જ્યાં લૂંટારો ભગદ્‌વભાવથી પીગળી જાય છે.

સંત, સતી ઔર સૂરમા, તીનોં કા એક તાર;

જરે, મરે ઔર સબ તજે તબ રીઝે કિરતાર.

પ્રભુના બંદાએ તો હંમેશાં ત્યાગ-બલિદાનના માર્ગે જ ચાલવું રહ્યું. આ પથ તો માથું મૂકીને માલ લેવાનો પથ છે. ભગવાન ચૈતન્ય એટલે પ્રેમ-ભક્તિનું જાણે ઘોડાપૂર. જ્યાં જાય ત્યાં આબાલવૃદ્ધ, પાપી-તાપી, શૂદ્ર-અતિશૂદ્ર, ગરીબ-તવંગર સૌ કોઈ પ્રેમભક્તિના નીરથી પરિપ્લાવિત થઈ જ જાય. ચૈતન્યદેવે એક વખત ક્રૂર, ઘાતકી, જુલમ-સિતમથી આજુબાજુના સૌને ધ્રુજાવી મૂકનાર અને પોતાની હાક-ધાકથી પોતાનો જ દોરદમામ ચલાવનાર નૌરોજી લૂંટારા અને તેના સાથીમિત્રોના ખાંડવા દેશના શોરાનંદી વનપ્રદેશમાં જ જવાનો નિર્ણય કર્યો. ભક્તજનો-ગ્રામજનો ચૈતન્યદેવને વિનવવા લાગ્યા, “એ પ્રદેશના ક્રૂર, ઘાતકી, લૂંટારાના પ્રદેશમાં જવું હિતાવહ નથી. તે એટલા ક્રૂર અને નિર્દય છે કે આપને મારી નાખતાંય અચકાશે નહિ. મહારાજ, તમે ત્યાં ન જાવ, ન જ જાઓ.” ચૈતન્યદેવે મધુર હાસ્ય સાથે કહ્યું: “હું તો ખાલી ખભે ખેપ ખેડતો પથિક છું. મારી પાસે ધનદોલત છે ક્યાં તે લૂંટે ને મારે? મારી પાસે તો છે હરિનામ – લૂંટવું હોય તો ભલે લૂંટી લે અને છતાંય મારો આ દેહ-નાશવંત દેહ એને કામમાં આવતો હોય તો છોને મારી નાખે!” આમ કહેતાં-કહેતાં તે આગળ ચાલ્યા અને અંતે એ ભયાનક વનપ્રદેશમાં પ્રવેશ્યા. સુંદર વૃક્ષની શીતળ છાયામાં એમણે તો શ્રીકૃષ્ણ-સંકીર્તન ભાવવિભોર બનીને શરૂ કર્યું – “હરિ બોલ, હરિ હરિ બોલ, મન તું હરિ હરિ બોલ.” લૂંટારાના સરદાર નૌરોજીને જાણ થઈ કે કોઈ સંન્યાસી સંતભક્ત આ જંગલમાં આવ્યો છે. એટલે આ ખૂંખાર ડાકુ પણ ત્યાં આવ્યો, સંકીર્તન સાંભળીને થોડો પીગળ્યો. એણે ચૈતન્યદેવને તેના નિવાસસ્થાને પધારીને ભોજન લેવા આમંત્ર્યા.

ચૈતન્ય પ્રભુએ વિનમ્ર ભાવે કહ્યું, “ભાઈ, હું તો ભોમકાનો ભમનાર પ્રવાસી પરકમ્માવાસી છું, એક સંન્યાસી છું. મારા માટે તો આ તરુતલ એ જ નિવાસ અને ભૂમિતલ એ શૈયા છે. ભિક્ષાન્ન મળે તો ભલે અને ન મળે તો ફળપાંદડાં ખાઈને ચલાવી લેવું પડે. છતાંય ભાઈ, તારી ભાવના હોય તો ભિક્ષાન્ન લાવજે અને અહીં જ ખાઈ લઈશ.” મનમાં રાજી થતો નૌરોજી તો ગયો ઘરે અને પોતાના સાથીમિત્રો સાથે ભોજનસામગ્રી લાવ્યો. એ બધી સામગ્રી તેણે ચૈતન્યદેવ સમક્ષ ધરી દીધી. પણ અહીં ચૈતન્ય મહાપ્રભુ તો ભક્તિ-ઈશ્વરપ્રેમના નશામાં ચકચૂર છે! બાહ્ય ભાન ભૂલીને ઉન્મત્તની જેમ કૃષ્ણપ્રેમ અને કૃષ્ણસંકીર્તનમાં લીન બની ગયા છે. ઉન્મત્ત બનીને નાચે છે ને ગાય છે. એમની આ ભાવભક્તિના ઘોડાપૂરમાં પેલો ભયંકર ઘાતક લૂંટારો જાણે કે તણાવા લાગ્યો. અંતે, એનું કાળમીંઢ પથ્થર જેવું હૃદય પીગળ્યું. મહાપ્રભુના અલૌકિક પ્રેમભાવે એનું હૃદયપરિવર્તન કરી નાખ્યું. “પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ” ના ગેબી નાદે એના પથ્થર હૃદયમાંથી ઈશ્વરપ્રેમ ભક્તિનું ઝરણું ફૂટી નીકળ્યું. પોતાનાં મહાન પાતકોનો પસ્તાવો કરતાં-કરતાં અને ચોધાર આંસુ વહાવતાં એ નૌરોજી ચૈતન્ય દેવને કહેવા લાગ્યો: ‘હે પ્રેમસાગર, તમારા પ્રેમામૃતમાં મને ડુબાડી દો, તમારા જ્ઞાનપ્રેમસાગરમાં મને ઝબોળી દો-ડુબાડી દો. મને આ નરકમાંથી મુક્ત કરો. પ્રભુ, મને તમારા જેવો પ્રભુનો દાસ, હરિગુણ ગાનારો બનાવી દો. મને તમારાં ચરણોમાં લઈ લો નાથ. મને તમારો બનાવી દો, પ્રભુ. હું બ્રાહ્મણકુળમાં જન્મ્યો હોવા છાતં મારાં કાળાં કામોએ મને આજ સુધી અંધ બનાવી મૂક્યો હતો. પ્રભુ, ‘આજ તમે આવ્યે મારે અજવાળાં અજવાળાં જી.’ માટે હે પ્રભુ, મને ઉગારો.”

પશ્ચાતાપનાં આંસુ સારતા ભક્તિભાવથી ભીંજાયેલા આ લૂંટારાની હૃદયની વાત સાંભળીને ચૈતન્યદેવે તેને માથે પ્રેમપૂર્વક હાથ ફેરવતાં ગદ્‌ગદ્‌ કંઠે કહ્યું: “ભાઈ, તારું સદ્‌ભાગ્ય છે કે તારા જીવનના સંધ્યાકાળે પણ આ વૈરાગ્યભાવ-પ્રેમભાવ-ભક્તિભાવ-ઈશ્વર પ્રત્યેનો અનન્ય ભાવ-તેં આજે અનુભવ્યો. ભલે તું ગમે તેટલો દુરાચારી હો, ઘાતકી હો, પણ પ્રભુ-પ્રેમની પાવક જ્વાળાને સ્પર્શીને તું પવિત્ર બન્યો છે. હવે ભૂતકાળનું બધું ભૂલી જા અને સાધુસંત જેવો બનીને નિરંતર હરિનામનું રટણ કર્યા કર.” આમ કહીને એ લૂંટારાને અને તેના ભયંકર સાથીદારોને પણ પ્રભુપ્રેમના મહામંત્રની દીક્ષા આપી અને પ્રભુના પ્યારા બનાવી દીધા. આવી અસીમ કૃપાદૃષ્ટિ, પ્રભુના પરખંદા, બંદાઓની પાસેથી મળે છે, જે એને શરણે જાય છે. “સંત સમાગમ સદા સુખકારી ભાઈ, સંતસમાગમ સદા સુખકારી.”

ગરવ કિયો સોઈ નર હાર્યો

મહારાષ્ટ્રની સંતમંડળી-સંત જ્ઞાનેશ્વર, નામદેવ અને મુક્તાબાઈ તીર્થાટન કરતાં-કરતાં સુપ્રસિદ્ધ સંત ગોરાને ત્યાં પધાર્યાં. ગોરાને ત્યાં સંત-સમાગમ શરૂ થયો. પ્રભુભક્તિ, પ્રભુપ્રેમપ્રાપ્તિ વિશે વિગતે ચર્ચા ચાલતી હતી. ઓચિંતાનું મુક્તાબાઈનું ધ્યાન ગોરાની પાસે પડેલા એક લાકડાના દંડ તરફ ગયું એટલે મુક્તાબાઈએ પૂછ્યું: “એ બધું તો ઠીક પણ આ દંડ શા માટે રાખ્યો છે?” ગોરાએ હસતાં-હસતાં જવાબ આપ્યો: “આ લાકડાનો દંડ મારીને મારા બનાવેલા ઘડાની પરીક્ષા કરું છું. એ દ્વારા મને ખ્યાલ આવે છે કે ઘડો કાચો છે કે પાકો.” આ જવાબ સાંભળીને મુક્તાબાઈએ વળતો પ્રશ્ન પૂછ્યો, “ભાઈ, અમેય માટીના ઘડા જેવાં છીએ. શું અમારી પરીક્ષા પણ આ દંડથી કરી શકાય?” ગોરાએ કહ્યું, “જરૂર, તમારી પરીક્ષા પણ કરી શકાય.” એમ કહીને ગોરા કુંભાર ઊભા થયા અને દરેક ભક્તજનના માથા પર એ દંડથી હળવે-હળવે ટકોરા માર્યા. એમાંથી કેટલાંકને તો આ મજાક-મશ્કરી જેવું લાગ્યું, કેટલાકને આ એક રહસ્ય જેવું લાગ્યું. આ બધું જોઈને નામદેવને થયું કે, આ ગોરો કુંભાર અમારા જેવા ભક્ત-સંતની પરીક્ષા એક લાકડાના દંડથી કરે છે! એના મોં પર ક્રોધ જણાતો હતો. હવે એનોય વારો આવ્યો અને નામદેવના માથા પર દંડ રાખીને કહ્યું, “આ ઘડો કાચો છે.” પછી નામદેવને આત્મીયભાવથી કહ્યું, “તપસ્વીશ્રેષ્ઠ, આપ ઉત્તમ સંત છો, પણ આપના હૃદયમાંથી અહંકાર રૂપ ઝેરી સાપ હજુ મર્યો નથી. એટલે આપનું ધ્યાન-મન આવી ક્ષુદ્ર માન-અપમાનની વાત તરફ દોડી જાય છે. વિનમ્રતા તરફ નહીં. ક્ષમા, વિનમ્રતા અને સહિષ્ણુતા તો સાચા સંતનાં લક્ષણ છે. કોઈ સારા સદ્‌ગુરુ તમને મળી જાય તો તેના સત્સંગથી તમારો આ અહંકાર જાય અને તમે નિર્મળ બની શકો.” સાંભળીને નામદેવની આંખ ઊઘડી ગઈ અને પોતાના અહંકારનો ખ્યાલ આવ્યો. સ્વયંજ્ઞાની એવા નામદેવે ભક્ત ગોરાની સલાહ પ્રમાણે સંત વિઠ્ઠોબાને પોતાના ગુરુ માની તેમની પાસે દીક્ષા લીધી અને અંતે ગુરુના જ્ઞાન અને પોતાનાં પ્રેમ-ભક્તિની સહાયથી એમનો અહંકાર પણ ઓગળી ગયો.

સંકલનકર્તા: શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 470

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.