યતાઓમાંની એક છે, ત્યાં મા દુર્ગાની પ્રાચીન મૂર્તિ જોવા મળી છે. પશ્ચિમ બંગાળમાં જમીનદારો તથા રાજાઓના મહેલો, પરિવારો, પંડાલો (મંડપો), શક્તિપીઠો તથા દેવીનાં પ્રાચીન મંદિરોમાં દુર્ગાપૂજાનો ઉત્સવ ઊજવવામાં આવે છે. બંગાળની દુર્ગાપૂજાની આ આધુનિક ધામધૂમ અને આડંબર રાજાસાહી જિલ્લા (હાલ બાંગ્લાદેશ)ના તાહિરપુર મહારાજ કંસનારાયણના વખતથી શરૂ થયાં છે. પછીથી અંગ્રેજ વેપારીઓ મોટા મોટા દુર્ગાેત્સવનો ખર્ચ ઉપાડતા હતા.

ભારતમાં શરદઋતુને સૌથી સારી ઋતુ માનવામાં આવે છે. આ ઋતુમાં સૂર્યની ઉષ્મા ઘટી જાય છે અને શીતળતા વધી જાય છે. વર્ષાઋતુ પ્રકૃતિને જીવંત બનાવે છે. સર્વત્ર લીલાંછમ વૃક્ષો; ધાન્યનાં લીલાં, સફેદ, આછા ગુલાબી રંગનાં કણસલાં (ડૂંડાં) લહેરાતાં દેખાય છે. ભૂરા આકાશ અને વાયુની ગંભીરતા જાણે કે મા દુર્ગાનું સ્વાગત કરવા પ્રસ્તુત થયાં હોય! ભગવાનની દેવીના રૂપમાં પૂજા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રાચીનકાળથી થતી આવી છે. પરંતુ માત્ર ભારતમાં જ દેવીપૂજા ધર્મ-સંપ્રદાયનાં બધાં બંધનો તોડીને, વિશેષપણે જીવંત ધર્મના રૂપમાં પ્રચલિત થઈ છે. ભારતના બંગાળમાં જ દેવીપૂજા સર્વાેચ્ચ સાંસ્કૃતિક વિશુદ્ધિ તથા શાસ્ત્રવિધિની ઉચ્ચતર અવસ્થામાં પહોંચી છે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે ‘ભારતમાં માતૃરૂપમાં શુદ્ધતમ તથા ઉચ્ચતમ પ્રકારની સાધના છે.’ કારણ કે જગદંબાનો પ્રેમ જ અત્યંત નિઃસ્વાર્થ અને નિરુપાધિક પ્રકારનો માનવીય પ્રેમ છે. દેવીપૂજા પ્રાગૈતિહાસિક કાળથી ચાલી આવી રહી છે. એનું પ્રચલન હડપ્પા-મોહેં જો દડોની સભ્યતામાં દેખાઈ આવે છે. ઋગ્વેદમાં દેવીસૂક્ત નામનું અદ્‌ભુત સ્તોત્ર જોવા મળે છે, જેનું દુર્ગાપૂજામાં ગાન કરવામાં આવે છે. માર્કંડેય પુરાણમાં દેવી માહાત્મ્ય અથવા ચંડીમાં દેવીપૂજાનું સ્વતંત્ર સર્વાેચ્ચ સ્થાન જોવા મળે છે. શક્તિપૂજાનું બીજું સ્તોત્ર દેવી-ભાગવત છે કે જે તંત્રશાસ્ત્રનો એક ભાગ છે. દેવીપૂજા ભારતમાં સર્વત્ર, કન્યાકુમારી (દેવી કન્યાકુમારીનું મંદિર)થી લઈને કાશ્મીર (ક્ષીરભવાની મંદિર)સુધી; રાજસ્થાન (અંબાજી મંદિર)થી લઈને કોલકાતા (કાલીઘાટ મંદિર) સુધી પ્રચલિત છે. ભારતમાં એવું કોઈ પણ સ્થાન નથી કે જ્યાં દેવીમંદિર ન હોય. મર્યાદા પુરુષોત્તમ રાજા રામચંદ્રજીએ પણ રાવણ-વધ માટે દુર્ગાપૂજા કરી હતી. મહાન મરાઠા મહારાજા છત્રપતિ શિવાજી દેવી ભવાનીના પરમ ભક્ત હતા. શીખોના દશમા ગુરુ શ્રીગોવિંદસિંહજી પણ મા દુર્ગાની પૂજા કરતા હતા.

દેવીનાં વિભિન્ન રૂપ ઃ

દેવી એક જ હોવા છતાં વિવિધ સ્થાનોએ વિવિધ રૂપોમાં પ્રગટ થયાં છે. પ્રાચીન કાળમાં ચંડી સ્તોત્રમાં સિંહ પર વિરાજિત ચામુંડેશ્વરી અને મહિષાસુરમર્દિનીના સર્વશ્રેષ્ઠ દેવી રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. પછીના સમયમાં દેવીની શિવપત્નીના રૂપમાં પૂજા થવા લાગી. દેવીનાં કાલી, તારા, ત્રિપુરાસુંદરી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી (સરસ્વતી), કમલા (લક્ષ્મી) એ દશ મહાવિદ્યાનાં રૂપ છે. દુર્ગાપૂજા આસો માસના ચંદ્રમાની પ્રથમ તિથિથી નવ દિવસ સુધી નવરાત્રી ઉત્સવ રૂપે સંપૂર્ણ ભારતમાં ઉજવાય છે. દશમો દિવસ દશેરા-વિજયાદશમીનો હોય છે, જે દિવસે ઉત્તરભારતમાં રામલીલાનું આયોજન થાય છે. દશેરાના દિવસે ભારતના અનેક પ્રાંતોમાં શસ્ત્રપૂજન કરવામાં આવે છે. બંગાળમાં શસ્ત્રપૂજન વિશ્વકર્માપૂજા વખતે કરે છે.

બંગાળનો દુર્ગાપૂજા-ઉત્સવ સામાજિક અને ધાર્મિક સંસ્કૃતિનો એક અનોખો ઉત્સવ છે. આ ઉત્સવ મહાલયા (અમાવસ્યા)થી માંડી એક માસ રહે છે. અહીં દેવીની દશભુજાઓમાં વિભિન્ન શસ્ત્રધારી મહિષાસુરમર્દિનીના રૂપની પૂજા થાય છે. બંગાળમાં શારદોત્સવને એવી રીતે ઉજવવામાં આવે છે, જાણે કે કન્યારૂપી દેવી સપરિવાર ત્રણ દિવસ પિતૃગૃહે આવે છે. પ્રારંભમાં બંગાળમાં શિવની પૂજા કિસાન-દેવ રૂપે થતી હતી. શિવ કિસાન અને તેમના એક અનુચર ભીમ હતા. બન્ને મળીને ખેતી કરતા હતા. તેમનાં ગૃહિણી શિવાની અથવા દુર્ગા છે, જે હિમાલયનાં વહાલાં કન્યા ઉમા છે. ઘણું કષ્ટદાયક જીવન છે. આખો દિવસ ખેતરમાં કામ કર્યા પછી વચ્ચે વચ્ચે શિવનો તેમની સાથે ઝઘડો થાય છે, ખાસ તો શિવ જ્યારે ભાંગ પીને ઉન્મત્ત થાય છે ત્યારે ઉમારાણી ક્રોધિત થઈ, રીસાઈને પોતાના પિતા પાસે હિમાલય ચાલ્યાં જાય છે. ભાનમાં આવતાં શિવજી મનાવવા માટે ઉમારાણી માટે કોથળો ભરીને શંખની બંગડી લાવે છે. પ્રાચીન તેમજ અર્વાચીન બંગાળી સાહિત્યમાં અનેક વાર્તાઓ જોવા મળે છે. પરવર્તી કાળમાં શિવજી રાજા અને ઉમારાણી અન્નપૂર્ણાના રૂપમાં જોવા મળે છે. આ પરિવર્તન ચિત્તાકર્ષક છે. દેવી દુર્ગાને આપણે ક્યારેક કન્યા, ક્યારેક ગૃહપત્ની, ક્યારેક શક્તિમયી અસુરદલની માતૃરૂપમાં અને ક્યારેક સર્વેશ્વરી-રાજરાણી મા અન્નપૂર્ણાના રૂપમાં જોઈએ છીએ. પ્રચલિત આગમની ભજનોમાં ભિખારિણી ઉમા મહારાણીની પદ-પ્રાપ્તિની સુંદર છબી જોવા મળે છે. આજના આ ચાર દિવસની વિસ્તૃત દુર્ગાપૂજાનો આડંબર જોઈએ તો દુર્ગાના રાજેન્દ્રાણી, રાજરાજેશ્વરી રૂપની સત્યતાનો પરિચય જોવા મળે છે.

દુર્ગાપૂજા છે શક્તિપૂજા:

દુર્ગાપૂજાને મહાપૂજા કહે છે. મૂળમાં આ પૂજા શક્તિ-દેવીની આરાધના છે. ચંડી અનુસાર બધા દેવતાઓના દેહમાંથી નિઃસૃત અતુલનીય તેજરાશિ એકત્રિત થઈને નારી-મૂર્તિ ધારણ કરીને ત્રિલોકને વ્યાપ્ત કરે છે, તે જ દેવી છે. તો પછી નારીનું જ રૂપ શા માટે ધારણ કરે છે? કારણ કે નારી શક્તિનું પ્રતીક છે. બધા દેવતાઓની શક્તિ આ નારીમાં પ્રકાશિત થાય છે. દુર્ગા મહાશક્તિ અને મહામાધુર્યનું પ્રતીક છે. મહિષાસુરમર્દિની નારીરૂપ દેવતાઓની સમ્મિલિત શક્તિનું પ્રતીક છે. વેદાંતમાં બ્રહ્મ અને શક્તિ, સાંખ્યમાં પુરુષ અને પ્રકૃતિ તેમજ આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિમાં જડ અને ચૈતન્ય- આ બધાંમાં સમાનતા છે. તંત્રમાં શિવ અને કાલી, તે જ તત્ત્વનો આભાસ છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા હતા, ‘બ્રહ્મ અને શક્તિ અભેદ છે, એકને માનવાથી બીજાને પણ માનવું પડશે. જેમ અગ્નિ અને તેની દાહિકાશક્તિ. અગ્નિનો સ્વીકાર કરવાથી તેની દાહિકાશક્તિને પણ માનવી પડશે.’ નારીનું મોહિની રૂપ, સ્ત્રીત્વ, માતૃત્વ-આ બધાંમાં દેવાત્મશક્તિનો બહિર્પ્રકાશ છે. મહાપરાક્રમી મહિષાસુરનો વધ કરવા માટે બ્રહ્મા વગેરે બધા દેવતાઓની સમ્મિલિત શક્તિ જ મહાદુર્ગાના રૂપમાં પ્રગટ થઈ છે. દુર્ગા અસુરને પોતાના ચરણના પ્રહારથી મારી રહ્યાં છે અને મરેલા અસુરને દેવીના પાદસ્પર્શથી શિવત્વ પ્રાપ્ત થાય છે અર્થાત્ તેના દેવત્વનો વિકાસ થાય છે; તેનામાં શુદ્ધ બુદ્ધિ, જ્ઞાન અને ચૈતન્યનો ઉદય થાય છે. આ તત્ત્વનું વર્ણન ભક્ત રામપ્રસાદે પોતાની એક રચનામાં કર્યું છે-

લોકો તો મિથ્યા કહે છે, શિવ નહીં, માના પદતળે,
મા ઊભી દાનવ પર, દૈત્ય પડ્યો ધરણીતળે,
માના ચરણસ્પર્શથી દાનવ-તન શિવરૂપ થયું રણસ્થળે.

આનું તાત્પર્ય એ છે કે માની કૃપા હોય તો આસુરી પ્રવૃત્તિવાળા લોકો પણ શિવત્વ પ્રાપ્ત કરી શકે છે. દેવી અને અસુરનું યુદ્ધ માત્ર બહાર જ નથી, પરંતુ મનુષ્યના અંતઃકરણમાં નિરંતર ચાલી રહ્યું છે. મનુષ્ય હોય કે દાનવ, બધાયમાં દેવત્વ કે શિવત્વ સર્વદા વિદ્યમાન છે, તે સ્વરૂપતઃ શિવ જ છે. પરંતુ તેની અંદરના અસુરભાવે શિવત્વને ઢાંકી રાખ્યું છે. શક્તિરૂપિણી માની કૃપાથી અંદરનો આસુરીભાવ ચાલ્યો જાય છે અને તેને શિવત્વની પ્રાપ્તિ થાય છે. તંત્રશાસ્ત્ર અને પુરાણોમાં મા દુર્ગા અને મા કાલીને આદ્યાશક્તિનાં જ બે રૂપ માનવામાં આવ્યાં છે.

શુદ્ધ મન અને દેહમાં નિષ્ઠા-ભક્તિનથી મંત્રોચ્ચાર સાથે વિવિધ ઉપચારોથી દેવીની પ્રતિમામાં દેવીની જીવંત ઉપસ્થિતિની ભાવનાથી, પરાત્મક જ્ઞાનથી દેવીનું આવાહન કરવું તેને પૂજા કહે છે. પૂજામાં અનુષ્ઠિત વિવિધ ક્રિયાકાંડનાં બે રૂપ છે- પહેલું બાહ્ય અને બીજું આંતરિક. આંતરિક રૂપમાં દેવીની સમક્ષ ઉપાસક સંપૂર્ણ આત્મનિવેદન કરે છે. બાહ્ય આચાર-અનુષ્ઠાન આંતરિકનાં જ વિવિધ ભાવોમાં વર્ણવાયેલ રૂપક માત્ર છે.

પૂજાનો ઉદ્દેશ પૂજ્યની સાથે પૂજકનું ઐક્ય સ્થાપવા માટેનો પ્રયાસ છે. જે દુર્ગાપૂજા પ્રતિમા સહિત થાય છે, તેમાં ઘટસ્થાપના પ્રાથમિક અને આવશ્યક અંગ છે. ઘટ ઈશ્વરના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે. જ્યારે પૂજા પ્રતિમામાં કરવાનું શક્ય ન હોય, ત્યારે ઘટમાં પૂજા કરાય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા હતા, ‘અનંત સમુદ્રમાં ક્યાંય કિનારો દેખાતો નથી, તેની મધ્યમાં એક ઘટ છે, તેની અંદર પણ જળ છે અને બહાર પણ. ઘટના લીધે તો અંદર અને બહાર એવા બે ભાગ થયા છે. જ્ઞાની જુએ છે કે અંદર અને બહાર એ જ પરમાત્મા છે.’ પરંતુ સાધારણ મનુષ્ય માટે એવી ધારણા થવી સંભવ નથી. એટલા માટે પૂજા, જપ-ધ્યાન અને તપસ્યાની જરૂર પડે છે. ક્ષુદ્ર ‘હું’ને બૃહત્ ‘હું’માં પરિવર્તિત કરવાનો આ એક પ્રયાસ છે. મૃણ્મયી પ્રતિમાને ચિન્મયી કરવાનો પ્રયાસ છે.

દુર્ગા શબ્દનો અર્થ:

‘દ’ અર્થાત્ દૈત્યનાશક, ઉકાર વિઘ્નનાશક, રકાર (રેફ) રોગનાશક, ગકાર પાપનાશક અને અકાર ભય-શત્રુ-નાશક. અર્થાત્ દૈત્ય, વિઘ્ન, ભય અને શત્રુ-આ બધાથી જે રક્ષા કરે છે, તે જ દેવી દુર્ગા અથવા જેમણે દુર્ગનામના અસુરનો નાશ કર્યાે, તે જ નિત્યદુર્ગાના નામથી વિખ્યાત છે. દુર્ગા જ સમસ્ત શક્તિનો આધાર છે, સમસ્ત દેવગણોના શક્તિસમૂહની ઘનીભૂત મૂર્તિ છે. તેઓ સ્નેહમયી, વાત્સલ્યમયી જનની છે, એટલા માટે તેમનાં નેત્રોમાંથી નિત્ય કરુણાધારાની વર્ષા થઈ રહી છે. યુદ્ધના સમયે જ્યારે તે અતિ ભીષણ બને છે ત્યારે પણ તેમનાં નેત્રો કરુણાપૂર્ણ હોય છે. તેમના હૃદયમાં મુક્તિ પ્રદાન કરનારી કૃપા અને યુદ્ધમાં મૃત્યુપ્રદ કઠોરતા-આ બન્ને ભાવોનો અદ્‌ભુત સમન્વય છે. દુર્ગા તે છે, જે દુર્ગમ ભવસાગર પાર કરાવે છે.

દુર્ગાનો પરિવાર:

દુર્ગા-પ્રતિમાની મધ્યમાં મા દુર્ગા, તેમની જમણી બાજુ લક્ષ્મી અને ગણેશ, ડાબી બાજુમાં સરસ્વતી અને કાર્તિક, તેમનો જમણો પગ સિંહ ઉપર અને બીજા પગની મોટી આંગળી મહિષાસુરના ખભા પર હોય છે. લક્ષ્મી, સરસ્વતી, કાર્તિક અને ગણેશ પોતપોતાનાં વાહનો ક્રમશઃ ઘુવડ, હંસ, મોર અને ઉંદર સાથે હોય છે.

દેવીનું વાહન સિંહ છે, જે અત્યંત શક્તિશાળી પ્રાણી છે. તે રજોગુણનું પ્રતીક છે. રજોગુણ જો સત્ત્વગુણનો અનુગામી હોય તો તેની શક્તિ ફળદાયક હોય છે. અસુર સામે લડવા માટે દેવીએ રજોગુણરૂપી સિંહને પોતાને વશ કરી રાખ્યો છે. દેવી આસુરી અને પાશવી શક્તિઓનો નાશ કરે છે. દુર્ગાની પૂજા કરીને આપણે મહાશક્તિ પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ તેનો સદુપયોગ સાત્ત્વિક ઉદ્દેશ નિમિત્તે થવો જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં પશુવૃત્તિ રહેલી હોય છે. જ્યારે તે પુરુષાર્થ તથા સાધન-ભજન દ્વારા પશુવૃત્તિનો નાશ કરીને દેવભાવ જાગ્રત કરે છે ત્યારે તે શરણાગતિ યોગ્ય બને છે. દેવીની જમણી બાજુ અસુર છે. દેવી અને અસુરનો સંગ્રામ અવિરત ચાલી રહ્યો છે. જેમ બહાર, તેમ અંદર પણ સાધકના જીવનમાં તે સર્વદા ચાલી રહ્યો છે. દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, નિષ્ઠુરતા અને અજ્ઞાન- આ આસુરી સંપત્તિ છે. બીજી બાજુ નિર્ભયતા, શુદ્ધ આચરણ, જ્ઞાન અને યોગનિષ્ઠા, દાન, બાહ્યેન્દ્રિયોનો સંયમ, યજ્ઞ, વેદપાઠ, તપસ્યા, સરળતા, અહિંસા, સત્ય, ક્રોધહીનતા, ત્યાગ વગેરે દૈવીસંપદ છે. સાધકના જીવનમાંથી અવિદ્યારૂપી અસુરનો નાશ કરીને વિદ્યારૂપિણી મા તેની મહામુક્તિનો માર્ગ ખોલી દે છે.

લક્ષ્મીદેવી વિકાસ અને અભ્યુદયનું પ્રતીક છે. તેમના આશીર્વાદથી ધન, જ્ઞાન અને ચારિત્ર્યનો વિકાસ થાય છે. સાધક લક્ષ્મીદેવીની ઉપાસના મુક્તિ-ધન પ્રાપ્ત કરવા માટે કરે છે.

લક્ષ્મીનો એક બીજો પણ અર્થ ‘મંગળ’છે. અહીંયાં શ્રીરામકૃષ્ણદેવની ‘માટી-ટાકા’ની વાર્તા યાદ આવે છે. જ્યારે તેઓએ માટી અને રૂપિયાનો સિક્કો બન્નેને ગંગામાં ફેંકી દીધાં ત્યારે તેઓને ડર લાગ્યો કે એવું કરવાથી લક્ષ્મીનો ત્યાગ કરવાનું તો નથી થયુંને? ત્યારે તેઓએ લક્ષ્મીને પોતાના હૃદયમાં મંગલ રૂપમાં બિરાજમાન કર્યાં. લક્ષ્મીનું વાહન ઘુવડ છે, જે દિવસે જોઈ શકતું નથી. જેઓ ‘તત્ત્વ’ને જાણતા નથી, તેઓ ઘુવડ જેવા હોય છે, હંમેશાં ધનધાન્યાદિ પાર્થિવ વસ્તુઓ પાછળ પડેલા રહે છે. ઘુવડ યમનો દૂત પણ છે. યમ છે ધર્મરાજા અને જે અધર્મ-માર્ગે ચાલશે તેમને યમદંડ પડશે જ. ઘુવડનો ગંભીર ઊંચો અવાજ જાણે કે સંકેતક છે- ઘુવડ રાત્રે જાગે છે.

તે સાધકને સૂચવે છે કે જ્યારે બધા સૂઈ જાય છે ત્યારે રાત્રે સાધના કરો અને દિવસના સમય દરમિયાન નિદ્રાધીન થઈ જાઓ, ત્યારે સાધનામાં સફળતા મળશે. ગણેશ સિદ્ધિદાતા છે. ગણેશની પૂજાથી વિદ્યાર્થીને વિદ્યા, ધનાર્થીને ધન, પુત્રાર્થીને પુત્ર અને મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ગણેશ ગણદેવતા અને વિઘ્નહર્તા પણ છે. ગણેશનું વાહન ઉંદર છે. પ્રબળ પ્રતિબંધક સ્વરૂપ કર્મફળ હોવાથી સિદ્ધિ-પ્રાપ્તિ થતી નથી. ગણેશપૂજાથી મોક્ષાર્થી માયાજાળ કાપીને અષ્ટપાશબંધનથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. માયાજાળ કાપવા માટેના સાધનનું પ્રતીક ઉંદર છે. સરસ્વતી વિદ્યાદાયિની છે અને મા દુર્ગાની જ્ઞાનશક્તિ છે. સરસ્વતી વાગ્દેવી છે, બ્રહ્મવિદ્યા છે, શુદ્ધ જ્ઞાનમયી પ્રકાશસ્વરૂપા છે.

જ્ઞાનના સાધકે તન-મન-પ્રાણથી શુભ્ર અર્થાત્ પવિત્ર થવું જોઈએ. સરસ્વતીનું વાહન હંસ છે. જે સાધક દિવસ-રાત અજપામંત્રમાં સિદ્ધ છે તે હંસધર્મી હોય છે. મનુષ્ય નીરોગી શરીરમાં ચોવીસ કલાકમાં ૨૧,૬૦૦ અજપામંત્રનો શ્વાસ-ઉચ્છ્વાસ સાથે જપ કરે છે. હંસ જળમાં રહે છે પરંતુ શરીર જળથી લિપ્ત હોતું નથી. તેવી જ રીતે પરમહંસ સંસારમાં રહે છે પરંતુ સંસારથી નિર્લિપ્ત રહે છે. હંસ દૂધથી જળને જુદું કરીને માત્ર દૂધ જ પીવે છે, હંસની ગતિ એકદમ સરળ હોય છે.

મનુષ્ય જ્યારે વિવેકબુદ્ધિ દ્વારા અનિત્ય સંસારમાંથી નિત્ય સારાંશ ગ્રહણ કરવામાં સક્ષમ થાય છે ત્યારે તેની ગતિ ઈશ્વર પ્રતિ થાય છે અને બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરે છે. કાર્તિકેય દેવ સેનાપતિ છે અને સૌંદર્ય તેમજ શૌર્ય-વીર્યનું પ્રતીક છે. યુદ્ધમાં આ બન્ને ગુણોની અતિ આવશ્યકતા છે. એટલા માટે સાધક-જીવન અને વ્યાવહારિક જીવનમાં કાર્તિકેયને પ્રસન્ન કરવાથી શૌર્ય-વીર્યની પ્રાપ્તિ થાય છે. તેઓ દયા વગેરે અષ્ટગુણવિશિષ્ટ મોર ઉપર વિરાજમાન છે. તેમની અંગકાંતિ તપ્તકાંચન જેવી અને હાથમાં ‘શક્તિ’ છે. સૌંદર્ય અને વીર્ય એ બન્ને ભાવો મોરમાં વિદ્યમાન હોય છે. મોરની જેમ આળસ રહિત થઈને પ્રત્યેક કાર્યમાં કુશળ, નારી-રક્ષામાં સર્વદા તત્પર, વિષ-ભક્ષક, સ્વજન-પ્રીતિકારક અને સૌંદર્યમય બનવું જોઈએ. સર્વાંગીણ વિકાસનાં અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી, વિદ્યાદાયિની સરસ્વતી, શૌર્ય-વીર્યના પ્રતીક કાર્તિક અને સર્વવિઘ્નવિનાશક સિદ્ધિદાતા ગણેશ- આ બધાંથી મા દુર્ગા વીંટળાયેલ છે. તેથી જે મા દુર્ગાને પ્રસન્ન કરી શકશે, તેને વિદ્યા, યશ, અને શ્રી-આ બધાંની પ્રાપ્તિ અવશ્ય થશે.

Total Views: 351

One Comment

  1. HIRJI BHUDIA May 23, 2022 at 2:18 am - Reply

    excellent article. very interesting and clears many deep meaning behind all the pratiks and rituals. But I am just wouder Swamji has not mentioned about Navarati in Gujrat. same as Bengal Gujrat also worship Mother in different ways but there is not a single word regarding this worship.
    Hirji Bhudia.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.