શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ

આશ્રમના મેડિકલ સેન્ટર દ્વારા સંચાલિત શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સિ રિહેબિલિટેશન વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોની પ્રતિભા ખીલવવા વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં આશ્રમ તથા આસપાસની વિવિધ સંસ્થાઓના ૨૭૦ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નીલાંબરીબેન દવે મુખ્ય અતિથિરૂપે તેમજ પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનના ડાયરેક્ટર પૂજાબેન પટેલ વિશેષ અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના અંતે આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ, મુખ્ય અતિથિ તેમજ વિશેષ અતિથિના વરદ હસ્તે ૧૦૦ વિજેતા બાળકોને ઇનામરૂપે ડ્રોઈંગ કીટ તથા અન્ય સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યાં.

કલ્પતરુ દિવસની ઉજવણી

સોમવાર, ૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ કલ્પતરુ દિવસ નિમિત્તે આશ્રમ શ્રીમંદિરમાં સવારે ૬ થી સાંજે ૬ સુધી જપયજ્ઞ; બપોરે ભજનગાન અને સાંજે કલ્પતરુ ઘટના અંગેનું વાંચન કરવામાં આવ્યું હતું.

શ્રીમા શારદાદેવીની ૧૭૧મી જન્મતિથિની ઉજવણી

બુધવાર, ૩ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ શ્રીમા શારદાદેવીની ૧૭૧મી જન્મતિથિની ઉજવણી કરવામાં આવી. શ્રીમંદિરમાં વિશેષ પૂજા, હવન અને ભજન બાદ લગભગ ૧૫૦૦ ભક્તોએ પ્રસાદ લીધો. પૂજા દરમિયાન ભજન-કીર્તન કરવામાં આવ્યાં હતાં તેમજ અધ્યક્ષ દ્વારા શ્રીમા શારદાદેવીના જીવન અને સંદેશ વિષય પર પ્રવચન આપવામાં આવ્યું. સાંજે શ્રીમા-નામ-સંકીર્તન તથા ભજન કરવામાં આવ્યાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિર, રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પુનર્મિલન

આશ્રમ દ્વારા વર્ષ ૧૯૩૯થી શ્રીરામકૃષ્ણ વિદ્યાર્થી મંદિર કાર્યરત છે, જેમાં બહારથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ આશ્રમના પવિત્ર વાતાવરણમાં રહીને અભ્યાસ કરે છે તેમજ આશ્રમના આદર્શો અપનાવીને સાથે સાથે પોતાનું ચરિત્રનિર્માણ પણ કરે છે. ૭ જાન્યુઆરીના રોજ આશ્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પુનર્મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ૧૧૧ વિદ્યાર્થીઓ અને તેઓના લગભગ ૧૦૦ પરિવારજનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં જયદાનંદજી, ચિરંતનાનંદજી, મંત્રેશાનંદજી અને અનંતરાનંદજી મહારાજ કે જેઓ ભૂતપૂર્વ ગૃહપતિ રહી ચૂક્યા હતા અને તેમની સાથે નિકટતાથી સંકળાયેલા છે. વિદ્યાર્થીઓ તેમજ ગૃહપતિઓ દ્વારા જૂનાં સંસ્મરણો યાદ કરવામાં આવ્યાં, તેમજ વર્તમાન ગૃહપતિ સ્વામી ધર્મપાલાનંદજી દ્વારા વિદ્યાર્થીમંદિરની વર્તમાન સ્થિતિ જણાવવામાં આવી. આશ્રમ અધ્યક્ષ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એક પોર્ટલ નિર્માણ કરવા માટેની જાહેરાત કરાઈ.

૧૨ જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

યુવા શિબિર

રાજકોટ આશ્રમ દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨ જાન્યુઆરીના રોજ યુવા શિબિરનું આયોજન થયું હતું. શિબિરમાં ડૉ.નીલાંબરી દેવી, નોલેજ રિસોર્સિસ (પ્રા.) લિ. ના સી.ઇ.ઓ. તથા લીડ રિસર્ચર શ્રીનિવાસ વેંકટરામ અને રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ વક્તારૂપે ઉપસ્થિત રહ્યા. ડૉ.નીલાંબરી દેવીએ તેમના ઉદ્ઘાટન સંબોધનમાં યુવાનોને સ્વામી વિવેકાનંદને પોતાના આદર્શ ગણવા સૂચન કર્યું. નિખિલેશ્વરાનંદજીએ યુવાનોને સ્વામીજીનાં પુસ્તકો વાંચવાનું અને કારકિર્દી નિર્માણ સાથે ચરિત્રનિર્માણ કરવાનું માર્ગદર્શન આપ્યું. શ્રીનિવાસ વેંકટરામે યુવાનોને સ્વામી વિવેકાનંદના વિચારોને દૈનંદિન જીવનમાં આત્મસાત્‌ કરવા અપીલ કરી. કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું તથા દ્રશ્ય-શ્રાવ્ય પણ બતાવવામાં આવ્યું. શિબિરમાં લગભગ ૩૦૦ જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યા.

યુવા રેલી

રાજકોટ આશ્રમ તથા રાજકોટ પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસથી આશ્રમ પ્રાંગણથી ડિસ્ટ્રિક્ટ પોલીસ હેડક્વાર્ટર સુધી યુવારેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીને આશ્રમ અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરનંદજી તથા પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ (આઈ.પી.એસ.) દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ યુવાનોને સંબોધન પણ કર્યું.  રેલીમાં ૫૦૦ કરતાં વધુ યુવાનો જોડાયા.

શીતકાળ રાહત કાર્ય – ધાબળા વિતરણ

રાજકોટ આશ્રમ દ્વારા શીતકાળ રાહતકાર્ય અંતર્ગત રાજકોટ જિલ્લાના વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં ખેતમજૂરો, બાળકો તેમજ અસહાય લોકોને કુલ ૨૫૫ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું.

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.