[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તા. 14-12-1981 ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલ આ પ્રવચનમાં તેમના સંસ્મરણો ઉપરાંત અન્ય સ્રોતોમાંથી એકત્રિત થયેલ વિશેષ માહિતીનો પણ સમાવેશ થયો છે. રામકૃષ્ણ મિશન, દિલ્હી દ્વારા પ્રકાશિત “Shri Sarada Devi – the Great Wonder’માંથી આ લેખ લેવામાં આવેલ છે.]

માતાજીને મળવા જતાં પહેલાં હું સૌ પ્રથમ બેલુર મઠ ગયો, ત્યારે ઈ. સ. 1916ના ઉનાળાનો મધ્ય ભાગ ચાલતો હતો. હું ત્યાં લગભગ બે મહિના રોકાયો. મને યાદ છે ત્યાં સુધી હું જૂન મહિનામાં જયરામવાટી ગયેલો. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ, સ્વામી પ્રેમાનંદજીએ મને ત્યાં જઈ રહેલી એક વ્યક્તિની ઓળખાણ કરાવી આપી, તેમ જ તેમણે શ્રીમાને લખેલો એક પત્ર પણ અમને આપ્યો અને અમે બંનેઓ જયરામવાટી તરફ અમારું પ્રયાણ શરૂ કર્યું. અમે હાવરા-મેદાન માર્ટીન કંપનીના રેલવે સ્ટેશને પહોંચ્યા, અને ત્યાંથી અમે ચાપાડાંગાની ટ્રેઈન પકડી. મને તે ખરેખર કેટલું દૂર છે તેની ખબર નહોતી, ગમે તેમ અમે બપોરે લગભગ ત્રણ-સાડા ત્રણે ઊપડ્યા અને રાત્રે સાડા આઠની આસપાસ ચાપાડાંગા પહોંચ્યા. માર્ટીન કંપની રેલવેની ગતિ ઘણી ધીમી હતી – ટ્રામકાર જેવી; અરે, કદાચ તેનાથી પણ ધીમી! આ જ ટ્રેઈનમાં મુસાફરી કરી રહેલા બે યુવાનો અમને ચાપાડાંગામાં મળ્યા. અમે બધાએ તે અર્ધા ઢંકાયેલા ઓરડા જેવા ચાપાડાંગા રેલવે સ્ટેશન પર જ રાત વિતાવી અને બીજે દિવસે અમે જયરામવાટી તરફ જવાનું ફરીથી શરૂ કર્યું. હજુ થોડા અંતરે જ પહોંચ્યા હોઈશું, ત્યાં અમારા કલકત્તાવાળા મિત્રોમાંનો એક બીમાર પડ્યો. તેને મરડો થવાથી કલકત્તાના જ તેના એક મિત્રે તેના માટે બળદગાડીની વ્યવસ્થા કરી આપી. પરંતુ, રોગ વધી જવાથી એ બંને કલકત્તા પાછા ફર્યા. આ બંને પછીથી રામકૃષ્ણ સંઘમાં જોડાઈ સંન્યાસી બન્યા હતા. જે બીમાર પડેલા, તે સ્વામી સત્પ્રકાશાનંદજી, કે જેમણે અમેરિકાનું આપણું સેન્ટ લુઈસ સેન્ટર ઘણાં વર્ષો સુધી સંભાળ્યું. અને બીજા હતા સારદેન્દુ મહારાજ, એટલે કે સ્વામી વિશ્વનાથાનંદજી, કે જેઓ પોતાનાં શરૂઆતનાં ઘણાં વર્ષો દિલ્હી આશ્રમમાં હતા. તેઓ એક સારા સંગીતકાર હતા. અત્યારે તો એ બંનેએ પોતાનું શરીર છોડી દીધું છે. અમે બંનેએ (જે બેલુર મઠથી આવતા હતા – એટલે કે મેં અને બીજા ભક્તે) શ્રીમાના ઘર તરફની અમારી મુસાફરી ચાલુ રાખી. મને ત્યાંથી જયરામવાટીનું ખરેખ અંતર યાદ નથી. કારણ કે જ્યારે જયરામવાટી તરફ જવાનું શરૂ કર્યું ત્યારે ઘણું જ મોડું થઈ ગયેલું. અમારી સાથેના બે મુસાફરોમાંથી એકની માંદગીને કારણે તે લોકોને તો કલકત્તા પાછું ફરવું પડ્યું અને તેને લીધે અમારે પણ નીકળવામાં ઘણું મોડું થઈ ગયું, આમ, અમે જ્યારે આરામબાગ નદી સુધી પહોંચ્યા ત્યારે તો રાત થઈ જ ગઈ હતી, અને તેથી અમે કામારપુકુર તરફ આગળ વધી ન શક્યા. અમે તે રાત નદીકાંઠે જ વિતાવી. ઉનાળો હોવા છતાં પણ રાત્રે ઘણી જ ઠંડી હતી. અમારી સંગાથે એક બળદગાડીની સાથે તેના ગાડાખેડુ પણ હતા. વહેલી સવારે અમે ઊઠી ગયા અન કામારપુકુર પહોંચી ગયા. ત્યાં પહોંચતાં જ સૌ પ્રથમ અમને શિવુદા મળ્યા. તેઓ હુક્કો પી રહ્યા હતા. અમને ‘સત્કાર ખંડ’માં બેસાડવામાં આવ્યા. પછી તેઓ અંદર ગયા; અને અમારા માટે તેમણે જમવાની વ્યવસ્થા કરી આપી. જમ્યા બાદ થોડો આરામ કરી અમે જયરામવાટી તરફ પ્રયાણ કર્યું અને બપોરે ચાર-સાડા ચારની આસપાસ અમે જયરામવાટી પહોંચી ગયા. પહોંચતાં જ અમને શ્રીમાનાં દર્શને લઈ જવામાં આવ્યા. અમે શ્રીમાના ઘરમાં પ્રવેશ્યા. અમે શ્રીમાના અત્યારના ‘નવા ઘર’ના એ ઓરડામાં રહ્યા કે જે પછીથી ઘરની બહારનું બેઠકખાનું બનેલું. એ સમયે તે નવું મકાન ચણાઈ રહ્યું હતું. જ્યારે અમને માતાજી પાસે લઈ જવામાં આવ્યા, ત્યારે તેઓ પોતાના જૂના ઘરમાં બેઠેલાં. ત્યાં કોઈ હતું નહિ. સંભવ છે કે પુરુષો અંદર આવી રહ્યા હતા તેથી સ્ત્રીઓ ચાલી ગયેલી. શ્રીશ્રીમા વરંડામાં બેઠાં બેઠાં રાત્રિના ભોજન માટે શાક સમારી રહ્યાં હતાં. મારી સાથે આવેલા ભક્તે શ્રીશ્રીમાને સ્વામી પ્રેમાનંદજીના પત્ર વિશે કહ્યું. તેમણે એક બ્રહ્મચારીને તે વાંચી સંભળાવવા કહ્યું, તેણે તે પત્ર વાંચ્યો. પછી તેઓશ્રીએ કહ્યું, “ભલે, આવતી કાલે આ લોકોની મંત્રદીક્ષા થશે.” અને અમે અમારા ઓરડામાં પાછા ફર્યા.

બીજે દિવસે અમે મંત્રદીક્ષા માટે તૈયાર થઈ ગયા. શ્રીમાએ શ્રીઠાકુરની દૈનંદિન પ્રાતઃકાલીન પૂજા સમાપ્ત કરી. ત્યાર બાદ એક પછી એક અમને બોલાવી, મંત્રદીક્ષા આપી. સામાન્ય રીતે તેઓ શ્રીઠાકુરની પૂજા કર્યા બાદ જ દીક્ષા આપતાં, તેમ છતાં તે વિશે એવો કોઈ ચુસ્ત નિયમ નહોતો. તેઓશ્રી કોઈ પણ પરિસ્થિતિમાં દીક્ષા આપતાં. એ પ્રસંગ તો આપણને યાદ જ છે કે એમણે એક વાર એક કૂલીને વિષ્ણુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જ દીક્ષા આપેલી. શ્રીમાએ તે કૂલીને બોલાવી, આસન તરીકે ઘાસનાં ત્રણ તણખલાં મૂકી, તેના પર તેને બેસવાનું કહીને દીક્ષા આપેલી. વળી, બીજી એક સ્ત્રી કે જે શ્રીમાને બાળપણથી જ ઓળખતી હતી – શ્રીમાની બહેનપણી હતી તે એક દિવસ શ્રીમાને મળવા ગઈ. બપોરના ભોજન બાદ તેઓ બંને સાથે જ્યારે શ્રીમાના ઓરડામાં આરામ કરી રહ્યાં હતાં, ત્યારે શ્રીમાએ તેને મંત્રદીક્ષા આપેલી. આ બતાવે છે કે શ્રીમા દીક્ષા માટે કોઈ ખાસ નિયમ રાખતાં નહિ. તેઓશ્રી દીક્ષા માટે ક્યારેય કોઈને ઇન્કાર કરતાં નહિ. જે કોઈ પણ તેમની પાસે જતું, તેને દીક્ષા મળી જતી. તેઓશ્રી કહેતાં, “શ્રીરામકૃષ્ણદેવે તો ઉત્તમ (અધિકારી) લોકોને પસંદ કરી લીધેલા, પણ મારા માટે તો નબળા લોકોને જ રાખી દીધા છે, અને તે માટે જ મારે આટલું સહન કરવું પડે છે.” પણ એ સાથે જ તેઓશ્રી ક્યારેય કોઈને દીક્ષા માટે ‘ના’ ન કહેતાં. એ સમયે દેશમાં રાજકીય અંધાધૂંધી સર્જતું આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યું હતું. જે યુવકો તેમાં ભાગ લેતા અથવા તો તે આંદોલન સાથે કોઈ પણ રીતે સંકળાયેલા હતા, તેઓ શ્રીમાને પ્રણામ કરવા કે દીક્ષા લેવા માટે મળવા આવતા. અલબત્ત, તેવા લોકો પર પોલીસ ચાંપતી નજર રાખતી. શ્રીમાનું ઘર પોલીસદળના ગુનાશોધક ખાતા (સી. આઈ. ડી.)ના નિરીક્ષણ નીચે હતું. પરંતુ, શ્રીમા ક્યારેય તેની પરવા કરતાં નહિ. એક વખત બે યુવાનો આવ્યા, તેઓ અરાજકતાવાદી હતા. શ્રીમાએ તેઓને સ્નાન કરવા કહ્યું પછી તેમણે તેઓને દીક્ષા આપી. તેઓને ભોજન કરાવ્યા બાદ શ્રીમાએ તેમને ત્યાં વધારે વખત ન રોકતાં, જવા માટે કહ્યું. આ રીતે તેઓ દીક્ષા આપતાં. પોતાના જીવનની અંતિમ ક્ષણો સુધી તેઓએ ‘દીક્ષા’ આપવાનું બંધ કરેલું ન હતું, જ્યારે તેઓશ્રી ‘ઉદ્‌બોધન ભવન’માં ખૂબ જ ગંભીર માંદગીમાં હતાં, ત્યારે એક દિવસ એક પારસી યુવાન, કે જે બેલુર મઠના મહેમાન હતા, તે શ્રીમા પાસે દીક્ષા લેવા આવ્યા. એ સમયે શ્રીમાની ગંભીર માંદગીને કારણે કોઈને પણ શ્રીમાને મળવાની પરવાનગી ન મળતાં નીચલા માળે બેઠેલો, પરંતુ શ્રીમાને જાણે કે આ છોકરાના આવવાની ગંધ આવી ગઈ અને તેને પોતાની પાસે લઈ આવવા તેમણે કોઈને કહ્યું. પછી તેને દીક્ષા આપી પાછો નીચે મોકલી આપ્યો. જ્યારે સ્વામી શારદાનંદજીને આ ખબર પડી ત્યારે તેમણે કહ્યું, “જો શ્રીમા પોતે જ તે પારસી યુવાનને પોતાનો શિષ્ય બનાવવા માગતાં હોય તો પછી હું શું કરી શકું?” આ યુવાન માણસ તે બીજો કોઈ નહિ પણ, મુંબઈના જાણીતા ફિલ્મ અભિનેતા અને નિર્માતા, શ્રી સોહરાબ મોદી હતા. આ રીતે તેઓશ્રી છેવટ સુધી કોઈને પણ દીક્ષા આપતાં ક્યારેય અચકાતાં નહિ.

બીજી એક વસ્તુ અમે શ્રીમામાં જોયેલી. બાહ્ય દૃષ્ટિએ એમના દેખાવમાં ખાસ કશું નોંધપાત્ર હતું નહિ કે જેથી આપણે તેમને જગદંબા તરીકે ઓળખી શકીએ. તેઓશ્રી એક સામાન્ય ગ્રામીણ સ્ત્રી જેવાં જ દેખાતાં. જ્યારે તેમને બીજી ઘણી બધી સ્ત્રીઓની વચ્ચે જોઈએ ત્યારે તેમને શ્રીમા તરીકે ઓળખી કાઢવાં એ ઘણું જ મુશ્કેલભર્યું હતું. ગિરીશબાબુએ નોંધ કરેલી કે, “કોણ એવું કહી શકે કે ગ્રામીણ ગૃહિણીની જેમ આપણી વચ્ચે ઊભેલી આ સ્ત્રી જ વિશ્વની રાજરાજેશ્વરી હતી!” સ્વામી શારદાનંદજીએ એક વાર કહેલું, “શ્રીઠાકુરમાં આંતરિક દિવ્યભાવની અભિવ્યક્તિ થોડીઘણી પણ જોવામાં આવતી, જ્યારે શ્રીમામાં તો સહેજ પણ આવું જોવામાં આવતું નહિ. તેઓ ભાવને ખૂબ જ કાબૂમાં રાખતાં; અને એનું કોઈ પણ બાહ્ય ચિહ્ન તેમનામાં જોવામાં આવતું નહિ. તેમણે જાણે કે એક જાડો પડદો વીંટી રાખેલો, જેથી કોઈને તેની ઝાંખી પણ થાય નહિ!” જો કે તેઓશ્રીનું આગવું દિવ્ય વ્યક્તિત્વ તો હતું જ, તેમ છતાં કોઈ તે જાણી શકતું નહિ. જ્યારે મદ્રાસમાં લોકોએ શ્રીમાના આગમન વિશે સાંભળ્યું ત્યારે તે લોકો સ્વામી રામકૃષ્ણાનંદજી પાસે જઈને પૂછવા લાગ્યા કે માતાજી પ્રવચન કરવાનાં છે કે કેમ? ત્યારે સ્વામી રામકૃષ્ણાનંદજીએ ઇન્કાર કરેલો.

લોકોમાં રહેલી ત્યાગની ભાવનાની શ્રીમા કદર કરતાં. આવા લોકોને તેઓ પ્રોત્સાહિત કરતાં. ‘શ્રીરામકૃષ્ણદેવ ધર્મોના સમન્વયનો પ્રચાર કવરા આવેલા’ – એમ લોકોના કહેવા પર શ્રીમાએ કહેલું કે, “શ્રીઠાકુરે ક્યારેય આવા એકમાત્ર ઉદ્દેશ્યથી જુદા જુદા ધર્મોની સાધના કરેલી નહિ. શ્રીઠાકુરે તો ફક્ત જુદા જુદા ધર્મોના લોકો ઈશ્વરને કઈ રીતે પૂજે છે, તે જાણવાની ઉત્કંઠાથી જ આ પ્રકારે સાધના કરેલી. બધા જ ધર્મોનું લક્ષ્ય એક જ છે તે શોધવું એ જ કંઈ એમનો એકમાત્ર ઉદ્દેશ્ય નહોતો. આ વસ્તુ તો પ્રસંગોગાત જ એમણે શોધી. જુદા જુદા ધર્મોની સાધના કરવાનો એમનો હેતુ તો ફક્ત તે જોવા માટે હતો કે જે તે ધર્મોના લોકો ઈશ્વરને કઈ રીતે પૂજે છે અને તેના પરિણામે તેઓશ્રી તે નિષ્કર્ષ ઉપર આવ્યા કે બધા જ ધર્મો એક જ સત્ય તરફ જવાના રસ્તાઓ માત્ર છે.” પરંતુ, જેમ શ્રીમાએ કહ્યું તેમ આ જ કંઈ શ્રીઠાકુરનો મુખ્ય ઉપદેશ નહોતો. શ્રીમાના મતે તો ત્યાગ કે જેના માટે તેઓ જીવી ગયા અને તેમણે એક દૃષ્ટાંત પૂરું પાડ્યું, તે જ એક મહાન આદર્શ હતો અને એ આદર્શ જ શ્રીઠાકુરે આ યુગમાં દુનિયાને આપ્યો. શ્રીમાએ કહેલું કે, આવો ત્યાગ તો આગલા અવતારોમાં ભાગ્યે જ અભિવ્યક્તિ થયેલો. આ પ્રકારનો ત્યાગ તો શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં જ જોવામાં આવે છે. શ્રીમા પોતે પણ પોતાના જીવનમાં આ ત્યાગના આદર્શ પર ભાર મૂકતાં, સ્વામી વિવેકાનંદજી પણ કહેતા કે, આપણા રાષ્ટ્ર માટે ‘ત્યાગ’ અને ‘સેવા’ એ જ મહાન આદર્શ ગણાય. જો આ બંને આદર્શો બરાબર રહેશે તો બાકીનું બધું પણ બરાબર રહેશે. આમ, ત્યાગનો આદર્શ શ્રીમાના જીવનમાં પણ મૂર્તિમંત થયેલો. જ્યારે આજે સ્વાર્થ, મિલકતનું અનૈતિક ઉપાર્જન વગેરે દુર્ગુણો આખા વિશ્વમાં પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આવા ત્યાગના આદર્શની તાતી જરૂર છે.

જેમ આગળ બતાવ્યું તેમ, શ્રીમા લોકોને ત્યાગની ભાવના કેળવવા પ્રોત્સાહિત કરતાં. એક વખત બંગાળના એક ભાગમાંથી એક યુવાન શ્રીમાને ત્યાં આવ્યો, તે જગતનો ત્યાગ કરી સંન્યાસ લઈ ઋષિકેશ કે એવી કોઈ જગ્યાએ જવા ઇચ્છતો હતો. પરંતુ, જ્યારે દીક્ષા લેવાની ઘડી આવી ત્યારે ખબર પડી કે તે તો પરણેલો હતો! તેમ, તેને એક બાળક પણ હતું! તેથી તે વખતે લોકોમાં ઘણી ચર્ચા થવા લાગી કે આવી વ્યક્તિ સાધુ કેવી રીતે થઈ શકે? આવી બધી વાતો ચાલી રહી હતી છતાં, શ્રીમા તે વખતે તો કંઈ જ પ્રતિભાવ ન આપતાં મૌન જ રહ્યાં. થોડા દિવસો પછી જ્યારે બધું જ શાંત પડતાં એક દિવસ તેઓશ્રીએ તે સજ્જનને ‘ભગવાં વસ્ત્ર’ આપીને ઋષિકેશ જવા કહ્યું. પાછળથી આ જ વ્યક્તિ ‘રામકૃષ્ણ સંઘ’ના એક આદરણીય સંન્યાસી બન્યા.

આવો જ એક બીજો કિસ્સો છે: ગામડાનો એક સારો યુવાન હતો. તે સારું ગાઈ શકતો તેમ જ બધાંને તે ગમતો પણ ખરો. એક દિવસ અચાનક તે ગુમ થઈ ગયો અને ક્યાં ગયો તે કોઈ શોધી શક્યું નહિ. થોડાં વર્ષો પછી તે ગામડે પાછો ફર્યો. જ્યારે તે આવ્યો ત્યારે ખૂબ જ ધાંધલ મચી ગઈ અને ઘણા લોકો તેને ઘેરી વળ્યા અને ઘણા ઘણા પ્રશ્નો પૂછવા માંડ્યા. ત્યાં એટલી બધી ધાંધલ મચી ગઈ કે શ્રીમા પણ કુતૂહલવશ ત્યાં આવ્યાં. સામાન્ય રીતે શ્રીમા પોતાનું ઘર છોડી બીજાના ઘરે જતાં નહિ. પરંતુ તે દિવસે તો શું બની રહ્યું છે તે જાણવા તેઓ ઇચ્છતા હતાં અને તેઓશ્રી બાજુના ઘરના ફળિયામાં આવ્યાં અને ત્યાં તેમણે પેલા પહેલાં ગુમ થયેલા છોકરાને જોયો ત્યારે તેને ‘શા માટે ભાગી ગયેલો અને આટલાં વર્ષો ક્યાં રહેલો?’ વગેરે પ્રશ્નો પુછાઈ રહ્યા હતા. શ્રીમાએ કંઈ કહ્યું નહિ અને મૌન સેવ્યું. થોડી ક્ષણો બાદ તેઓ બોલ્યાં, “બેટા, સાધુ બન્યો તે સારું કર્યું.” આ જ વાત તેમણે ત્રણ વખત કહી. તેને બપોરે પ્રસાદ તેમ જ ભોજન લેવા આવવાનું કહ્યું.

જ્યારે કોઈ ભક્તો શ્રીમા પાસે આવીને પોતાની દીકરીઓને સારા મૂરતિયા નહિ મળવાને કારણે પરણવાની મુશ્કેલીઓ વિશે વાતો કરે ત્યારે શ્રીમા કહેતાં, “શા માટે આ લોકો આવી વાતો કરવા આવે છે? શા માટે તે લોકો પોતાની દીકરીઓને ‘નિવેદિતા ગર્લ્સ હાઈસ્કૂલ’માં મોકલતા નથી?” આવી હતી તેમની રીત.

હવે લોકો પ્રત્યેના શ્રીમાના પ્રેમ વિશે વિચારીએ, કોઈ તે પ્રેમ ભૂલી શકતું નહિ. શ્રીમાના ઘરે એક સ્ત્રી શાક સમારવા આવતી. શ્રીમાની મહાસમાધિ પછી પણ તે પ્રસંગોપાત આવીને થોડી વાર રોકાઈને પછી ચાલી જતી. એક વખતે તેને પૂછવામાં આવ્યું, “હજુ સુધી તું કેમ અહીં આવે છે?” તેણે જવાબ આપ્યો, ‘શ્રીમા એવાં દયાળુ હતાં કે હજુ પણ હું તેમને ભૂલી શકતી નથી. તેથી જ હું અહીં આવી, થોડી વાર રોકાઉં છું, તો મને ખૂબ જ આનંદ આવે છે.’

પહેલા વિશ્વયુદ્ધ વખતે સામાન્ય સ્પિરીટ પણ મળી શકતું નહિ. કેમ કે યુદ્ધમાં તેનો ઉપયોગ થતો અને તેથી જે એક શીશી પૂરતું છ આનામાં મળતું, તે હવે બજારમાં મળવું જ બંધ થઈ ગયું. એક ભક્તે જયરામવાટીના દવાખાના માટે કોઈ પણ રીતે થોડી શીશીઓની વ્યવસ્થા કરેલી. શ્રીમાને સંધિવાના દુખાવામાં સ્પિરીટ લગાવવાથી થોડી રાહત થતી. તેથી જ્યારે તેમને તે સ્પિરીટ લગાડવાનું કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું, “જે સ્પિરીટ ગરીબ લોકો માટે ખરીદવામાં આવ્યું છે, તેમાં મારી થોડીઘણી રાહત માટે ઉપયોગ કરીને લોકોને હું તેનાથી વંચિત ન કરી શકું.” આવો હતો તેમનો ગરીબ લોકો માટેનો પ્રેમ! બીજા એક સમયે એક ભક્તે આવીને શ્રીમાને કહ્યું, “મા, અમુક વ્યક્તિએ પોતાના વસિયતનામામાં ઘણી બધી વસ્તુઓ બેલુર મઠને નામે લખી આપી છે.” જ્યાં સુધી તે માણસે પોતાનું કહેવાનું ચાલુ રાખ્યું, ત્યાં સુધી તો શ્રીમાએ બધું શાંતિથી સાંભળ્યે રાખ્યું, પછી કહ્યું, “સારું, તેણે આ બધું કર્યું તે તો હું સમજી પરંતુ ગરીબો તેમ જ પીડિતો માટે તેણે કંઈ આપ્યું કે?” તેનો કંઈ જવાબ નહોતો. કારણ કે તેઓને કંઈ જ આપવામાં આવેલ નહિ. આવી લાગણી તેઓશ્રી હંમેશાં ગરીબો તેમ જ પીડિતો માટે અનુભવતાં. સ્વામી વિવેકાનંદે પણ કહેલું કે: “ગરીબો, પીડિતો તેમ જ પછાત વર્ગના લોકો તરફની અવગણનાને કારણે જ આપણે હજારો વર્ષ સુધી પરદેશીઓના શાસન હેઠળ સહન કરવું પડ્યું.” આમ, શ્રીમાએ પણ શીખવ્યું કે ગરીબ તેમ જ પીડિત લોકોનું ઉત્થાન જ આપણું સૌ પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ. સ્વામીજીએ (સ્વામી વિવેકાનંદે) પણ આ આદર્શને ન ભૂલવા ચેતવણી આપેલી.

શ્રીમાનાં માતુશ્રી શ્યામાસુંદરીએ એક વખત શ્રીમાને પ્રશ્ન કર્યો, “શારદા, એવી કઈ દેવી છે કે જે એક પગ પર બીજા પગ રાખીને બેસે છે?” શ્રીમાએ જવાબ આપ્યો, ‘જગદ્ધાત્રી’. પછી શ્યામાસુંદરીએ કહ્યું, “હું તે દેવીનું પૂજન કરવા માગું છું.” અને તેમણે બે વર્ષ સુધી તેમનું પૂજન કર્યું. જ્યારે તેમણે ત્રીજી વખત પૂજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રીમાએ વાંધો લેતા જણાવ્યું કે, “આ બધી હાડમારીઓ માટે હવે હું તૈયાર નથી.” છેવટે તેઓ સંમત થયાં અને પૂજન કરવામાં આવ્યું. પરંતુ નિર્ણય લેવામાં મોડું થતાં વરસાદ શરૂ થઈ ગયો. શ્રીમાએ આપણા સ્વામીજીઓમાંના એક સ્વામી શાંતાનંદજીને કહેલું, “વરસાદને લીધે પૂજાની જરૂરી સામગ્રી સૂકવી શકાયેલી નહિ; પરંતુ ભાગ્યજોગે આજુબાજુમાં બધે વરસાદ હોવા છતાં અમારા ફળિયામાં તડકો હતો! આ એક ચમત્કાર જેવું જ હતું; પણ ખરેખર તેમ બનેલું જ.”

એક બીજા અવસરે પણ જે બન્યું તે મેં મારી સગી આંખે જોયેલું છે. શ્રીમાની મહાસમાધિ પછી તેમને બેલુર મઠ લાવવામાં આવ્યાં અને જ્યાં અત્યારે તેમનું શ્રીમંદિર છે, તે જગ્યાએ તેમના પાર્થિવ દેહના અગ્નિ-સંસ્કાર કરવામાં આવ્યા. તે જગ્યાએ ઘાટ હતો નહિ; પણ જમીનનો ઢાળ નદી તરફ હતો. ત્યાં તેમનો અગ્નિ-સંસ્કાર કરવામાં આવ્યો. ચિતા પ્રગટાવવામાં આવતાં અગ્નિ પ્રજ્વલિત થયો. નદીના સામે કાંઠે મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. વરસાદ એટલો તો સખત હતો કે બીજો કાંઠો કે કાંઠા પરના મકાનો કે બીજી વસ્તુઓ કશું પણ જોઈ શકાતું નહોતું. નદીના મધ્ય ભાગ સુધી વરસાદ આવી પહોંચેલો. નદીના બેલુર મઠના બાજુના આ કાંઠે વરસાદ નહોતો! આ કાંઠે તેજસ્વી તડકો હતો, અને અગ્નિ યોગ્ય રીતે જલી રહ્યો હતો. થોડા સમય બાદ શ્રીમાનો પાર્થિવ દેહ બળીને ભસ્મીભૂત થઈ ગયો. હવે, અગ્નિનું શમન કરવાનો સમય આવ્યો. એ વખતે ત્યાં જે એક સજ્જન હતો; તે તાંત્રિક હતો અને તાંત્રિક વિધિ પ્રમાણે અગ્નિ બુઝાવવા ઇચ્છતો હતો. પરંતુ તે જરૂરી સામગ્રી મેળવી ન શકવાથી બજારમાં ગયેલો, પણ હજુ સુધી પાછો ફરેલો નહિ અને હવે તો મોડું થઈ રહ્યું હતું. સ્વામી નિર્મલાનંદજી બેચેન થઈ ગયા અને તેમણે એક મોટો ઘડો લઈ, નદીએ જઈને ભરીને શરત્ મહારાજને આપતાં કહ્યું, “પાણી રેડી ચિતા ઠારવાનું શરૂ કરો.” શરત્ મહારાજે પાણી રેડ્યું. ઘણા લોકો નદીમાંથી પાણી ભરીને આવ્યા. પરંતુ કોઈ રેડી શક્યું નહિ. કેમ કે હજી તો જેવું શરત્ મહારાજે પાણી રેડ્યું ત્યાં તો નદીના સામે કાંઠેથી શરૂ થયેલો વરસાદ એકદમ જ આ બાજુ પણ શરૂ થઈ ગયો અને ખરેખર, એવો મૂશળધાર હતો કે થોડી જ ક્ષણોમાં ચિતા ઠરી ગઈ અને શરત્ મહારાજ પછી કોઈ પાણી રેડી શક્યું નહિ. અમે બધા પણ ભીંજાઈ ગયા. આવી ઘટનાઓ બનતી; જે ઘણી જ આશ્ચર્યજનક તેમજ ચમત્કારિક લાગે.

આગળ બે દેશભક્ત યુવાનો વિશે કહેવામાં આવેલું કે જેઓએ શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધેલી. તેમાંના એકે શ્રીમાને પૂછ્યું, “મા, આપણને ક્યારે સ્વતંત્રતા મળશે?” શ્રીમાએ સહજતાથી જવાબ આપ્યો, “તમે કંઈ તે લોકોને ભગાડવા શક્તિમાન છો? નહિ, તમે તેમ નહિ કરી શકો. પરંતુ જ્યારે તે લોકો અંદરોઅંદર ઝઘડશે ત્યારે તમને સ્વતંત્રતા મળશે.” અને ઇતિહાસે આપણને બતાવ્યું છે કે શ્રીમાએ આમ જે ઘણાં વર્ષો પહેલાં અનુભવેલું તેમ જ બન્યું.

જ્યારે ભક્તો ફરિયાદ કરતા, “મા, અમને તો કંઈ મળતું નથી, એટલે કે અમારી આધ્યાત્મિક સાધના તો નીરસ છે,” ત્યારે શ્રીમા તેઓને જવાબ આપતાં, “પહેલાં તો તમે એક દિવસમાં ઓછામાં ઓછી દસથી પંદર હજાર જપ કરો અને હું જોઈશ કે તમને કંઈ મળે છે કે નહિ? ઋષિમુનિઓને સત્યના સાક્ષાત્કાર કરવા માટે એક જીવન પછી બીજા જીવન સુધી સાધના તેમ જ તપશ્ચર્યા કરવી પડેલી, અને તમે તો કંઈ પણ કર્યા વિના સહેલાઈથી તે મેળવવા ઇચ્છો છો તો તે કંઈ કોઈ પણ સંઘર્ષ વિના મેળવવું શક્ય છે? સંઘર્ષ દ્વારા જ તમે જે કંઈ ઇચ્છો તે પ્રાપ્ત બને. દરેક આવીને કહે છે, કૃપા, કૃપા. કૃપા શું કરી શકે? કૃપા તો આવીને પાછી ચાલી જાય છે; કૃપા જે વ્યક્તિ પાસે ગયેલી તે તેને મેળવવા તૈયાર નહોતી.” પરંતુ શ્રીમા ઉત્સાહ આપીને કહેતાં પણ ખરાં કે, “શ્રીરામકૃષ્ણદેવે આવીને ઈશ્વર સાક્ષાત્કાર કરવો સહેલો છે તેમ બતાવ્યું છે, તેથી આ યુગમાં કોઈ પણ વ્યક્તિ થોડી સાધના કરીને પણ ઈશ્વરને મેળવશે.”

આખરે તેમનો છેલ્લો ઉપદેશ: તેમણે કહેલું, “કારો દોષ દેખોના” – “કોઈના પણ દોષ જુઓ નહિ.” બીજી એક વાત પણ તેમણે કહેલી, “જ્યારે પણ તમે મુશ્કેલી તેમ જ ચિંતામાં હો ત્યારે યાદ કરો કે, મારે એક મા છે.”

જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે ચાલો, આપણે પણ શ્રીમાને પ્રાર્થીએ અને તેઓશ્રી આપણી દેખભાળ કરે અને આપણે આપણી ચિંતાઓમાંથી મુક્ત થઈએ. શ્રીમાની કૃપા સહુ પર વરસો, તે જ મારી તેઓશ્રીને પ્રાર્થના!

ભાષાંતરકાર: કુ. સીમા માંડવિયા

Total Views: 441

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.