(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ સંધના એક વિદ્વાન સંન્યાસી હતા. ૨૭ ઑગષ્ટ ૧૯૮૯ના રોજ એક જીપ દુર્ઘટનામાં તેમનું દુ:ખદ નિધન થયું હતું. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વ ચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામેલ છે. આ ગ્રંથના થોડા અંશોનું ગુજરાતી રૂપાંતર ધારાવાહિકરૂપે અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. તેનો ૭મો અને છેલ્લો અંશ રજૂ કરીએ છીએ.)

(ફેબ્રુઆરી ૯૦થી આગળ)

ગીતાનો કર્મયોગ: આપણે જોયું કે, ગીતાનો કર્મયોગ એ વાત પર ભાર મૂકે છે કે ઈશ્વર પર વિશ્વાસ રાખો અને પોતાની બધી પ્રેરણાઓનો મૂળ સ્રોત એને જ માનો. પૂરી શક્તિથી હાથે કામ કરો, પણ ફળનો અધિકાર પોતે ન લો. એ તો જેનો છે, એની પાસે જ રહેવા દો. કર્મ કરવાનો અધિકાર તમારો છે અને ફળ આપવાનો અધિકાર ઈશ્વરનો છે. આ ક્રમને અવળો ન થવા દો. એ અવળો થાય ત્યારે જ બધાં દુ:ખો આવે. આપણામાંનાં ઘણાંના જીવનમાં એ ક્રમ અવળો થયો છે. આપણે કર્મ કરવાનો અધિકાર ઈશ્વરને સોંપીએ છીએ અને પોતે નિષ્ક્રિય પડયા રહીએ છીએ. આપણે કહીએ છીએ કે, ઈશ્વરની મરજી હશે તો તે કર્મ કરાવી લેશે. પણ ફળના આપણે આગ્રહી હોઈએ છીએ. આનાથી સંતુલન બગડી જાય છે અને યોગ સિદ્ધ થતો નથી, તો આપણે શું કરવું? કોઈ રીતે ક્રમને અવળો ન થવા દઈએ. કર્મ કરીએ તો પૂરી લગનથી અને કુશળતાથી કરીએ. અને એવું માનીએ કે કર્મ કરવાનો અધિકાર આપણો છે. પણ ફળ વિશેની બધી ચિંતા ઈશ્વરને સોંપી દઈએ. ઈશ્વરને કહીએ કે, તમે જ કર્મફળના દાતા છો. તમારી મરજી પ્રમાણે જ કરો, તમારું કરેલું બધું અમને મંજૂર છે. આ જ સાચી દૃષ્ટિ છે. ગીતા આ જ દૃષ્ટિકોણનો ઉપદેશ દેતાં કહે છે:

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफल हेतुर्भूर्मा ते संगोऽस्त्वकर्मणि ॥ (૨/૪૭)

‘તારો અધિકાર કર્મ કરવામાં જ છે, ફળમાં કદાપિ નહિ. તું કર્મફળનો હેતુ ન બન; અકર્મ તરફ તારું વલણ ન થાઓ.’ શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મફળનો હેતુ ન બને. આ કથનનું શું તાત્પર્ય છે? માણસ કર્મ તો કરે છે, પણ એના ફળનો હેતુ પણ પોતે જ બનવા ઇચ્છે છે. માણસ પોતે જ જો કર્મફળ મેળવવાનું કારણ બને, તો એ કર્મથી બંધાઈ જાય. કોઈ વસ્તુ આપણને ક્યારે બાંધે છે? જયારે આપણને એની કામના હોય છે ત્યારે. કર્મફળ આપણને ક્યારે બાંધે છે? જયારે આપણે એના આગ્રહી હોઈએ છીએ ત્યારે. ગીતા કહે છે કે, કર્મફળ તો તમને કર્મના અટળ નિયમાનુસાર મળશે જ. એને માટે કારણ બનવાની તમારે જરૂર નથી. જે વસ્તુ પોતે જ તમને મળવાની છે, એને માટે તાણાતાણી શાની? કર્મફળનો હેતુ તો કર્મમાં રહેલી ‘અપૂર્વ’ નામક શક્તિ છે. તમે આ અપૂર્વનું સ્થાન લઈને કર્મફળમાં શું બંધાવા ઇચ્છો છો?

આ એક નવો દૃષ્ટિકોણ છે કે જે ગીતામાં મળે છે. કર્મ કરો પણ ફળમાં આસકિત નહિ. આપણે કર્મફળનું કારણ ન બનીએ અને અકર્મથી પણ દૂર રહીએ. માણસને એવો વિચાર આવે કે જો મારે કર્મફળ સાથે કશી લેવાદેવા ન હોય તો પછી કર્મ કરું જ શા માટે? એટલે ગીતામાતા કહે છે કે ના, કર્મ કરવાનું પ્રયોજન છે. કર્મ કર્યા વગર જીવનનું ચરમ લક્ષ્ય પ્રાપ્ત થતું નથી. એટલે નિષ્ક્રિય ન બનો, અકર્મણ્યતાથી દૂર રહો. ભગવત્સમર્પિત બુદ્ધિથી કર્મ કરો. એનાથી કર્મોનું ઝેર સુકાઈ જાય છે. કર્મોમાં સ્વાભાવિક રૂપે રહેલી બંધનશક્તિ ખરી પડે છે. આ જ કર્મ કરવાનું કૌશલ છે. આ જ યોગ છે. કારણ કે યોગને કર્મ કરવાનું કૌશલ કહ્યો છે : ‘યોગ: કર્મસુ કૌશલમ્‌’, ભક્તોએ શ્રીરામકૃષ્ણદેવને પૂછયું: ‘મહારાજ, કર્મોની કુશળતાને ‘યોગ’ કહેલ છે, એનો અર્થ શો?” શ્રીરામકૃષ્ણદેવે એના ઉત્તરમાં બે ઉદાહરણો આપ્યાં. ફણસ કાપવાની કુશળતા શેમાં છે? એમાં જ કે આપણે કણસ તો કાપીએ, પણ એવી રીતે કાપીએ કે એનું દૂધ હાથમાં ચોટી ન જાય. મધપૂડામાંથી મધ કાઢવાની કુશળતા શેમાં છે? એમાં જ કે, આપણે મધ તો કાઢીએ પણ મધમાખીઓ આપણને કરડી ખાય નહિ. આવી રીતે કર્મ કરવાની કુશળતા એમાં છે કે, આપણે કર્મો તો કરીએ, પણ કર્મોના સ્વભાવમાં બાંધી દેવાની જે શક્તિ છે, તે આપણને ઘેરી ન લે. આ જ ‘યોગ’ શબ્દનું તાત્પર્ય છે. ‘योग: कर्मसु कौशलम्‌’ તથા ‘समत्वं योग उच्यते’ આ બંને પરિભાષાઓમાં નિશ્ચિત રીતે આ અર્થ સમાયેલો છે.

સ્વધર્મનું પાલન : અર્જુનને ભય લાગતો હતો કે યુદ્ધ રૂપી ઘોર કર્મ કરવાથી એને પાપ લાગશે. એ ભૂલી ગયો હતો કે, યુદ્ધ એનો સ્વધર્મ છે. અને સ્વધર્મપાલનથી પાપ લાગતું નથી. એનું મન મોહથી ઘેરાઈ ગયું હતું. કાં તો સ્વજનોની આસક્તિમાં પડીને અને કાં તો સંભવત: હારી જવાની બીકને લીધે યુદ્ધકર્મથી નિવૃત્ત થઈને એ જંગલમાં ભાગી જવા માગતો હતો. ભલે અર્જુને ભીખથી જીવનનિર્વાહ કરવાની વાત કરી, પણ કૃષ્ણ તો મનોવૈજ્ઞાનિક હતા, તેઓ માનવ-મનને વાંચી શકતા હતા. એમણે અર્જુનની દુર્બળતાને માપી લીધી અને એને બતાવ્યું કે, સ્વધર્મનો ત્યાગ કરીને પરધર્મ ગ્રહણ કરવાનું કેવું કુફળ મળે છે. એમણે અર્જુનને કહ્યું :

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः॥ (ગીતા ૩/૩૫)

‘હે પાર્થ, સારી રીતે આચરેલા અન્ય ધર્મ કરતાં ગુણરહિત હોય તોય પોતાનો ધર્મ સારો છે; પોતાના ધર્મમાં મરવુંય સારું; પણ પારકો ધર્મ તો ભયંકર જ છે.’ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સ્વધર્મમાં સ્થિત રહેવા પ્રેરે છે. પારકો ધર્મ ઉપરછલ્લી રીતે ભલેને ખૂબ આકર્ષક જણાતો હોય, પણ જે આપણું સ્વભાવપ્રાપ્ત કર્તવ્યકર્મ છે, એને છોડીને એ પારકા ધર્મનો સ્વીકાર કરવાથી છેવટે તો ખૂબ હાનિ જ થાય છે. સ્વધર્મ ભલે ગુણહીન અને શુષ્ક લાગતો હોય પણ એને યોગ સમજીને આચરવામાં આવે તો એ જ આપણે માટે કલ્યાણકારી બની જાય છે. કારણ કે સ્વધર્મ સહજ હોય છે; આપણી પ્રકૃતિને અનુકૂળ હોય છે અને પરધર્મ આકર્ષક હોવા છતાં ભારેખમ હોય છે. સ્વધર્મમાં કોઈ દોષ દેખાય, તો પણ એ દોષ દૂર કરીને એને આચરવો જોઈએ. સંસારમાં એવું કોઈ કર્મ નથી કે જે પૂરેપૂરું નિર્દોષ હોય. કર્મમાં ગુણ-દોષ બંને હોય જ છે.

सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत्।
सर्वारंभा हि दोषेण धूमेनाग्निरिवावृताः।। (ગીતા:૧૮/૪૮)

‘હે કૌન્તય! સ્વભાવપ્રાપ્ત કર્મમાં દોષ દેખાય તોય એને છોડવું ન જોઈએ. જેમ અગ્નિ સાથે હંમેશાં ધુમાડો લાગેલો જ રહે છે, તેમ જ દરેક કર્મ કોઈ ને કોઈ દોષથી યુકત હોય જ છે.’

માણસ જો એમ વિચારે કે હું તો નિર્દોષ કર્મ જ કરીશ, તો ભલે એ આખી દુનિયામાં ચક્કર લગાવે, પણ એને નિર્દોષ કર્મ શોધ્યું જડવાનું નથી. અર્જુનને પરાણે યુદ્ધમાં દોષ દેખાયો. યુદ્ધ એનું સ્વભાવપ્રાપ્ત કર્મ હતું, સ્વધર્મ હતો. સ્વધર્મમાં દોષ દર્શન કરવાથી એ વિચલિત થયો અને સ્વધર્મ છોડીને ભિક્ષાથી જીવનનિર્વાહ કરવાની વાત કરવા લાગ્યો. પ્રકારાન્તરે એને સંન્યાસધર્મનું જબરું આકર્ષણ થવા લાગ્યું, અને એ પરધર્મ સ્વીકારની વાત કરવા લાગ્યો. અર્જુન સમજી ન શક્યો કે એના આ માનસિક વલણ પાછળ કાયરતા અને મનૌદૌર્બલ્ય કામ કરી રહ્યાં છે. એ સમજી ન શક્યો કે, પરધર્મ એના વિનાશનું કારણ બનશે અને એ જો બળપૂર્વક રહેશે તો ‘ઈતો નષ્ટ: તતો ભ્રષ્ટ:’ વાળી કહેવત સાર્થક થશે. પણ કૃષ્ણ એ સમજતા હતા. એથી એમણે અર્જુનને ફટકાર્યો. ગાંડીવધારી અર્જુનને ક્લીવ-નપુંસક કહ્યો, એને પરધર્મની ભયંકરતા બતાવી અને સ્વધર્મમાં સ્થિત રહેવા પર ભાર મૂક્યો.

સ્વધર્મનો અર્થ કોઈ સંપ્રદાય નથી. સ્વધર્મનો મતલબ હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી આદિ ધર્મ નથી. દરેક વ્યકિતને પોતાનો એક આગવો અને અલગ ધર્મ હોય છે. એનો એ ધર્મ એના સંસ્કારો, એની જન્મજાત અભિરુચિઓ પર આધારિત હોય છે.

ધારો કે, એક મા-બાપને દસ બાળકો છે, તો એમાંના દરેક બાળકનો સ્વધર્મ એકબીજાથી અલગ હોવાનો. સ્વધર્મનો માર્ગ, (Line of least resistance) ઓછામાં ઓછા અવરોધવાળો હોય છે. સ્વધર્માવલંબનથી માણસની પ્રગતિ અપેક્ષાકૃત જલદી થાય છે. પોતાની જન્મજાત અભિરુચિઓ અને માનસિક વલણોના માધ્યમથી મનને ઈશ્વરાભિમુખ કરવાનો ઉપક્રમ કરવો, એ જ સ્વધર્મ છે. મનને ઈશ્વરાભિમુખ બનાવવું, એ જ સ્વધર્મપાલનનું પ્રયોજન છે. કેટલાક સંજોગોને લીધે આપણી વૃત્તિઓ એકાએક સ્વધર્મ છોડીને પરધર્મ તરફ વળવા લાગે છે ત્યારે એને સ્વધર્મ ત્યાગ કહેવાય છે. ધીરે ધીરે અભિરુચિઓમાં પરિવર્તન અને ઊર્ધ્વગમન થઈ શકે છે. શક્ય છે કે, હું નાનો હતો ત્યારે મારી રુચિ કોઈ ખાસ દિશામાં હતી. ધીરે ધીરે માનસિક વિકાસ સાથે મારી રુચિમાં ફેરફાર થતો ગયો. તો આપણે કહી શકીએ કે, મારો સ્વધર્મ પણ મારા માનસિક વિકાસને અનુરુપ બદલતો ગયો. એને સ્વધર્મત્યાગ કહેવાય નહિ, એ તો એક ક્રમિક રૂપાન્તર છે, વિકાસ છે. ત્યારે સ્વધર્મત્યાગનો શો અર્થ છે? જો હું પરાણે કોઈ કારણે મારો સ્વધર્મ એકાએક છોડી દઉં અને જેમાં પહેલાં કદીય મારી આસ્થા ન હતી એવા પરધર્મને અપનાવી લઉં, તો એ સ્વધર્મત્યાગ કહેવાય છે. અર્જુન સ્વધર્મ છોડવા માગતો હતો. યુદ્ધ પહેલાં તો અર્જુન એમ જ કહેતો હતો કે, તે દુર્યોધનને જોઈ લેશે. કર્ણ સાથે પનારો પાડી લેશે. અને દુ:શાસનને મજા ચખાડશે. આ પહેલાં તો એણે ક્યારેય સંન્યાસની વાત નહોતી કરી. કૃષ્ણે ક્યારેય અર્જુનને મોંએ વૈરાગ્યની વાતો સાંભળી ન હતી. અર્જુને હરદમ પોતાના ગાંડીવની પ્રશંસા કરી હતી. એને પોતાના બાહુબળનો ગર્વ હતો, ગાંડીવનો ટંકાર એનું જીવન હતું. જયારે એણે બન્ને સેનાઓની વચ્ચે થઈને રથ લઈ જવાનું કૃષ્ણને કહ્યું, ત્યારે એનામાં ક્ષત્રિયોચિત શૌર્ય કામ કરી રહ્યું હતું અને એણે અભિમાનથી કૃષ્ણને કહ્યું પણ હતું :

यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान्।
कैर्मया सह योद्धव्यमस्मिन्रणसमुद्यमे।।  (ગીતા ૧/૨૨)

‘હું એ લોકોને જોઈ લેવા માગું છું કે, જેઓ લડવાની ઇચ્છાથી અહીં ઊભા છે અને જેમની સાથે આ રણસંગ્રામમાં મારે લડવાનું છે.’ અર્જુનના આ વાક્ય પર તો જરા ધ્યાન આપો—કૈર્મયા સહ યોદ્ધવ્યં— ‘મારે કોની સાથે લડવાનું છે.’—એટલે અર્જુન એ વખતે તો યુદ્ધ ઇચ્છે છે. પણ એક વાર બંને સેનાઓને જોઈ લીધા પછી એનામાં વિષાદ પ્રવેશે છે. એની વૃત્તિઓ પરાણે એકાએક જુદો વળાંક લે છે અને અચાનક એ સંન્યાસની વાતો કરવા લાગે છે. આને સ્વધર્મત્યાગ કહે છે. અહીં સ્વધર્મનું ક્રમિક રૂપાંતર કે એનો વિકાસ નથી. પણ સંજોગોની થપાટથી એનો એકાએક ત્યાગ છે. આવો ત્યાગ માનસિક વ્યામોહને લીધે થયા કરે છે. એટલે કૃષ્ણ પરધર્મને ભયાવહ કહે છે. માનસિક વ્યામોહની દશામાં થતાં કાર્યો ભયાવહની શ્રેણીમાં આવે છે.

તો, અર્જુન આ જ વ્યામોહથી આક્રાન્ત થયો હતો અને પોતાના સ્વધર્મમાં દોષ જોતો હતો. એને સમજાવતાં કૃષ્ણ કહે છે: “પાર્થ, સંસારનાં સર્વ કર્મ કોઈ ને કોઈ દોષથી મુક્ત હોય જ છે. દોષ અને કર્મનો સંબંધ ધુમાડા અને આગ જેવો છે. કોઈ દોષ દેખાયો એટલે કંઈ સ્વધર્મપ્રાપ્ત કર્મ છોડી ન દેવું જોઈએ. તું પોતાનું કર્તવ્યકર્મ કર. પોતાના સ્વધર્મનું પાલન કર. તને એમાં જે દોષ દેખાય છે, એને દૂર કરવાની વિધિ પણ હું તને બતાવી દઉં છું.”

ભગવત્સમર્પણની ભાવના: અને ભગવાને એ વિધિ બતાવી પણ ખરી. એ વિધિ છે ભગવત્ સમર્પિત બુદ્ધિથી સ્વકર્માચરણ કરવું તે. કર્તવ્યકર્મ પૂરી લગન અને કૌશલથી કરવાં, અને એનાં ફલાફલ ભગવાનને સોંપી દેવાં. કર્તાપણાના ભાવને પોતાના ઉપર લાદ્યા વગર ભગવાન પર લાદવો. વિકર્મ અને અકર્મથી પોતાને બચાવીને કર્તવ્યકર્મોને ઈશ્વરપૂજા માનીને કરવાં.

અહીં એક પ્રશ્ન કરવામાં આવે છે કે, એક બાજુ તો એમ કહેવામાં આવે છે કે, બધું જ ઈશ્વરની પ્રેરણાથી થાય છે તો વળી બીજી બાજુ અકર્મ અને વિકર્મથી પોતાને બચાવી લેવાનુંય કહેવામાં આવે છે. જો બધું જ ઈશ્વરપ્રેરિત હોય તો વિકર્મ અને અકર્મ પણ ઈશ્વરપ્રેરિત જ છે. તો પછી એનાથી બચવાનો પ્રયત્ન કેમ કરાય? દુષ્કર્મને પણ ઈશ્વરપ્રેરિત માનીને કેમ ન ચાલવું? એનો ઉત્તર એ છે કે, આ સ્થિતિ તો ઘણી જ ઊંચી છે કે, જ્યારે સારું-ખરાબ, શુભ-અશુભ સઘળું જ ઈશ્વરપ્રેરિત લાગે. સામાન્ય સ્થિતિમાં આવો તર્ક આપણને ખાઈમાં ધકેલી દે છે. આજે આપણને ઈશ્વરમાં વિશ્વાસ નથી એટલે આપણે આપણો આવો કુતર્ક કરીએ છીએ. જો ખરેખર જ આપણને ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો આવો ખોટો તર્ક આપણને સતાવશે નહિ. આજે જીવનમાં જેટલા ક્લેશો છે, તે બધા અજ્ઞાનથી થયા છે. એક એવો સમય આવશે કે જયારે અધ્યાત્મમાર્ગે આગળ ધપીશું અને એવી અવસ્થા પ્રાપ્ત કરીશું કે જ્યાં અશુભ પણ ભગવાનની જ પ્રેરણા લાગશે. ત્યારે ઝાડના એક પાંદડાનું હાલવું પણ ઈશ્વરપ્રેરિત લાગશે. પણ આપણી આજની સ્થિતિમાં આ સાચું નથી. આજે તો આપણે સાધનાની સ્થિતિમાં છીએ, વટેમાર્ગુ છીએ. આજે આપણી ભાવના કેવી હોય? એવી જ કે, મારાથી જે કંઈ દુષ્કર્મ થઈ જાય છે અથવા મારા મનમાં જે કુવિચાર ઊગે છે, તે મારા અહંકારથી પ્રેરિત થાય છે અને જે કંઈ સારું થાય છે, તે ઈશ્વરની કૃપાથી થાય છે. આપણાથી જો કંઈ ખરાબ થઈ ગયું હોય તો પશ્ચાત્તાપ કરતાં પ્રભુને પ્રાર્થના કરવી કે, “પ્રભુ, આવું મારાથી ક્યારેય ફરી ન થાય. મારી આવી કુવૃત્તિ ન થાય. તમે મારી કુવૃત્તિઓ દૂર કરી દો. હું તમારે શરણે આવ્યો છું. મારા દયા કરો.” આવો શરણાગતભાવ ધીરે ધીરે ચિત્તવિક્ષેપને દૂર કરી દે છે અને મનની એકાગ્રતામાં મદદ કરીને આપણને ‘યોગારૂઢ’ બનાવી દે છે. પણ અહીં વળી એક પ્રશ્ન પૂછી શકાય: ‘ઠીક છે, આપણે સમજયા કે શરણાગતભાવ સાધકને અધ્યાત્મ પથ પર ઊંચે લઈ જાય છે, પણ આપણે જે કંઈ કરીએ, એને ઈશ્વરસમર્પિત કરી દઈએ, એ ભાવ સાધ્ય કેમ બને?’ ઉત્તરમાં આપણે કહી શકીએ કે, ઈશ્વરનું સ્મરણચિંતન કરવાથી આ ભાવ સિદ્ધ થઈ શકે. વળી, પ્રશ્ન થાય કે, ઈશ્વરનું સતત સ્મરણચિંતન ભલા કેમ થાય ? હિસાબ કરતી વખતે ઈશ્વરસ્મરણ કરીએ તો હિસાબમાં ગોટાળો ન થાય ? તમે તો ગીતાનો હવાલો દઈને કહો છો કે, કર્મમાં કુશળતા એ જ યોગ છે! તો આ રીતે કામ કરતાં કરતાં ઈશ્વરસ્મરણ ચિંતન કરાય તો એનાથી શું કર્મમાં અકુશળતા નહિ આવે? જો હું સાઈકલ પર બજારમાં જતાં ઈશ્વરસ્મરણ કરવા માંડું તો અકસ્માત નહિ થાય, એમ કોઈ કહી શકે ખરો? ભક્તોએ શ્રીરામકૃષ્ણને પૂછયું હતું : “મહારાજ, દર વખતે કાર્યો વચ્ચે ઈશ્વરચિંતન કેમ કરી શકાય? એ તો ઠીક છે કે, કેટલાંક કર્મો એવાં હોય છે ખરાં કે જયારે ‘હાથમાં કામ મુખથી નામ’ એવું કરી શકીએ. પણ જયારે બુદ્ધિ લગાવીને કોઈ કામમાં જોડાઈએ, ત્યારે ઈશ્વરચિંતન કેમ થાય? શ્રીરામકૃષ્ણ ઉત્તર આપે છે; દાંતના દુખાવાનો દાખલો દઈને સ્મરણનું રહસ્ય ખોલી બતાવે છે. જ્યારે દાંતમાં દુખાવો ઊપડે છે, ત્યારે મનના એક ભાગને જાણે એ પકડી લે છે. મનનો એક ભાગ હરદમ દાંતની પીડામાં પડ્યો રહે છે. બજારે જતાં, ઑફિસે કામ કરતાં, ઘરમાં ઊઠતાં-બેસતાં—બધો વખત દાંતની પીડાનો અનુભવ થતો રહે છે. એ જ રીતે, અભ્યાસ દ્વારા મનને ભગવાનનાં ચરણોમાં એવું લગાડી દેવું જોઈએ કે, એમનું સ્મરણ અંતરપ્રવાહની પેઠે મનની ભીતર સદાય વહેતું રહે. મનની આવી અવસ્થા દીર્ધકાલવ્યાપી અભ્યાસથી સિદ્ધ થાય છે. જેમ શ્રીરામકૃષ્ણ કહેતા: જ્યારે સંસારમાં કામ કરો, ત્યારે એક હાથથી ભગવાનનાં ચરણો પકડી રાખો અને બીજે હાથે કામ કરો; જયારે કામ પૂરું થાય ત્યારે એ એક હાથ પણ ભગવાનને ચરણે મૂકી દો. સતત સ્મરણનું આ જ રહસ્ય છે. દરેક કર્મના પ્રારંભે અને અંતે શ્રીપ્રભુકૃપાનું સ્મરણ કરો. વચ્ચે વખત મળે મન ફરી એમનામાં લગાવી દો. હિસાબની પહેલાં અને પછી શ્રીભગવાનનું ચિંતન કરો. હિસાબની વચ્ચે, કલમ એક બાજુ મૂકીને ઘડીભર ફરી એની કૃપાનું સ્મરણ કરી. લો. એનાથી ઈશ્વરનું સતત સ્મરણ સિદ્ધ થાય છે અને કર્મ પહેલાં કરતાં વધારે કુશળતાથી સંપન્ન થાય છે.

એક સંન્યાસી હિમાલયને રસ્તે ઉપર ચડી રહ્યા હતા. વચ્ચે એમને ઠોકર લાગી અને તે બોલી ઊઠ્યા: ‘‘પ્રિયતમ, આ ક્ષણે તમારી વિસ્મૃતિ થઈ ગઈ હતી, એટલે મને ઠોકર લાગી.” કેવી સરસ વાત છે ! સંસારમાં ઠોકર ત્યારે લાગે છે કે જયારે આપણે ઈશ્વરને ભૂલીએ છીએ. ઈશ્વરનું ચિંતનમનન હિસાબમાં ગોટાળો પેદા નથી કરતું, અથવા કાર્યની ગુણવત્તા ઓછી નથી કરતું. પણ એને ઉત્તમ બનાવે છે. જે માણસ કહી રહ્યો હતો કે સાઈકલ પર બજારે જતી વખતે ઈશ્વરસ્મરણ કરતાં શું ક્યાંય ભટકાઈ ન પડીએ? એને પૂછીએ, બધો સમય તમે શું સાઈકલનાં પૈડાં જોયા કરો છો ખરા? તમારું મન શું અહીંતહીં જતું નથી? ખરી રીતે એ માણસનું મન સંસારમાં ઘૂમતું હોય છે અને ઈશ્વરચિંતન વિશે કહેવામાં આવતાં એ અકસ્માત થવાની દલીલ કરે છે. હિસાબ કરતાં માણસનું મન પણ કોણ જાણે ક્યાં ક્યાં ભટકતું હોય છે! તાત્પર્ય એ છે કે એ દલીલો ઢીલી છે. અભ્યાસથી મન પર સંસ્કારો પાડવામાં આવે, તો આપણે ઈશ્વરનું સતત સ્મરણ કરવામાં સફળ થઈ શકીએ છીએ. એક વખતે મને ઠોકર લાગી. એ ઘાને લીધે હું લંગડાતો ચાલવા લાગ્યો. બે દિવસ પછી મેં સ્વપ્ન જોયું. રૂમમાં પણ હું લંગડો લંગડો ચાલતો હતો. હવે જુઓ, ઘા જેવી એક સામાન્ય ક્રિયાએ મન પર પર એક એવો સંસ્કાર પાડી દીધો કે સ્વપ્નમાંયે એવી ક્રિયા થવા લાગી. તો જો આપણે જાણી બુઝીને મન પર સમર્પણના સંસ્કાર પાડતા રહીએ તો ઈશ્વર પ્રત્યે સમર્પણભાવની એક અંત:સલીલા મનમાં વહાવવાનું કેમ શક્ય ન બને? આ અભ્યાસ જ સાધના કહેવાય છે. આ જ એ યોગ છે કે, જેનો ઉપદેશ ગીતા કહે છે. આ જ એ રસાયન છે કે કર્મના ઝેરને ચૂસી લે છે, અને કર્મથી થતાં બંધનોને છેદી નાખે છે.

ભાષાંતરકાર : શ્રી કેશવલાલ શાસ્ત્રી

Total Views: 337

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.