શ્રીમા શારદાદેવીનું માતૃહૃદય

શ્રીમા શારદાદેવીનો સ્નેહ જાતિ, વર્ણ, ગુણ, દોષ વગેરેનો વિચાર કર્યા વગર જ સૌ પ્રત્યે સતત વહેતો. જે કોઈ એમની પાસે આવતું તેના દોષ જાણ્યા છતાં તેઓ તેને પ્રેમ કરતાં. દવા, ઓસડ વગેરે આપીને મદદ કરતાં. તેમના શોક અને દુઃખમાં સહાનુભૂતિ દેખાડતાં. તેમના આ અકૃત્રિમ પ્રભાવથી દુષ્ટ લોકોનો સ્વભાવ પણ બદલાઈ જતો અને ગુનેગારો પણ ભક્ત બની જતા.

પશ્ચિમ બંગાળનાં અનેક ગામડાંમાં તે વખતે એક શ્રેણીના મુસલમાનો રેશમની પેદાશ ઉપર નભતા. પણ આ સદીની શરૂઆતમાં વિદેશી રેશમની સ્પર્ધામાં આ ઉદ્યોગનો નાશ થયો, તેથી શિરોમણિપુરના ઘણા મુસલમાનો બેકાર અને ગરીબ થઈ ગયા. બીજો કોઈ ધંધો ન મળવાથી એમણે ચોરી અને લૂંટફાટ શરૂ કરી. તેથી તેઓ “શેતુરના ધાડપાડુઓ” તરીકે જાણીતા હતા. જયરામવાટી વગેરે આસપાસનાં બધાં ગામડાં એમના ત્રાસથી ડરતાં. જયરામવાટીમાં જ્યારે માતાજીનું નવું મકાન બંધાતું હતું ત્યારે આ પ્રદેશમાં દુકાળ પડ્યો. મકાન બનાવવાના કામમાં શિરોમણિપુરના ઘણા દુષ્કાળગ્રસ્ત મુસલમાનો રોકવામાં આવ્યા હતા. ગ્રામવાસીને આથી પહેલાં તો બીક લાગી, પણ પછી તેમનો નિર્દોષ વ્યવહાર જોઈ બધા કહેતા કે “અરે, માતાજીની કૃપાથી આ ધાડપાડુઓ પણ ભક્ત બની ગયા છે.”

એક દિવસે એક ‘શેતૂર મુસલમાને’ થોડાં કેળાં લાવીને માતાજીને કહ્યું “મા, ઠાકુરની સેવા માટે કેળાં લાવ્યો છું. સ્વીકાર કરશો ને?” હાથ લંબાવી માતાજીએ કહ્યું: “જરૂર લઈશ, દીકરા, આપ. ઠાકુર માટે આણ્યાં છે તો જરૂર લઈશ.” તે વખતે પાસેના ગામડામાં રહેતી એક સ્ત્રીભક્ત ત્યાં ઊભી હતી. તે બોલી ઊઠી: “આ લોકો ચોર છે. અમે જાણીએ છીએ. એમની વસ્તુ શા માટે ઠાકુરને ધરાવવી જોઈએ?” કંઈ પણ બોલ્યા વગર માતાજીએ કેળાં કોઠારમાં મૂક્યાં. એ માણસને મમરા અને મીઠાઈ ખાવા આપ્યાં. એના ગયા પછી ગંભીર અવાજે પેલી સ્ત્રીને ઠપકો આપતાં તેઓ બોલ્યા: “કોણ સારું, કોણ નરસું તે હું જાણું છું.” પતિતોનો ઉદ્ધાર કરવો એ જ એમનું જીવનકાર્ય હતું. તેઓ કહેતાં: “ભૂલ કરવી એ તો માણસનો સ્વભાવ જ છે. પણ ભૂલ કરનારને કેવી રીતે સારો કરવો જોઈએ, એ ફક્ત થોડા જ લોકો જાણે છે.”

આ ‘શેતૂર ધાડપાડુઓ’માંનો એક હતો આમજાદ, જેણે માતાજીના મકાનની દીવાલો ચણવામાં મદદ કરી હતી. એક દિવસ માતાજીએ એને પોતાના ઘરના ઓટલા પર જમવા બેસાડ્યો. આભડછેટને લીધે નલિનીદેવી ચોકમાં ઊભાં ઊભાં દૂરથી ખાવાનું ફેંકતાં હોય તેમ પીરસતાં હતાં. આ જોઈ માતાજી બોલી ઊઠ્યાં: “આવી રીતે પીરસે તો કોઈ માણસ સારી રીતે ખાઈ શકે? તું ન આપી શકે તો હું આપીશ.” જમવાનું પૂરું થતાં માતાજીએ પોતે જ એઠી જગ્યા સાફ કરી. માતાજીને આમ કરતાં જોઈ નલિનીદેવી વાંધો ઉઠાવતાં બોલ્યાં: “એ ફોઈબા, તમારી જાત ગઈ.” માતાજી એને ઠપકો આપતાં બોલ્યાં: “શરત્ (સ્વામી શારદાનંદ) જેવો મારો દીકરો છે, આ આમજાદ પણ તેવો જ છે.”

સંત ફ્રાંસિસની કરુણા

વિનમ્ર નિરભિમાની સંત ફ્રાંસિસ ઑફ એસીસીના એક શિષ્ય એઈંજલો ‘માંસે કસાલે’ ચર્ચની રખેવાળી કરતા હતા. એક રાત્રે ત્રણ ડાકુઓએ ગિરિજાઘરનાં બારણાં ખખડાવ્યાં. બારણાં ખૂલતાં તેમણે એઈંજલોને વિનંતી કરી. “મહારાજ, ભૂખ્યા છીએ. કંઈક ખાવાનું આપશો તો આપના ઉપકૃત બનીશું.” તેઓ આ ડાકુઓને ઓળખી ગયા અને તેમના પર ગુસ્સે થઈને કહ્યું, “અરે દુષ્ટ, પાપી! તમે તો દરરોજ બીજાના પરસેવાની કમાણી જ ખાઓ છો. લૂંટ-ફાટ-ચોરી કરો છો, હરામનું ખાઓ છો અને અહીં આવીને ખાવાનું માગતાં શરમ નથી આવતી તમને! બેશરમ. પ્રભુના ભક્તોને આપવાનું ભોજન તમારા જેવા નરાધમ માટે! હાલતા થાઓ હાલતા! અહીં તો પ્રભુમાં અટલ વિશ્વાસ, શ્રદ્ધા રાખનારને જ ભોજન મળે. તમારા જેવા હરામખોર નાસ્તિકો માટે આ ભોજન નથી. તમે તો પ્રભુનાં પ્યારા સંતાન માનવને લૂંટીને મારીને પેટનો ભાંડો ભરો છો. તમારે માટે અહીં જગ્યા નથી.” આ કડવી વાણી સાંભળીને ત્રણેય ખૂબ ગુસ્સે થયા પણ કડવા ઘૂંટડા ગળી ગયા, અને ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યા. આ તો ચર્ચ-દેવળ હતું. બીજું સ્થાન હોત તો તો આજે એને ઉડાડી જ દેત.

થોડીવારમાં સંત ફ્રાંસિસ આવી પહોંચ્યા. તેમણે બધી વાત સાંભળીને દુઃખભર્યા અવાજે પોતાના શિષ્યને કહ્યું, “તેં એમની સાથે સારું વર્તન ન દાખવ્યું. જે પાપી ને દુષ્ટ હોય તેને ભાંડવાથી કે તેમનો તિરસ્કાર કરવાથી તેમને સન્માર્ગે ન લાવી શકાય. એમને સન્માર્ગે વાળવા તો જરૂરી છે – વિનમ્રતા, કરુણા અને પ્રેમ. તને એ વાતનો ખ્યાલ નથી કે ડૉક્ટરની દવાની જરૂર રોગીને હોય છે, તંદુરસ્ત માનવને નહિ. એ ત્રણેય બીમાર હતા. તારે એમને વિનમ્રતાનું ભોજન આપવું જોઈતું હતું. હવે, તું એમને શોધી કાઢ અને આ ખાવાનું એમને આપી આવ.”

પેલા ત્રણેય લૂંટારા બહુ દૂર નીકળી ગયા નહોતા, એઈંજલોએ તેમને આંબી લીધા, અને ડાકુઓના આશ્ચર્ય વચ્ચે તે તો તેમનાં ચરણમાં પડીને પોતાના અપરાધની – ભૂલની ક્ષમા માગતો હતો. અને ખાવાનુંય ધરતો હતો! થોડીવાર પહેલાં ધૂત્કારીને ચર્ચમાંથી કાઢી મૂકનાર આ જ વ્યક્તિનું આવું વર્તન જોઈને ત્રણેયનાં હૃદય પીગળી ગયાં અને વિચારવા લાગ્યાં, “આપણે તો રોજ કેટકેટલાં કુકર્મો – પાપ કરીએ છીએ અને છતાંય આપણે ગ્લાનિ નથી અનુભવતા! આ પુણ્યાત્માને પોતે થોડી વાર પહેલાં કહેલાં કટુ વચનો માટે દુઃખ થાય છે અને તેની માફી માગે છે! એટલું જ નહિ, પરંતુ અમારી ભૂખને ભાંગવા ખાવાનું ય પ્રેમથી લાવ્યા છે.” ત્રણેયના હૃદયનું પરિવર્તન થયું. ત્રણેય સંત ફ્રાંસિસ પાસે દેવળમાં ગયા, પોતાનાં દુષ્કર્મોની ક્ષમા આપવા તેમને વિનંતી કરી. ફ્રાંસિસે વિનમ્રતાથી કહ્યું, “તમારા પસ્તાવાના આંસુ તમારે માટે ક્ષમા છે. દરિયાદિલ પ્રભુ તમને માફ કરશે અને સાચી હૃદયની શાંતિ આપશે.” ત્રણેય લૂંટારા મટીને સંત ફ્રાંસિસના અનુયાયી બની ગયા.

સંકલનકર્તા: શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 457

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.