20મી મે, ભગવાન બુદ્ધની જન્મજયંતી પ્રસંગે

[પ્રસ્તુત લેખ, શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પરકાશિત “Thus spake Buddha”ના ભાષાંતરનો અંશ છે. ભાષાંતરકાર – શ્રીમતી રંજનબહેન જાની. –સં.]

ભગવાન બુદ્ધનો જન્મ કપિલવસ્તુ પાસે લુંબિનીમાં થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોદન અને માતાનું નામ માયાદેવી હતું. તેનું મૂળ નામ સિદ્ધાર્થ (પોતાના જીવનના ઉદ્દેશને સિદ્ધ કરનાર) હતું. પિતાએ બોલાવેલા વિદ્વાન બ્રાહ્મણ જ્યોતિષીએ આ બાળકને  જોતાવેંત જ કહ્યું : “અલૌકિક લક્ષણોવાળો આ બાળક સમગ્ર દુનિયાનો ‘મુક્તિ’દાતા બનશે.” અને રાજાને ચેતવણી આપતાં તેણે ઉચ્ચાર્યું : “કોઈ રોગી વૃદ્ધ કે શબને એ ક્યારેય જોશે તો સંસારનો ત્યાગ કરશે.” આથી રાજાને ચિંતા થઈ અને નાની ઉંમરમાં જ તેના લગ્ન કરી નાખ્યાં. વૈભવ વિલાસના સર્વ સાધનોથી પૂર્ણ એક વિલાસ ભવનમાં રાજાએ તેને બાંધી રાખવા પ્રયાસ કર્યો. પણ ભાવિને કોણ મિથ્યા કરી શકે ? એક દિવસ કુમાર સિદ્ધાર્થ આ સંસારને જોવા શહેરમાં નીકળી પડ્યા. આખા શહેરમાં ઉત્સાહ હતો. રસ્તાઓ શણગારવામાં આવ્યા હતા. આ શહેરમાં ફરતાં-ફરતાં સિદ્ધાર્થે વૃદ્ધને, રોગીને અને શબને જોયાં. સારથિ દ્વારા એને ખ્યાલ આવ્યો કે દરેક જીવંત પ્રાણીને આ જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ અનિવાર્ય છે. આ દૃશ્ય જોઈ એનું મન ખળભળી ઊઠ્યું અને તે ઊંડા ચિંતનમાં ડૂબી ગયા. છેવટે તેણે એક સંન્યાસીને પણ જોયો.

રાજભવનમાં પાછા ફરતાં પત્ની યશોધરાએ પુત્રને જન્મ આપ્યાના શુભ સમાચાર મળ્યા. આ સમાચારથી આનંદિત થવાને બદલે સિદ્ધાર્થના મનમાં વિચાર આવ્યો. – “આ વળી એક નવું બંધન.” પોતાના જીવન પ્રયોજનને પૂર્ણ કરવા – સત્યની શોધ માટે, નિર્વાણ કે મુક્તિ પ્રાપ્તિ માટે – સંસાર ત્યાગ કરવાનો તેણે પાકો નિર્ણય કરી લીધો હતો. અંતે સર્વસ્વનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી તેઓ બોધિગયા પહોંચી ગયા. બોધિવૃક્ષની નીચે સતત છ વર્ષની કઠિન તપસ્યા બાદ તેમને આત્મજ્ઞાન લાધ્યું. અને તેઓ બોધિસત્ત્વ-બુદ્ધ બન્યા. તેમણે પોતાના પૈગામનો પ્રચાર કરવાનું શરૂ કર્યું.

વારાણસી પાસેના સારનાથમાં તેમણે પ્રથમવાર ઉપદેશ આપ્યો. પૂરાં 45 વર્ષ સુધી તેમણે આ ધર્મસંદેશ આપતાં-આપતાં એક સુવ્યવસ્થિત સંઘની સ્થાપના કરી. અને પોતાનું અવતારકાર્ય પૂર્ણ કર્યું. 80 વર્ષની ઉંમરે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેઓ મહાનિર્વાણ પામ્યા. વૈશાખી પૂર્ણિમાને દિવસે જ તેમનો જન્મ થયો હતો, તેમને કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત થયું હતું. તેથી વૈશાખી પૂર્ણિમા પવિત્ર ગણાય છે.

ભગવાન બુદ્ધનું જન્મસ્થાન લુંબિની, આત્મજ્ઞાન પ્રાપ્તિનું સ્થાન બુદ્ધગયા; પ્રથમ ઉપદેશ આપવાનું સ્થળ સારનાથ; મહાનિર્વાણ સ્થાન કુશિનારા – એ પવિત્ર તીર્થસ્થાનો છે, જે ધર્મપ્રેરણા અને પ્રાયશ્ચિત્તની ભાવનાને પ્રસરાવે છે.

માત્ર ‘એશિયાનો પ્રકાશ’ નહિ પરંતુ સમગ્ર ‘પૃથ્વીના પ્રકાશ’ – ભગવાન બુદ્ધ વિષે મહાત્મા ગાંધીજી કહે છે : “બુદ્ધના ઉપદેશોનો મુખ્ય ભાગ હિંદુધર્મનું સંલગ્ન અંગ બની ગયું છે. ગૌતમ બુદ્ધે હિંદુધર્મમાં જે મહાન સુધારા કર્યા, તેનું પાલન ન કરવું અથવા તેનાથી વિરુદ્ધ વર્તવું એ હિંદુ ભારત માટે અસંભવ છે. તેમણે પોતાના મહાન ત્યાગ, તીવ્ર વૈરાગ્ય અને પરમ પવિત્રતા દ્વારા જે અમીટ છાપ પાડી છે, તે માટે હિંદુ ધર્મ આ મહાન ઉપદેશકનો ઋણી છે. ગૌતમબુદ્ધ હિંદુધર્મના ઉત્તમોત્તમ તત્ત્વોથી પરિપૂર્ણ છે. નિરર્થક બની ગયેલા વેદોમાંના કેટલાક ઉપદેશને તેમણે નવજીવન આપ્યું છે.”

પ્રેમ અને કરુણાના મૂર્તિમાન ભગવાન બુદ્ધ તેમની કૃપાની અમીવૃષ્ટિ આપણા સૌ ઉપર કરો !

બુદ્ધના ઉપદેશ

 1. હત્યા ન કરો.
 2. ચોરી ન કરો.
 3. વ્યભિચાર ન કરો.
 4. અસત્ય ન બોલો.
 5. નિંદા ન કરો.
 6. કર્કશ વાણી ન બોલો.
 7. વ્યર્થ વાતો ન કરો.
 8. અન્યની સંપત્તિની અભિલાષા ન રાખો.
 9. તિરસ્કાર-ઘૃણા ન કરો.
 10. ન્યાય-નીતિપૂર્વક વિચારો.

પુણ્ય કર્મ

 1. સુપાત્રને દાન આપો.
 2. નીતિનિયમોનું પાલન કરો.
 3. સદવિચારનો અભ્યાસ અને તેની વૃદ્ધિ કરો.
 4. બીજાની સેવા શુશ્રુષા કરો.
 5. માતાપિતા તથા વડીલોનું સન્માન કરો.
 6. પોતાના પુણ્યના ભાગ અન્યને આપો.
 7. બીજાએ આપેલ પુણ્યનો સ્વીકાર કરો.
 8. સદધર્મના સિદ્ધાંતને સાંભળો.
 9. સદધર્મના સિદ્ધાંતનો પ્રચાર કરો.
 10. પોતાના દોષોનું નિવારણ કરો.

ચાર આર્ય-સત્ય

 1. સંસાર દુઃખમય છે.
 2. એ દુઃખનું કારણ છે.
 3. એ દુઃખનું નિવારણ થઈ શકે છે.
 4. એ દુઃખ નિવારણનો માર્ગ હાથવગો છે.

પંચશીલ

 1. હિંસા ન કરવાના આદેશને પાળો.
 2. ચોરી ન કરવાના ધર્મના આદેશનું પાલન કરો.
 3. વ્યભિચાર ન કરવાનો ધર્મનો આદેશ સ્વીકારો.
 4. અસત્ય ન બોલવાનો ધર્મનો આદેશ સ્વીકારો.
 5. મદ્યપાન ન કરવાના ધર્મના આદેશનું પાલન કરો.

અષ્ટાંગ માર્ગ

 1. સમ્યક્ દૃષ્ટિ [અંધશ્રદ્ધા અને ભ્રમણાવિહીન-આર્યસત્યોનું જ્ઞાન]
 2. સમ્યક્ સંકલ્પ [ઉચ્ચ અને ઉદાત્ત મેઘાયુક્ત-સંકલ્પ]
 3. સમ્યક્ વચન [નમ્ર નિખાલસ, સત્યનિષ્ઠ વાણી]
 4. સમ્યક્ કર્મ [શાંતિનિષ્ઠ પવિત્ર કર્મ]
 5. સમ્યક્ આજીવ [પ્રાણીમાત્ર પ્રતિ આઘાત, ભય કે હાનિ ન કરે તેવી આજીવિકા]
 6. સમ્યક્ વ્યાયામ [આત્મશિક્ષણ તથા આત્મસંયમ માટેના પ્રયત્ન]
 7. સમ્યક્ સ્મૃતિ [વિવેકશીલ, સક્રિય, સાવધાન મન]
 8. સમ્યક્ સમાધિ [જીવનના સત્ય વિષે ચિત્તની એકાગ્રતા]

ત્રણ ચેતવણી

 1. સૂક્લકડી (જીર્ણશીર્ણ) શરીરવાળા, ઝૂંપડીના ત્રિકોણ છાપરાં જેવાં વાંકાં અંગોવાળા, લાકડીના ટેકે લથડતા પગે ચાલતા, શિથિલ, દીર્ઘકાળથી યુવાવસ્થા ગુમાવેલા, બોખલા મુખવાળા, માથે પળિયાં આવેલ કે શિરકેશ વિહોણા, કરચલીયુક્ત ત્વચા-અંગોવાળાં એંશી, નેવું કે સો વર્ષની ઉંમરે પહોંચેલા વૃદ્ધ પુરુષ કે એવી સ્ત્રી શું તમે કદી જોયેલ નથી ? અને શું તમારા મનમાં એ વિચાર ક્યારેય આવ્યો નથી કે તમારો પણ આવો અંત આવશે અને તમારો પણ આમાંથી છૂટકારો નથી !
 2. વ્યાધિગ્રસ્ત, રોગપીડાથી અસ્વસ્થ, પોતાના જ મળમૂત્રમાં આળોટી રહેતાં અને બીજા ઉઠાડે ત્યારે ઊઠતાં તેમજ સૂવડાવે ત્યારે સૂતાં, એવાં સ્ત્રીપુરુષો તમે શું આ દુનિયામાં કદી જોયાં નથી ?

આ બધા રોગ-વ્યાધિથી તમે પર નથી, તમે તેનાથી પીડાવાના જ છો, આ વિચાર તમારા મનમાં ક્યારેય સ્ફૂર્યો નથી શું ?

 1. શું આ જગતમાં ક્યારેય તમે કોઈ સ્ત્રી કે પુરુષના શબને મૃત્યુના બે-ત્રણ દિવસ બાદ ફૂલીને સડી ગયેલું, કાળું ભઠ બની ગયેલું કે દુષિત સ્થિતિમાં નથી જોયું ?

અને ત્યારે તમારા મનમાં શું એ વિચાર ક્યારેય નથી આવ્યો કે તમારું મૃત્યુ પણ નિશ્ચિત છે અને તમે તેમાંથી છટકી શકશો નહિ ?

Total Views: 306
By Published On: May 1, 1989Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram