પ્રશ્ન: માણસમાં ભક્તિ કેમ કરીને આવે?

સ્વામીજી: ભક્તિ તમારામાં રહેલી જ છે, માત્ર કામ અને કાંચનનું એક આવરણ તેને ઢાંકે છે; જેવું તે આવરણ ખસી જાય કે તરત ભક્તિ આપોઆપ પ્રગટ થશે.

પ્રશ્ન: કુંડલિની સ્થૂળ શરીરમાં શું સાચેસાચ છે?

સ્વામીજી: શ્રીરામકૃષ્ણ કહેતા કે યોગીઓમાં કહેવાતાં ‘કમળ’ માનવશરીરમાં સ્થૂળ રીતે ખરેખર હોતાં નથી, પરંતુ યોગશક્તિઓ દ્વારા તેનામાં એ ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન: મનુષ્ય મૂર્તિપૂજા વડે શું મુક્તિ મેળવી શકે?

સ્વામીજી: મૂર્તિપૂજા સીધી રીતે મુક્તિ ન આપી શકે; એ અવાંતર સાધન હોઈ શકે, રસ્તે જતાં સહાયક બને તેવું. મૂર્તિપૂજાનો તિરસ્કાર કરવો નહિ. કારણ કે ઘણાંની બાબતમાં અદ્વૈતના સાક્ષાત્કારને માટે એ મનને તૈયાર કરે છે. બાકી તો એકલું અદ્વૈત જ માણસને સંપૂર્ણ બનાવે છે.

પ્રશ્ન: મુક્તિ શું છે?

સ્વામીજી: મુક્તિ એટલે સારા તેમજ નરસા બંનેના બંધનમાંથી સંપૂર્ણ સ્વાતંત્ર્ય. લોખંડની પણ બેડી અને એ સોનાની હોય, તો પણ એ બેડી જ કહેવાય. શ્રીરામકૃષ્ણ કહેતા કે પગમાં વાગેલા એક કાંટાને કાઢવા માટે બીજો કાંટો લેવામાં આવે અને પેલો કાંટો કાઢી નાખ્યા પછી બંનેને ફેંકી દેવામાં આવે. તેવી રીતે ખરાબ વૃત્તિઓને સારી વૃત્તિઓથી દબાવવાની ખરી, પરંતુ ત્યાર પછી શુભ વૃત્તિઓને પણ જીતવી જોઈએ.

પ્રશ્ન: વેદાંતનો સાક્ષાત્કાર કેવી રીતે થાય?

સ્વામીજી: ‘શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા.’ શ્રવણ સદ્‌ગુરુ પાસેથી કરવું જોઈએ. માણસ પોતે ભલે નિયમસરનો શિષ્ય ન હોય તો પણ જો સાચો જિજ્ઞાસુ હોય અને સદ્‌ગુરુના શબ્દો સાંભળે તો તે મુક્ત થાય.

પ્રશ્ન: માણસે ધ્યાન ક્યા કેન્દ્ર ઉપર કરવું? મનને શરીરની અંદર એકાગ્ર કરવું કે બહાર?

સ્વામીજી: અંદર ધ્યાન કરવાનો પ્રયાસ કરવો. મન અહીંતહીં ભટકવાની બાબતમાં તો આપણે માનસિક ભૂમિકાએ પહોંચીએ તે પહેલાં ઘણો સમય લાગે. અત્યારે તો આપણી મથામણ શરીર સાથે છે. જ્યારે આસન સ્થિર થાય, ત્યારે જ મનની સાથે લડાઈ શરૂ થાય. આસન ઉપર કાબૂ આવે એટલે શરીરનાં અંગો નિશ્ચલ રહે અને ખુશી પડે ત્યાં સુધી બેસી શકાય.

પ્રશ્ન: કેટલીક વાર જપનો કંટાળો આવે છે. ત્યાર પછી એ ચાલુ રાખવો કે તેને બદલે કોઈક સદ્ગ્રંથનું વાંચન કરવું?

સ્વામીજી: જપમાં કંટાળો આવવાનાં બે કારણો હોય છે: કોઈ વાર મગજ થાકી જાય, તો કોઈક વાર એ આળસને લીધે હોય. જો મગજ થાકી જાય તો તાત્કાલિક જપને મૂકી દેવો. કારણ કે એ વખતે એમાં મંડ્યા રહેવાથી વિચિત્ર ભ્રમણાઓ દેખાવા લાગે કે પાગલ થઈ જવાનો ભય રહે. પરંતુ જો આળસને લીધે જપમાં કંટાળો આવતો હોય, તો મનને જોર કરીને પણ જપમાં લગાડવું.

પ્રશ્ન: મન ભટકતું હોય, તો પણ લાંબા સમય સુધી જપ ચાલુ રાખવો એ સારું ખરું?

સ્વામીજી: હા, જેમ કેટલાક લોકો વણપલોટ્યા ઘોડા પર હંમેશાં જીન નાખી રાખીને પલોટે છે તેમ.

પ્રશ્ન: પ્રાર્થનાની ઉપયોગિતા શી છે?

સ્વામીજી: પ્રાર્થનાથી માણસની સૂક્ષ્મ શક્તિઓ સહેલાઈથી જાગૃત કરી શકાય છે, અને જો સમજપૂર્વક કરવામાં આવે તો તેનાથી બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે; માત્ર અજાણ રીતે કરવામાં આવે તો કદાચ દસમાંથી એકાદ સફળ થાય.

પ્રશ્ન: આપે આપના ભક્તિયોગમાં જણાવ્યું છે કે, નબળા બાંધાનો માણસ યોગ્ય સાધના કરવા જાય તો તેની જબરદસ્ત પ્રતિક્રિયા થાય. ત્યારે શું કરવું?

સ્વામીજી: આત્માનો સાક્ષાત્કાર કરતાં મૃત્યુ આવે તો પણ તેમાં ડરવા જેવું શું છે? વિદ્યા અને બીજી અનેક બાબતો ખાતર મરી જતાં માણસોને જો ડર નથી લાગતો તો પછી ધર્મ માટે મરતાં શા માટે ડરવું?

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (1984): ભાગ 6, પૃ. સં. 189-198)

Total Views: 590

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.