(‘વિવેક જ્યોતિ’ના મે, 2001ના અંકમાંથી સાભાર સ્વીકૃત આ લેખના અનુવાદક છે શ્રીનલિનભાઈ મહેતા.)

કહેવાય છે કે જ્યારે એડીસનની સુપ્રસિદ્ધ ઔદ્યોગિક પ્રયોગશાળામાં આગ લાગી ત્યારે તેમણે પોતે જ પોતાની પત્નીને એવો સંદેશ મોકલાવીને બોલાવ્યાં કે, ‘તમને પોતાના જીવનમાં ક્યારેય આવી આગ જોવા નહીં મળે.’ જ્યારે ભવન અને વર્ષાેની મહેનતથી બનાવેલાં તેમનાં કિંમતી ઉપકરણો બળીને ખાક થઈ ગયાં ત્યારે એડીસન શાંતિથી પોતાના એક અધિકારીને સંપત્તિની વ્યવસ્થા કરવાનું કહી સ્વયં ગાઢ નિદ્રમાં પોઢી ગયા.

જ્યારે મહાન નીગ્રો સંત અને વૈજ્ઞાનિક જ્યોર્જ વાૅશિન્ગટન કાર્વરને કહેવામાં આવ્યું કે અલબામાં બેન્કે દેવાળું કાઢવાથી તેમણે પોતાની જીવનભરની મૂડી-સિત્તેર હજાર ડાૅલર- ગુમાવી દીધી છે, ત્યારે તેમણે શાંતિપૂર્વક કહ્યું, ‘મને લાગે છે કે એ કોઈને કામ આવી હશે. હું ખુદ તો તેનો ઉપયોગ નહોતો કરી રહ્યો.’

અનાસક્તિનાં આવાં ઉદાહરણરૂપ કાર્યોથી આપણે પ્રભાવિત થયા વિના ન રહી શકીએ. આપણે ઇચ્છીએ કે આપણામાં પણ થોડા પ્રમાણમાં  અનાસક્તિ હોય તો સારી વાત છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આ જીવન કેટલીયે મુસીબતો અને હતાશાઓથી ભરેલું છે અને કંઈક અંશે અનાસક્ત થયા વિના એક સંતુલિત અને શાંતિપૂર્ણ જીવનયાપન કરવું મુશ્કેલ છે. ત્યાં સુધી કે કલા, રમતગમત કે મનોરંજનનો આનંદ લેવા માટે પણ આપણને સુરુચિપૂર્ણ અનાસક્તિની જરૂર પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સિનેમાગૃહ કે રમતના મેદાનમાં જાય છે અને ત્યાં ટિકિટ ખરીદે છે, ત્યારે હકીકતમાં તે પોતાના બે કલાક અનાસક્તિ માટે જ વ્યતીત કરે છેે. ત્યાર બાદ આનંદથી પોતાના સ્થાન પર બેસી તે સંપૂર્ણ સંતોષપૂર્વક સિનમાઘરના સફેદ પડદા પર જઘન્ય હત્યાકાંડનાં દૃશ્યો કે કોઈ રોમાંચક ફૂટબોલના મેચનો રસાસ્વાદ લઈ શકે છે. જો આ પ્રકારની ઘટનાઓમાં એ પોતે જોડાયેલો હોત તો ત્યારે તેની અવસ્થા કેવી હોત…!

અનાસક્તિ મનુષ્યના સામાજિક જીવનનું એક મહત્ત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક તત્ત્વ હોવા છતાં તેને આચરણમાં લાવવું અત્યંત કઠિન છે. વ્યક્તિત્વના ગહન ઊંડાણથી જ અનાસક્તિની સમસ્યાને સમજી શકાય છે, કારણ કે આસક્તિનાં મૂળ આપણા મનમાં ઊંડે સુધી પહોંચેલાં હોય છે. માત્ર સાધનામાં જ મનુષ્યોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય છે અને અહીં આપણે સાધનાની દૃષ્ટિએ ‘અનાસક્તિ’ અંગે ચર્ચા કરીશું. આ અર્થમાં તેને ‘વૈરાગ્ય’ના નામે ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે તેને ત્યાગનો સમાનાર્થી સમજવામાં આવે છે.

વિવેક અને અનાસક્તિ

વિવેક અને વૈરાગ્ય અથવા અનાસક્તિ બન્નેય મહત્ત્વપૂર્ણ પ્રારંભિક સાધનાઓ છે. બન્નેનું સાથે હોવું આવશ્યક છે. વિવેકની પ્રક્રિયાને વૈરાગ્ય જ પરિપૂર્ણ કરે છે. વૈરાગ્ય વિના વિવેક પંગુ છે અને તે જીવને પ્રગતિના પથ પર આગળ વધવા નથી દેતું. તો બીજી બાજુ વિવેક વગરનો વૈરાગ્ય આંધળો છે. તે જીવને બરબાદીના રસ્તે લઈ જાય છે. જ્યારે આ બન્ને સાધનાઓનો સુમેળ સધાય ત્યારે આ આત્મા બંધનોને કાપી નાખે છે અને આ નશ્વર જગતમાં આપણા અહંના અસ્તિત્વની રક્ષા માટે થનારા નિરર્થક સંઘર્ષાેથી વિમુખ કરી દે છે.

વિવેક આપણને સમજ અને દિશા પ્રદાન કરે છે, પરંતુ જ્યાં સુધી એ ઇચ્છાશક્તિને ક્ષીણ-હીણ કરીને સાચા માર્ગ પર નથી લાવતો ત્યાં સુધી તેની કોઈ ઉપયોગિતા નથી. મહાભારતના પ્રખર ખલનાયક દુર્યાેધનના મુખેથી ઉચ્ચારિત થયેલ એક પ્રસિદ્ધ ઉક્તિ આ બન્ને સાધનાઓ વચ્ચેના ભેદને સ્પષ્ટ કરે છે-

जानामि धर्मं न च मे प्रवृत्ति:-
जानाम्यधर्मं न च मे निवृत्ति:।

(प्रपन्न-गीता, 56)

‘હું જાણું છું કે ધર્મ શું છે, પરંતુ હું તેનું આચરણ કરવામાં અસમર્થ છું. હું એ પણ જાણું છું કે અધર્મ શું છે, પરંતુ હું તેમાંથી નિવૃત્ત થવામાં અસમર્થ છું.’

આ ઉક્તિને આધુનિક માનવ-મનમાં રહેલ ગર્ભિત દુવિધાની એક માર્મિક અભિવ્યક્તિના રૂપમાં લઈ શકાય છે. તેના વૈરાગ્ય કે અનાસક્તિની ક્ષમતાના પ્રમાણમાં તેનાં જ્ઞાન અને વિવેકમાં ઘણી વૃદ્ધિ થઈ છે અને ફળસ્વરૂપે એ જ ગુણોત્તરમાં એના દુઃખ અને તફલીફોમાં પણ વૃદ્ધિ થઈ છે.

સ્વાધીનતા અને અનાસક્તિ

આધ્યાત્મિક જીવન અને ખાસ કરીને સંન્યાસ-જીવનના સંદર્ભમાં આપણને લોકોના મુખેથી અવારનવાર સાંભળવા મળે છે- ‘બરાબર છે, એ એક સારું જીવન છે તેમાં કોઈ સંદેહ નથી, પણ તેમાં સ્વાધીનતા નથી હોતી.’ સ્વાધીનતા સાથે તેને શો સંબંધ છે? શું ચલચિત્રો જોવાં, નવલકથાઓ વાંચવી અને જીવનમાં દરેક આનંદ લૂંટવો એ જ સ્વાધીનતા છે? બીજા શબ્દોમાં, શું એ ઇન્દ્રિયોની કે આસક્તિની સ્વાધીનતા છે? એમને કેટલીક વસ્તુઓ તથા અનુભૂતિઓમાં આસક્તિ હોય છે અને આસક્તિઓની સ્વાધીનતાને જ સામાન્ય રીતે ‘સ્વાધીનતા’ કહેવામાં આવે છે.

પરંતુ હકીકતમાં સ્વાધીનતા આસક્તિમાં નહીં પણ વૈરાગ્યમાં છે. જ્યારે આપણે ખુદને કેટલીક આદતો અને અનુભૂતિઓથી દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે આપણે કેટલા પરાધીન છીએ. ઉત્તર ભારતમાં એક કથા પ્રચલિત છે, જે આપણી દશાનું સચોટ વર્ણન કરે છે-

એક માણસે નદીમાં કોઈ ધાબળા જેવી વસ્તુ જતી જોઈ અને તે એને લેવા માટે તરતાં તરતાં તેની પાસે જઈ પહોંચ્યો. તેને પકડતાં વેંત તે પોતે પણ નદીમાં તણાવા લાગ્યો અને મદદ માટે બૂમ પાડવા લાગ્યો. કિનારે ઊભેલા લોકો તેને ધાબળો છોડી પરત આવવા કહેવા લાગ્યા, તે વ્યક્તિએ ફરી બૂમ પાડીને કહ્યું, ‘મેં તો ધાબળો છોડી દીધો છે, પણ ધાબળો મને નથી છોડતો.’ હકીકતમાં ભૂલથી તે જેને ધાબળો સમજી રહ્યો હતો એ એક રીંછ હતું! કોઈ વ્યક્તિ કે વસ્તુમાં આસક્ત થવું સહેલું છે, પણ તેનાથી પોતાને છોડાવવું બહુ મુશ્કેલ છે.

સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે આપણે કંઈ પણ અને જે રીતે કરવું હોય તે માટે સ્વાધીન છીએ. પરંતુ આધુનિક મનોવિજ્ઞાન એવું કહે છે કે આપણી મોટાભાગની ક્રિયાઓ અચેતન મનથી પ્રેરિત હોય છે. જેને આપણે સ્વાધીન કાર્ય સમજી બેસીએ છીએ તેની પાછળ કોઈ ઇચ્છા છૂપાયેલી હોઈ શકે છે. આપણાં લગભગ બધાં જ કાર્યો વિવિધ પ્રકારની ઇચ્છાઓથી પ્રેરિત હોય છે અને આવાં ઇચ્છાઓ દ્વારા પ્રેરિત કાર્યોને આપણે મોટાભાગે ભૂલથી સ્વાધીન કાર્યો સમજી લઈએ છીએ.

તો શું આપણે જેમ ઇચ્છીએ તેમ વિચારવા માટે સ્વાધીન છીએ? વિચારોનું સર્જન શૂન્યમાંથી નથી થતું તે સાબિત કરવા માટે એક નાનું એવું આત્મવિશ્લેષણ કરવું પૂરતું છે. જ્યારે આપણે આકાશમાં આમતેમ જતાં વાદળોને જોઈએ છીએ ત્યારે આપણે એમ વિચારી બેસીએ છીએ કે તે કોઈ કારણ-ઉદ્દેશ વિના આમતેમ ભટકે છે. પરંતુ હકીકતમાં ઋતુ-વિજ્ઞાનના નિયમો દ્વારા તેની ગતિ થતી હોય છે. એ જ રીતે આપણા મનમાં ઊઠતા દરેક વિચારની પાછળ તેના કારણનું અસ્તિત્વ હોય છે. વિચારોનો જન્મ પૂર્વ-સંસ્કારથી થતો હોય છે અને તેની સ્ફુરણા માનસિક જગતના નિયમોને આધારિત જ થતી હોય છે. ચોક્કસ પ્રકારની માનસિક અવસ્થામાં મનમાં ચોક્કસ પ્રકારના વિચારો જ જન્મ લેતા હોય છે. એ સિવાય કેટલીક અજ્ઞાત શક્તિઓ, ખાસ કરીને અન્ય વ્યક્તિના વિચાર-તરંગો પણ આપણા મનને પ્રભાવિત કરતા રહેતા હોય છે. તો પછી આપણામાં ઇચ્છા મુજબ વિચારવાની સ્વાધીનતા જ ક્યાં છે?

ધ્યાનનો અભ્યાસ કરવા માટે આધ્યાત્મિક વિષયો પર ચિંતન કરવા અને એ ચિંતનને એક વિશેષ કેન્દ્ર તરફ દોરી જવાની આપણામાં સ્વાધીનતા હોવી જોઈએે. બીજી તરફ ધ્યાન આકર્ષિત કરવાવાળા નિકૃષ્ટ વિચારોથી સ્વયંને દૂર કરવાથી જ આ આંતરિક સ્વાધીનતા પ્રાપ્ત થાય છે. એ માટે પ્રયાસ કરવાથી આપણે સમજી શકીએ છીએ કે આપણા પૂર્વ-સંસ્કારોનું આપણા પર કેટલું વધુ વર્ચસ્વ છે. આ પૂર્વ-સંસ્કારોની ચુંગલમાંથી છૂટવું એમાં જ સાચી સ્વાધીનતા રહેલી છે. જ્યાં સુધી આપણને કંઈક માત્રામાં આ સ્વાધીનતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ધ્યાનનો અભ્યાસ કઠિન છે. આ પ્રમાણે ધ્યાનમય જીવનમાં પ્રતિષ્ઠિત થવા માટે વૈરાગ્ય અથવા અનાસક્તિ એક અનિવાર્ય પ્રાથમિક સાધના છે.

 

Total Views: 701

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.