સ્વામીજીનું કવન: ગાંધીજીનું જીવન

આજથી લગભગ 97 વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી: “હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી છે. અને ગર્વપૂર્વક ગર્જના કર કે, ‘હું ભારતવાસી છું. પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું પોકારી ઊઠ કે, ‘અજ્ઞાની ભારતવાસી ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી, દરેક ભારતવાસી મારો ભાઈ છે.’ તારી કમર પર પહેરવા ભલે માત્ર એક લંગોટી જ રહી હોય તોપણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર કે, ભારતવાસી મારો ભાઈ છે.”

આશ્ચર્યની વાત છે કે થોડાં જ વર્ષો પછી સ્વામીજીની આ વાણી સાકાર થઈ. એક વ્યક્તિ કમર પર નાનું વસ્ત્ર લપેટીને આખા દેશમાં ફરી ફરીને પોકારવા લાગી: “દરેક ભારતવાસી મારો ભાઈ છે.” આ વ્યક્તિ જ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. સ્વામીજી અને ગાંધીજી આ બે મહાપુરુષોનાં રાષ્ટ્રીય જીવન અને દર્શનનું તુલનાત્મક અધ્યયન કરનારને એમ જ લાગે કે સ્વામીજીના રાષ્ટ્રીય વિચારોનું મૂર્ત સ્વરૂપ એ જ જાણે ગાંધીજીનું જીવન.

બંને મહાપુરુષો સમકાલીન હોવા છતાં (ગાંધીજી સ્વામીજી કરતાં છ વર્ષે નાના હતા.) પ્રત્યક્ષ રીતે એકબીજાને મળ્યા નહોતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ધાર્મિક પ્રચારક તરીકે આવવા માટે સ્વામીજીને આમંત્રણ પાઠવ્યું હતું પણ સ્વામીજી જઈ શક્યા નહોતા. ગાંધીજી જ્યારે કલકત્તા કાઁગ્રેસ મહાસભામાં ભાગ લેવા આવ્યા ત્યારે જાન્યુઆરી, 1902માં સ્વામીજીને મળવા બેલુડમઠ ગયા હતા, પણ સ્વામીજીનું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે તેઓ એ વખતે કલકત્તામાં રહેતા હતા એવું જાણીને નિરાશ થઈને તે પાછા ફર્યા હતા. તેના છ મહિના પછી સ્વામીજીએ દેહત્યાગ કર્યો હતો. તોપણ આદર્શો અને વિચારોમાં બંને વચ્ચે અદ્‌ભુત સામ્ય હતું. સ્વામીજીનાં સ્વાધીનતા, જનજાગરણ, નારીજાગરણ, સર્વધર્મસમન્વય, સનાતનધર્મની પુનઃપ્રતિષ્ઠા, દરિદ્રનારાયણની સેવા, અસ્પૃશ્યતા-નિવારણ વગેરે વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટે જાણે કે ગાંધીજીનો જન્મ થયો હતો.

બે મહાન દેશભક્તો:

સ્વામીજીએ મદ્રાસમાં ‘મારી સમસ્યોજના’ વિષે ભાષણ આપતી વખતે ભાવિ દેશપ્રેમીઓને સાચા દેશપ્રેમીની વ્યાખ્યા આપતાં કહ્યું હતું:

“મારા ભાવિ દેશપ્રેમીઓ!લાગણી કેળવતાં શીખો. તમને લોકો માટે લાગણી છે? આ કરોડોની સંખ્યામાં રહેલા આપણા દેવોના અને ઋષિમુનિઓના વંશજો પશુત્વની નજીક પહોંચી ગયા છે. તમને એ માટે જરાય દિલમાં લાગી આવે છે? આજે લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને લાખો લોકો યુગો થયાં ભૂખમરો સહન કરતા આવ્યા છે, તેને માટે તમારા દિલમાં કાંઈ થાય છે? તમને એમ કદી થાય છે કે આ અજ્ઞાનનો અંધકાર આપણા દેશ પર ઘનઘોર વાદળાંની પેઠે છવાઈ ગયો છે? તમને એ હલાવી નાખે છે? તમારી ઊંઘ એનાથી ઊડી જાય છે ખરી? એ તમારા રક્તમાં પ્રવેશીને તમારી નાડીઓ દ્વારા હૃદયના ધબકારાની સાથે તાલ પુરાવે છે ખરો? એણે તમને પાગલ કરી મૂક્યા છે ખરા? આ સર્વનાશી દુઃખના એકમાત્ર ખ્યાલે તમને ભરખી લીધા છે ખરા? આને માટે તમે તમારું નામ, તમારો યશ, તમારી કીર્તિ, તમારી સ્ત્રી, તમારાં બાળકો, તમારી સંપત્તિ, તમારી માલમિલકત, અરે તમારો દેહ સુદ્ધાં, વીસરી બેઠાં છો ખરા? તમે એવું કંઈ અનુભવ્યું છે? દેશપ્રેમી થવાનું પહેલું જ પગથિયું આ છે. તમારામાંના ઘણાખરાને ખબર છે કે હું અમેરિકા ગયો તે પેલી વિશ્વ ધર્મપરિષદ માટે નહીં પણ લોકો પ્રત્યેની આ કરુણાનું ભૂત મારા અંતરમાં ભરાઈ બેઠું હતું. તેથી હું ભારતભરમાં બાર-બાર વરસ સુધી ભટક્યો હતો પણ મારા દેશબાંધવોને માટે કાર્ય કરવાનો કોઈ રસ્તો મને મળતો નહોતો; એ કારણસર હું અમેરિકા ગયેલો. એ વખતે મને પિછાનનારા તમારામાંના ઘણાખરા એ બાબત જાણો છો. એ વિશ્વ ધર્મપરિષદની કોને પરવા હતી? અહીં તો મારું પોતાનું લોહી ને માંસ, મારાં ભાંડુઓ રોજ ને રોજ ખલાસ થયે જતાં હતાં, પણ એની કોને પડી હતી? મારું એ પહેલું કાર્ય હતું.

ત્યારે તમને કદાચ લાગણી તો થઈ. પણ કેવળ મોંએથી થૂંક ઉડાડવામાં તમારી શક્તિનો વ્યય કરવા કરતાં, તમે કોઈ ઉપાય શોધી કાઢ્યો છે? તિરસ્કારને બદલે કંઈક સહાય, લોકોનાં દુઃખો હળવાં કરવાને માટે મીઠાશભર્યાં વચનો, આ જીવતા નરકમાંથી તેમને બહાર કાઢવા માટેનો કોઈ વ્યવહારું ઉકેલ તમને જડ્યો છે? અને છતાંય, એ કંઈ સર્વસ્વ નથી. તમારામાં પર્વતપ્રાય મુશ્કેલીઓને પાર કરવાની ઇચ્છાશક્તિ છે? દુનિયા આખી તમારી સામે હાથમાં તલવાર લઈને જો ખડી થઈ જાય, તોપણ તમે જે સાચું માનો છો તે કરવાની તમારામાં હિંમત છે? તમારાં સ્ત્રીપુત્રાદિ તમારી વિરુદ્ધમાં હોય, તમારો પૈસો બધો ખલાસ થઈ જાય, તમારી કીર્તિને માથે પાણી ફરી વળે, તમારી સંપત્તિ સાફ થઈ જાય, તે છતાં તમારી માન્યતાને વળગી રહો ખરા? તે છતાં તમે તેની પાછળ પડીને તમારા ધ્યેય પ્રતિ મક્કમતાથી આગળ વધ્યે જાઓ ખરા?”

આમ સ્વામીજીએ એક સાચા દેશભક્ત માટે ત્રણ અનિવાર્ય શરતો રાખી હતી: દેશવાસીઓ માટે લાગણી, તેઓના દુઃખનિવારણ માટે વ્યવહારું ઉકેલ અને દૃઢ ઇચ્છાશક્તિ. આ ત્રણેય શરતો પ્રમાણે સ્વામીજી પછી કોઈ સૌથી મહાન દેશભક્ત હોય તો તે હતા ગાંધીજી. ગાંધીજીએ પોતે સ્વીકાર્યું હતું કે સ્વામીજીનાં લખાણો વાંચીને તેમની દેશભક્તિ સહસ્રગણી વધી ગઈ હતી.

દક્ષિણ આફ્રિકા વિષે સ્વામીજી:

ભારતના ભાગ્યવિધાતાએ ભારતમાતાને વિદેશી રાજ્ય, વિદેશી સંસ્કૃતિ અને ધર્મ તથા ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે આઝાદીની શોધમાં, પોતાનાં બે મહાન સંતાનોને એક જ વર્ષે વિદેશ મોકલ્યાં! આ એક અદ્‌ભુત સંયોગ જ કહી શકાય. 1893માં જ સ્વામીજી વિશ્વ ધર્મપરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા અને સમસ્ત વિશ્વમાં તેમણે ભારતીય સંસ્કૃતિ અને ધર્મની મહાનતાનો ઝંડો ફરકાવ્યો અને એ જ વર્ષે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં જઈ બ્રિટિશ રાજ્ય સામે અસહકાર આંદોલનના તેમણે બીજ વાવ્યાં. ગાંધીજીને કદાચ ખબર ન હતી કે દક્ષિણ આફ્રિકામાં તેમણે કરેલું કાર્ય ભવિષ્યના સ્વરાજ્ય આંદોલન માટે પાયારૂપ બનશે. પણ આનાં એંધાણ આશ્ચર્યજનકરૂપે સ્વામીજીએ પૂર્વે જ આપી દીધાં હતાં. યુગદ્રષ્ટા સ્વામીજીને લાગતું હતું કે દક્ષિણ આફ્રિકામાં કરેલું કાર્ય ભારત માટે સૌથી વધારે કલ્યાણકારક નીવડશે. માટે તેઓ પોતાના ગુરુભાઈ સ્વામી શિવાનંદજી મહારાજને ત્યાં મોકલવા માગતા હતા, જોકે તે શક્ય ન બન્યું. સ્વામીજીએ સ્વામી શિવાનંદજીને 27 ડિસેમ્બર, 1897ના પત્રમાં લખ્યું હતું: “મદ્રાસથી જેને તમે સાચી રીતે જાણો છો તે મુંબઈ-ગિરગામવાળા શ્રીયુત સેતલૂર આફ્રિકામાં વસતા હિંદીઓની ધાર્મિક જરૂરિયાતોની દેખભાળ કરવા કોઈને આફ્રિકા મોકલવા માટે મને લખે છે. અલબત્ત, એ માણસને આફ્રિકા મોકલવા માટેનો અને બીજો બધો ખર્ચ પણ તે ઉપાડશે. અત્યારે તો એ કામ બહુ અનુકૂળ નહીં નીવડે તેવો મને ભય છે; પણ ખરેખર રીતે તે એક પૂરેપૂરા તૈયાર થયેલ માણસનું કાર્ય છે. તમને ખબર છે કે ત્યાંના ગોરા લોકોને આ વસાહતીઓ ગમતા નથી. ભારતવાસીઓની દેખભાળ રાખવી અને સાથે સાથે કોઈપણ જાતનો કલેશ ઉત્પન્ન ન થાય તેવી મગજની સમતુલા જાળવવી તે જ ત્યાં કામ છે. કોઈ તાત્કાલિક પરિણામની આશા ન રાખી શકાય. પણ આજ સુધી ધરાયેલાં બધાં કાર્યો કરતાં લાંબેગાળે તે ભારતને માટે વધારે કલ્યાણકારક નીવડશે. તમે આ બાબતમાં તમારું નસીબ અજમાવો એવી મારી ઇચ્છા છે.3 ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે, સ્વામીજીની આ પૂર્વાગાહી કેટલી ખરી ઊતરી હતી. દક્ષિણ આફ્રિકાનું કાર્ય જ ભારતની સ્વાધીનતા અને સત્યાગ્રહ આંદોલનના પાયારૂપ બન્યું હતું અને એ અદ્‌ભુત કાર્ય સંપન્ન થયું હતું – ‘એક પૂરેપૂરા તૈયાર થયેલ માણસ’ મહાત્મા ગાંધી દ્વારા!

ગાંધીજીની અભિનવ શક્તિનો પરિચય સ્વામીજીને જેમ અજાણતાં થયો હતો તેવી જ રીતે ગાંધીજીને સ્વામીજીની અદ્‌ભુત યોગ્યતાનો પરિચય અજાણતાં જ થયો હતો. ગાંધીજીની ઇચ્છા હતી કે સ્વામીજી પોતે દક્ષિણ આફ્રિકા આવે. તેમણે પોતાની આ ઇચ્છા પ્રગટ કરતાં મુંબઈના હાઈકોર્ટના વકીલ શ્રી બી. એન. ભાજેકરને 23મી ફેબ્રુઆરી 1898ના પત્રમાં લખ્યું હતું:“યુરોપિયન પદ્ધતિ પ્રમાણે કાર્ય કરવાવાળો ધર્મોપદેશક અહીં સફળ નહિ થાય; …શું સ્વામીજીને જ અહીં આવવા માટે સમજાવી ન શકાય? તેમના કાર્યને સફળ કરવા માટે હું બનતું બધું કરીશ. તેઓ ભારતીયો અને યુરોપિયનો બંને વચ્ચે કાર્ય કરી શકે. હું ધારું છું કે તેઓ નિમ્નતમ અને ઉચ્ચતમ ભારતીયોની વચ્ચે મુક્તપણે વિચરે છે. જો તેઓ આવે તો એક વાત તો અવશ્ય થશે. તેઓ યુરોપિયનોને પોતાની અદ્‌ભુત વાકશક્તિ દ્વારા અભિભૂત કરી દેશે. અને કદાચ તેઓને સમ્મોહિત કરી નાછૂટકે ‘કુલીઓ’ને ચાહતા કરી નાખશે… જો તમે ચાહો તો આ પત્ર તેમની સામે રાખી શકો છો.”4 આ પત્ર શ્રી ભાજેકરે સ્વામીજીને મોકલાવી દીધો હતો, ત્યારે તેઓ કાશ્મીરમાં પ્રવાસ કરી રહ્યા હતા. ઇચ્છા હોવા છતાં સ્વામીજી દક્ષિણ આફ્રિકા ન જઈ શક્યા.

સાચા મહાત્મા:

ગાંધીજીને આપણે ‘મહાત્મા’ તરીકે ઓળખતા થયા તેનાં ઘણાં વર્ષો પહેલાં જ સ્વામીજીએ ‘મહાત્મા’ શબ્દની જે વ્યાખ્યા આપી હતી તે જાણે કે ગાંધીજીને અનુલક્ષીને કહી હોય તેમ લાગે છે. તેમણે 1894ના પત્રમાં લખ્યું હતું:“ગરીબ લોકો માટે જેનું હૃદય દ્રવે તેને હું ‘મહાત્મા’ કહું છું, નહિ તો એ ‘દુરાત્મા’ છે.”5 આ જ પત્રમાં તેમણે લખ્યું હતું:“ભારતવર્ષના લાખો પદદલિત લોકો માટે આપણે દરેકે અહર્નિશ પ્રાર્થના કરવી જોઈએ. એમને માટે અહર્નિશ પ્રાર્થના કરજો. કુલીન અને ધનિક લોકો કરતાં આવા લોકોને ધર્મનો ઉપદેશ આપવાની હું વધુ પરવા કરું છું. હું નથી કોઈ તત્ત્વજ્ઞાની કે નથી કોઈ ફિલસૂફી કે નથી કોઈ સંત, કેવળ એક ગરીબ છું ને હું ગરીબને ચાહું છું. આ ગરીબ માનવીઓને જ તમે ઈશ્વર સમજો.”6

સ્વામીજીની જેમ જ ગાંધીજીએ પણ પોતાનું જીવન ગરીબોની સેવામાં, દરિદ્રનારાયણની સેવામાં અર્પી દીધું હતું. બંને મહાપુરુષોમાં ગરીબો પ્રત્યેની આ ઊંડી લાગણીનું કારણ પણ એક જ હતું – બંનેએ ભારતના પદદલિતો, ગરીબોના જીવનને નિકટથી નિહાળ્યું હતું. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી 1887થી 1893, એ છ વર્ષો સુધી સ્વામીજીએ ભારતભરનું પરિભ્રમણ પરિવ્રાજકરૂપે કર્યું હતું અને આમજનતાના જીવનને, તેમની સમસ્યાઓને, તેમનાં દુઃખોને નિકટથી નિહાળ્યાં હતાં. તેવી જ રીતે ગાંધીજીએ પણ 1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરી સૌપ્રથમ કાર્ય પહેલાં પાંચ વર્ષો ભારતભરનું ભ્રમણ કરી લોકોનાં દુઃખો અને સમસ્યાઓને સમજવામાં ગાળ્યાં હતાં.

દરિદ્રનારાયણની સેવા:

આચાર્ય વિનોબા ભાવેએ લખ્યું હતું: “દરિદ્રનારાયણ” શબ્દ સ્વામી વિવેકાનંદનું વિશેષ પ્રદાન છે. ‘દરિદ્રનારાયણ’ શબ્દ લોકમાન્ય તિલકને અત્યંત પ્રિય હતો. દેશબંધુ ચિત્તરંજનદાસે તેને જનપ્રિય બનાવી દીધો અને ગાંધીજી તેને ઘેર ઘેર લઈ ગયા. અને તે અનુસાર રચનાત્મક કાર્ય શરૂ કરી દીધું.”7

ફ્રેંચ મનીષી રોમાં રોલાંએ દીનબંધુ એન્ડ્રુઝને વાર્તાલાપના પ્રસંગમાં (16 સપ્ટેમ્બર 1928) પૂછ્યું કે ગાંધીજીને સ્વામીજી સાથે સંકળાવવાવાળું બંધન ક્યું છે? જવાબમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “સ્વામી વિવેકાનંદની પાસેથી જ ગાંધીજીએ ‘નરનારાયણ, આર્તનારાયણ, દરિદ્રનારાયણ’એ મહામંત્ર મેળવ્યો હતો.”8

સ્વામીજી અને ગાંધીજી બંનેએ દરિદ્રનારાયણ સેવાનો ઉપદેશ આપ્યો હતો અને તેઓએ પોતપોતાના જીવનમાં તેનું આચરણ પણ કરી બતાવ્યું હતું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા અને ભારતમાં ગરીબોને કેવી રીતે સહાય કરી હતી, ગરીબ દર્દીઓની કેવી રીતે સેવા કરી હતી, ગરીબ મજૂરોને મિલમાલિકોના શોષણમાંથી કેવી રીતે મુક્ત કર્યા હતા, એ બધું તો હવે સર્વવિદિત છે. સ્વામીજીનું જીવન પણ આવા પ્રસંગોથી ભરપૂર છે. અહીં એક પ્રસંગ આલેખવો અસ્થાને નહિ ગણાય.

1902માં પૂર્વ બંગાળથી પાછા ફર્યા પછી સ્વામીજી બેલુડમઠમાં રહેતા અને બાળક જેવું સરળ જીવન ગાળતા. દર વર્ષે કેટલાંક સેંથાલી મજૂરો મઠમાં કામ કરતા. સ્વામીજી તેમની સાથે વિનોદ કરતા; તેમનાં સુખદુઃખોની વાતો સાંભળવી તેમને ગમતી. એક દહાડો કલકત્તાથી કેટલાએક પ્રતિષ્ઠિત ગૃહસ્થો મઠમાં સ્વામીજીને મળવા આવ્યા. તે દિવસે સ્વામીજીએ સેંથાલી મજૂરો સાથે એવી ઉષ્માભરી વાતો કરવા માંડી હતી કે આ ગૃહસ્થોના આગમનના તેમને ખબર આપવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું:“હમણાં હું આવી શકીશ નહિ; આ માણસો સાથે મને મજા પડે છે.” અને ખરેખર તે દિવસે સેંથાલી મજૂરોને છોડીને સ્વામીજી પેલા ગૃહસ્થોને મળવા ગયા નહિ.

મજૂરોમાંના એકનું નામ ‘કેષ્ટા’ (કૃષ્ણ) હતું. સ્વામીજી કેષ્ટાને ખૂબ ચાહતા. જ્યારે-જ્યારે સ્વામીજી તેની સાથે વાતો કરવા આવતા ત્યારે-ત્યારે કેષ્ટા સ્વામીજીને કહેતો:“સ્વામી બાપુ! અમે કામ કરતા હોઈએ ત્યારે તમે અમારી પાસે આવશો નહિ કારણ કે તમારી સાથે વાત કરવા જતાં અમારું કામ અટકે છે. અને દેખરેખ રાખનારા માલિક પાછળથી અમને ઠપકો આપે છે.” સ્વામીજી આ શબ્દોથી ગળગળા થઈ જતા અને કહેતા: “ના ના, તે કંઈ નહિ બોલે; તમારા દેશની કંઈક વાત કરો.” આમ કહીને તેમના સંસાર-વ્યવહારની વાતનો વિષય ચાલુ કરતા.

એક દિવસ સ્વામીજીએ કેષ્ટાને કહ્યું: “તમે એક દિવસ અહીં જમશો?” કેષ્ટાએ ઉત્તર આપ્યો:“તમારા સ્પર્શવાળું અન્ન અમે નહિ ખાઈએ; તમે અન્નમાં મીઠું નાખ્યું હોય તે જો અમે ખાઈએ તો અમે નાતબહાર થઈએ.” સ્વામીજીએ કહ્યું: “તમારે મીઠાવાળું શું કામ ખાવું? અમે તમારા માટે મીઠા વિનાનું શાક બનાવશું તો તમે તે ખાશો?” કેષ્ટાએ તે કબૂલ કર્યું. પછી સ્વામીજીની આજ્ઞાથી રોટી, શાક, મીઠાઈ, દહીં વગેરે પદાર્થો સેંથાલી મજૂરો માટે બનાવવામાં આવ્યા, અને તેમને જમવા માટે સ્વામીજીએ પોતાની પાસે બેસાડ્યા. ખાતાં ખાતાં કેષ્ટાએ કહ્યું: “સ્વામી બાપુ! તમે આવી બધી ચીજો ક્યાંથી લાવ્યા? આવું તો અમે કદી ખાધું નથી.” તેમને પેટ ભરીને ખવડાવીને સ્વામીજીએ કહ્યું: “તમે બધા નારાયણ છો, મૂર્તિમંત ઈશ્વર છો; આજે મેં નારાયણને ભોજન કરાવ્યું છે.” “દરિદ્રનારાયણ” એટલે દીનમાં રહેલા ભગવાનની સેવા – જેના વિશે સ્વામીજી કહેતા હતા તે – તેમણે  પોતે એક દિવસ આ રીતે કરી.

(ક્રમશઃ)

સંદર્ભ સૂચિ

  1. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 6 (1978), પૃ. સં. 141-142
  2. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 6 (1978), પૃ. સં. 141-142
  3. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 12 (1984), પૃ. સં. 223-224
  4. Vivekananda in the West New Discoveries Vol. iv, P. 508-509
  5. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 11 (1984), પૃ. સં. 242
  6. એજન
  7. વિશ્વવિવેક, પૃ. સં. 196
  8. ભારતવર્ષ: દિનપંજી (બંગાળી) પૃ. સં. 247
Total Views: 442

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.