સ્વામી વિવેકાનંદ કહે છે: “સત્યને કેવળ સત્ય માટે જ શોધો. આનંદની શોધ કરશો નહીં. આનંદ એની મેળે આવે તો ભલે પણ આનંદની શોધ તમારું પ્રલોભન બનવું ન જોઈએ. ઈશ્વર સિવાય બીજો કોઈ ઉદ્દેશ્ય ન રાખો. નરકમાંથી પસાર થવું પડે તો પણ સત્ય સુધી પહોંચવાનું સાહસ રાખો.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૬૨)

સ્વામી વિવેકાનંદને પણ સત્ય સુધી પહોંચવા માટે આ નરકના રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું. સત્ય અર્થાત્‌ આપણો વાસ્તવિક, ચરમ સ્વભાવ. મારો સાચો સ્વભાવ શું છે? આ સંસારનો સાચો સ્વભાવ શું છે? સંસારનો વાસ્તવિક સ્વભાવ છે—બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. પણ આ સત્ય સુધી પહોંચતા પહેલાં આપણે નરકમાંથી પસાર થવું પડશે, કારણ કે આ સાધના-પથ, આધ્યાત્મિક યાત્રા, આ ધાર્મિક જીવન જીવવું કંઈ સરળ નથી.

આપણે જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ પોતે આ નરકમાંથી કઈ રીતે પસાર થયા હતા. એમના પિતાશ્રીના દેહાંત બાદ તેમની પાસે બે વિકલ્પો હતા. કાં તો તેઓ કોઈ નોકરી કરીને ધન ઉપાર્જન કરે અને તેમના પરિવારને સહાય કરે અથવા તો ઠાકુર પાસે દક્ષિણેશ્વરમાં આવીને શ્રીમા-કાલીનાં ચરણોમાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરે. આપણે જાણીએ છીએ કે સ્વામીજીએ કયો માર્ગ પસંદ કર્યો હતો.

પિતાની ઉત્તરક્રિયા વગેરે પૂરાં કરીને તેમણે જાણ્યું કે એમની આર્થિક અવસ્થા ભયાવહ છે. પિતા કશું પણ પાછળ રાખી જઈ શક્યા નથી, ઊલટાનું ઢગલાબંધ દેવું મૂકી ગયા છે. સારા દહાડાના મિત્રો અને પિતાના રોટલે પોષાયેલાં સગાંવહાલાં આ ખરાબ દિવસોમાં આઘાં સરકીને ઊભાં. બાપદાદાના મકાનના ભાગીદારો દુશ્મનના પેંતરા રચી રહ્યા છે. એ ઘડીએ તો પોતીકા ઘરબહાર ફેંકાઈ ગયેલા સ્વામીજીએ થોડા વધારે દિવસ ભાડાના ઘરમાં રહીને પછી માતા અને ભાઈબહેનો માટે નાનીમાના મકાનમાં (૭ નં. રામતનુ બસુ લેન) આશરાની વ્યવસ્થા કરી.1યુગનાયક વિવેકાનંદ, પૃ.144

ત્યારબાદ તેમણે એ સમયના વિખ્યાત શિક્ષણવિદ્‌ વિદ્યાસાગરની શાળામાં કેટલોક સમય શિક્ષક તરીકે કામ કર્યું. પરંતુ અહીં તેઓ માત્ર એક જ મહિનો રહી શકેલા, કારણ કે એમનાથી ઈષ્યાન્વિત થઈને વિદ્યાસાગરના જમાઈએ વિદ્યાસાગરની પાસે એમની ફરિયાદ કરીને એમને નોકરીમાંથી નીકાળાવી દીધા હતા.2યુગનાયક વિવેકાનંદ, પૃ.146

સ્વામીજી પોતાની અવસ્થાનું વર્ણન કરતાં કહે છે: ‘સૂતક ઊતરે એના પહેલાં જ મારે નોકરીના પ્રયાસોમાં ફરવા માંડવું પડેલું. ભૂખ્યે પેટે, ફાટેલે કપડે, ઉઘાડા પગે, હાથમાં નોકરીની અરજી લઈને ભરબપોરે ધોમધખતા તડકામાં એક ઓફિસથી બીજી ઓફિસે ભટકતો ફરતો. દિલોજાન દોસ્તોમાંના કોઈક કોઈક મારા દુ:ખે દુ:ખી થઈને કોઈ દિવસ સાથે રહેતા, તો કોઈક દિવસ ના રહી શકતા. પણ બધેયથી નિરાશ થઈને પાછા ફરવું પડતું. દુનિયા સાથેની આ પહેલવહેલી ઓળખાણ થતાં જ બરાબર સમજાતું ગયું કે, સ્વાર્થવિહોણી સહાનુભૂતિ અહીંયાં ઘણી ઘણી વિરલ છે. દુર્બળ દરિદ્રને માટે અહીંયાં ઠામઠેકાણું નથી. જોતો કે બે દહાડા પહેલાં જે લોકો મને ગમે તે કામમાં જરાક જેટલી મદદ કરવાની તક મળતાં પોતાને ધન્ય ગણતા હતા, એ જ લોકો આજે પલટાયેલો વખત જાણીને મને જોતાં મોઢું મચકોડે છે અને શક્તિ હોવા છતાં પણ મદદ કરવામાં પારોઠનાં પગલાં ભરે છે. બધું જોઈ સાંભળીને ક્યારેક ક્યારેક આ દુનિયા દાનવની રચેલી છે એમ મનમાં થતું. યાદ આવે છે કે, એ દિવસે તડકામાં રખડતાં રખડતાં પગના તળિયે ફોલ્લા ઊઠેલા અને સાવ જ લોથપોથ થઈને મેદાનમાં મોન્યૂમેન્ટના છાંયે બેસી પડેલો. તે દિવસે સાથે એકાદ બે ભાઈબંધો હતા કે પછી સંજોગવશાત્‌ એ ઠેકાણે મને ભેટી ગયેલા. એમાંના એક જણાએ લાગે છે કે મને સાંત્વન આપવા માટે ગાયેલું – ‘વહે છે કૃપાધન બ્રહ્મનિ:શ્વાસ પવને’ વગેરે.

‘સાંભળીને એવું મનમાં લાગ્યું કે જાણે માથા પર કોઈ જોરથી ફટકો મારી રહ્યું છે. માતા અને ભાઈઓની સાવ જ અસહાય અવસ્થાની વાત મનમાં જાગી ઊઠતાં ક્ષોભ, નિરાશા અને અભિમાનથી બોલી ઊઠેલો કે, ‘રહે, રહે, ચૂપ કર. ભૂખના ત્રાસે જેમનાં સ્વજનોને યાતના વેઠવી નથી પડતી, કોળિયો ધાન અને અંગ ઢાંકવાનાં લૂગડાંની ખોટ જેમને કદી સહેવી નથી પડતી, એવા લોકોને ઝૂલણ પંખાની હવા ખાતાં ખાતાં આવી કલ્પના મધુર લાગે, મને પણ એક દહાડો લાગતી હતી. આજે કઠોર સત્યની સન્મુખે એ ભારે મોટી મશ્કરી જેવી જણાય છે.’3યુગનાયક વિવેકાનંદ, પૃ.147

થોડાક જ દહાડા ગયા ત્યાં ચણભણ ચાલી કે હું નાસ્તિક થઈ ગયો છું અને દુરાચારી લોકોની સોબતમાં ભળીને દારૂ પીતાં કે વેશ્યાઓને ઘેર જતાં સુદ્ધાં ખચકાઉં તેમ નથી! એની જોડે જોડે બચપણથી જ કોઈને ય ગાંઠતું નહિ એવું મારું હૃદય એવી ખોટી નિંદાથી કઠણ થઈ ઊઠ્યું અને કોઈ પૂછે નહિ તો પણ સહુની સામે કહેતો ફરવા લાગ્યો કે, આ દુ:ખ કષ્ટના સંસારમાં પોતાના દુર્ભાગ્યની વાતને ઘડીભર વીસરી જવા માટે જો કોઈ દારૂ પીએ કે વેશ્યાને ઘેર જઈને પોતાને સુખી અનુભવે, એની સામે મને જરા જેટલો પણ વાંધો નથી. એટલું જ નહિ, પણ એમ કરીને હું પણ એમની માફક ક્ષણભર માટે સુખી થઈ શકું એવી વાત મને જે દહાડે નિ:શંક સમજાશે તે દહાડે હું પણ એમ કરીશ, કોઈની પણ બીકથી પાછો નહિ હટું.

‘વાત ચાલે કાનોકાન.’ મારી આવી વાતો અનેક પ્રકારે વિકૃત થતી થતી દક્ષિણેશ્વરે શ્રીઠાકુરની પાસે અને એમના કોલકાતા નિવાસી ભક્તોની પાસે પહોંચતાં ઝાઝી વાર લાગી નહિ.4યુગનાયક વિવેકાનંદ, પૃ.150

“ઉનાળો ઊતર્યો અને ચોમાસું બેઠું. હજુએ પહેલાંની જેમ જ કામકાજની શોધમાં ભટકતો ફરતો હતો. એક દિવસ આખા દિવસનો ઉપવાસી અને વરસાદમાં પલળી ગયેલો રાત્રે થાક્યા-હાર્યા પગલે અને એનાથી યે વધારે થાક્યા-હાર્યા મને ઘેર પાછો જઈ રહ્યો હતો, તેવે વખતે મારા શરીરમાં એવો તો થાકોડો વરતાઈ આવ્યો કે, બીજું એક ડગલું આગળ ભરી ના શકાયું અને પાસે આવેલા ઘરના ઓટલે નિર્જીવ પોટલાની જેમ પડ્યો રહ્યો. થોડીક મિનિટો માટે ભાન જતું રહેલું કે કેમ તે નથી કહી શકતો. પણ એટલું યાદ છે કે, મનમાં વિધવિધ રંગના વિચારો અને ચિત્રો તે ઘડીએ આપમેળે એક પછી એક ઉદય પામતાં હતાં અને વિલીન થઈ જતાં હતાં, અને એ બધાંને હાંકી કાઢીને કોઈક એકાદા ચોક્કસ વિચારમાં મનને પરોવી શકું એવું સામર્થ્ય હતું નહિ.

“અચાનક જ અનુભૂતિ કરી કે કોઈક એક દૈવી શક્તિના પ્રભાવે એક પછી બીજો, એમ અંદરના અનેક પડદાઓ જાણે કે ઊંચકાઈ ગયા અને શિવના સંસારમાં અશિવ શા માટે, ઈશ્વરની કઠોર ન્યાયપરાયણતા અને અપાર કરુણાનું સામંજસ્ય, વગેરે જે બધી બાબતોનો નિર્ણય ના કરી શકવાથી મન આટલા દિવસો સુધી અનેક સંદેહોથી વ્યાકુળ બની રહેલું હતું, તે તમામ બાબતોના અફર નિર્ણયો અંતરના ઊંડા ઊંડા પાતાળપ્રદેશે જોઈ શક્યો. આનંદથી ઉત્ફુલ્લ બની ઊઠ્યો. ત્યાર બાદ ઘેર પાછા ફરતાં જોયું કે શરીરમાં થાકનો છાંટોયે નથી, મન અમાપ બળ અને શાંતિથી પરિપૂર્ણ થઈ રહેલું છે અને રાત પૂરી થવામાં નહિ જેવી વાર છે.

“ત્યાર પછીથી દુનિયાની પ્રશંસા કે નિંદા તરફ સાવ જ ઉદાસીન બની ગયો અને બીજા સાધારણ લોકોની જેમ પૈસા કમાઈને કુટુંબ કબીલાની સેવા કરવા તથા ભોગસુખોમાં સમય વિતાવવાને માટે મારો જન્મ થયો નથી – એ વાતમાં દૃઢ વિશ્વાસવાન બનીને પિતામહની જેમ સંસાર ત્યાગ કરવાને માટે છૂપી રીતે તૈયાર થવા માંડ્યો. નીકળવાનો દિવસ ઠરાવ્યો અને ખબર મળ્યા કે, ઠાકુર એ દિવસે કોલકાતા એક ભક્તને ઘેર પધારવાના છે. વિચાર્યું કે, સારું જ થયું, ગુરુનાં દર્શન કરીને સદા સદાને માટે ગૃહત્યાગ કરીશ. ઠાકુરની સંગાથે મેળાપ થતાંવેંત જ એમણે રઢ લીધી કે, ‘તારે આજે મારી જોડે દક્ષિણેશ્વર આવવું પડશે.’ જાતજાતનાં બહાનાં કાઢ્યાં, પણ એમણે કેમે કર્યો છોડ્યો નહિ. નાઈલાજે એમની સંગાથે ગયો. ગાડીમાં એમની સાથે ખાસ કશી વાત થઈ નહિ. દક્ષિણેશ્વરે પહોંચી બીજાં બધાંની જોડે થોડીકવાર એમના ખંડમાં બેઠો હતો તે વખતે ઠાકુરને ભાવાવેશ થયો. જોતજોતામાં તેઓ અચાનક જ પાસે આવીને મને સ્નેહપૂર્વક પકડી લઈને સજળ નયને ગાવા લાગ્યા –

“વાત કહેતાં ડરું, ના કહેતાં ય ડરું,
મને ઊઠે સંદેહ, કે શું ખોઈશ તને, હે રાધે!

“અંતરના પ્રબળ ભાવોને આટલી ઘડી મહામહેનતે રુંધી રાખેલા, પણ હવે વધુવાર એના વેગને ખાળી શક્યો નહિ. ઠાકુરની જેમ મારી છાતી પણ આંસુની ધારાથી ભીંજાવા માંડી. નક્કી સમજ્યો કે, ઠાકુર બધી ય વાત જાણી ગયા છે! અમારા એવા વર્તનથી બીજા બધા આશ્ચર્યચકિત થઈ રહ્યા. સ્વાભાવિક અવસ્થામાં આવ્યા પછી કોઈ કોઈએ ઠાકુરને એમ થવાનું કારણ પૂછ્યું તો તેમણે જરાક હસીને કહ્યું કે, ‘એ તો અમારા બેઉની વચ્ચે કશુંક થઈ ગયું.’ પછી રાત્રે બીજાં બધાંને આઘા કરીને મને પાસે બોલાવીને કહ્યું; ‘હું જાણું છું, તું માના કામ માટે આવેલો છે. સંસારમાં કદી પણ રહી નથી શકવાનો, પણ જેટલા દહાડા હું છું ત્યાં સુધી મારે ખાતર રહે!’ એમ કહેતાં જ ઠાકુર હૃદયના આવેગથી રુંધાયેલા કંઠે ફરી પાછાં અશ્રુ વહેવડાવવા લાગ્યા!”5યુગનાયક વિવેકાનંદ, પૃ.154

હવે સ્વામીજીને સમજાયું કે તેમના જીવનનો ઉદ્દેશ્ય (લાઇફ મિશન) છે કે ઠાકુરના ઉપદેશનો વિશ્વભરમાં પ્રચાર કરવામાં સ્વયંને સમર્પિત કરી દેવા. તો વેદાંતનો પ્રચાર અર્થાત્‌ ધર્મચક્રપ્રવર્તન એ તેમનું જીવનકાર્ય હતું. તેઓ સત્યયુગ તથા કળિયુગની મધ્યમાં, યુગસંધિ ઉપર ઊભા છે—કળિયુગ પૂર્ણ થવાની અણી પર છે, અને સત્યયુગ શરૂ થવાની તૈયારીમાં છે. તેઓ પરિવર્તન, ક્રાંતિ લાવવા માટે ઈશ્વરે નિમિત્ત બનાવેલ સાધનમાત્ર છે.

તો આ રીતે મા-કાલીના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં સ્વામીજીને પણ નરકની યાતનાઓમાંથી પસાર થવું પડ્યું હતું.

આમ છતાં સ્વામીજીને પોતાનાં માતૃશ્રીની સતત ચિંતા રહેતી. જ્યારે તેઓ પ્રથમ વાર અમેરિકાથી ભારત પરત ફર્યા, ત્યારે તેમણે અમેરિકામાં પ્રવચનો આપીને જે કંઈ પણ રૂપિયા એકત્ર કર્યા હતા, તે બધાં જ નાણાં બેલુર મઠમાં આપી દીધાં હતાં, પણ તેમાંથી ફક્ત ૧૦૦૦ રૂપિયા તેમણે પોતાનાં માતા માટે ઘરની વ્યવસ્થા કરવા ઉછીના લીધા હતા.

પરંતુ જ્યારે તેઓ બીજી વાર અમેરિકા ગયા, ત્યારે કેલિફોર્નિયા વગેરેમાં વ્યાખ્યાનો આપતા, ત્યારે પણ તેઓ હંમેશાં ચિંતિત રહેતા કે મેં બેલુર મઠમાંથી ૧૦૦૦ રૂપિયાનું ઋણ લીધું છે, તો મારે એ સત્વરે પરત આપી દેવું જોઈએ. આથી તેઓ જરૂરિયાતથી વધારે નાણાં એકઠાં કરવાનો પ્રયાસ કરતા.

જુઓ, કેવી આશ્ચર્યજનક વાત છે! જે નાણાં સ્વામીજીએ બેલુર મઠમાંથી લીધાં હતાં, તે તેમણે જ વિદેશમાં વિવિધ સ્થળોએ પ્રવચનો આપીને, સ્વયંના સ્વાસ્થ્યના ભોગે જ એકત્ર કર્યાં હતાં. તેમણે શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ અમેરિકામાં સખત પરિશ્રમ કર્યો હતો, જ્યારે ભારત પરત ફર્યા ત્યારે તેઓ મધુપ્રમેહ અને દમના રોગનો ભોગ બન્યા હતા. અંતે, સ્વામીજીનું સ્વાસ્થ્ય એટલી હદે કથળી ગયું કે ફક્ત ૩૯ વર્ષની ભરજુવાનીમાં જ તેમનું મૃત્યુ થયું.

આમ, સ્વામીજીએ પોતાના દેહના ભોગે, પોતાનું સર્વસ્વ આપીને જે કંઈ પણ નાણાભંડોળ એકઠું કરેલું—તેમાંથી થોડી રકમ પોતાનાં માતા માટે લીધી હતી—તેની છેવટ સુધી તેઓ ચિંતા કરતા રહ્યા કે મારા માથા પરનું ઋણ મારે ચૂકવી દેવું જોઈએ.

જ્યારે આપણે જીવનમાં કોઈ આદર્શને સ્વીકારીએ છીએ—જેમ કે સંન્યાસ મારો આદર્શ છે—તેવી જ રીતે ગૃહસ્થ જીવનમાં પણ આપણે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરતા હોઈએ, ધારો કે હું એક શિક્ષક છું, તો મારો આદર્શ છે કે બાળકોને સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવું, અને આ આદર્શને ચરિતાર્થ કરવા માટે ભલે ગમે તેટલો કઠિનમાં કઠિન સંઘર્ષ કરવો પડે, પરંતુ આદર્શને ન છોડવો જોઈએ. જો આપણે આદર્શ માટે નહિ જીવીએ તો આપણામાં અને પશુઓમાં કોઈ તફાવત નહીં રહે.  કુટુંબ-પરિવારનું ભરણપોષણ તો પશુઓ પણ કરે છે, તો ભેદ ક્યાં રહ્યો? આપણે વિચારીએ છીએ કે હું નોકરી કરીશ અને મારા પરિવારનું પાલનપોષણ કરીશ અને જ્યારે બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈ જઈશ ત્યારે વૃદ્ધાવસ્થામાં થોડું રામનામ લઈ લઈશ કે, જેથી આગલા જન્મમાં થોડી સુવિધા રહે, જેથી આ જન્મનાં પાપકર્મ લઈને આગલા જન્મમાં ન જાઉં.

એવું નથી કે બધાએ સંન્યાસ જ લેવો જોઈએ, પરંતુ જે કોઈ પણ ક્ષેત્રમાં આપણે હોઈએ, તેનો આદર્શ સ્વીકારવો જોઈએ. જો કે, આપણો હિંદુ ધર્મ તો એવું જ કહે છે કે ધર્મનું પાલન કરો. ધર્મ શું છે? હરેકનો પોતપોતાનો ધર્મ છે. રાજા માટે રાજધર્મ છે, વિદ્યાર્થી માટે વિદ્યાર્થી-ધર્મ છે, પતિ માટે પતિધર્મ છે, સતી માટે સતીધર્મ છે, અને ગુરુ માટે ગુરુધર્મ છે. તો તમે જે કોઈ પણ ક્ષેત્રમાં છો, તેનો એક ધર્મ છે. તમારે તમારું સર્વશ્રેષ્ઠ આપવાનું છે. તમારે આદર્શને વળગી રહેવાનું છે અને પોતે પસંદ કરેલા ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરવાનું છે—એ આપણો ધર્મ છે. અર્થ અને કામ માટે નહીં, પણ ધર્મ માટે જીવવાનું છે. અર્થ અને કામનું અનુષ્ઠાન થશે એ પણ ધર્મના આધાર પર જ થશે. આથી સ્વામીજી અહીં કહે છે કે સત્યનું સંધાન સત્ય માટે કરો, નહીં કે આનંદ માટે. જેમ કે, આપણે વિચારીએ છીએ કે હું ધર્મનું પાલન કરું છું તો મને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થશે. આધ્યાત્મિક જીવનનું અનુષ્ઠાન એટલા માટે નથી કરવાનું કે મને મા-કાલી, ઠાકુર કે કોઈ પણ આપણા ઇષ્ટદેવતા છે—તેમનાં દર્શન પ્રાપ્ત થશે. દર્શન મળવાં કે ન મળવાં એ તેમની દયા કે કૃપા પર આધારિત છે. આપણું કામ છે ફક્ત સાધના કરતા જવાનું. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन અર્થાત્‌ આપણો અધિકાર કર્મ ઉપર છે, ફળ ઉપર નથી.

જેમ કે, ઠાકુરની એક ઉપમા છે. આપણે   વિચારીએ કે દુકાનદારને વીસ રૂપિયા આપીએ તો આપણને ૧ કિલો બટેટા મળી જાય અને ચાલીસ રૂપિયા આપીએ તો બે કિલો બટેટા મળી જાય—આમ જ જો આપણે એક હજાર આઠ જપ કરીએ તો આપણને શાંતિ મળી જવી જોઈએ, પણ કેમ નથી મળતી? તો ભગવાન શું ટમેટાં, બટેટા છે કે વીસ-ત્રીસ રૂપિયા આપીને ખરીદી લીધા કે એક હજાર જપ કરીને ખરીદી લીધા? ઈશ્વરની જ્યારે ઇચ્છા થશે, કૃપા થશે ત્યારે તમારા મનને શાંતિ, આનંદ અને આધ્યાત્મિકતાથી ભરી દેશે. પરંતુ તે જ્યારે થવું હોય ત્યારે થશે, અને કદાચ કદી ન થાય તોપણ કોઈ વાંધો નહિ, પરંતુ આપણે જે સાધના કરીએ છીએ, જે જપ-ધ્યાન કરીએ છીએ—એમાં કોઈ કમી કે અભાવ ન આવવો જોઈએ. ભગવાન પ્રત્યે અહંકાર આવી જાય છે કે અરે, મેં તમારા આટલા નામ-જપ કર્યા અને મારી સાથે આવું કર્યું?

સ્વામીજીનાં મા, ભાઈ-બહેનો બધાં અહીં ભૂખ્યાં ટળવળતાં હતાં અને તેઓ અમેરિકામાં જઈને મોટા મોટા ધનપતિઓના ઘરમાં નિવાસ કરી રહ્યા હતા. આ બધા લાખોપતિ લોકો સ્વામીજીના શિષ્યો હતા. છતાં પણ સ્વામીજીએ ક્યારેય એ લોકોને નથી કહ્યું કે મારાં મા-ભાઈઓને મદદ કરવા થોડાક રૂપિયા મોકલી દો.

વાસ્તવમાં, આવી એક અત્યંત રસપ્રદ ઘટના બની પણ હતી. સારા ઓલીબુલ વગેેરે જે સ્વામીજીનાં ન્યુ યોર્કનાં શિષ્યો હતાં, તેમણે ભુવનેશ્વરીદેવીને એક પત્ર લખ્યો હતો કે, આપે સ્વામીજી જેવા સુપુત્રને જન્મ આપીને માનવજાતનું જે કલ્યાણ કર્યું છે, એટલા માટે ન્યુ યોર્કની વેદાંત સોસાયટીનો સ્ત્રીભક્તગણ આપનો આભારી છે. પરંતુ ફક્ત મૌખિકરૂપે આભાર વ્યક્ત કરવાથી મકાન માટે જે કોર્ટ કેસ ચાલી રહ્યો છે, શું તેનું નિવારણ આવશે? સ્વામીજીના જે નાના નાના ભાઈઓ છે, જેમને પૂરતું ખાવાનું પણ મળતું નથી, શું તેમની ભૂખ સંતોષાઈ જશે? આવી આર્થિક સ્થિતિને કારણે તેમનાં બહેને આત્મહત્યા કરી લીધી હતી, તો શું એ બહેનને પરત મેળવી શકાશે?

સ્વામીજીને એ વાતનો ખ્યાલ હતો કે એક તરફ સંપૂર્ણ જગત છે, જેના કલ્યાણ માટે તેમણે જન્મગ્રહણ કર્યો છે અને બીજી બાજુ તેમનાં મા, ભાઈ-બહેનો છે—જેમની સહાય કરવી એ તેમનો પુત્ર-ધર્મ છે. એ ઉપરાંત, સ્વામીજીનું હૃદય એટલું કોમળ હતું કે કોઈનું દુઃખ તેઓ જોઈ શકતા નહીં. પારકા લોકોનું કષ્ટ પણ તેઓ સહન કરી શકતા નહોતા, તો પછી પોતાના સ્વજનોનું દુઃખ જોઈને તેમના હૃદય પર શું વીત્યું હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. તો આ જે સત્યનો માર્ગ છે, આધ્યાત્મિક સાધનાનો પથ છે એ નરકમાંથી પસાર થાય છે, અને આ નરક શું છે? આપણી ઇચ્છા-વાસનાઓ, આપણા સંબંધો, જેને આપણે પ્રેમ કરીએ છીએ એ સ્વજનો—એ સર્વેનો પરિત્યાગ. એકમાત્ર ઈશ્વર જ સત્ય છે, એમ સમજીને સાધના કરતા રહેવાની છે.

શીખ ગુરુઓ વિશે આપણે જાણીએ છીએ કે ગુરુ અરજનસિંહ, ગોવિંદસિંહ, વગેરે પર મોગલોએ ઘણા અત્યાચારો કર્યા હતા. આટલા જોરજુલમ સહન કરવા છતાં પણ શું તેમની ઈશ્વર પરની શ્રદ્ધા-ભક્તિમાં કોઈ ઓટ આવી હતી? આમ, જ્યાં સુધી તમે ધર્મના માર્ગ પર છો, ત્યાં સુધી મુશ્કેલીઓ તો આવશે જ. કદાચ બદલામાં કશું ન પ્રાપ્ત થાય એવું પણ બને.

હું એક નાના ગામના આશ્રમમાં હતો ત્યારે એક ડૉક્ટર ભક્ત ત્યાં દરરોજ આવતા. મારે એમની સાથે ઘણી વાર વાતચીત થતી. તેઓ વારંવાર એક જ વાત કરતા કે, “મહારાજ, મેં અહીં રહીને બહુ મોટી ભૂલ કરી.” તો મેં આશ્ચર્ય સાથે પૂછ્યું કે, “અરે, આવું કેમ કહો છો? તમારું જીવન તો એક આદર્શ જીવન છે. તમે બંને પતિ-પત્ની ઠાકુરનાં પરમ ભક્ત છો. પ્રતિદિન તમને આરતીનો લાભ મળે છે. અન્ય ભક્તો તો ઘણી ઇચ્છા હોવા છતાં વ્યવસાય કે નોકરીને કારણે સંધ્યા આરતીમાં હાજરી આપી શકતા નથી. તમારા પર તો ઠાકુરની કૃપા છે. હું તો કહું છું કે તમે અહીંની સૌથી ભાગ્યશાળી વ્યક્તિઓમાંના એક છો.”

તેમણે કહ્યું, “અરે, મહારાજ, મારી તો પંદર-વીસ લાખની જ આવક છે, જ્યારે મારા બીજા સાથીઓ અમદાવાદ, વડોદરા જેવાં મોટાં શહેરોમાં કરોડો રૂપિયા કમાય છે. તેઓ દર વર્ષે યુરોપ-અમેરિકા વેકેશન ગાળવા જાય છે, જ્યારે હું એવું કરવા સમર્થ નથી.” આ વાત સાંભળીને મને થયું હાય રે, કિસ્મત! દરરોજ ઠાકુર પાસે આવીને તેમનાં દર્શન કરવાનો, સાધુસંંગ કરવાનો—જે સુઅવસર પ્રાપ્ત થયો છે—તેનાથી એમને સંતુષ્ટિ નથી.

આ વાત સાંભળીને મેં તેમને પૂછ્યું કે, “આ તો નાનું ગામ છે તો તમે કોઈ મોટા શહેરમાં કેમ ન ગયા?” તેમણે કહ્યું, “મહારાજ, હું જ્યારે યુવાન હતો ત્યારે મારા મનમાં એક આદર્શ હતો કે નાના ગામમાં રહીને લોકોની સેવા કરીશ અને પ્રતિદિન આશ્રમ પણ આવી શકીશ, આવું વિચારીને રહી ગયો, પરંતુ હવે પચાસ-પંચાવનની ઉંમરે ઘર બદલવું બહુ કઠિન પડે છે અને એ કરવાનું સાહસ પણ રહ્યું નથી. આમ, હું સેવાના નામે ફસાઈ ગયો છું.” આ રીતે તેમને સેવાનું સુખ પણ ન મળ્યું અને ભૌતિક સુખ પણ હાથમાંથી ચાલ્યું ગયું. નાના ગામડામાં આવા ડૉક્ટર મળવા મુશ્કેલ છે, તો તેમણે ગામડામાં રહીને જે ગરીબ દર્દીઓની સેવા કરી હતી, આશ્રમમાં પણ પતિ-પત્ની જપ-સાધના, સાધુસેવા કરતાં—એ બધું જ ફળ આવી ફરિયાદો કરીને કરીને ધોવાઈ ગયું.

જુઓ, સાધનાનો માર્ગ કઠિન છે. અમે પણ વિચારીએ છીએ કે ચાલો, આપણને યુરોપ-અમેરિકામાં વેકેશન ગાળવા ન મળ્યું, પણ જીવનમાં શાંતિ તો પ્રાપ્ત થઈ. પરંતુ શાંતિ પણ ન મળે તો અંતે, જીવનમાં એક કડવાશ આવી જાય છે કે અરે, ધર્મના નામ પર મેં સર્વસ્વનો ત્યાગ કર્યો અને અંતે મને શું મળ્યું?

આવું એક બીજું ઉદાહરણ પણ મેં જોયું છે. હું પહેલાં રાંચીમાં હતો ત્યાં આપણું રૂરલ ડેવલોપમેન્ટનું કામ ચાલે છે. ત્યાં અન્ય પણ બિન-સરકારી સંસ્થાઓ (NGO) કાર્યરત છે. રામકૃષ્ણ મિશન તો સેવા માટે આ કાર્ય કરે છે. પરંતુ મોટી મોટી એનજીઓ તો પ્રોજેક્ટ બનાવીને સરકાર પાસેથી ઘણા રૂપિયા લે છે. એમાંથી ખૂબ જ થોડી રકમ સેવાકાર્યોમાં વપરાય છે, જ્યારે રામકૃષ્ણ મિશનમાં તો ફક્ત ૧૦ ટકા જ વહીવટી કાર્યમાં વપરાય છે, બાકીના ૯૦ ટકા રકમનો તો સીધો જ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય છે.

હું પ્રતિદિન ગામડામાં જતો હતો. એક દિવસ આરોગ્ય સંબંધિત બ્લોક ડેવલોપમેન્ટ ઑફિસરોની મીટિંગ હતી, ત્યાં ત્રણ-ચાર એનજીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. એમાંના એક બીજી એનજીઓના પ્રતિનિધિ સાથે મારી મુલાકાત થઈ. તેઓ આશ્રમના બધા જ સંન્યાસીઓને ઓળખતા હતા. બધા સંન્યાસીઓનાં નામ લઈને મને તેમના ખબરઅંતર પૂછવા લાગ્યા. મેં કહ્યું કે, “અરે! તમે તો રામકૃષ્ણ આશ્રમના નિકટ પરિચયમાં લાગો છો.  શું તમે આશ્રમમાં નિયમિત આવો છો? મેં તમને ક્યારેય જોયા નથી.”

તેમણે કહ્યું, “ના, મહારાજ! હું આશ્રમમાં નથી આવતો. પણ ખરેખર તો મેં આશ્રમની રૂરલ ડેવલોપમેન્ટની આ પ્રવૃત્તિમાં ડૉક્ટર તરીકે દસ વર્ષ સુધી સેવા આપી છે.” આ વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો કે આટલા વિદ્વાન, સેવાભાવી ડૉક્ટર છે, ઠાકુર-મા-સ્વામીજી પ્રત્યે આટલી શ્રદ્ધા-ભક્તિ છે, સંન્યાસીઓ પ્રત્યે આટલો આદરભાવ છે! વાહ!વાહ! આપનું જીવન તો ધન્ય છે! આવા કેટલા ડૉક્ટરો હોય છે, જે આ રીતે અંતરિયાળ વિસ્તારમાં જઈને આવી સેવા કરે છે. મને તેમના પ્રત્યે ખૂબ જ માન ઊપજ્યું.

ત્યાર બાદ મેં પૂછ્યું કે દસ વર્ષ સુધી આશ્રમની આ પ્રકારે સેવા કરીને, તમે નોકરી કેમ છોડી દીધી? તો તેમણે કહ્યું કે, “મહારાજ, દસ વર્ષ સેવા કર્યા પછી મને લાગ્યું કે મારો પગાર ખૂબ જ ઓછો છે. મારી પાસે અન્ય ડૉક્ટરો પાસે હોય છે એવી સારી ગાડી નથી, સારું મકાન નથી, મારાં બાળકોને પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરાવી શકતો નથી, મારા પરિવારની બધી જરૂરિયાતો હું સંતોષી શકતો નથી—આ બધું વિચારીને હું એનજીઓમાં ચાલ્યો ગયો. ત્યાં મને ત્રીસ-ચાલીસ હજાર રૂપિયા મળી જાય છે.”

મેં કહ્યું, “અરે, પાગલ! જો તમારે પૈસા જ કમાવા હતા, તો કોઈ મોટા શહેરમાં જઈને દવાખાનું ખોલી નાખ્યું હોત તો લાખો રૂપિયાની કમાણી થાત! આ તો ‘માયા મળી ના રામ’ એવી પરિસ્થિતિ થઈ. ના તો તમે ઠીકથી સેવા કરો છો, અને ના તો તમને સારા રૂપિયા મળે છે! એનજીઓમાં તો મોટેભાગે સેવાના નામે ભ્રષ્ટાચાર જ થાય છે. આમ, તમે તો અધર્મના માર્ગ પર ચાલ્યા ગયા.” આ સાંભળીને તેમણે કહ્યું કે નહિ, નહિ, મહારાજ! પેટ માટે બધું કરવું પડે છે. આ બધું સાંભળીને મને અત્યંત દુઃખ થયું કે એક તેજસ્વી યુવાન, જેના મનમાં એક સમયે સદાચારના ધર્મનિષ્ઠ માર્ગ પર ચાલવાનું એક શુભ ચિંતન, એક શુભ વિચાર આવ્યો હશે અને દસ વર્ષ બાદ એ બધું જ માટીમાં મળી ગયું!

તો ધર્મના માર્ગ પર ચાલવામાં આ બધાં ભયસ્થાનો આપણી સામે આવે જ છે. આથી સ્વામીજી કહે છે—Seek truth for sake alone, look not for bliss. તો મનમાં આનંદ આવે,  મન પર ઈશ્વરની કૃપા થાય, મન શુભ વિચારોથી ભરાય જાય—આવી કોઈ આશા ન રાખો. (It may came) કદાચ આવશે, પરંતુ એ આપણું લક્ષ્ય નથી. ઈશ્વરની સાધના જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. ઈશ્વર સિવાય આપણા જીવનનો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. જો ઈશ્વર-પ્રાપ્તિ માટે નરકમાંથી પણ પસાર થવું પડે તો એ પણ સ્વીકાર્ય છે, પણ હું ઈશ્વરના માર્ગને નહિ છોડું—આ પ્રકારનો દૃઢ સંકલ્પ હોવો જોઈએ.

 • 1
  યુગનાયક વિવેકાનંદ, પૃ.144
 • 2
  યુગનાયક વિવેકાનંદ, પૃ.146
 • 3
  યુગનાયક વિવેકાનંદ, પૃ.147
 • 4
  યુગનાયક વિવેકાનંદ, પૃ.150
 • 5
  યુગનાયક વિવેકાનંદ, પૃ.154
Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


 • 1
  યુગનાયક વિવેકાનંદ, પૃ.144
 • 2
  યુગનાયક વિવેકાનંદ, પૃ.146
 • 3
  યુગનાયક વિવેકાનંદ, પૃ.147
 • 4
  યુગનાયક વિવેકાનંદ, પૃ.150
 • 5
  યુગનાયક વિવેકાનંદ, પૃ.154