‘રામકૃષ્ણ જ્યોત’ રસથી વાચું છું. ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વાણીનું પ્રમાણ એમાં થોડું વધારી ન શકાય? આ તો નમ્ર સૂચન જ છે. સામયિક ખૂબ જ પ્રેરક અને સરસ છે.

તા. 15-6-89                                                               હરીન્દ્ર દવે

                                                                     પ્રમુખ તંત્રી

‘જન્મભૂમિ’ અને ‘જન્મભૂમિ પ્રવાસી’

***

આશ્રમ દ્વારા પ્રગટ થતું ગુજરાતી માસિક પત્ર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ હું નિયમિતપણે વાંચું છું. આપણા સંસ્કારો તેમજ સંસ્કૃતિને જાળવી રાખવા સામયિકો બહુ અલ્પ છે, ત્યારે ઉક્ત સામયિક એક સુંદર વાચનની ગરજ સારે છે.

આ તકે એક સૂચન કરવાનું મન થાય છે. સૌરાષ્ટ્ર એ સંતો, ધાર્મિક સ્થાનકો તેમ જ મંદિરોની ભૂમિ છે. અનેક સંતો-ભક્તો આ પ્રદેશે અવતીર્ણ થયા છે. સૌરાષ્ટ્રના આ પાસા અંગે જો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં એક વિભાગ આપવામાં આવે તો લોકોને તે ઘણો ઉપયોગી તથા માહિતીપ્રદ બની રહેશે. શક્ય હોય તો ઘટતું કરવા વિનંતી છે.

તા. 11-7-89                                            રાજુલ દવે,

                                                  વ્યવસ્થાપક,

                                                  ‘ઊર્મિનવરચના’

***

‘શ્રીરામકૃષ્ણ-જ્યોત’ને પ્રગટાવવા માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટને અંતઃકરણપૂર્વકના ધન્યવાદ. ભૌતિકતા તરફ આંધળી દોટ મૂકી રહેલા અને દિનપ્રતિદિન સંસ્કાર મૂલ્યોને ગુમાવી રહેલા આજના યુગ માટે શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદે પ્રબોધેલો વેદાંતને જીવનમાં, વ્યવહારમાં ચરિતાર્થ કરવાનો માર્ગ અનિવાર્ય છે. અને એ માર્ગ પ્રદર્શિત કરવાનું કાર્ય ‘શ્રીરામકૃષ્ણ-જ્યોત’ દ્વારા આવિર્ભાવ પામશે. શ્રીરામકૃષ્ણનો માનવમાત્ર પ્રત્યેનો અનન્ય પ્રેમ, મા જગદંબા પ્રત્યેની અપ્રતિમ ભક્તિ, સ્વામી વિવેકાનંદ જેવા અસંખ્ય યુવાનોને માનવજાત માટે જીવન સમર્પી, એવું ઘડતર કરવાની એમની આગવી શિક્ષણ પદ્ધતિ, સરળ સહજ અને સંપૂર્ણ પ્રભુમય જીવન, આ સઘળું ગુજરાતની યુવાન પેઢીની સમક્ષ મૂકવાની અત્યંત જરૂર છે. તદુપરાંત સ્વામી વિવેકાનંદનો સ્વદેશ-પ્રેમ, દરિદ્રનારાયણ-પ્રેમ, માનવ-જાત પ્રત્યેની કરુણા, પૂર્વ અને પશ્ચિમ, ધર્મ અને વિજ્ઞાન, જીવન અને અધ્યાત્મનો સમન્વય કરી સુંદર માનવજીવન રચવાની એમની ભાવના, ગુજરાતના એક એક કિશોર-યુવાનના હૃદય સુધી પહોંચવી જોઈએ. અને મને શ્રદ્ધા છે કે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સ્વામી વિવેકાનંદના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવશે.

હજુ તો એનો આરંભ છે. પણ આપે એનું સંકલન ઘણું જ સારું કર્યું છે. શ્રી ઠાકુરની કૃપા અને પ્રેરણા દ્વારા હજુ પણ ‘જ્યોત’ વધુ ને વધુ પ્રજ્જવલિત બનતી જ જશે અને સેંકડો આત્મજ્યોતોને પ્રગટાવશે એમાં લેશમાત્ર શંકા નથી.

તા. 4-7-89                          જ્યોતિબહેન જે. થાનકી

                                        પોરબંદર

Total Views: 470

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.