“ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી અટકો નહીં” – – ઉપનિષદનો આ મંત્ર આપણને સાદ કરે છે. અને ઘેરી અજ્ઞાન-નિદ્રામાંથી ઢંઢોળીને જગાડે છે. માનવને તે આદેશ આપે છે : “તમારામાં અનંત શક્તિ રહેલી છે. તેને પ્રગટ કરવા તમે સતત પ્રયત્નશીલ બનો. તમે જે ક્ષેત્રમાં હો. ત્યાં તમારી શક્તિનો પૂર્ણ ઉપયોગ કરી, તમારા કાર્યને દીપાવો. જેમ જેમ તમારામાં રહેલી સુપ્ત શક્તિને ખિલવવા તમે કોશિષ કરતા રહેશો, તેમ-તેમ એ વધુ ને વધુ બહાર આવશે. અને એથી તમારું જીવન ઉપકારક બનશે. એટલું જ નહિ, તમને પરમ વરદાન પ્રાપ્ત થશે. સાચી ચૈતન્યશક્તિનો ઉપયોગ સરસ રીતે કરવાથી સમાજમાં વિનાશકારી કાર્યો થતાં અટકશે અને સમસ્ત સમાજની ખરી શક્તિની જાગ્રતિથી આપણે આગળ વધી શકીશું; ધીમે-ધીમે પરમ ચૈતન્યની અભિવ્યક્તિ પણ આપણે, આ જ રીતે કરી શકીશું; અને જીવનનાં પૂર્ણત્વનાં ધ્યેયને, આત્મતત્ત્વને પણ પામી શકીશું.”

આપણા યુગપુરુષ સ્વામી વિવેકાનંદે ગુલામીમાં સપડાયેલી આપણી જનતાને જાગ્રત કરવા આ મંત્રથી ઢંઢોળી હતી. પોતાનું સત્ત્વ, નૂર, હીર ખોઈ બેઠેલી હિંદની પ્રજાને નીરખીને એમના હૃદયમાં પારાવાર દુઃખ થયું હતું. ઉપનિષદના આ મંત્રનો નાદ જગાવીને તેમણે ભારતના પ્રાણને ફરી ધબકતો કરી દીધો હતો. રાષ્ટ્રના લુપ્ત થયેલા વ્યક્તિત્વનો તેમણે ફરીથી વિકાસ કર્યો; તેમણે કહ્યું : “ઓ ભારતમાતાનાં સંતાનો ! ઊભા થાઓ. આ ગુલામીની જંજીરો ફગાવી દેવા પ્રયત્નશીલ બનો. સતત ગુલામીમાં પડી રહેવાથી તમે તમારી જાતને ઘેટાં જેવી માની બેઠા છો. પણ હું કહું છું કે તમે સિંહ છો. ઊઠો, જાગો અને તમારા રાષ્ટ્રીય ચારિત્ર્યને ફરીથી ખીલવીને તેનાં કલંકને દૂર કરો.” આ મંત્ર વૈદિક યુગમાં ઉચ્ચારાયો અને આ યુગમાં ઋષિ વિવેકાનંદે આ યુગની પ્રજાને સ્વાતંત્ર્ય માર્ગે જવાની પ્રેરણા આપવા ફરી તેનો નાદ જગાવ્યો. આપણા દેશને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું તેના મૂળમાં આ પ્રથમ પ્રયાસ હતો, જેણે અનેક લોકોને સ્વાતંત્ર્યવીર બનાવ્યા. અને રાષ્ટ્રના સર્વોદય તથા સર્વ સિદ્ધિ માટે એ જ મહામંત્રનું રટણ અને ગુંજન બધે જ આવશ્યક છે.

શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણમિશનના સહાયક સચિવ છે.

Total Views: 459

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.