(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. – સં.)

અહંકાર મનુષ્યને દંભી બનાવે છે, જ્યારે વિનમ્રતા તેમને શ્રદ્ધેય બનાવે છે. જેમ પરમાત્મા અહંશૂન્ય છે, તેવી જ રીતે આત્મસાક્ષાત્કારી પુરુષ પણ અહંશૂન્ય હોવો જોઈએ. વિનમ્રતા આધ્યાત્મિકતાની કસોટી છે.

દક્ષિણેશ્વરનું મંદિર-ઉદ્યાન અને મહેતર રસિકનું પાયખાનું સાફ કરીને શ્રીરામકૃષ્ણે વિનમ્રતાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. તેમણે ઉદ્યાનમાર્ગ વાળવાનું કાર્ય કર્યું છે અને માળી તરીકે પણ. શ્રીમાએ જયરામવાટીમાં પોતાના ભક્તોનાં વસ્ત્રો ધોયાં છે, તેઓ માટે ભોજન રાંધ્યું છે, પોતાના ઘરમાં સાફ-સફાઈ કરી છે, આંગણું વાળ્યું છે અને એવાં કેટલાંય ઘરેલું કાર્ય સ્વહસ્તે કર્યાં છે. દિવ્યાત્મા અને શ્રીરામકૃષ્ણ પરમહંસનાં લીલા-સહધર્મિણી રૂપે શ્રીમાને રસોઇયણ અને નોકરાણીની ફરજો બજાવવાની આવશ્યકતા ન હતી. છતાંય પોતાના ભક્તો અને આવનારી પેઢી સમક્ષ પોતાને એક આદર્શ રૂપે પ્રસ્તુત કરવા માટે શ્રીમાએ આવી પ્રવૃત્તિઓ આદરવાની આવશ્યકતા સમજી હતી.

શ્રીમાના જીવનનાં પાછલાં વર્ષોમાં તેઓ કૃશકાય થઈ જતાં, જયરામવાટીના બૃહદ્‌ પરિવાર માટે રાંધણકાર્ય અર્થે એક બ્રાહ્મણ રસોઇયણ નિયુક્ત કરવામાં આવી હતી. શ્રીમા તેને ‘માસી’ કહેતાં. રિવાજોનુસાર દુર્ગાપૂજાના અંતિમ દિને વરિષ્ઠોને આદર-માન પ્રદર્શિત કરવાનાં હોય છે, તેથી શ્રીમા રસોઇયણ બ્રાહ્મણીને પ્રણામ કરવા જતાં હતાં એટલામાં જ તેણે કહ્યું, ‘મા, આ શું? તમે જગન્માતા છો અને સર્વજન તમને પ્રણામ કરે છે. હું સાધારણ સ્ત્રી છું. હું તમારા પ્રણામ સ્વીકારી શકું નહીં.’ પરંતુ શ્રીમાએ આગ્રહ ચાલુ રાખ્યો. શ્રીમા તેને પ્રણામ કરીને બોલ્યાં, ‘એ તો સાચું છે, તમે મારાં માસી છો.’

સહાનુભૂતિનો સર્વનાં અંત:કરણમાં નિવાસ છે, પરંતુ તેનું સર્વત્ર પ્રાગટ્ય થતું નથી. શ્રીમાની સહાનુભૂતિ સર્વત્ર પ્રત્યેક માટે પ્રવાહિત થતી રહી, અને તેનું પ્રગટીકરણ તેમનાં પ્રેમ અને સેવા દ્વારા થતું રહ્યું. આપણને જોવા મળે છે કે સંદિગ્ધ ચારિત્ર્યશીલ નટીઓ પ્રત્યે પણ શ્રીમાની સહાનુભૂતિ વિસ્મયજનક હતી. નટીઓને તેમનું રૂપ-સૌંદર્ય અને સંપત્તિ શાંતિ પ્રદાન કરી શકતાં ન હતાં, તેથી તેઓ અવારનવાર ઉદ્‌બોધનમાં શ્રીમાનાં દર્શને આવતી.

કૌશિતકી ઉપનિષદ (૩.૮) મુજબ અંતર્યામી પરમાત્મા જેનો સાંસારિક જગતમાંથી ઉદ્ધાર કરવા ઇચ્છે છે, તેના દ્વારા સદ્‌કર્મો કરાવે છે. કેટલાક દરિદ્ર અને ઉપેક્ષિત જીવાત્માઓના ઉદ્ધાર અર્થે શ્રીમાએ દયાર્દ્ર બનીને તેમની સેવા સ્વીકારી છે. એક દિવસ શ્રીમાએ એક નવા છોકરાને કહ્યું, ‘બેટા, મારા માટે થોડાં પુષ્પો ચૂંટી લાવ. તું તો મારું રત્ન છે.’ છોકરાએ ઇન્કાર કર્યો, પરંતુ શ્રીમાએ આગ્રહ કર્યા કર્યો. અંતે છોકરો પૂજા માટે થોડાં પુષ્પ વીણી લાવ્યો. શ્રીમાને ઘણાં અંગત સેવક-સેવિકાઓ હતાં છતાં શ્રીમાએ ઉંમરલાયક એક ગરીબ ગ્રામ્ય મહિલાને પોતાના પગે તેલ ઘસવાનું કહ્યું. તે મહિલાએ જવાબ આપ્યો કે દિવસભરના શ્રમથી તે થાકી ગઈ છે અને તેને વિશ્રામની આવશ્યકતા છે. શ્રીમાએ દલીલ કરતાં કહ્યું, ‘જો, દીકરી! મને થોડી પગચંપી કરી આપ. તારા વિના આ કામ કોણ કરી શકવાનું છે?’ અંતે તે મહિલાએ નમતું જોખ્યું. આવી રીતે શ્રીમા કેટલાક જીવાત્માઓની તેમની અજાણતાં સેવા સ્વીકારતાં અને તેમના પર કૃપા કરતાં.

જે સદ્‌ભાગી લોકોને શ્રીમાના સંગમાં નિવાસ કરવાનું દુર્લભ સૌભાગ્ય મળ્યું હતું તેઓને જ્ઞાત થયું હતું કે ધર્મ એટલે અમૃતમય, નૈસર્ગિક, આનંદપૂર્ણ બાબત; તેમના મતે પવિત્રતા અને પાવનપણું ઇન્દ્રિયગમ્ય વાસ્તવિકતા હતાં, પવિત્રતાની સુગંધ તેમના મતે હતી સાંસારિક સ્વાર્થપરાયણતાની દુર્ગંધને ઢાંકતી અને તેનો નાશ કરતી મધુર સુવાસ. કરુણા, ભક્તિ, ઈશ્વર-તાદાત્મ્ય હતાં તેમના સ્વભાવનાં મૂળ અંગ. કોઈને ભાગ્યે જ ખ્યાલ આવતો હતો કે શ્રીમા આવા ગુણ-સંપન્ન હતાં. શબ્દ કે સ્પર્શના આશીર્વચનથી વ્યક્તિને આ ગુણ-સંપન્નતાનો બોધ થતો. આવાં પાવન જીવન સરોવર કે નદી સમાન હોય છે. સૂર્યનારાયણ તેનું જળ શોષી લે છે પરંતુ પુન: ભૂમિને તૃપ્ત કરી દે છે. દેહવિલય થતાં આવા મહાત્માઓ આપણી દૃષ્ટિથી ઓજલ થાય છે પરંતુ તેમની પાવનકારી અસર આપણાં નષ્ટભ્રષ્ટ અંત:કરણને પુનર્જીવિત કરે છે. આપણને નૂતન આધ્યાત્મિક જીવન અને તે માટેનું નવીન બળ અર્પિત કરે છે.

Total Views: 422

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.