બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય

સાચા અંતરથી હોય તો બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય. વૈષ્ણવો પણ ઈશ્વરને પામે, શાકતો પણ પામે, વેદાન્તવાદીઓ પણ પામે, બ્રાહ્મસમાજીઓ પણ પામે, તેમ જ મુસલમાન, ખ્રિસ્તી, તેઓ પણ પામે. અંતરથી હોય તો સહુ પામે. કોઈ કોઈ ઝઘડા કરી બેસે, એમ કહીને ‘કે અમારા શ્રીકૃષ્ણને ન ભજો તો કાંઈ નથી વળવાનું.’ અથવા ‘અમારી મા કાલીને નહિ ભજો, તો કાંઈ નહિ વળે.’ યા ‘અમારા ખ્રિસ્તી ધર્મને નહિ સ્વીકારો તો તમે નરકે જશો.’

આવા બધા વિચારો એકપંથિયા વિચારો, એટલે કે અમારો ધર્મ જ બરાબર, ને બીજા બધાનો ખોટો. એ વિચારો ખોટા. ઈશ્વરની પાસે જુદે જુદે માર્ગે થઈને પહોંચી શકાય.

વળી કોઈ કહે કે ‘ઈશ્વર સાકાર જ, નિરાકાર નહિ,’ એમ કહીને ઝઘડો! જે વૈષ્ણવ હોય તે વેદાન્તવાદીની સાથે ઝઘડો કરે. જો ઈશ્વરનાં સાક્ષાત્ દર્શન થાય તો બરાબર કહી શકાય. જેણે દર્શન કર્યાં છે તે બરાબર જાણે કે ઈશ્વર સાકાર તેમ જ નિરાકાર. એ ઉપરાંત ઈશ્વર કેટલાં રૂપે છે તે કહી શકાય નહિ. કેટલાક આંધળા એક હાથીને જોવા ગયા. એક જણે બતાવી દીધું કે આ જાનવરનું નામ હાથી. એટલે એ આંધળાઓ હાથીના શરીર પર હાથ ફેરવીને જોવા લાગ્યા. પછી તેમને પૂછવામાં આવ્યું કે હાથી કેવો? એક જણ કહે કે હાથી થાંભલા જેવો. એ આંધળાએ કેવળ હાથીના પગને જ સ્પર્શ કર્યો હતો. બીજા એક જણે કહ્યું કે હાથી સૂપડા જેવો. તેણે માત્ર એક કાનને જ હાથ લગાડી જોયો હતો. એ પ્રમાણે જેમણે સૂંઢ કે પેટને હાથ લગાડીને તપાસ્યો હતો તેઓ જુદી જુદી રીતે કહેવા લાગ્યા. તેમ જ ઈશ્વર સંબંધે છે. જેણે જેટલું જોયું, તે એમ માની બેસે કે ઈશ્વર આવો જ, એ સિવાય બીજો જરાય નહિ.

એક જણ જંગલ જઈ આવીને કહેવા લાગ્યો કે પેલા ઝાડ નીચે એક સુંદર લાલ પ્રાણી હું જોઈ આવ્યો. એ સાંભળીને બીજો કહેવા લાગ્યો, ‘હું તમારી પહેલાં જ એ ઝાડ નીચે ગયો હતો. પણ એ પ્રાણીને લાલ શેનું કહો છો? એ તો લીલું છે. મેં મારી આંખે જોયું છે.’ ત્રીજાએ કહ્યું એને હું બરાબર જાણું છું. તમારી પહેલા હું ત્યાં જઈ આવ્યો છું. તે પ્રાણી મેં પણ જોયું છે. એ લાલેય નથી તેમ લીલુંય નથી. મારી સગી આંખે જોયું છે કે તે છે વાદળી. બીજા બે જણા હતા તેઓએ કહ્યું કે પીળું, બદામી, એમ જુદા જુદા રંગનું. આખરે એ બધા વચ્ચે તકરાર થઈ. સૌ માને કે પોતે જે જોયું છે તે જ સાચું. તેમને ઝઘડતા જોઈને એક માણસે પૂછ્યું: ‘ભાઈ, વાત શી છે? શા માટે લડો છો?’ જ્યારે બધાએ પોતપોતાની હકીકત કહી સંભળાવી ત્યારે તે બોલ્યો, ‘હું એ ઝાડ નીચે જ રહું છું અને એ પ્રાણી શું છે તે હું જાણું છું. તમે બધા જે જે કહો છો એ બધું ખરું છે. એ છે કાકીડો. એ ક્યારેક લાલ, ક્યારેક લીલો, તો ક્યારેક વાદળી, એમ જુદા જુદા રંગનો દેખાય. તેમ જ વળી ક્યારેક જોઉં તો તેનો કશો રંગ જ નહિ, નિર્ગુણ.

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ-1, પૃ. સં. 158-159)

Total Views: 475

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.