સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે.

આ શક્તિની આરાધનાની સંકલ્પના-વિચાર ફક્ત આપણા હિન્દુ ધર્મમાં જ જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મમાં જિસસને અવતાર ગણવામાં આવે છે તેમજ બુદ્ધ ભગવાનને આપણે અવતાર માનીએ છીએ. (જો કે, એ લોકો નથી માનતા.) પરંતુ તેમણે કોઈ શક્તિના માધ્યમથી ધર્મચક્ર-પ્રવર્તનનો આરંભ કર્યો હોય એવો કોઈ દાવો તેઓ કરતા નથી. તેઓ માને છે કે અવતારની સ્વયંની જ આધ્યાત્મિક ઉપલબ્ધિઓ છે, જેનાથી જગતનું કલ્યાણ થાય છે. અન્ય કોઈ શક્તિનો આશ્રય લેવાની તેમને જરૂર નથી.

આપણા હિન્દુ ધર્મની ફિલસૂફી છે કે જ્યારે પણ પૃથ્વી પર અવતાર અવતીર્ણ થાય છે ત્યારે સાથે સાથે શક્તિનો પણ પ્રાદુર્ભાવ થયો છે, અને આ શક્તિના માધ્યમથી જ અવતારે જગત્‌ કલ્યાણનું મહત્‌ કાર્ય પ્રારંભ કર્યું છે.

સર્વમાં ઓતપ્રોત થઈ રહેલ અદૃશ્ય બ્રહ્મરૂપી આદ્યાશક્તિ આ યુગમાં ફરીથી યુગાવતારની સહધર્મિણીરૂપે અવતીર્ણ થઈ, એક બાજુ જેમ પરમપુરુષની લીલાને પુષ્ટ કરે છે. તેમ, બીજી બાજુ એ જ રીતે માનવસમાજને અમંગલથી દૂર રાખી પોતાનો મહિમા જીવનમાં બધાં જ ક્ષેત્રમાં વિસ્તારી, ભાવિ ભારતવર્ષને તેમજ સારાયે વિશ્વને અભ્યુદયને રાજમાર્ગે ચડાવે છે.

મહારાજજી આગળ લખે છેઃ બ્રહ્મરૂપિણી અદૃશ્યા આદ્યાશક્તિ. હવે આ અદૃશ્યા શક્તિ મહારાજજીએ શા માટે લખ્યું છે? એ પણ સમજવાની જરૂર છે. શક્તિ તો સંપૂર્ણ જગતમાં સચરાચર વ્યાપ્ત છે. આ દૃશ્યમાન જગત શક્તિનો જ ખેલ છે. પરંતુ જેમ કે, આપણે જાણીએ છીએ કે ઑક્સિજન વિના આપણે એક ક્ષણ પણ જીવી શકતા નથી. પણ આપણે ક્યારેય હવા કે ઑક્સિજન વિશે વિચારતા જ નથી, કારણ કે એ આપણને સહજ લભ્ય છે. આપણે જન્મથી ઑક્સિજન ગ્રહણ કરતા આવીએ છીએ, તેથી તેનું કોઈ વિશેષ મૂલ્ય આપણને નથી. તેવી જ રીતે માનો સ્નેહ, માનો પ્રેમ આપણે બાળપણથી પ્રાપ્ત કરતા આવ્યા છીએ. આપણા લાલનપાલનમાં જ તેમણે પોતાનું સંપૂર્ણ જીવન વ્યતીત કર્યું છે. તો જે સર્વવ્યાપી છે, તેની મહત્તા આપણે ક્યારેય સમજી શકતા નથી. જ્યારે તેની હાજરી ન હોય ત્યારે જ તેનું મહત્ત્વ આપણે સમજી શકીએ છીએ.

આદ્યશક્તિ તો જગતના કણ કણમાં વ્યાપ્ત છે, તો તેને આપણે કેવી રીતે જોઈ શકીએ? સ્વામીજીએ એક ખૂબ સુંદર દૃષ્ટાંત આપ્યું છે. હોલિસ્ટર નામનો એક છોકરો અમેરિકામાં રહેતો હતો. એક વાર સ્વામીજી તેની સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. તેણે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વર ક્યાં છે? આપણે કેમ તેને જોઈ શકતા નથી. તો સ્વામીજીએ તેને પૂછ્યું કે શું તું તારી આંખને જોઈ શકે છે? ખરેખર તો એ તારી સૌથી વધુ નજીક છે. આ જ આંખથી તું સંપૂર્ણ જગતનું નિરીક્ષણ કરે છે. તો જે આંખના માધ્યમથી તું સમસ્ત વિશ્વને નિહાળી શકે છે, તે જ આંખને તું સ્વયં જોઈ શકતો નથી! તેવું જ ઈશ્વરની બાબતમાં છે. ઈશ્વર તારી અત્યંત નિકટ છે. તારી સર્વે ઇન્દ્રિયો આ ચૈતન્યની શક્તિથી જ ચાલિત છે. જો આ ચૈતન્ય ચાલ્યું ગયું તો આપણે એક મૃતશરીર બની જઈશું. સાધના કરવાથી બહિર્મુખ ઇન્દ્રિયો અંતર્મુખ બનશે અને આ અંતર્મુખ, સુસંસ્કૃત ઇન્દ્રિયો દ્વારા તું તારી ભીતરમાં બિરાજમાન ઈશ્વરનાં દર્શન કરી શકીશ.

એ આદ્યશક્તિ બ્રહ્મમયી જે સર્વરૂપિણી છે તે પરમ પુરુષની અવતાર લીલાનું પૂર્તિવિધાન કરે છે. અવતાર જો કોઈ અભયદાન આપે છે, તો તેની વાણીની પાછળની પ્રચંડ શક્તિ આ આદ્યશક્તિ છે. ખૂબ રસપ્રદ વાત છે કે ૧લી જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ જ્યારે ઠાકુર કાશીપુર ઉદ્યાનગૃહમાં ઉપસ્થિત સર્વેને ‘તમને ચૈતન્ય પ્રાપ્ત થાઓ’ના આશીર્વાદ આપી રહ્યા હતા. ત્યારે ઠાકુર પોતાના ઓરડામાંથી ઘણા સમયે બહાર નીકળ્યા હતા હોવાથી એમના ત્યાગી શિષ્યો ચાદર, ગાદલું, તકિયા વગેરેને સ્વચ્છ કરવામાં વ્યસ્ત હતા. તો તેઓ અવતારનું કાર્ય કરશે પણ અવતારના આશીર્વાદ લેવા માટે લાલાયિત નથી. એ સમયે શ્રીમા ક્યાં હશે તેનું અનુમાન કરીએ તો મને વ્યક્તિગત રીતે લાગે છે કે ઠાકુર જ્યારે બધાને સ્પર્શ કરીને આશિષ આપતા હતા ત્યારે શ્રીમા કદાચ ધ્યાનમગ્ન હશે અને પોતાની શક્તિ ઠાકુર પાછળ લગાવી હશે.

એક તરફ તો આ શક્તિ અવતારના કાર્યમાં સહાયભૂત થઈ છે ત્યારે બીજી તરફ આ વિશ્વનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાના મહિમાનો પ્રસાર કર્યો છે અને ભારતના ભાવિ ઉત્થાનમાં પોતાનું યોગદાન આપ્યું છે. અહીંયાં મહારાજ બે-ત્રણ વાત કરે છે. સર્વપ્રથમ તો અવતારના કાર્યકલાપોમાં શક્તિએ સહાયતા આપી છે, બીજું કે વિભિન્ન ક્ષેત્રોમાં પોતાના મહિમાનો પ્રસાર કર્યો છે અને ત્રીજું કે ભારત અને વિશ્વના ઉત્થાન માટે નવ-અભ્યુદયના રાજમાર્ગ પર તેને ચાલિત કરી દીધાં છે. ઠાકુર સાથે અવતીર્ણ થઈને કઈ રીતે શ્રીમા તેમને સહાયભૂત થયાં તેનાં ઘણાં ઉદાહરણો છે. પરંતુ વિભિન્ન ક્ષેત્રોમાં પોતાના મહિમાનો પ્રસાર કર્યો. તો પ્રશ્ન થાય કે વિભિન્ન ક્ષેત્રો કયાં? મા તો નિરક્ષર હતાં. તે ન તો લખી શકતાં કે ન તો સ્વામીજીની જેમ પ્રવચન આપી શકતાં. શ્રીમા કાલી મહારાજ, શરત્‌ મહારાજ કે હરિ મહારાજની જેમ વિદેશ જઈને પ્રચાર-પ્રસાર કરી શકતાં ન હતાં. તો વિભિન્ન ક્ષેત્રોમાં પ્રચાર-પ્રસારનો અર્થ છે કે વિભિન્ન ક્ષેત્રોના સાધકો, ભક્તો શ્રીમા પાસે આશીર્વાદ ગ્રહણ કરવા તથા મંગલકામના કરવા માટે આવતા હતા.

એક નાનકડું ઉદાહરણ છે મહર્ષિ અરવિંદનું. ભારતના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં એમના યોગદાન વિશે આપણે જાણીએ છીએ. રામકૃષ્ણ મિશનના એક પુસ્તકમાં મેં વાંચ્યું છે. મહર્ષિ અરવિંદનાં પત્ની માનાં આશીર્વાદ લેવા માટે આવ્યાં હતાં અને મા પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી. શ્રીઅરવિંદ પણ તેમનાં પત્ની સાથે આવ્યા હતા. પરંતુ ઉદ્‌બોધનના પ્રથમ માળે તેમનાં પત્ની જ માને મળવા ગયાં હતાં. શ્રીઅરવિંદ અન્ય સાધુ-સંન્યાસીઓ સાથે નીચે જ બેઠા હતા. તો શ્રીઅરવિંદ જે એવો દાવો કરતા હતા કે તેમનો રામકૃષ્ણ ભાવધારા સાથે કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી એ દાવો અહીંયાં ખોટો સાબિત થાય છે.

આમ, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો મા પાસે આવ્યા અને તેમના આશીર્વાદ ગ્રહણ કરીને પોતપોતાના ક્ષેત્રમાં મહાન યોગદાન આપ્યું. પુરાણા ભારતમાં વિદેશીઓ પાસેથી આપણા દેશના લોકો સતત એવું જ સાંભળતા રહ્યા કે તમારી સંસ્કૃતિ, તમારા મહાપુરુષો, તમારાં દેવી-દેવતાઓ શક્તિહીન છે માટે જ તમે ગુલામ બની બેઠા છો. હજારો વર્ષોથી આપણી પ્રજા આ જ સાંભળતી આવી હતી. ઠાકુર ખૂબ જ સુંદર દૃષ્ટાંત આપે છે કે જેવી રીતે હજારો વર્ષોથી બંધ અંધારા ઓરડામાં જો જ્યોતિ પ્રગટાવવામાં આવે તો શું ધીરે ધીરે કરીને અંધકાર દૂર થશે કે તત્ક્ષણ જ પ્રકાશ પથરાઈ જશે. એ જ પ્રકારે હજારો વર્ષોની ગુલામી ભારતમાં હતી. પરંતુ ઠાકુર, મા તથા સ્વામીજીના પ્રાદુર્ભાવથી ભારતમાં નવ-અભ્યુદયની લહેર ફેલાઈ ગઈ. ભારતવાસીઓના મનમાં એક નવા ઉત્સાહનો સંચાર થયો. ઠાકુર, મા, સ્વામીના  પ્રાદુર્ભાવનાં ૨૦૦ વર્ષોમાં જ તેનો પ્રભાવ જોઈ શકાય છે. આજે ભારત વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે.

આ પુસ્તકના લેખક શ્રી ગંભીરાનંદજી મહારાજે ઉપનિષદો પરના શાંકરભાષ્યનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. આજે આ ભાષાંતર એટલું પ્રમાણભૂત માનવામાં આવે છે કે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં આ ભાષાંતર શીખવવામાં આવે છે. આ વિશ્વવિદ્યાલયને આપણા દેશની એક અત્યંત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા માનવામાં આવે છે. મહારાજજી એક તરફ જ્યાં શાસ્ત્રચર્ચામાં પારંગત હતા, બીજી બાજુ તેઓ એક ઉચ્ચ કોટિના સાધક પણ હતા. આમ, સાધના કરીને તથા હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કરીને તેમણે જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું, તેનો સારાંશ, નિચોડ—આ પૃથ્વી પર આદ્યશક્તિનો આવિર્ભાવ શા માટે થાય છે, તેનું શું પ્રયોજન છે વગેરે—તેમણે આ પુસ્તકમાં આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે.

એટલે જ તેમની બન્નેની કૃપાદૃષ્ટિથી કૃતાર્થ થયેલ સ્વામી વિવેકાનંદ તેમને વંદના કરતાં કહે છે: ‘સેવક છું તમ યુગલનો, શક્તિ સહિત નમું તવ પદે.’ જેમ, શ્રીભગવાન કોઈ મહાનિયમ અનુસાર અવતાર ધારણ કરે છે તેમ, એવા જ નિયમ અનુસાર શક્તિનો આવિર્ભાવ થાય છે અથવા તો એમ કહી શકાય કે અગ્નિ અને તેની દાહિકા શક્તિ જેમ અભિન્ન છે તેમ જ ઈશ્વર અને તેની શક્તિ અભિન્ન છે.

આગળ મહારાજજીએ લખ્યું છે કે તેથી જ સશક્તિક શ્રીરામકૃષ્ણના કૃપાપાત્ર સ્વામી વિવેકાનંદ કૃતાર્થ થઈને સવિનય પ્રણામ કરીને કહે છે કે, “હું આપનો દાસ છું, અને આપની જે સશક્તિક લીલા છે, અવતરણ છે તેને કોટિ કોટિ નમન કરું છું.”

ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતરણ કરે છે, તેના વિષયમાં ઘણું બધું ચિંતન-મંથન કરવામાં આવ્યું છે; તેની એક પરંપરા-પ્રથા-ધારા છે. તે જ પ્રમાણે શક્તિનો આવિર્ભાવ થાય છે તેની પણ એક રીતિ, પ્રણાલી છે. આપણે ભગવાન વિષ્ણુના અવતારો, શ્રીકૃષ્ણ, શ્રીરામ, ચૈતન્ય મહાપ્રભુ, શ્રીરામકૃષ્ણ વગેરેના વિશે આપણાં શાસ્ત્રો, પુરાણો, શ્રીમદ્‌ ભાગવદ્‌, વાલ્મીકિ રામાયણમાં તેનું વિસ્તૃત વર્ણન મળે છે. પરંતુ આદ્યાશક્તિનું અવતારની સાથે જે અવતરણ છે, તેનું મહત્ત્વ પશ્ચિમ  અને ઉત્તર ભારતમાં એટલું સમજવામાં નથી આવ્યું, જેટલું પશ્ચિમ બંગાળમાં સમજવામાં આવ્યું છે. બંગાળ હંમેશાંથી શક્તિ-સાધનાની ભૂમિ રહી છે. અવશ્ય, ગુજરાતમાં મા આદ્યાશક્તિ, મા જગદંબાનો પ્રભાવ છે. જે રીતે બંગાળમાં દુર્ગાપૂજા છે, તેમ ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે. પરંતુ બંગાળની વિશેષતા છે—શક્તિનો અવતારની સાથે સંબંધ. આ વિષય પર ગુજરાતમાં હજુ પર્યાપ્ત માત્રામાં સંશોધન થયું નથી. અહીં આદ્યાશક્તિની આરાધના તો ગામેગામ પ્રચલિત છે. પરંતુ આદ્યાશક્તિનો અવતાર સાથે સંબંધ, અવતારની સાથે જ અવતરણ તથા અવતારની શક્તિ રૂપે ધર્મપ્રવર્તનનું, નવઅભ્યુદયનું જે મિશન છે તેમાં સહાયતા—આ વિષય પર હજુ સંશોધન થયું નથી.

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।

अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम्।।4.7।।

અર્થાત્‌ જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થશે, દુરાચારનો અભ્યુદય થશે, દૈત્યગણોનો અત્યાચાર ઋષિગણો પર વધી જશે, ત્યારે ત્યારે હું પૃથ્વી પર અવતાર ધારણ કરીશ અને અસુરોનો સંહાર કરીશ. ભગવાનનું આ વચન ભગવદ્‌ ગીતામાં છે, જે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ સાથે સાથે શક્તિ પણ આવિર્ભૂત થાય છે, શક્તિની સહાયથી અવતાર આ જગતમાં ધર્મના અભ્યુદયનો પોતાનો સંકલ્પ સાધિત કરે છે. આ વિષયમાં ભગવદ્‌ ગીતા, મહાભારત કે રામાયણમાં કોઈ વિશેષ ઉલ્લેખ જોવા મળતો નથી. એ માટે આપણે શક્તિ-સાધનાના ગ્રંથોનો અભ્યાસ કરવો જરૂરી છે. આપણી રામકૃષ્ણ ભાવધારામાં એક બાજુ અવતારનું પૃથ્વી પર અવતરણ અને તેની સમજ તથા બીજી બાજુ આદ્યાશક્તિ મા જગદંબાનો આ ધરાતલ પર આવિર્ભાવ—આ બંને પ્રવાહો સમાંતરે વહે છે. આ બંને ધારાઓનો સુંદર સંગમ રામકૃષ્ણ ભાવધારામાં નિહાળી શકાય છે.

તેઓનો અવતાર ધારણ કરવાનો એક જ ઉદ્દેશ, એક જ કાળ અને એક જ નિયમ હોવા છતાં, પુરુષ દેહ તથા નારી દેહ ધારણ કરીને એ જુદી જુદી રીતે કાર્યસિદ્ધિ કરે છે. તેથી અસ્તિત્વનું જુદાપણું ન હોવા છતાં કરુણામયી શક્તિના આવિર્ભાવની જુદી રીતે વિચારણા કરવામાં ખાસ સાર્થકતા છે.

અગ્નિ અને તેની દાહિકા-શક્તિ બંને અભિન્ન છે. અગ્નિમાંથી જે ઊર્જા નિષ્પન્ન થાય છે, તે શક્તિ અગ્નિની દાહિકા-શક્તિ છે. તે જ રીતે અવતાર તથા મહામાયા એકબીજાનાં અભિન્ન અંગ છે. ઈશ્વર અને ઈશ્વર-શક્તિ બંનેના દેહધારણનો ઉદ્દેશ્ય એક જ છે. એક જ કાર્યસિદ્ધિ માટે, એક જ સમયે પૃથ્વી પર અવતરણ કરે છે. છતાં પણ અવતારનો પુરુષદેહ છે, જ્યારે શક્તિનો નારીદેહ છે. આથી તેમના દેહની સંરચના મુજબ બંનેની કાર્યસિદ્ધિ ભિન્ન ભિન્ન પ્રકારે થાય છે. અવતાર કહો કે મહામાયા કહો, ઠાકુર કહો કે શ્રીમા કહો, શ્રીરામ કહો કે માતા સીતા કહો, શ્રીકૃષ્ણ કહો કે માતા રાધિકા—આ બંનેની પાછળ એક જ અદ્વૈત સત્તા બિરાજમાન છે. એક જ અભિન્ન સત્તાનાં એ બે પાસાં છે. છતાં પણ નારીદેહ ધારણ કરવાથી જનની કરુણામયી મહામાયા કઈ રીતે અવતારકાર્ય કરે છે, તે જાણવા-સમજવા માટે એક અલગ પ્રકારે ગ્રંથની રચના કરવાનું પ્રયોજન છે.

આપણને થશે કે મહારાજે આવું કેમ કહ્યું હશે કે મા શારદાદેવીની એક અલગ પ્રકારે જીવની લખવાની આવશ્યકતા છે? કેમ કે, કેટલાક લોકો એવું કહી શકે કે ઠાકુરના સાક્ષાત્‌ શિષ્ય શરત્‌ મહારાજે ઠાકુરની જીવની લખી છે. આ પુસ્તકમાં તેમણે શ્રીમા વિશે પણ ઘણી ચર્ચા કરી છે. મા-ઠાકુરનું સર્વપ્રથમ મિલન કઈ રીતે થયું હતું, તેમના વિવાહ સમયે કયા કયા પ્રસંગો બન્યા હતા, ઠાકુરે માની ષોડશીપૂજા કરીને પોતાની બધી જ આધ્યાત્મિક સિદ્ધિ માનાં શ્રીચરણોમાં અર્પણ કરી હતી—આ બધું તો લીલાપ્રસંગમાં વિસ્તૃત રૂપે વર્ણિત છે જ. આ પ્રશ્નનો ઉત્તર મહારાજ કંઈક આ રીતે આપે છે કે અવતાર અને શક્તિનું કાર્ય ભિન્ન છે, તેથી મા શારદાની અલગથી જીવની લખવી આવશ્યક છે.

Total Views: 89

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.