(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા)

દ્રોણાચાર્યનું આગમન

ગૌતમના પુત્ર કૃપાચાર્યને કૌરવો અને પાંડવોને ધનુષવિદ્યાનું અને યુદ્ધકળાનું શિક્ષણ આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. જ્યારે તે લોકો આ વિદ્યાઓમાં નિપુણ થઈ ગયા ત્યારે ભીષ્મ તેઓને હજુ વધુ ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે એક અન્ય આચાર્યની શોધ કરવા લાગ્યા. આ કાર્ય માટે તેમણે દ્રોણાચાર્યને નિયુક્ત કર્યા.

દ્રોણાચાર્ય ભારદ્વાજ ઋષિના પુત્ર હતા. પાંચાલના રાજા પૃષત ભારદ્વાજના ઘનિષ્ઠ મિત્ર હતા. રાજકુમાર દ્રુપદ દરરોજ તેમની સાથે રમવા માટે અને તેમની સાથે બેસી અભ્યાસ માટે ભારદ્વાજ મુનિના આશ્રમમાં આવતા હતા. રાજા પૃષતના મૃત્યુ પછી દ્રુપદ પાંચાલોના રાજા બની ગયા. લગભગ એ જ અરસામાં દ્રોણના પિતાનું નિધન થયું. તેઓ અધ્યયન, અધ્યાપન અને તપસ્યામાં પોતાનો સમય વિતાવતા. તેમનાં લગ્ન કૃપાચાર્યની બહેન કૃપી સાથે થયાં હતાં. તેમનો સ્વભાવ અતિ સરળ હતો. તેમને એક પુત્ર થયો અને તેનું નામ અશ્વત્થામા રાખ્યું.

તેમણે સાંભળ્યું કે સુપ્રસિદ્ધ પરશુરામે પોતાની બધી સંપત્તિ બ્રાહ્મણોને દાન કરી દીધી છે. દ્રોણાચાર્ય પણ તેમની પાસે ગયા અને તેમનાં દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પરશુરામે કહ્યું, ‘સોનું વગેરે મારી બધી સંપત્તિનું દાન હું કરી ચૂક્યો છું, હવે મારી પાસે કેવળ મારું શરીર અને મારાં શક્તિશાળી અસ્ત્રો જ બચ્યાં છે. હું કાં તો મારું શરીર અથવા મારાં અસ્ત્રો તમને આપવા તૈયાર છું.’ દ્રોણે વિનયપૂર્વક તે બધાં અસ્ત્રો માગી લીધાં અને અતિ પ્રસન્ન થઈ પરત ફર્યા.

એક દિવસ અશ્વત્થામાએ કેટલાંક બાળકોને દૂધ પીતાં જોયાં. તે દૂધ માટે હઠ કરવા લાગ્યો. દ્રોણ ગરીબ હતા તેથી તેમની પાસે પોતાના પુત્રને આપવા માટે દૂધ ન હતું. તેઓ ગાય માગવા અનેક લોકો પાસે ગયા, પરંતુ ખાલી હાથે પાછા આવ્યા. આ દરમિયાન અશ્વત્થામાના કેટલાક મિત્રોએ ચોખાના લોટમાં પાણી મેળવી તેને પીવા માટે આપ્યું. તે પીતાં પીતાં બિચારા બાળક અશ્વત્થામાને થયું કે તેણે દૂધનો સ્વાદ ચાખી લીધો છે. અંતે દ્રોણે તેમના જૂના મિત્ર દ્રુપદ પાસે જવાનો નિર્ણય કર્યો, જે તે સમયે પાંચાલોના રાજા બની ગયા હતા.

દ્રુપદ પાસે જઈને તેમણે દ્રુપદને મિત્ર તરીકે સંબોધન કર્યું. પરંતુ ધન અને સત્તાના નશામાં ચકચૂર બનેલા દ્રુપદે કહ્યું, ‘હે બ્રાહ્મણ, મહાન રાજા લોકો કદી તમારા જેવા દરિદ્ર અને અસભ્ય લોકોના મિત્ર ન હોઈ શકે. ગરીબ અને ધનવાન વચ્ચે, વિદ્વાન અને અજ્ઞાની વચ્ચે તેમજ વીર અને કાયર વચ્ચે ક્યારેય મિત્રતા ન હોઈ શકે.’ આ વાતો સાંભળીને દ્રોણને ગુસ્સો આવ્યો. આ વાતનો સખત બદલો લેવાના સંકલ્પ સાથે તેઓ મહેલની બહાર નીકળી ગયા અને હસ્તિનાપુર તરફ ચાલી નીકળ્યા. તેઓ જઈને પોતાના સાળા કૃપાચાર્યના ઘેર રોકાઈ ગયા.

એક દિવસ, કુરુવંશના રાજકુમારો જે દડાથી રમતા હતા તે દડો એક કૂવામાં પડ્યો. તે લોકોએ એને કાઢવા ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ સફળ ન થયા. દ્રોણ થોડે દૂર ઊભા રહી આ બધું જોઈ રહ્યા હતા. તેઓ વિનમ્રભાવે હસતાં હસતાં બોલ્યા, ‘તમે લોકો ખુદને ક્ષત્રિય કહીને બહુ અભિમાન કરો છો! તમારી અસ્ત્ર-શસ્ત્ર ચલાવવાની વિદ્યાને ધિક્કાર છે. તમે લોકો કૂવામાંથી એક દડો પણ કાઢી શકતા નથી. જો તમે મારા માટે કંઈક ખાવા-પીવાની વ્યવસ્થા કરો તો હું ઘાસનાં આ તણખલાંથી તમારો દડો જ નહિ, મારી આ વીંટીને પણ કૂવામાં નાખી રહ્યો છું તેને બહાર કાઢી લઈશ.’ આટલું કહીને દ્રોણે પોતાની વીંટી કાઢી અને તેને એ સૂકા કૂવામાં નાખી દીધી. એક મુઠ્ઠી ઘાસનાં તણખલાં લઈને દ્રોણ બોલ્યા, ‘જુઓ, હું આમાંથી એકેએક તણખલાને દડામાં ખૂંચાડી દઈશ અને પછી હું એક પછી એક તણખલાને જોડી જોડીને એક સાંકળ બનાવી દઈશ. એ સાંકળને ખેંચીને હું દડાને બહાર કાઢી લઈશ.’ દ્રોણે જેમ કહ્યું હતું, એ જ રીતે કરતા જોઈને રાજકુમારો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાર પછી તેમણે ધનુષ ઉપાડીને એક તીર ચલાવ્યું, જે જઈને વીંટીમાં ખૂંચી ગયું અને તે વીંટી સાથે જ બહાર આવી ગયું.

ભીષ્મે જ્યારે આ ઘટના સાંભળી ત્યારે બહુ પ્રભાવિત થઈ ગયા. તેમણે દ્રોણને જ રાજકુમારોના સલાહકાર તરીકે નિયુક્ત કરવાનો નિશ્ચય કર્યો. ભીષ્મે તેમને આમંત્રિત કરી તેમનું સન્માન કરતાં કહ્યું, ‘હું આ બાળકોની જવાબદારી તમને સોંપું છું. તેમને અસ્ત્ર-શસ્ત્ર ચલાવવાની વિદ્યામાં પારંગત બનાવી દો. કુરુવંશની સમગ્ર સંપત્તિ તમારા હસ્તક રહેશે. આજથી કુરુવંશના લોકો તમારા થયા.’

દ્રોણે તેમને શિક્ષણ આપવાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. તેઓએ બાળકોને કહ્યું, ‘હું તમારો ગુરુ બનવા તૈયાર છું. તમને શિક્ષણ આપવા બદલ મારે બહુ નાનકડી દક્ષિણા જોઈએ છીએ. મને અત્યારે જ વચન આપો કે તમે લોકો તેને પૂરું કરશો.’ કુરુવંશના રાજકુમારો મૌન રહ્યા, પરંતુ અર્જુને કંઈ પણ જાણ્યા વિના જ તેમની ઇચ્છા પૂરી કરવાનું વચન આપી દીધું. દ્રોણ તેને ભેટી પડ્યા અને તેને બધાં જ માનવીય અને દિવ્ય અસ્ત્રોની વિદ્યા શીખવવાનું વચન આપ્યું. તેમણે શિક્ષણ આપીને અર્જુનને સૌથી કુશળ અને તેજ ગતિથી બાણ ચલાવનાર ધનુર્ધર બનાવ્યો. દ્રોણ જ્યારે કુરુ રાજકુમારો અને સાથે સાથે તેમના પોતાના પુત્રને પણ શિક્ષણ આપતા ત્યારે તેઓ તે સૌને પાણી ભરી લાવવા માટે મોકલતા. તેઓ અશ્વત્થામાને પહોળા મોઢાવાળું વાસણ આપતા, જેથી તે અન્ય બાળકો કરતાં વહેલો પાણી ભરી પાછો આવે અને તે તેને વધુ અને સારી વિદ્યા શીખવી શકે. અર્જુન આ વાત જાણી ગયો અને તેણે વરુણાસ્ત્રની સહાયતાથી તાત્કાલિક પોતાનું પાત્ર ભરી લેવાનો ઉપાય શોધી કાઢ્યો. હવે તે અશ્વત્થામાની સાથે જ પાણી લઈ પાછો આવી જતો. ફળસ્વરૂપે તેની તાલીમ પણ અશ્વત્થામાની સરખામણીમાં જરા પણ ઓછી ન રહી.

દ્રોણે એક દિવસ રસોઇયાને બોલાવીને કહ્યું, ‘એ વાતનું ધ્યાન રાખજે કે અર્જુનને ક્યારેય અંધારામાં ખાવા ન દેવો.’ કેટલાક દિવસો પછી જ્યારે અર્જુન ભોજન કરતો હતો ત્યારે હવાની એક ભારે લહેરથી દીવો ઓલવાઈ ગયો અને અર્જુને નછૂટકે અંધારામાં યંત્રવત્ ખાવું પડ્યું. આથી તેના મનમાં અંધારામાં પણ તીર ચલાવવાનો અભ્યાસ કરવાનો વિચાર આવ્યો. તેની કુશળતા જોઈને દ્રોણ તેને ભેટી પડ્યા અને કહ્યું, ‘હું તને વચન આપું છું કે આ દુનિયામાં તારી બરાબરી કરી શકે તેવો બીજો કોઈ તીરંદાજ નહિ હોય.’

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.