જ્યારથી આપણા હૃદયમાં મુમુક્ષુત્વનો ઉદય થયો ત્યારથી આપણે આ સૃષ્ટિના આદિ, અંત, તથા પ્રયોજનનું રહસ્ય શું છે એ પ્રશ્ન કરતા આવ્યા છીએ. સ્વામી વિવેકાનંદના “બ્રહ્માંડ (સમષ્ટિ)” પ્રવચનના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ઘાટા અક્ષરેથી લખાયેલ વાક્યો સ્વામીજીનાં છે.

એ જ પ્રશ્ન અત્યારે પણ આવીને ઊભો છે. તેનો ઉત્તર આપવાના લાખો પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હજુ લાખો વખત ફરીને તેનો ઉત્તર આપવાના પ્રયત્નો કરવા પડવાના છે. એમ નથી કે દરેક ઉત્તર ખોટો હતો; પણ આ પ્રશ્નના દરેક ઉત્તરમાં સત્યનો માત્ર એક અંશ સમાયેલો હતો; અને જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ સત્ય જોર પકડતું જાય છે.

કોઈ એક ઉત્તર સંપૂર્ણ રૂપે સત્ય ન હોઈ શકે. ઘણા બધા ઉત્તરો એકત્ર થઈને એક સંપૂર્ણ સત્યની રચના થાય છે. આથી જ આપણા રામકૃષ્ણ સંઘમાં કહે છે કે જેટલી નદીઓ છે, તે એક જ સમુદ્રમાં વિલિન થાય છે. હિન્દુ, બૌદ્ધ કે અન્ય કોઈ ધર્મો એવો દાવો ન કરી શકે કે અમે જે કહીએ છીએ એ જ સર્વોચ્ચ સત્ય છે અને બાકી બધું અસત્ય છે. ઠાકુર તથા સ્વામીજીએ પણ કદી આ પ્રકારના દાવાઓને પ્રોત્સાહન આપ્યું ન હતું. પ્રત્યેક ઉત્તર સંપૂર્ણ સત્યનો અંશમાત્ર છે. આથી જ આદિમ આદિવાસી ધર્મોથી લઈને અદ્વૈત વેદાંત સુધીની આપણી આ ધાર્મિક યાત્રા છે, દર્શનની જે એક પછી એક અનુભૂતિઓ છે, સર્વેમાં ઈશ્વરનો પ્રકાશ નિહિત છે. જો કોઈ હિન્દુ એવો દાવો કરે કે, અમે જે કહીએ તે જ સત્ય છે, બાકી બધું અસત્ય, તો એમ કહેવું હિન્દુ ધર્મના મૂળ આધાર પર આઘાત કરવા બરાબર છે.

ભારતના પ્રાચીન દાર્શનિકો પાસેથી જે ઉત્તર મેં મેળવ્યો છે તેની રૂપરેખા, હું આધુનિક વિજ્ઞાનની સાથે તેનો સમન્વય કરીને, તમારી સમક્ષ રજૂ કરીશ.

આવું સ્વામીજી શા માટે કહે છે? પુરાતન ભારતીય સંસ્કૃતિ, આપણો હિન્દુ ધર્મ અને વેદ-ઉપનિષદ મનુષ્યના સાચા સ્વરૂપ વિશે જે કહે છે, એ મહાવાક્ય—અહમ્‌ બ્રહ્માસ્મિ—તો તમને કહેશે જ, સાથે સાથે આધુનિક વિજ્ઞાન આ પ્રશ્નનો શું ઉત્તર આપે છે એનો એક અંશ પણ સમ્મિલિત કરશે. ઘણા લોકો માને છે કે આત્માના વિષયમાં, ધર્મ કે દર્શનના વિષયમાં જે કંઈ પણ કહેવાનું હતું, તે આપણા પ્રસ્થાનત્રય ગ્રંથમાં કહેવાઈ ગયું છે. તો પછી આધુનિક વિજ્ઞાનનો આધાર લેવાની શું જરૂર પડી?

સ્વામીજી કહે છે કે જેમ જેમ સમય પસાર થતો જાય છે, તેમ તેમ ધર્મનું સત્ય પ્રચંડ શક્તિ ધારણ કરે છે. એટલા માટે જ ઠાકુરને અવતારવરિષ્ઠાય કહેવામાં આવે છે. જેટલા પણ નવા અવતાર આવે છે, તે બધામાં પુરાણા બધા અવતારોની શક્તિ નિહિત છે. તેથી જ સર્વદેવદેવીસ્વરૂપાય શ્રીરામકૃષ્ણ અર્થાત્‌ જેટલાં પણ દેવી-દેવતાઓ આજ સુધી આવ્યાં તે સર્વેની શક્તિ, સર્વેની આધ્યાત્મિક અનુભૂતિ વગેરે ઠાકુરની ભીતરમાં વિદ્યમાન છે. તેથી આપણે જોઈએ છીએ કે ઠાકુરને જિસસનાં દર્શન થયાં હતાં, મા સીતા તથા ચૈતન્ય મહાપ્રભુનાં પણ દર્શન થયાં હતાં.

આ પ્રાચીનમાં પ્રાચીન પ્રશ્નો પૈકી થોડાક મુદ્દાઓનું તો પૂર્વે નિરાકરણ થઈ ચૂક્યું હતું. પ્રથમ તો એ કે એક એવો સમય હતો કે જ્યારે ‘નહોતું સત્ કે નહોતું અસત્’ જ્યારે આ જગતનું અસ્તિત્વ નહોતું; જ્યારે આપણી પૃથ્વીમાતા, તેના પરના સમુદ્રો અને મહાસાગરો, સરિતાઓ અને પર્વતો, વૃક્ષો, પશુપક્ષીઓ, નગરો અને ગ્રામો, માનવજાતિઓ, ગ્રહો અને નક્ષત્રો, અસ્તિત્વની આ અનંત વિવિધતા હયાતીમાં જ નહોતી. આપણને એની ખાતરી છે ખરી? આ નિર્ણયે કેવી રીતે પહોંચાયું છે, તે શોધી કાઢવાનો આપણે પ્રયાસ કરીશું. મનુષ્ય પોતાની આસપાસ શું જુએ છે? એક છોડ લો. માણસ જમીનમાં બીજ વાવે છે; પછી અંકુર જમીનમાંથી ડોકિયું કરતો જણાય છે; ધીમે ધીમે જમીનની ઉપર તે માથું ઊંચું કાઢે છે અને પછી વધ્યે જ જાય છે; અંતે એક વિરાટ વૃક્ષ થઈને તે ઊભો રહે છે. ત્યાર પછી તે મરી જાય છે; બાકી રહે છે માત્ર બીજ એ રીતે તે વર્તુળ પૂરું કરે છે. બીજમાંથી પ્રથમ તે બહાર આવે છે, વૃક્ષ થાય છે અને અંતે પાછું બીજમાં પરિણમે છે. પક્ષી જુઓ; ઈંડાંમાંથી તે બહાર આવે છે, પોતાની જિંદગી જીવી જાય છે એ પછી મરી જાય છે. પાછળ બીજાં ઈંડાં, ભાવિ પક્ષીઓનાં બીજ મૂકતું જાય છે. તેમ જ પશુઓનું, તેમ જ માનવનું.

અહીં “ડોકિયું કરવું” શબ્દપ્રયોગ પણ અદ્‌ભુત છે. જેઓ ભાષાનો અભ્યાસ કરે છે, તેઓને ખબર છે કે આપણું કોઈ ભાષા પર અસામાન્ય પ્રભુત્વ થઈ જાય ત્યારે આપણે સામાન્ય શબ્દોને બદલે અસામાન્ય શબ્દોનો ઉપયોગ કરવા લાગીશું, કાવ્યાત્મક શબ્દોનો પ્રયોગ કરવાની શરૂઆત કરીશું. જેમ કે આપણે જાણીએ છીએ કે શ્રીમાની જીવની તથા લીલાપ્રસંગ પુસ્તકોના લેખક સ્વામી ગંભીરાનંદ અને શરત્‌ મહારાજનું બંગાળી તથા સંસ્કૃત ભાષા પર એટલું અદ્‌ભુત પ્રભુત્વ હતું કે તેઓએ પ્રયોગ કરેલ શબ્દો સીધા આપણા હૃદય સોંસરવા ઊતરી જાય છે.

તો આમ, અહીંયાં પણ સ્વામીજીનું અંગ્રેજી ભાષા પર એટલું પ્રભુત્વ છે કે સામાન્ય રીતે અંકુરિત બીજ જમીનમાંથી નીકળી રહ્યું છે, તે માટે અંગ્રેજીમાં શબ્દપ્રયોગ છે grow. પરંતુ સ્વામીજીએ અહીંયાં શબ્દપ્રયોગ કર્યો છે Peep out. જે શબ્દપ્રયોગ થોડો રમૂજ ઉપજાવે તેઓ પણ છે તથા સાથે જ આપણા મનમાં એક કાલ્પનિક દૃશ્ય પણ ઊભું કરે છે.

સ્વામીજી કહે છે કે બીજ જમીનમાંથી ધીરે ધીરે માથું ઊંચકે છે અને વૃદ્ધિ પામતાં પામતાં એક વટવૃક્ષમાં પરિવર્તિત થઈ જાય છે. ત્યાર બાદ તે મૃત્યુ પામે છે, અને બીજને છોડીને જાય છે. આમ, તે વર્તુળ પૂર્ણ કરે છે. બીજમાંથી તે બહાર આવે છે, વટવૃક્ષ બને છે અને ફરી પાછું બીજમાં પરિણમે છે. જેમ કે મનુષ્યજાતિ માટે કહેવામાં આવે છે કે ‘જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ’ આ આપણું એક વર્તુળ છે. શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં કહ્યું છે કે જ્યાં સુધી આપણાં કર્મોનો હિસાબ ચૂકતે ન થઈ જાય ત્યાં સુધી જન્મ-મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે છે.

સ્વામીજી એક અન્ય દૃષ્ટાંત આપે છે. પક્ષીને જુઓ; તે ઈંડાંમાંથી કૂદીને બહાર આવે છે, અને પોતાની જિંદગી જીવે છે. અંતે, બીજાં ઈંડાંને જન્મ આપીને મૃત્યુ પામે છે. તો આ જ બાબત મનુષ્યો તથા પશુઓને પણ લાગુ પડે છે.

પ્રકૃતિમાં સર્વ કંઈ જાણે કે અમુક બીજમાંથી, અમુક પ્રારંભિક અવસ્થામાંથી, અમુક સૂક્ષ્મ આકારોમાંથી આરંભ કરે છે, પછી સ્થૂળ અને સ્થૂળ થતું જાય છે અને વિકાસ પામે છે; અમુક કાળ સુધી એ પ્રમાણે ચાલ્યા કરે છે અને ત્યાર પછી પાછું સૂક્ષ્મ સ્વરૂપમાં આવી જાય છે અને લય પામે છે. જે વર્ષાબિંદુમાં સુંદર સૂર્યકિરણ ગેલ કરી રહ્યું હોય છે, તે મહાસાગર માંહેથી વરાળરૂપે શોષાયું હતું; ઉપર હવામાં ઘણે દૂર સુધી ગયું; એવા પ્રદેશમાં પહોંચ્યું કે જ્યાં તેનું ઠરીને પાણી થઈ ગયું; અને અત્યારના સ્વરૂપે પાછું પડ્યું – ફરી વાર શોષાઈને તે વરાળ થવા માટે.

સ્વામીજીએ “મૃત્યુ” કે “નાશ પામે છે” એવો શબ્દપ્રયોગ નથી કર્યો, પરંતુ “સમાહિત” અર્થાત્‌ મૂળ સ્વરૂપમાં લય પામે છે તેવો શબ્દપ્રયોગ કર્યો છે. મૃત્યુ એટલે લીલા સમાપ્ત થઈ ગઈ એવું નથી. એ લીલા તો નિરંતર ચાલુ જ રહેશે. બીજમાંથી જન્મધારણ કરશે અને ફરી પાછું બીજમાં જ લય પામશે. મનુષ્યના સંદર્ભમાં કહીએ તો જન્મમૃત્યુ-જરાવ્યાધિનું એક વર્તુળ અવિરત ચાલતું જ રહેશે.

સ્વામીજીએ અત્યાર સુધીની ઉપમાઓ તો સામાન્ય જગતમાંથી લીધી છે, પરંતુ હવે એકદમ કાવ્યાત્મક ઉપમાઓ આપવાની શરૂઆત કરે છે. વર્ષાના એક બિંદુ પર સૂર્યકિરણ ટકરાઈને સાત રંગોમાં વિભાજિત થઈ જાય છે. તો આ વર્ષાનું બિંદુ ક્યાંથી પ્રગટ થયું? તે સમુદ્રમાં હતું અને સૂર્યની ગરમીને કારણે બાષ્પીભૂત થઈને અવકાશમાં ઉડવાની શરૂઆત કરી ને તે વર્ષાબિંદુ બન્યું; હવામાં ઘણે દૂર સુધી ગયું અને દૂર પ્રદેશમાં જઈને જમીન, પહાડ કે સમુદ્રમાં પાણી સ્વરૂપે પડશે. ફરી વાર શોષાઈને વરાળ બનશે. આ ચક્ર નિરંતર ચાલતું જ રહેશે.

જેનાથી આપણે ઘેરાયેલા છીએ તે પ્રકૃતિમાં સઘળે આ પ્રમાણે જ છે. આપણે જાણીએ છીએ કે વિરાટ પર્વતો પર હિમનદીઓ અને સરિતાઓ ક્રિયા કરી રહી છે અને તે તેમને ધીમે ધીમે પણ ચોક્કસ રીતે ઘસી ઘસીને ભૂકો કરીને બારીક રેતીમાં પરિવર્તન પમાડી રહી છે; એ રેતી પાછી ઘસડાઈ જઈને મહાસાગરમાં પહોંચે છે, ત્યાં તળિયે બેસે છે; એમ થર ઉપર થર ચડતા જાય છે અને ઝીણી રેતી કઠણ, ખડકરૂપે સખત થતી જાય છે. એમ ખડકાતાં ખડકાતાં પાછા ભાવિ યુગોના પહાડો તરીકે તે બહાર આવશે. વળી પાછા તે ઘસાઈને ભૂકો થઈ જશે. આમ આ પ્રવાહ-ગતિ ચાલ્યા જ કરે છે. રેતીના કણોમાંથી પર્વતો તૈયાર થાય છે; અને પાછા રેતી સ્વરૂપમાં તે સમાઈ જાય છે.

આ જે પણ પ્રાકૃતિક દૃશ્યો આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ તે સર્વેનું આ પ્રમાણે જ થાય છે. કોઈ સૂક્ષ્મ રૂપે તેનો આરંભ થાય છે, તેની વૃદ્ધિ થાય છે. અમુક નિશ્ચિત સમય સુધી તેનો વિકાસ થાય છે અને અંતે તેના સૂક્ષ્મ રૂપે, બીજના રૂપમાં સમાહિત થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે વિરાટ પર્વતો પર હિમનદીઓ અને સરિતાઓ કાર્ય કરે છે. જેમ કે આ રેતીનો ઉદ્‌ભવ ક્યાંથી થયો? સમુદ્ર કે નદીઓનું પાણી પથ્થર સાથે અથડાય છે અને વારંવાર આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. આમ, મંદ ગતિએ પણ સતત ઘસી ઘસીને પથ્થરોનો ટુકડેટુકડા થઈને બારીક રેતીનું સ્વરૂપ ધારણ કરે છે.

રેતી અમુક કાળ પછી ધીરે ધીરે ઘસડાઈને સમુદ્રમાં જઈને તેના તળિયે જમા થઈ જાય છે. આમ, થર પર થર જામતા જાય છે. રેતી કાળાંતરે એકદમ સખત, કઠણ બની જાય છે અને ભવિષ્યની પેઢીઓ તેને પહાડનું સ્વરૂપ ધારણ કરતા જોશે. વળી અમુક કાળ પછી ઘસાઈને પહાડ રેતીનું સ્વરૂપ ધારણ કરશે. આ પ્રક્રિયા સતત ચાલુ જ રહેશે. રેતીમાંથી પહાડ બને છે, અને પહાડ પાછા રેતીના સ્વરૂપમાં લય પામે છે.

સ્વામીજીએ અનુભવ્યું હતું કે મનુષ્યની ભીતર અંતર્નિહિત બ્રહ્મ અને સમગ્ર વિશ્વ-બ્રહ્માંડમાં વ્યાપ્ત બ્રહ્મ એક છે. આ વિશ્વ-બ્રહ્માંડ માયાનું આવરણ માત્ર છે. માયા અને બ્રહ્મની તુલના સ્વામીજી રેલવેના બે પાટા સાથે કરે છે. જેમ કે, રેલવેના બે પાટા સમાંતર ચાલે છે, પરંતુ ના તો ક્યારેય મળે છે અને ના તો ક્યારેય વિખૂટા પડે છે. એવી જ રીતે માયા અને બ્રહ્મ સદાકાળથી અસ્તિત્વમાં છે. માયાનું સ્વયંનું કોઈ અસ્તિત્વ નથી. પરંતુ બ્રહ્મની ઉપરનો એક ભ્રમ માત્ર છે. શંકરાચાર્યનું જે રીતે રજ્જુ અને સર્પનું દૃષ્ટાંત છે. એક દોરી રસ્તામાં પડેલી છે અને આપણે અંધારામાં તેને સર્પ માની બેસીએ છીએ. પરંતુ થોડો પ્રકાશ તેની પર ફેંકતાં જ આપણો ભ્રમ ભાંગી જાય છે. આમ, બ્રહ્મની આ લીલાને જોઈને, તેને સત્ય માનીને આપણે ક્યારેક ભયભીત થઈએ છીએ, ક્યારેક આનંદ પામીએ છીએ, ક્યારેક હતાશ-નિરાશ થઈ જઈએ છીએ. તેથી આપણે રજ્જુને સર્પ માનીને ડરી જઈએ છીએ. જેમ કે, અરે! મારું બેંક બેલેન્સ ઓછું થઈ ગયું, હવે મારાં સંતાનોની સ્કૂલની ફી કેમ ભરીશ? મારું મેડિકલ બીલ કેમ ચૂકવીશ? તો દુ:ખ-કષ્ટ, ભય, ચિંતા વગેરે આપણામાં નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન કરે છે, તેને કાપવા માટે બ્રહ્મનું સાચું સ્વરૂપ જાણવાની જરૂર છે. તો આ છે વેદાંતની ફિલસૂફી.

પણ શું આ બાબત વ્યવહારુ (પ્રેક્ટિકલ) છે? શું કોઈ સંસારી વ્યક્તિ એમ કહી શકે કે મારે બેંક બેલેન્સ, વીમા પોલિસી કે મારાં બાળકોના શિક્ષણની ચિંતા નથી? શું આ રીતે નિશ્ચિંત થઈને તે જીવી શકે છે? અવશ્ય, ન જીવી શકે. આ બાબત વ્યવહારુ નથી. જ્યાં સુધી આપણે માયાના બંધનમાં બંધાયેલા છીએ ત્યાં સુધી આપણે માયાના નિયમોને અનુસરવા જ જોઈએ. પરંતુ સાથે સાથે સાધના પણ ચાલુ રાખવી જોઈએ. જેમ જેમ આપણે સાધનામાં પ્રગતિ સાધતા જઈશું, તથા જ્યારે આપણને ફક્ત દૃઢ વિશ્વાસ જ નહીં, પરંતુ ઈશ્વર-સાક્ષાત્કાર થશે, ત્યારે આપણી ભીતરમાં જે પ્રકારનાં ગુણ, આભા, ઓજસ્‌ અને સત્ત્વનો પ્રકાશ પ્રગટ થશે, ત્યારે આપણા માટે પ્રકૃતિના નિયમો બદલાઈ જશે. ઠાકુર કહેતા કે,

“લોકોને ઉપદેશ આપવો બહુ કઠણ બાબત. જો તેનો (ઈશ્વરનો) સાક્ષાત્કાર થાય અને તે આદેશ આપે તો થઈ શકે. … તેમ વળી મનમાં ને મનમાં આદેશ મળે એ ન ચાલે. ઈશ્વર ખરેખર દર્શન દે અને વાત કરે ત્યારે જ આદેશ મળ્યો કહેવાય. એ ઉપદેશનું જોર કેટલું હોય? પર્વત હલી જાય!”

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ-૫, અધ્‍યાય-૮)

 ભગવાન બુદ્ધ જ્યારે ધ્યાન કરતા હતા ત્યારે તેમના ધ્યાનની પ્રશાંતિ ચારોતરફ ફેલાઈ જતી તથા તેના પ્રભાવથી સિંહ અને બકરી તેમની સામે બેસીને તેમની સ્તુતિ કરતાં! એક છે શિકારી તથા એક છે શિકાર, પરંતુ પ્રકૃતિનો આ નિયમ તેઓ ભૂલી ગયા છે.

ઠાકુર કાલીવાડીમાં જે વર્તન કરતા હતા એ જોઈને ત્યાંના ખજાનચીએ મથુરબાબુને પત્ર લખ્યો કે છોટા ભટ્ટાચાર્ય મહાશય મા ભવતારિણીને ધરાવવાના ભોગની પૂરી પોતે જ ખાઈ જાય છે તથા માને નિવેદિત કરવાનાં પુષ્પો પોતાના મસ્તક પર ચઢાવી દે છે. આ સમાચાર વાંચીને મથુરબાબુ સ્વયં આ બધું જોવા માટે આવ્યા. આ વાત સાચી હતી કે પૂજાના સામાન્ય નિયમો પ્રમાણે કોઈ પૂજાવિધિ ઠાકુર કરતા ન હતા, પરંતુ તેમના આ અલગ પ્રકારના વર્તનમાં પણ પ્રચંડ નિષ્ઠા, ઉત્સાહ અને હૃદયનો ભાવ સમાહિત હતો કે મથુરબાબુ પરત ફરીને રાણી રાસમણિને કહે છે કે આપણને એટલા યોગ્ય, નિષ્ઠાવાન પૂજક મળ્યા છે કે દેવી જાગ્રત થવાનાં છે. મથુરબાબુ કોઈને જાણ કર્યા વગર સીધા મંદિરમાં જઈને ઠાકુરનાં વર્તન-વ્યવહારનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્વયં જઈને બધી ચકાસણી-તપાસ કરી અને બાદમાં ખજાનચીને પત્ર લખ્યો કે છોટા ભટ્ટાચાર્યજીને તેમની ઇચ્છા મુજબ પૂજા કરવા દો, તેમાં કોઈ પણ પ્રકારનો વ્યાઘાત ન કરો.

લીલાપ્રસંગમાં શરત્‌ મહારાજ આ ઘટનાનું વર્ણન કરે છે કે લોકમુખે ચર્ચા થવા લાગી કે ઠાકુર આ શું પાગલપન કરે છે ગર્ભગૃહમાં જઈને! ઠાકુરના ભાણેજ હૃદયના કાને પણ આ વાત પહોંચી. તે પણ પરિસ્થિતિનો તાગ મેળવવા ઠાકુર પાસે આવ્યો. તેણે જોયું કે ઠાકુર ગાઈ રહ્યા છે, નાચી રહ્યા છે અને આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. ઠાકુર શાસ્ત્રસંમત વિધિ મુજબ પૂજા નહોતા કરી રહ્યા, પરંતુ હૃદય કહે છે કે તેનું સાહસ ન થયું કે મામાને કંઈ કહે કે રોકે. હૃદયને એવો આભાસ થયો કે જાણે મા સાક્ષાત્ ત્યાં ઊભાં છે અને તેને આ પૂજાવિધિમાં વિઘ્ન ન નાખવાની ચેતવણી આપી રહ્યાં છે!

જ્યાં સુધી આપણે સંસારમાં રહીએ છીએ ત્યાં સુધી સંસારના નિયમોનું પાલન કરવું પડે છે. પરંતુ જેમ જેમ સાધના કરતાં કરતાં આપણું મન સૂક્ષ્મથી સૂક્ષ્મતર તરફ ગતિ કરે છે, જ્યારે તમસ અને રજસને પાર કરીને સત્ત્વના રાજ્યમાં પ્રવેશ કરે છે ત્યારે સંસારના નિયમો પણ આપણા માટે બદલાઈ જાય છે.

સેન્ટ ટેરેસા ઑફ એવિલાનું એક સુંદર દૃષ્ટાંત છે. વિદેશી લોકો આપણા હિન્દુઓને જંગલી અને અસભ્ય ગણતા હતા ને આપણે પણ ગુલામી માનસિકતાને કારણે એવું જ માનતા થઈ ગયા હતા કે વિદેશી લોકો આપણા કરતાં વધુ સભ્ય અને સુસંસ્કૃત છે. કેથોલિક ચર્ચના પોપ અને તેના સાથીઓએ એવો નિર્ણય કર્યો કે જે લોકો ચર્ચની સત્તા માટે ખતરારૂપ છે, તેને શેતાન કે શેતાનના અનુયાયીઓ ઘોષિત કરીને તેને જીવતા સળગાવી દેવામાં આવે. આવા લોકો સામે કેસ ચલાવવા માટે ઇક્વિઝિશન કોર્ટની સ્થાપના કરી હતી.

કેથોલિક ચર્ચના સત્તાધીશો આધ્યાત્મિકતાના માર્ગથી ઘણા દૂર ચાલ્યા ગયા હતા. તેઓ ભવ્ય સમારંભોનાં આયોજનો કરીને રાજાઓને આમંત્રિત કરતા હતા. પાપી, દુરાચારી રાજાઓને પોતાના બધાં પાપ ધોવાઈ જાય માટે  ‘પાસપોર્ટ ટુ હેવન’ (સ્વર્ગમાં જવાનો પરવાનો) આપવાની લાલચ આપીને તેઓ પાસેથી હજારો રૂપિયાનું દાન મેળવતા. તો આ પ્રકારે ભયંકર ભ્રષ્ટાચાર ચર્ચમાં ચાલતો હતો, એથી દ્રવિત થઈને કેટલાક પવિત્ર સાધુ-સંતોએ પોતાનો એક અલગ આધ્યાત્મિક પથ પ્રવર્તન કરવાની શરૂઆત કરી. તો આવા સાધુ-સંન્યાસીને દોષિત માની તેની સામે કેથોલિક ચર્ચના સત્તાધીશો ઇક્વિઝિશન કોર્ટમાં કેસ ચલાવતા હતા.

સેન્ટ ટેરેસાને આવી જ એક કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં. તેમની સામે દોષારોપણ કરવાવાળા ચર્ચના સત્તાધીશો બેઠા હતા. તેઓને તો દૃઢ વિશ્વાસ હતો કે ન્યાયાધીશ તો આપણા જ માણસ છે માટે થોડા જ વખતમાં સેન્ટ એવિલા ટેરેસાને સજા આપવાનું ફરમાન કરશે. સેન્ટ એવિલા તો બિચારાં સહજ, સરળ આધ્યાત્મિક વ્યક્તિ હતાં. તેમના બચાવપક્ષમાં પણ કોઈ ન હતું. પરંતુ ન્યાયાધીશ જેવો પોતાનો ચુકાદો જાહેર કરવા જાય છે કે તેમના આશ્ચર્ય વચ્ચે અચાનક તેમણે નિહાળ્યું કે સેન્ટ એવિલાની ઉપર સ્વયં જિસસ ઊભા છે અને જજની તરફ અંગુલિનિર્દેશ કરીને ક્રોધિત મુખમુદ્રા સાથે જાણે જજને કહી રહ્યા છે કે જો તેણે સેન્ટ એવિલાને દોષિત જાહેર કર્યાં તો તે તેને જ જીવતા સળગાવી નાખશે! આવું દૃશ્ય જોઈને ન્યાયાધીશ તો બાપડા વિચલિત થઈ ગયા ને દ્વિધામાં પડી ગયા કે હવે શું નિર્ણય લેવો! આવી અસમંજસની અવસ્થામાં તેમણે જે લોકોએ સેન્ટ એવિલા પર આવા મિથ્યા આક્ષેપો કર્યા હતા એમની તરફ જ આંગળી ચીંધીને ચુકાદો આપ્યો કે આ લોકો જ દોષી છે તેમને જીવતા સળગાવી દો.

તો આ જગત-સંસારના નિયમોમાં ત્યાં સુધી રહેવું પડે છે, જ્યાં સુધી આપણે તેનાથી બંધાયેલા છીએ. જ્યાં સુધી આપણે સામાન્ય સ્તર પર રહીએ છીએ ત્યાં સુધી આ બધું કરતા રહીએ છીએ. પરંતુ જ્યારે સાધના કરતાં કરતાં આપણી ભીતરમાં ઓજસશક્તિ, આધ્યાત્મિક શક્તિનું પ્રાગટ્ય થાય છે અને આપણી કુંડલિની એક પછી એક ચક્રોને ભેદીને ઊર્ધ્વગમન કરે છે ત્યારે સંસારના નિયમો આપમેળે છૂટતા જાય છે.

આથી જ સ્વામીજી આપણને અહીં વેદાંત ફિલસૂફી સમજાવે છે તો આપણને ખ્યાલ આવે છે કે વેદાંતનું જ્ઞાન કેટલું વ્યવહારુ છે. બ્રહ્મ જ સત્ય છે ને જગત મિથ્યા છે—એમ માનીને શું આપણે સંસારમાં જીવિત રહી શકીશું? ના, નહીં રહી શકીએ. સાધુ-સંન્યાસીઓ માટે તો સ્વબચાવનું કોઈ પ્રયોજન નથી, પરંતુ સંસારી વ્યક્તિ પર કોઈ પ્રહાર કરે તો તેણે તો સ્વબચાવમાં પ્રતિપ્રહાર કરવો જ પડશે.

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.