(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા)

આ પછી પણ માછીમાર અવઢવમાં હતો. તે બોલ્યો, ‘મહાશય, હમણાં જ તમે જે પ્રતિજ્ઞા કરી તે બહુ પ્રશંસાને પાત્ર છે અને તમારી પાસેથી એ જ આશા હતી. પરંતુ મને કેમ વિશ્વાસ બેસે કે તમારા પુત્રો પણ આપના આ વચનનું પાલન કરશે? મારી આ શંકા માટે મને ક્ષમા કરો; પરંતુ હું એક કન્યાના પિતા તરીકે આ વાત કહી રહ્યો છું અને તેની ભલાઈ જ મારી એકમાત્ર ઇચ્છા છે.’

એ પછી દેવવ્રત બોલ્યા, ‘તો મારી વાત ફરી એક વાર સાંભળી લો. હમણાં જ મેં સિંહાસન પરથી મારા અધિકારનો ત્યાગ કર્યો છે અને હવે, આ બધા અમલદારો અને દરબારીઓની ઉપસ્થિતિમાં હું એક વધુ પ્રતિજ્ઞા કરું છું. હું ક્યારેય લગ્ન નહિ કરું. હું જીવનભર બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા કરું છું. ભલે મારે કોઈ સંતાન ન હોય તોપણ મને સ્વર્ગ પ્રાપ્ત થઈ જશે.’

જેવી દેવવ્રતે આ પ્રતિજ્ઞા લીધી કે તરત જ અપ્સરાઓ, દેવતા, યક્ષ અને ગાંધર્વો તથા ઋષિગણ આકાશમાંથી તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યાં. સમગ્ર બ્રહ્માંડમાં ‘ભીષ્મ! ભીષ્મ!’ અવાજ ગુંજવા લાગ્યો.” ભીષ્મનો અર્થ છે—તે વ્યક્તિ જેમણે કોઈ ભયંકર વ્રત ધારણ કર્યું હોય. એ પછી દેવવ્રત ભીષ્મના નામથી જ ઓળખાવા લાગ્યા.

રાજકુમાર દેવવ્રતની પ્રતિજ્ઞા સાંભળીને માછીમાર આનંદથી નાચી ઊઠ્યો. તેણે તરત જ રાજા શાન્તનુ સાથે પોતાની પુત્રીના લગ્નની સહમતી આપી દીધી. ત્યાર બાદ દેવવ્રતે માછીમારની પુત્રીને સંબોધીને કહ્યું, ‘માતા, આપ આ રથ પર સવાર થાઓ અને મારી સાથે ઘરે પધારો.’

સત્યવતીએ તેના પિતાની વિદાય લીધી અને હસ્તિનાપુર જવા માટે રવાના થયાં. સત્યવતીને સાથે લઈ ભીષ્મ સીધા પોતાના પિતા પાસે જઈ પહોંચ્યા અને સઘળી હકીકત તેમને કહી સંભળાવી. તેમની વાત સાંભળીને અને પિતા પ્રત્યેનો તેમનો સાચો પ્રેમ જોઈને સમગ્ર રાજ-દરબારીઓ પ્રસન્ન થયા. દેવવ્રતે જે ઇચ્છાશક્તિ થકી આ મહાન પ્રતિજ્ઞા કરી હતી તે વિષયમાં સાંભળીને સહુ કોઈ આશ્ચર્ય વ્યક્ત કરીને આનંદના આવેગમાં બોલી ઊઠ્યા, ‘તમે સાચે જ ભીષ્મ (ભીષણ) છો.’

બધા લોકોએ એક સ્વરે યુવાન રાજકુમારનાં સાહસ અને ઉપલબ્ધિઓની પ્રશંસા કરી. પોતાના પ્રિય પુત્રના બલિદાન અંગે વિચારીને રાજા શાન્તનુ એટલા તો ભાવવિભોર બની ગયા કે દેવવ્રત પ્રતિ પોતાની કૃતજ્ઞતા કેમ વ્યક્ત કરવી તેની તેઓને સમજ ન પડી.

રાજા આનંદાશ્રુ વહાવતાં તેમના પુત્રને ભેટી પડ્યા અને તેમને ખૂબ આશીર્વાદ આપતાં કહ્યું, ‘હું તને ઇચ્છામૃત્યુનું વરદાન આપું છું. તું આ સંસારમાં જેટલા પણ દિવસ રહેવા માગીશ, તેટલા દિવસ રહી શકીશ. તારી ઇચ્છા થાય ત્યારે જ મૃત્યુ તારા પર અધિકાર મેળવશે. તું સ્વયં જ્યારે મૃત્યુ ઇચ્છશે ત્યારે જ મૃત્યુ પામીશ.’

સત્યવતીના પુત્રો

શાન્તનુ તથા સત્યવતીના બે પુત્રો થયા— ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. ચિત્રાંગદ સાહસિક અને બુદ્ધિમાન હતા, જ્યારે વિચિત્રવીર્ય ધનુર્વિદ્યામાં કુશળ હતા. શાન્તનુના મૃત્યુ બાદ ભીષ્મે પોતાના વચનનું પાલન કર્યું અને ચિત્રાંગદને રાજસિંહાસન પર બેસાડ્યા. ગાંધર્વોના રાજાનું નામ પણ ચિત્રાંગદ હતું. તેને મનમાં ઈર્ષ્યા થઈ અને તેણે પોતાના નામવાળા શાન્તનુના પુત્રને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. તેઓ ગંગાજીના કિનારે ત્રણ વર્ષ સુધી લડતા રહ્યા. તે ભયંકર યુદ્ધમાં ચિત્રાંગદ ગાંધર્વોના હાથે માર્યા ગયા. ભીષ્મે તેમની અંતિમક્રિયા સંપન્ન કરી. વિચિત્રવીર્યની ઉંમર હજુ રાજા બનવા જેટલી ન હતી, તેથી સત્યવતીના આગ્રહથી ભીષ્મ રાજકુમારના માર્ગદર્શક બન્યા.

વિચિત્રવીર્ય યુવાન થયા ત્યારે ભીષ્મે તેમને રાજા બનાવ્યા. ભીષ્મે અને સત્યવતીએ તેમના લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ભીષ્મે સાંભળ્યું હતું કે કાશીનરેશને ત્રણ વિવાહ-યોગ્ય પુત્રીઓ છે, જેઓ માટે એક સ્વયંવરનું આયોજન થવાનું હતું. આ સ્વયંવર સમારોહમાં કન્યા પોતે જ પોતાના પતિની પસંદગી કરવાની હતી. ભીષ્મ પોતાના રથમાં સવાર થઈ વિના વિલંબે કાશી જવા રવાના થયા.

Total Views: 199

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.