અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વેદાંત-પ્રચાર કરવાના સમયે સ્વામી વિવેકાનંદની આસપાસ કેટલાક એકનિષ્ઠ અનુયાયીઓ એકત્ર થયા હતા. એમાંનાં એક હતાં, શ્રીમતી એડિથ એલન. સ્વામીજી સાથેના એમના કેટલાક પ્રસંગોનું આવો આપણે મધુપાન કરીએ.

એડિથ એલન કહે છે: “સ્વામીજી સાન ફ્રાંસિસ્કોમાં જે એક મહિનો રહ્યા હતા, એ દરિમયાન પ્રત્યેક દિવસ એમના સત્સંગનું સૌભાગ્ય મળ્યું હતું.” સ્વામીજી એક ખૂબ સારા રસોઇયા હતા. તીખી અને તમતમતી બંગાળી વાનગીઓ બનાવવાનું તેઓને ખૂબ ગમતું. બંગાળી વાનગીઓમાં નાખવા માટે તીખા મસાલા પણ તેઓ ભારતથી મગાવીને રાખતા. સાન ફ્રાંસિસ્કોમાં ટર્ક સ્ટ્રીટ સ્થિત મકાનમાં રહેઠાણ દરિમયાન તેઓ સમય મળતાં જ પોતે રાંધતા. ક્યારેક તેઓ એડિથ એલનને પણ રાંધવામાં મદદ કરવા દેતા. એડિથ એલન ડુંગળી અને બટાટા છોલતાં. સ્વામીજીની સાથે રસોડામાં રાંધવાનો લહાવો બધાને નહોતો મળતો.

સ્વામીજી સવારે યોગના વર્ગ લેતા. વર્ગ પૂરો થયા પછી સમય મળતાં રાંધતા. ક્યારેક ક્યારેક વર્ગમાં ઉપસ્થિત એમના કેટલાક નિયમિત વિદ્યાર્થીઓ સ્વામીજી સાથે ભોજન કરતા. ગુરુના હાથે રાંધેલ ચટપટી વાનગીઓ, ગુરુની સાથે જ બેસીને ખાવાનું સદ્‌ભાગ્ય જેમને મળ્યું છે, એમની આપણે ઈર્ષ્યા જ કરવી રહી.

મિસ લિડિયા બેલ સત્યસદનનાં સંચાલિકા હતાં અને સ્વામીજીના અનુયાયી હતાં. પણ સાથે જ તેઓ બધી વાતોમાં પોતાનો અભિપ્રાય પ્રગટ કરતાં રહેતાં, કે જે બધાને ગમતું નહીં. એક દિવસ મિસિસ એસ્પિનોલે રસોડામાં આવીને સ્વામીજીને કહ્યું કે મિસ બેલ ભોજન માટે રોકાવા માગે છે. સ્વામીજીએ કહ્યું, “ભલે રોકાય, પરંતુ એને રસોડાથી આઘાં રાખજો!”

સ્વામીજીને ખબર રહેતી કે એમના કયા અનુયાયીની એમની સાથે વ્યક્તિગત સમય વિતાવવાથી આધ્યાત્મિક ઉન્નતિ થશે. એડિથ એલનની જે માનસિક દુરાવસ્થા ચાલી રહી હતી, એમાં સ્વામીજીને રસોડામાં મદદ કરવાથી, તથા એમની સાથે હળવાશની પળો વિતાવવાથી એમને માનસિક આરોગ્ય-લાભ મળી રહ્યો હતો. મિસ બેલને વર્ગ સિવાય સ્વામીજીના સત્સંગની એટલી જરૂર ન હતી.

એડિથ એલન સ્વામીજીની સાથે રસોડામાં વિતાવેલ એ દિવ્ય પળોની સ્મૃતિ તાજી કરતાં કહે છે: “રસોડામાં રાંધતાં રાંધતાં સ્વામીજી દર્શનશાસ્ત્ર વિશે વાતો કરતા. ગીતાનો શ્લોક ટાંકતા, ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति। भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया॥ (18.61) તથા અનુવાદ કરતાં કહેતા, ‘ઈશ્વર બધાના હૃદયમાં નિવાસ કરે છે તથા, હે અર્જુન, પોતાની માયાશક્તિથી, કુંભારે પોતાના ચાકડા પર ચડાવ્યા હોય એમ, બધાને ફેરવે છે. આ બધી ઘટનાઓ પહેલાં પણ ઘટી ગઈ છે, જેમ આપણે પાસા ફેંકીએ છીએ, જીવનમાં પણ એમ જ બને છે. ચાકડો ફરતો જ રહે છે, અને પાસાના એના એ આંકડા ફરીથી આવતા રહે છે. આ કૂજો, આ પ્યાલો, એ પહેલાં પણ અહીં ઊભા હતા. એવી જ રીતે આ ડુંગળી અને બટાટા પણ અહીં હતા. આપણે શું કરી શકવાના છીએ, મેડમ, એમણે આપણને સંસારરૂપી ચાકડા ઉપર ચડાવીને રાખ્યા છે.’”

જન્મજન્માંતરની આપણી આ સંસારયાત્રા દરમિયાન આપણે ફરી ફરીને એકની એક જ ઘટનાવલીમાંથી જાણે કે પસાર થઈએ છીએ. શરત્‌ મહારાજ (સ્વામી સારદાનંદ) યુવાવસ્થામાં શ્રીરામકૃષ્ણદેવ પાસે આવ્યા હતા. તથા નરેન (યુવા સ્વામીજી સાથે) એમની ગાઢ મિત્રતા બંધાઈ ગઈ હતી. શરત્‌ મહારાજે શ્રીરામકૃષ્ણદેવની જીવનીમાં એક પ્રસંગ આલેખ્યો છે:

અમને યાદ છે કે એક વાર અમે સિમલાની ગૌરમોહન મુખરજી સ્ટ્રીટમાં આવેલા નરેન્દ્રનાથને ઘેર બપોર થતાં પહેલાં પહોંચેલા અને રાતના અગિયાર વાગ્યા ત્યાં સુધી એમની જોડે રહેલા. … અમને યાદ છે કે, ઠાકુરની કૃપા મેળવીને પોતાના જીવનમાં જે દિવ્ય અનુભૂતિઓ ઉપસ્થિત થયેલી, એ બધાની વાતો કરતાં કરતાં નરેન્દ્રનાથ તે દિવસે સાંજે અમને હેદુયા (કોર્નવોલિસ સ્કેવર)ની પાળે ફરવા લઈ ગયેલા અને ઘડીભરને માટે પોતે પોતાનામાં મગ્ન થઈ જઈને અંતરના અદ્‌ભુત આનંદના આવેશને છેવટે પોતાના કિન્નરકંઠે વ્યક્ત કર્યો હતો:

‘પ્રેમધન બિલાય ગોરા રાય!
ચાંદ નિતાઈ ડાકે આય આય!
(તોરા કે નિબિ રે આય!)

… સંધ્યાકાળના અંધકારે જામતાં જામતાં અંધારી રાતનું રૂપ લીધું છે. … સમય ક્યાં થઈને કેવી રીતે વહી ગયો તેની સમજ પણ ના પડી, પણ અચાનક કાને સંભળાયું કે રાતના નવ વાગી ગયા. નરી અનિચ્છા હોવા છતાં યે રજા લેવાનો વિચાર કરું છું, એવામાં નરેન્દ્રે કહ્યું કે, ‘ચાલો તમને થોડે દૂર સુધી પહોંચાડી આવું.’

ચાલતાં ચાલતાં ફરી પહેલાંની જેમ વિચારવિવેચન થવા લાગ્યાં. એમાં અમે એટલા તન્મય થઈ ગયા કે ચાંપાતલા પાસે આવેલા ઘેર પહોંચી ગયા પછી ખ્યાલ આવ્યો કે શ્રીયુત નરેન્દ્રને આટલે દૂર સુધી આવવા દીધા તે કાંઈ ઠીક થયું નહિ. એટલે એમને ઘરમાં બોલાવીને થોડુંક ખવડાવી પીવડાવીને પછી ફરતાં ફરતાં એમના ઘર સુધી એમને પહોંચાડી આવ્યા. એ દિવસની એક બીજી વાત પણ બરાબર યાદ રહેલી છે. અમારા ઘરમાં દાખલ થતાં જ શ્રીયુત નરેન્દ્ર અચાનક અટકીને ઊભા રહ્યા અને બોલ્યા કે, ‘આ મકાન તો મારું આ પહેલાંનું જોયેલું છે! આમાં ક્યાં થઈને ક્યાં જવાય, ક્યાં ક્યો ખંડ આવેલો છે, એ બધુંય મારું જાણીતું છે, ખરી નવાઈ!’ (લીલાપ્રસંગ 3.139)

ચાલો પાછા ફરી જઈએ સાન ફ્રાંસિસ્કોમાં. એડિથ એલન કહે છે, “સ્વામીજી દેહના બંધનથી મુક્ત થવા ઇચ્છતા હતા. તેઓ કહેતા, ‘મારે ફરીથી એક વાર પાછા આવવું પડશે. ઠાકુર કહેતા કે મારે એમની સાથે ફરીથી એક વાર પાછા આવવાનું છે.’ મેં પૂછ્યું, ‘શ્રીરામકૃષ્ણ કહેતા એટલા માટે શું તમે પાછા આવશો?’ સ્વામીજીએ ઉત્તર આપ્યો, ‘મેડમ, એમના જેવા મહાપુરુષો પાસે પ્રચંડ શક્તિ હોય છે.’”

પાછા ફરવા વિશે બીજી પણ એક ઘટના છે. સ્વામીજી પેસેડિનામાં પોતાનાં ઘનિષ્ઠ અનુયાયી મિસિસ એલિસ હેન્સબ્રોના ઘરે બેઠકગૃહમાં બપોરના ભોજન બાદ ટહેલતાં ટહેલતાં વાર્તાલાપ કરી રહ્યા હતા. એમણે કહ્યું, “ઠાકુર કહેતા હતા કે તેઓ ૨૦૦ વર્ષ બાદ ફરીથી અવતરશે, અને મારે પણ એમની સાથે આવવું પડશે. જ્યારે અવતાર પધારે છે ત્યારે તેઓ હંમેશાં પોતાના અંતરંગ પાર્ષદોને સાથે લઈને આવે છે.”

ઠાકુરની શક્તિ વિશે સ્વામીજીએ એક વાર કહ્યું હતું, “પ્રેમ કહો, ભક્તિ કહો, જ્ઞાન કહો, મુક્તિ કહો, ગોરા રાય (ઠાકુર) જેને જેની ઇચ્છા તેને તે જ લહાણી કરી રહ્યા છે! શી અદ્‌ભુત શક્તિ! રાત્રે ઓરડે આગળિયો દઈને પથારીમાં સૂતો છું. અચાનક આકર્ષણ કરીને દક્ષિણેશ્વર હાજર કરી દીધો, શરીરની અંદર જે છે તેને; પછી કેટલીયે વાતો કેટકેટલા ઉપદેશ બાદ ફરી પાછો આવવા દીધો! બધું યે કરી શકે છે, દક્ષિણેશ્વરના ગોરા રાય બધું કરી શકે છે!” (લીલાપ્રસંગ 3.141)

૧૮૯૭માં સ્વામીજી જ્યારે પ્રથમ વાર અમેરિકાથી ભારત પાછા ફર્યા હતા ત્યારે દેશવાસીઓએ એમને સોત્સાહે વધાવી લીધા હતા. ગામડે ગામડે એમના માનમાં સ્વાગત-સભાઓનું આયોજન થયું હતું. એડિથ એલને આ આવકાર વિશે સમાચારપત્રોમાં વાંચ્યું હશે. એક દિવસ તેઓએ સ્વામીજીને આ વિષયે કોઈ પ્રશ્ન કર્યો. નિરહંકારીતાની પ્રતિમૂર્તિ સ્વામીજી ક્યારેય પોતાને મળેલ બહુમાન વિશે ચર્ચા ન કરતા. તેથી જ તેઓએ ઉત્તરમાં કહ્યું, “મેડમ, બહુમાન મળવાથી મને એવું લાગતું હતું કે જાણે હું મૂરખ છું.” અર્થાત્‌ તેઓ બહુમાન સ્વીકારવાને લાયક નથી એમ અનુભવતા હતા.

સામાન-પત્ર સાથે રહેવાથી જ તેઓ અકળામણ અનુભવતા. એડિથ એલન કહે છે, “સ્વામીજીની પાસે કપડાં તથા પુસ્તકો રાખેલો એક પટારો હતો. તેઓએ કહ્યું, ‘મને શરમ આવે છે કે મારે પટારો પણ રાખવો પડે છે. હું તો સંન્યાસી છું.’ સ્વરચિત સંન્યાસીનું ગીતમાંથી ગાઈને તેઓએ કહ્યું, ‘ન હો તારે કોઈ ઘર, ઘર સમાવી નવ શકે, તને; તારે ઊંચી નભ-છત, પથારી તૃણ તણી.’”

પણ આપણે અનુમાન કરીને કહી શકીએ કે સ્વામીજીને શરમ કરતાં બોજો વધુ લાગતો હશે. વસ્ત્ર વિશે એક દિવસ તેઓએ કહ્યું હતું, “ભારતમાં હું સૂકો રોટલો ખાઈને પણ જીવી શકું, અને ચીંથરાં પહેરીને પણ રહી શકું. પણ અહીં હું તમારી આકાંક્ષા અનુસાર રહી રહ્યો છું.” અમેરિકામાં ભિક્ષા માગવાની પ્રથા નથી. એટલા માટે જ સ્વામીજી વ્યવસ્થિત વસ્ત્ર પહેરતા. સતત પ્રવચનો આપવાથી તેઓની ઘણી શક્તિ ક્ષય થતી. તેથી તેઓને પૌષ્ટિક આહાર પણ જોઈતો.

સાન ફ્રાંસિસ્કોની પાસે જ આલામેડા નગર છે. એડિથ એલન એ સમયે આલામેડામાં રહેતાં હતાં. ત્યાંથી તેઓ પ્રતિદિન સાન ફ્રાંસિસ્કોમાં સ્વામીજીના યોગ વર્ગમાં હાજરી આપવા આવતાં. એપ્રિલ મહિનામાં સ્વામીજીએ સાન ફ્રાંસિસ્કોના વર્ગ સમાપ્ત કરી આલામેડા પ્રસ્થાન કર્યું. ત્યાં તેઓ સ્થાનિક ‘સત્ય સદન’માં રહેવા લાગ્યા. હવે એડિથ એલનને સ્વામીજીનો પ્રતિદિન સત્સંગ મેળવવામાં વધારે અનુકૂળતા થઈ ગઈ. તેમને અહીં પણ જ્યારે સ્વામીજી રસોડામાં બંગાળી વાનગીઓ રાંધતા ત્યારે એમને મદદ કરવાનું અહોભાગ્ય પ્રાપ્ત થયું હતું.

એડિથ એલન લખે છે, “સ્વામીજીની પ્રતિભા બહુમુખી હતી. વર્ણનાતીત અદ્‌ભુત. જેનો જેવો વિશ્વાસ રહેતો એને એ પ્રકારનો ઉપદેશ આપવાની સ્વામીજીમાં ક્ષમતા હતી. તેઓ ચારેય યોગનો સમન્વય હતા. ક્યારેક તેઓ વેદાંત કેસરી, તો ક્યારેક બાળકવત્. મારા માટે તો તેઓ ધીર, સ્નેહપૂર્ણ પિતાજી સમાન હતા. એમના માટે કશું પણ તુચ્છ ન હતું. એમનો સ્નેહ હું ક્યારેય શબ્દોમાં વર્ણવી ન શકું. તેઓ હંમેશાં ધ્‍યાનથી મારી વાતો સાંભળતા. એમણે મને કહ્યું હતું કે હું તેમને ‘સ્વામીજી’ ને બદલે ‘બાબાજી’ કહીને પોકારું, જેમ કે ભારતમાં દીકરીઓ પોતાના પિતાજીને પોકારે છે.”

બીજી બાજુ, સ્વામીજી એડિથ એલનને આટલો સ્નેહ કરતા હોવા છતાં પણ તેમના સ્ત્રી સહજ સ્વભાવથી સાવચેત પણ રહેતા. સંન્યાસીના જે નિયમો છે, એમાં ક્યારેય મીનમેખ ન થવા દેતા. એક દિવસની વાત છે, તેઓ રસોડામાં આનંદપૂર્વક રાંધી રહ્યા હતા. એડિથ એલન પણ મદદ કરી રહ્યાં હતાં. એ દિવસે એમણે લીલા રંગનો એક નવો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ એમણે પહેલી વાર જ પહેર્યો હતો અને તેમને ખૂબ ગમ્યો હતો. સરસ ડ્રેસ બધાંને દેખાય એ માટે તેઓએ રસોડામાં કામ કરતાં કરતાં એપ્રોન (કપડા પર ડાઘા ન પડે એટલા માટે ઉપરથી વીંટાડવામાં આવતું વસ્ત્ર) પણ પહેર્યું ન હતું.

એકાએક તવામાંથી માખણના છાંટા એમના વસ્ત્ર પર પડ્યા. એડિથ એલન કહે છે, “મારો ડ્રેસ ખરાબ થવાથી મેં ક્યાંય સુધી ફરિયાદ કર્યે રાખી, જાણે કે મારી સાથે કેટલી મોટી દુર્ઘટના ઘટી હોય! પરંતુ સ્વામીજીએ તો મારી ફરિયાદોની સંપૂર્ણ અવગણના કરીને મંત્ર-પાઠ કરતાં કરતાં રાંધવાનું ચાલુ જ રાખ્યું. ત્યાર બાદ એક મિત્રે મારા ડ્રેસ પર પડેલા ડાઘા થોડું કેરોસીન છાંટી સ્પોન્જ વડે સાફ કરી દીધા. આમ કરવાથી ડાઘા પૂરેપૂરા ચાલ્યા ગયા. સ્વામીજીની સાથે કારણ વિનાની ફરિયાદ કરવાથી હું કેવી મૂરખ જેવી લાગતી હતી.”

સ્ત્રીઓનો સ્વભાવ હોય કે ફરિયાદ કરીને સહાનુભૂતિ આકર્ષે. એડિથ એલને પણ ધાર્યું હશે કે તેમની ફરિયાદથી સ્વામીજી વિચલિત થઈ જશે અને બધું કામ પડતું મૂકીને એમની ઉપર ધ્યાન આપશે. પરંતુ સ્વામીજીએ એમને જે રીતે પૂરેપૂરાં અવગણ્યાં, એથી એમને પોતાની ભૂલ સમજમાં આવી. જુઓ, સ્વામીજી પોતાના શિષ્યોનું ઘડતર કેવી રીતે કરતા! સ્વામીજીની અવગણનાથી નારાજ થવાને બદલે એડિથ એલને પોતાની ભૂલ સમજી અને સ્વીકારી.

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.