શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને મૂલ્યલક્ષી શિક્ષણ’ પર સેમિનાર : રાજકોટ આશ્રમ દ્વારા તા. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૩ના રોજ શિક્ષણ સાથે સંકળાયેલ લોકોને નવી શિક્ષણ નીતિમાં રહેલા મૂલ્યલક્ષી શિક્ષણના વિચારોથી અવગત કરાવવા તથા તેના અમલીકરણમાં પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવવાના હેતુથી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને મૂલ્યલક્ષી શિક્ષણ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ ૫૦૦ જેટલા આચાર્યો, શિક્ષકો તથા શિક્ષણવિદો જોડાયા.
સેમિનારમાં યુ.એસ.એ.ના બિઝનેસ એક્સેલન્સ Inc. ના પ્રો. ડૉ. મનુભાઈ વોરા, પુણેના એસ.ડી.વી.પી. રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ડાયરેકટર જનરલ ડૉ. કમલેશ જોષીપુરા, રાજકોટના સિસ્ટર નિવેદિતા એજ્યુકેશન કોમ્પલેક્ષના સ્થાપક ડૉ. ગુલાબભાઈ જાની, કેળવણીકાર શ્રી મનસુખભાઈ સલ્લા, લોકભારતી યુનિવર્સિટી ફૉર રૂરલ ઇનોવેશનના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. ભદ્રાયુ વછરાજાની, વેદાંત સોસાયટી ઑફ જીનીવાના સ્પિરિચ્યુઅલ ડાયરેક્ટર સ્વામી વેદનિષ્ઠાનંદજી તથા ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી નવીનભાઈ શેઠે નવી શિક્ષણ નીતિ અને સ્વામી વિવેકાનંદના શિક્ષણ પરના વિચારો અંગેના પોતાનાં વકતવ્યો રજૂ કર્યાં.
કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી-સત્ર ખૂબ જ રસપ્રદ રહ્યું. તમામ સહભાગીઓને પ્રેરણાદાયી વીડિયો પણ બતાવવામાં આવ્યા અને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવ્યો.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી : આશ્રમના શ્રીમંદિરમાં ૭ સપ્ટેમ્બરના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ. સવારે સમગ્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા વિષ્ણુસહસ્રનામનો પાઠ કરવામાં આવ્યો. સંધ્યા આરતી પછી વિશેષ પૂજા, ભજન તથા શ્યામનામ સંકીર્તન થયું. પૂજા દરમિયાન લગભગ ૨૦૦ જેટલા ભક્તો ઉપસ્થિત રહ્યા. બીજે દિવસે સંધ્યા આરતી પછી આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ભગવાન શ્રીકૃષ્ણનાં જીવન-સંદેશ પર પ્રવચન આપ્યું હતું.
મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ : રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓમાંથી ૧૫ ઑગસ્ટ થી ૧૪ સપ્ટેમ્બરના સમયગાળામાં ધો. ૬ થી ૮ ના ૬૨૧ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૯ અને ૧૧ ના ૫૧૫ વિદ્યાર્થીઓએ રાજકોટ આશ્રમની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓને તેમના ધોરણ અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સ્વામી વિવેકાનંદનું જીવન પ્રદર્શન, સ્વામીજીના પ્રેરક પ્રસંગ પર નાટક, ચરિત્રનિર્માણ અંગે માર્ગદર્શન, પ્રેરણાદાયી વીડિયો ક્લિપ પ્રદર્શન, પુસ્તક-વાંચન, ક્વિઝ, એકાગ્રતાની રમતો, યોગાસન-પ્રાણાયામ, મંદિરમાં ધ્યાન, વેદપાઠ, ગીતાપાઠ, પ્રાર્થના અને પુષ્પાંજલિ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. અંતમાં તેઓને પુસ્તકો તથા નાસ્તો આપવામાં આવ્યો.
શાળા-કૉલેજમાં મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો : રાજકોટ, અમરેલી તથા તેની આસપાસના વિસ્તારની ૧૪ શાળા તથા કૉલેજોમાં આશ્રમના સંન્યાસીઓ તથા સ્વયંસેવકો દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણના વર્ગો લેવામાં આવ્યા. આ કાર્યક્રમનો ૪૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો. વર્ગમાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પર પ્રવચન આપવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદનાં જીવન પર ચિત્ર-પ્રદર્શન અને પ્રેરણાદાયી પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું.
સ્વામી વિવેકાનંદે ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગો વિશ્વધર્મ સભામાં આપેલા ભાષણની ૧૩૦મી જયંતી અને રામકૃષ્ણ મિશન ની ૧૨૫મી જયંતી પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા તારીખ ૧૧ સપ્ટેમ્બર, 2023 સોમવારના રોજ યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈસરો આજે પણ એવા કાર્યને પ્રાધાન્ય આપે છે, જેમાં સમાજનું ભલું થતું હોય :ભટ્ટાચાર્યજી
શિકાગોમાં સ્વામી વિવેકાનંદે આપેલા વ્યાખ્યાનની ૧૩૦મી જયંતી પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજાયેલી યુવા શિબિરમાં વૈજ્ઞાનિકોએ ભાવિ પ્રોજેક્ટ વિશે વિહંગાવલોકન કરાવ્યું.
ગગનયાન પ્રોજેક્ટમાં ભારતની ભૂમિ પરથી, ભારતીય રોકેટમાં, ભારતીય વ્યક્તિ અવકાશમાં જાય તે માટેની તૈયારીઓ ચાલી રહી છે: કુશ આર્ય
શિબિરના પ્રારંભમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, માત્ર 30 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદે જે વ્યાખ્યાન આપ્યું તેનો પડઘો એવો પડ્યો કે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો અને ભારતનો ડંકો વાગી ગયો.
Your Content Goes Here