સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારની વાત છે. અલ્મોડાના માર્ગે એમણે રાતવાસા માટે અલ્મોડાથી નજીક જ કાકડીઘાટે એક ઝરણાને તીરે જળચક્કીની પાસે મુકામ કર્યો. પછી સ્નાન કરીને એક વિશાળ પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા. એક કલાક જેટલો સમય એમ જ વીતી ગયો અને પછી સ્વામીજીએ એમના સંગી અખંડાનંદજીને કહ્યું, ‘સાંભળ ગંગાધર, આ વૃક્ષતળે એક મહાશુભ મુહૂર્ત વીતી ગયું, આજે એક મોટી સમસ્યાનું સમાધાન થઈ ગયું! સમજાઈ ગયું કે સમષ્ટિ અને વ્યષ્ટિ (વિશ્વબ્રહ્માંડ અને અણુબ્રહ્માંડ) એક જ નિયમથી સંચાલિત છે.’ (યુગનાયક વિવેકાનંદ, પ્રકરણ: નગાધિરાજ હિમાલય)
આ અનુભૂતિના આધાર પર તેમણે પોતાની ‘જ્ઞાનયોગ’ પ્રવચન શ્રેણીમાં અત્યંત સુંદર અને સુસંગત બે વ્યાખ્યાનો આપ્યાં છે—બ્રહ્માંડ (સમષ્ટિ) તથા બ્રહ્માંડ (વ્યષ્ટિ).
વ્યષ્ટિ અર્થાત્ આપણી અંદર જે જીવાત્મા, જે ચૈતન્ય છે તે. એક મૃતદેહ અને એક જીવંત વ્યક્તિમાં શું ફરક છે? મૃતદેહની ભીતરમાં ચૈતન્ય નથી, જ્યારે જીવંત વ્યક્તિની અંદર ચૈતન્ય છે. તો આ ચૈતન્ય જે આપણી ભીતરમાં છે, તે જ ચૈતન્ય સંપૂર્ણ વિશ્વ-બ્રહ્માંડની અંદર પણ વિરાજિત છે. આમ, આપણી અંદરનું ચૈતન્ય (વ્યષ્ટિ) અને વિશ્વ-બ્રહ્માંડની ભીતરનું ચૈતન્ય (સમષ્ટિ) બંને એક જ છે. આ કોઈ નૂતન વિચાર નથી. આપણાં ઉપનિષદો, શાસ્ત્રો વગેરેનું મૂળભૂત અવદાન આ જ છે કે—‘અહમ્ બ્રહ્માસ્મિ’ અને ‘પ્રજ્ઞાનં બ્રહ્મ’ અર્થાત્ મારી ભીતરમાં જે આત્મા (ચૈતન્ય) છે, તે અને વિશ્વ-બ્રહ્માંડને ચાલિત કરવાવાળું ચૈતન્ય બંને એક જ છે. આ બંનેને મહાવાક્યો કહેવામાં આવે છે. હિન્દુ ધર્મની આ મૂળભૂત સંકલ્પનાની સ્વામીજીએ અનુભૂતિ કરી હતી. આવો, આપણે સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 2, પૃ.198 પર પ્રકાશિત બ્રહ્માંડ (સમષ્ટિ)નો પાઠ કરી, થોડી ચર્ચા કરીએ. ઘાટા અક્ષરેથી લખાયેલ વાક્યો સ્વામીજીનાં છે. સ્વામીજી કહે છે:
આપણી આસપાસ બધે નજરે આવતાં ફૂલો સુંદર છે, સૌંદર્યપૂર્ણ છે પ્રભાતના સૂર્યનો ઉદય, સૌંદર્યભર્યા છે પ્રકૃતિના વિવિધ રંગો, સમસ્ત વિશ્વ સુંદર છે અને પૃથ્વી પર માનવીની ઉત્પત્તિ થઈ ત્યારથી જ તે તેનો ઉપભોગ કરતો આવ્યો છે. ભવ્ય અને પ્રતાપી પર્વતો, સમુદ્રો તરફ દોડી જતી વિરાટ નદીઓ, અફાટ વેરાન રણો, અનંત મહાસાગર, તારામંડિત આકાશ; આ બધાં ખરેખર પ્રતાપી, ભવ્ય અને સુંદર છે.
સ્વામીજીએ સ્વયં પોતાનાં ‘ભારતમાં આપેલાં ભાષણો’ નામક પ્રવચનોમાં કહ્યું છે કે બે પ્રકારની પ્રજાતિ ઇતિહાસમાં અસ્તિત્વ ધરાવે છે. એક તો યુરોપની ગ્રીક પ્રજા અને બીજી ભારતની હિન્દુ પ્રજા અથવા તો વૈદિક સંસ્કૃતિ. આ બંને પ્રજાઓ વચ્ચે આટલો તફાવત કેમ છે? કારણ કે ગ્રીક પ્રજાતિની પ્રકૃતિ બહિર્મુખી હતી. આજે આપણે જોઈએ છીએ કે વિજ્ઞાન, ટેક્નોલોજી, અર્થશાસ્ત્ર, શસ્ત્ર-સાધનસામગ્રી, આર્ટીફિશિયલ ઇન્ટેલિજેન્સ વગેરેનો વિકાસ યુરોપમાં થયો, જ્યારે ફિલસૂફી, દર્શનશાસ્ત્ર, અધ્યાત્મ, મહાન પુરુષોનું વારંવાર જન્મધારણ કરીને પૃથ્વી પર આવવું, સંત-મહાપુરુષોની એક અનંત પરંપરા, મનુષ્યની ભીતરમાં દયા-કરુણા વગેરેનું પ્રગટીકરણ ભારતમાં થયું.
તો ભારતની પ્રજાએ હૃદયને વિકસિત કર્યું અને યુરોપિયન પ્રજાએ પોતાના હાથનો વિકાસ કર્યો, કેમ કે હાથ વડે જ તમે વિજ્ઞાન-ટેક્નોલોજીનો વિકાસ કરી શકો છો, જ્યારે હૃદયથી જ ઈશ્વરને સમજી શકો છો. આવું કેમ બન્યું? તેનું કારણ જણાવતાં સ્વામીજી કહે છે કે ભારતની ભૂગોળ એવી છે કે તેની એક તરફ હિમાલય છે તો બીજી બાજુ હિન્દુકુશ પર્વતમાળા છે, એક તરફ અરબી સમુદ્ર છે, તો બીજી બાજુ બંગાળની ખાડી અને હિંદ મહાસાગર છે. તેથી ભારતવર્ષ ચોતરફથી એટલો સુરક્ષિત હતો કે વૈદિક યુગમાં અહીં ખૂબ જ ઓછા પ્રમાણમાં બાહ્ય આક્રમણો થતાં અને અહીંયાંની ભૂમિ એટલી ફળદ્રુપ હતી કે અહીંના ખેડૂતોને પોતાના તથા પરિવારના ગુજરાન માટે પર્યાપ્ત માત્રામાં અન્ન મળી રહેતું. આમ, સુરક્ષિત વાતાવરણમાં રહીને હિન્દુઓનું મન પ્રકૃતિનું આ અદ્ભુત સૌંદર્ય જોઈને અંતર્મુખી બની ગયું.
બીજી બાજુ ગ્રીસ, રોમ, ઇજિપ્ત વગેરે દેશોમાં નિરંતર બાહ્યપ્રકૃતિ સાથે સંઘર્ષ ચાલતો રહેવાને કારણે સ્વાભાવિક રીતે જ એ પ્રજાનો વિકાસ બાહ્યજગતની તરફ વધુ થયો. બાહ્યજગતને સમજીને તેના પર વિજય કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એ વિશે તેઓ સતત વિચારતા રહ્યા.
આપણે અત્યંત સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે રહેતા હતા, તેથી આપણો દેશ ભારત ખૂબ જ સુરક્ષિત હતો. પરિણામે આપણે પ્રકૃતિ સાથે સુસંવાદિતા સાધીને રહેવાનું શરૂ કર્યું અને ઉત્તરોત્તર અંતર્મુખી બનતા ગયા અને આધ્યાત્મિક વિજ્ઞાનનો વિકાસ સાધતા ગયા.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે, તેની સમજણ આપતાં આ જ્ઞાનયોગના પ્રવચનની શરૂઆત જ સ્વામીજીએ પ્રકૃતિનું સૌંદર્ય કેટલું અદ્ભુત છે, ભવ્ય છે, કેટલું મનમોહક છે અને આપણે કઈ રીતે તેમાં લીન થઈ શકીએ છીએ, એના વર્ણનથી કરી છે, કે જેથી આપણાં મનના સર્વે વિકાર, સંકલ્પ-વિકલ્પ બધું આ પ્રકૃતિની ભવ્યતામાં ડૂબી જઈને શાંત થઈ જાય.
સ્વામીજી એક વાર્તા કહે છે: “શ્રીકૃષ્ણના એક શિષ્ય, એ વખતના ભારતના એક સમ્રાટ યુધિષ્ઠિરને એમના દુશ્મનોએ રાજ્યમાંથી હાંકી કાઢ્યા હતા. એમને હિમાલયના વનમાં રાણી સાથે આશ્રય લેવો પડેલો. આ રાજર્ષિને એક વાર રાણીએ પૂછ્યુંઃ ‘મહારાજ! આપના જેવા ઉત્તમ સદાચારી પુરુષને આટલું બધું દુઃખ શા માટે સહન કરવું પડે?’
‘યુધિષ્ઠિરે જવાબ આપ્યો, ‘જુઓ, મહારાણી! આ હિમાલય કેવો ભવ્ય અને સુંદર છે! મને તેના પર પ્રેમ છે. આ હિમાલય મને કશું આપતો નથી; પણ મારી પ્રકૃતિ ભવ્ય અને સુંદર પ્રત્યે પ્રેમ કરવાની છે અને તેથી મને તેના પ્રત્યે પ્રેમ છે. એ જ રીતે હું પરમાત્માને પ્રેમ કરું છું. ભવ્યતાનું અને સૌંદર્યનું એ ધામ છે, મારી પ્રકૃતિ ‘એને’ પ્રેમ કરવાની છે, માટે હું ‘એને’ પ્રેમ કરું છું. હું કોઈ બદલાની આશાથી એની પ્રાર્થના કરતો નથી; હું કોઈ વસ્તુ માગતો નથી. ‘એને’ ગમે ત્યાં મને ‘એ’ રાખે. હું તો ‘એના’ પ્રત્યે પ્રેમ ખાતર પ્રેમ કરીશ; મારે પ્રેમનો વેપાર કરવો નથી.’” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૧૩)
સ્વામીજીનાં એક નિષ્ઠાવાન શિષ્યા મિસિસ હેન્સબ્રો વર્ણવે છે: “એક દિવસે અમે અમારા ઘરની પાસે આવેલ કેટલાક પહાડોની મુલાકાતે ગયાં હતાં. મારી બહેન હેલન કેટલાંક રમણીય પ્રાકૃતિક દૃશ્યો તરફ સ્વામીજીનું ધ્યાન દોરી રહી હતી. (સ્વામીજી હેલનને હંમેશાં ‘ભત્રીજી હેલન’ કહીને બોલાવતા.) સ્વામીજીએ કહ્યું: ‘ભત્રીજી હેલન, મને પ્રાકૃતિક દૃશ્યો ન બતાવ. મેં હિમાલય જોયો છે! હું પ્રાકૃતિક દૃશ્યો જોવા માટે દશ ડગલાં પણ જઈશ નહીં. પણ એક મહાપુરુષને જોવા માટે હું હજાર માઈલ જવા તૈયાર છું!’” (Swami Vivekananda in the West, Vol. 5, પૃ.244-46)
ભગિની નિવેદિતા ‘મારા ગુરુદેવ સ્વામી વિવેકાનંદ’ પુસ્તકમાં સ્વામીજીની એક સ્મૃતિ આલેખે છે: “(હું) પશ્ચિમના પ્રવાસમાં હતો ત્યારે એક વખત સાંજને સમયે કોઈ ભારતના ગામડાના બહારના ભાગમાં જરા છેટે ઊભો રહી રમતાં છોકરાઓનો તંદ્રાપૂર્ણ કોલાહલ, સંધ્યાની આરતીનો ઘંટારવ અને ઢોલ-નગારાંમાંથી આવતો અવાજ, ગોવાળિયાઓના હોકારા, તેમજ અલ્પકાળ સ્થાયી સંધ્યાના ઝાંખા અજવાળામાં સંભળાતા અસ્પષ્ટ કંઠસ્વર—આ બધું સાંભળવાને હું ખૂબ ઉત્સુક બન્યો હતો.”
નિવેદિતા વધુમાં લખે છે: “બંગાળમાં નાનપણથી (સ્વામીજી) જે સાંભળતા આવ્યા હતા, તે અષાઢ મહિનાના વરસાદનો ઝરમર ઝરમર અવાજ પશ્ચિમમાં સાંભળી સ્વદેશ જવા માટે તેમનું મન કેવું તલપાપડ થઈ ગયું હતું! વૃષ્ટિ અથવા ધોધ કે સમુદ્રનાં પાણીનો અવાજ તેમને કેવો વિસ્મયકારક લાગતો! તેમને યાદ આવતું સૌથી સુંદર દૃશ્ય તે હતું કે જેમાં— ભારતમાં એક વાર તેમણે જોયું હતું કે એક બાઈ એક પથ્થર પર પગ મૂકી બીજા પથ્થર પર ટપતી ટપતી એક ખાડા ખબડાવાળી નદી ઓળંગી રહી છે, અને વળી વચ્ચે થોડી થોડી વારે મોં ફેરવીને પીઠ પરના બાળકની સાથે ગમ્મત અને વહાલ કરતી જાય છે. સ્વામીજીને મન હિમાલયનાં જંગલોમાં એક ટેકરી પર લાંબા થઈને પડવું અને નીચે વહેતી નદીનો અવિરામ ‘હર’ ‘હર’ શબ્દ સાંભળતાં સાંભળતાં શરીર છોડવું એ આદર્શ મૃત્યુ હતું.”
અન્ય એક સમયે સ્વામીજી કહે છે: “જગતનું શ્રેષ્ઠ પ્રાકૃતિક સૌંદર્ય હિમાલયનાં ભવ્ય શિખરો પર જોવા મળે છે. માણસ ગમે તેટલો અશાંત હોય પણ ત્યાં થોડો વખત રહે તો અવશ્ય માનસિક શાંતિ પ્રાપ્ત કરે છે.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 9, પ્રકરણ: સને ૧૮૯૨ – ૯૩માં મદ્રાસમાં લેવાયેલ નોંધો)
હિમાલય જેટલી ભવ્યતા, સુંદરતા કોઈ સ્થાને છે? ઈશ્વરની મનુષ્ય પર એટલી કૃપા છે કે તેમણે આ હિમાલય રૂપી સૌંદર્યપૂર્ણ દૃશ્યનું સર્જન કર્યું છે. જ્યાં નિવાસ કરીને મનુષ્ય જપ-ધ્યાન, સાધન-ભજન કરી શકે છે. તો સૌંદર્યનું વર્ણન એટલા માટે કે મનુષ્યનું મન આ સુંદરતા જોઈને ધીરે ધીરે અંતર્મુખ થાય છે. આથી જ આપણાં મોટા ભાગનાં તીર્થસ્થાનો રમણીય પ્રકૃતિની ગોદમાં આવેલાં છે. ત્યાં જ મંદિરોનું નિર્માણ થાય છે, ત્યાં જ સંત-મહાત્માઓ તપસ્યા કરે છે. સ્વામીજીએ ખુદ કોલકાતાના આરામદાયક જીવનનો ત્યાગ કરીને હિમાલયની ગુફામાં બેસીને તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો હતો, કારણ કે પ્રાકૃતિક સૌંદર્ય આપણાં મનને ધીરે ધીરે અંતર્મુખ બનાવે છે. તેથી જ સ્વામીજીએ પ્રકૃતિનું આટલું સુંદર વર્ણન કર્યું છે.
જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ તે જડ-ચેતનનો સમગ્ર સમૂહ અનાદિ કાળથી માનવમન ઉપર કંઈ ને કંઈ પ્રભાવ પાડી રહ્યો છે. માનવના વિચારો પર તેનો પ્રભાવ પડતો આવ્યો છે અને તેની પ્રતિક્રિયા રૂપે પ્રશ્ન ઊઠ્યો છે કેઃ આ બધાં છે શું? તે આવ્યાં ક્યાંથી? પ્રાચીનમાં પ્રાચીન માનવરચના જે વેદ, તેના જૂનામાં જૂના વિભાગના સમય જેટલે દૂર પણ એ જ પ્રશ્ન પુછાયેલો આપણે જોઈએ છીએઃ ‘આ આવ્યું ક્યાંથી? જ્યારે અસ્તિ કે નાસ્તિ કશું નહોતું, અંધકારમાં અંધકાર ઢંકાયેલો હતો, ત્યારે આ વિશ્વ કોણે પ્રગટ કર્યું? કેવી રીતે? એ રહસ્ય કોણ જાણે છે?’
સ્વામીજીનાં વ્યાખ્યાનોમાં જો સમજવામાં સૌથી કઠિન કોઈ વ્યાખ્યાનો હોય તો એ જ્ઞાનયોગ અને રાજયોગ પરની પ્રવચન-માળા છે. રાજયોગમાં આકાશ અને પ્રાણ વિશેની સ્વામીજીની સંકલ્પના—એ તેમનું એક આગવું પ્રદાન છે. નિકોલા ટેસ્લા એક મહાન વૈજ્ઞાનિક હતા. તેની સાથે માત્ર થોડો સમય વાત કરવા માટે પ્રતિષ્ઠિત વર્ગના લોકો પણ લાલાયિત રહેતા હતા. આ જ ટેસ્લા, જે તેની પ્રયોગશાળા છોડીને ક્યાંય જતા ન હતા, પરંતુ તે સ્વામીજીનાં રાજયોગ, જ્ઞાનયોગ પરનાં પ્રવચનો ઊભાં ઊભાં સાંભળતા હતા, કારણ કે સ્વામીજીના વર્ગોમાં એટલી ભીડ રહેતી કે જો તમે થોડા પણ સમયસર ન આવો તો બેસવાની જગ્યા ન મળે. તેમણે સ્વામી સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજના આધુનિક વિજ્ઞાન માટે બાઇબલમાંથી શીખવા જેવું કશું નથી. પરંતુ હિન્દુ લોકોની જે આકાશ અને પ્રાણની થિયરી છે, તેનો આપણા આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે બિલકુલ મેળ બેસે છે.
સ્વામીજીએ મૂળભૂત બે વિચાર-સંકલ્પનાઓ આપી છે—આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ. ‘જગત્ હિતાય ચ’નું વિસ્તરિત વિશ્લેષણ ‘ભારતમાં આપેલાં ભાષણો’માં થયું છે, જ્યારે ‘આત્મનો મોક્ષાર્થં’ આ મહાવાક્યના પ્રતિપાદન માટે સ્વામીજીએ રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, તથા ભક્તિયોગની પ્રવચન-માળા આપી છે.
અવશ્ય, આ બે આદર્શો અલગ નથી, સિક્કાની બે બાજુઓ જેવા જ છે, છતાં પોતાનાં બધાં પ્રવચનોમાં સ્વામીજી આ બેઉ આદર્શોનો વધતે-ઓછે અંશે ઉલ્લેખ કરે જ છે.
મેં શરૂઆતમાં ‘ભારતમાં આપેલાં ભાષણો’ વાંચ્યાં હતાં, તે સમયે એ તો માની લીધું કે નિઃસ્વાર્થતા—પોતાના જીવનને લોકકલ્યાણ માટે ઉત્સર્જિત કરી દેવું—એ મારા જીવનનું ધ્યેય છે. પરંતુ અહીં આવ્યા પછી લોક-કલ્યાણનું સેવાકાર્ય કરતાં કરતાં એ સમજાયું કે માત્ર આટલું જ પર્યાપ્ત નથી. પરંતુ ભીતરનો આહાર પણ એટલો જ આવશ્યક છે. ઇન્દ્રિયોના આહારનો તો અમે ત્યાગ કરેલો છે, પરંતુ હૃદયનો આહાર તો મળવો જોઈએ. તો આ બાબત સમજવા માટે સ્વામીજીનાં રાજયોગ અને જ્ઞાનયોગ વિશેનાં વ્યાખ્યાનો મને ખૂબ જ મદદરૂપ થયાં.
માયા અને સૃજન—આ બે પ્રકારના સિદ્ધાંતો છે. બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો ખ્રિસ્તી તથા અન્ય અબ્રાહમિક ધર્મો એવું માને છે કે બ્રહ્માંડની સૃષ્ટિ થઈ છે. બે પ્રકારના ધર્મમાર્ગ છે, એક અબ્રાહમિક અને બીજો ભારતીય. અબ્રાહમિક ધર્મ અંતર્ગત યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ આવે છે; જ્યારે ભારતીય ધર્મમાં આવે છે હિન્દુ, બૌદ્ધ, તથા જૈન ધર્મ. અબ્રાહમિક ધર્મો માને છે કે સૃષ્ટિની રચના શૂન્યમાંથી થઈ છે, જ્યારે ભારતીય ધર્મો, ખાસ કરીને હિન્દુ ધર્મ કહે છે કે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન ન થઈ શકે. અંધકારમાંથી પ્રકાશનો આવિર્ભાવ કઈ રીતે થઈ શકે? પ્રકાશમાંથી જ પ્રકાશ ઉદ્ભવી શકે.
આપણે હિન્દુ છીએ એટલે આપણી માન્યતા છે કે આ જગત સ્વપ્નવત્ છે અને જ્યારે આ સ્વપ્ન તૂટી જશે ત્યારે આપણે આપણા અસલી સ્વરૂપનો સાક્ષાત્કાર કરીશું. આ સંદર્ભે ઠાકુર એક વાર્તા કહેતા. એક ખેડૂતનો પુત્ર મૃત્યુ પામ્યો. તેની પત્નીએ તેને સવારે જ્યારે તે ઊઠ્યો ત્યારે આ અશુભ સમાચાર આપ્યા. ખેડૂત સૂનમૂન બેસી રહ્યો. તેને આમ દુઃખ-શોક કે રોકકળ કરતાં ન જોઈને તેની પત્ની ગુસ્સે થઈને કહેવા લાગી કે અરે! તમને જુવાનજોધ પુત્ર મૃત્યુ પામ્યો છે, તેનું જરા પણ દુઃખ નથી. કેવા પિતા છો તમે!
તો ખેડૂત કહેવા લાગ્યો કે કાલે મને એક સપનું આવ્યું હતું, તેમાં હું રાજા હતો અને સાત દીકરાનો બાપ થયો હતો. એ સાતેય દીકરા ગુણવાન, કેટલા સુંદર અને હોશિયાર! એ બધા મોટા થયા, વિદ્યા ભણીગણીને રાજ્યનો કારભાર ચલાવવા લાગ્યા. એટલામાં મારી ઊંઘ ઊડી ગઈ. હવે હું તો વિચારમાં પડી ગયો છું કે મારા એ સાત દીકરાઓને રોઉં કે તારા આ એક દીકરાને રોઉં?’
જ્ઞાનીઓને હિસાબે સ્વપ્ન-અવસ્થા જેટલી મિથ્યા, જાગ્રત અવસ્થાય તેટલી જ મિથ્યા!
તો જીવન સ્વપ્નવત્ છે અને જે કંઈ આપણે જોઈએ છીએ તે અજ્ઞાનવશત: આત્માની ઉપરનો ભ્રમ માત્ર છે. જ્યારે આપણે ભવ્ય પ્રકૃતિને, આ વીજળીઓના ગડગડાટ, આ અનંત સમુદ્ર, વિશાળ હિમાલયને જોઈએ છીએ, આ ઋતુઓનાં બદલાતાં સ્વરૂપોને જોઈએ છીએ, પશુ-પંખી મનુષ્યોને જોઈએ છીએ ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય છે કે આ સૃષ્ટિનો આરંભ ક્યારે થયો? કોણે કર્યો? શું એવો પણ સમય હતો જ્યારે કશું પણ ન હતું. અંધકારથી અંધકાર ઢંકાયેલો હતો. શું એવો પણ સમય હતો કે જ્યારે આ સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું? અને સૃષ્ટિના કર્તા ક્ષીરસાગરમાં શેષશૈયા પર વિશ્રામ કરી રહ્યા હતા, શું આવો પણ કોઈ સમય હતો?
તો પ્રકૃતિને જોઈને આ પ્રકારના પ્રશ્નો અનાદિકાળથી મનુષ્યના મનમાં ઉત્પન્ન થઈ રહ્યા છે, અને મનુષ્ય અનાદિકાળથી વિભિન્ન પ્રકારે એક પછી એક તેનો ઉત્તર આપી રહ્યો છે. અલગ અલગ ઉત્તર એક એક ફિલસૂફી, એક એક દર્શનશાસ્ત્રને જન્મ આપે છે. તેથી જ આ વિશ્વમાં આટલાં બધાં દર્શનશાસ્ત્રો છે. આ કારણે જ ઈશ્વરની કલ્પના કરવામાં આવી છે. બૌદ્ધ ધર્મ તો ત્યાં સુધી કહે છે કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.
સ્વામીજી વિશ્વ-સૌંદર્યનો માનવ-મન પર શું પ્રભાવ છે, તેનું વર્ણન કરે છે તથા કહે છે કે જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિનો સંસારનો ખેલ અંતહીન છે, તેનાથી ઉપર ઊઠીને મનુષ્ય ક્યારેક ક્યારેક વિચારે છે કે અરે! આ સૃષ્ટિની રચના ક્યાંથી થઈ? આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આપણા હિન્દુ ધર્મના મૂળભૂત ગ્રંથો છે—પ્રસ્થાનત્રય અર્થાત્ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર તથા ભગવદ્ ગીતા. સ્વામીજીનું સૌથી પ્રિય ઉપનિષદ હતું કઠ. તેમાં આ વાત આવે છે કે નચિકેતા યમરાજ પાસે જઈને પ્રશ્ન કરે છે કે મૃત્યુ બાદ મનુષ્યની શું ગતિ થાય છે? આપ તો સ્વયં મૃત્યુના દેવતા છો તો મને આ પ્રશ્નનો ઉત્તર આપો.
ઠાકુરની વાત આપણે જાણીએ છીએ કે કાળાં વાદળાં વચ્ચે શ્વેત પંખીઓ હારબંધ ઊંચે આકાશમાં વિહરી રહ્યાં હતાં, એ અદ્ભુત પ્રાકૃતિક દૃશ્ય જોઈને ઠાકુરને પ્રથમ વાર સમાધિ થઈ હતી.
પ્રકૃતિનું સૌંદર્ય જોઈને સૃષ્ટિના રચયિતા તથા તેના આદિ-અંત વિશે સ્વાભાવિક રૂપે મનમાં પ્રશ્ન થાય છે. જેવી આ પ્રકારની ઉચ્ચ ચિંતન પ્રક્રિયા શરૂ થાય છે કે તરત જ બીજો પ્રશ્ન એ થાય છે કે હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું?
‘આ આવ્યું ક્યાંથી? જ્યારે અસ્તિ કે નાસ્તિ કશું નહોતું, અંધકારમાં અંધકાર ઢંકાયેલો હતો, ત્યારે આ વિશ્વ કોણે પ્રગટ કર્યું? કેવી રીતે? એ રહસ્ય કોણ જાણે છે?’
એ સમયે કશું ન હતું. સત્ પણ ન હતું અને અસત્ પણ ન હતું. અંધકારથી અંધકાર ઢંકાયેલો હતો. તો કોણે આ સૃષ્ટિનો પ્રાદુર્ભાવ કર્યો.
પ્રાચીન સંસ્કૃત ગ્રંથ ઋગ્વેદના ૧૦મા મંડળમાં ૧૨૯મા સૂક્તને ‘નાસદીય સૂક્ત’ કહેવામાં આવે છે. ‘નાસદ્’ અર્થાત્ ન અસદ્થી પ્રારંભ થવાને કારણે તે ‘નાસદીય સૂક્ત’ નામથી ઓળખાય છે. એનો સંબંધ બ્રહ્માંડ-વિજ્ઞાન અને બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે છે. વિદ્વાનોનો વિચાર છે કે આમાં ભારતીય તર્કશાસ્ત્રનાં બીજ છુપાયેલાં છે. નાસદીય સૂક્તના રચયિતા ઋષિ પ્રજાપતિ પરમેષ્ઠિ છે. આ સૂત્રના દેવતા ભાવવૃત્ત છે.
नास॑दासी॒न्नो सदा॑सीत्त॒दानीं॒ नासी॒द्रजो॒ नो व्यो॑मा प॒रो यत्।
किमाव॑रीवः॒ कुह॒ कस्य॒ शर्म॒न्नम्भः॒ किमा॑सी॒द्गह॑नं गभी॒रम्॥१॥
પ્રલયકાળમાં પંચભૂત વગેરે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, અને નહોતું અભાવગ્રસ્ત અસત્ સૃષ્ટિનું અસ્તિત્વ. એ સમયે ભૂલોક, આકાશ તથા આકાશાદિથી અલગ અન્ય લોક નહોતાં, બધાને આચ્છાદિત કરનાર (બ્રહ્માંડ) પણ ન હતાં. કોનું સ્થાન ક્યાં હતું? અગાધ અને ગંભીર જળનું પણ અસ્તિત્વ, એ સમયે ક્યાં હતું?
न मृ॒त्युरा॑सीद॒मृतं॒ न तर्हि॒ न रात्र्या॒ अह्न॑ आसीत्प्रके॒तः।
आनी॑दवा॒तं स्व॒धया॒ तदेकं॒ तस्मा॑द्धा॒न्यन्न प॒रः किं च॒नास॑॥ २॥
એ સમયે ન મૃત્યુ હતું, ન તો અમરતાનું અસ્તિત્વ હતું, (સૂર્ય-ચંદ્રના અભાવથી) દિન-રાત્રિનું જ્ઞાન પણ ન હતું. પ્રાણવાયુ પણ ન હતો. એક માત્ર બ્રહ્મનું અસ્તિત્વ (બ્રહ્મની હાજરી) વિદ્યમાન હતું. બીજી કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ એ સમયે નહોતું.
तम॑ आसी॒त्तम॑सा गू॒ळ्हमग्रे॑ऽप्रके॒तं स॑लि॒लं सर्व॑मा इ॒दम्।
तु॒च्छ्येना॒भ्वपि॑हितं॒ यदासी॒त्तप॑स॒स्तन्म॑हि॒नाजा॑य॒तैक॑म्॥ ३॥
સૃષ્ટિ પહેલાં પ્રલયકાળમાં, સંપૂર્ણ વિશ્વ માયાવી અજ્ઞાન (અંધકાર)થી ગ્રસ્ત હતું. બધું જ અવ્યક્ત અને સર્વત્ર એક જ પ્રવાહ હતો. એ સમયે જે કંઈ હતું એ ચારેય બાજુથી, સત્-અસત્ તત્ત્વથી આચ્છાદિત હતું. એ એક અવિનાશી તત્ત્વ તપશ્ચર્યાના પ્રભાવથી ઉત્પન્ન થયું.
काम॒स्तदग्रे॒ सम॑वर्त॒ताधि॒ मन॑सो॒ रेतः॑ प्रथ॒मं यदासी॑त्।
स॒तो बन्धु॒मस॑ति॒ निर॑विन्दन्हृ॒दि प्र॒तीष्या॑ क॒वयो॑ मनी॒षा॥ ४॥
સર્વપ્રથમ પરબ્રહ્મ-પરમાત્માના મનમાં વિરાટ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઇચ્છાશક્તિ પ્રગટી, ત્યારબાદ એ મનથી, સૌથી પહેલાં ઉત્પત્તિનું કારણ (બીજ-સૃજન સામર્થ્ય) ઉત્પન્ન થયું. મેધાવી જ્ઞાનીજનોએ વિવેક બુદ્ધિ દ્વારા, હૃદયમાં વિચાર કરીને વ્યક્ત ન થનારા અસત્થી, વ્યક્ત થનારા સત્ તત્ત્વનાં ઉત્પત્તિસ્થાન નિરૂપિત કર્યાં.
Your Content Goes Here