આજ વૈશાખ વદ બારસ, શનિવાર બીજી જૂન, ૧૮૮૩. ઠાકુર શ્રીરામકૃષ્ણ કલકત્તા પધાર્યા છે. બલરામને ઘેર થઈને અધરને ત્યાં આવ્યા. ત્યાં કીર્તન સાંભળીને ત્યાંથી રામને ઘેર આવ્યા…

ઠાકુરે વેદીની સામે બેસીને ઘણી વાર સુધી હરિકથા શ્રવણ કરી. કથા પૂરી થઈ એટલે તે બહારના ઓરડામાં જઈને બેઠા. ચારે બાજુ ભક્ત મંડળી પુરાણી પણ પાસે આવીને બેઠા ઠાકુર પુરાણીને કહે છે : ‘કંઈક ઉદ્ધવ-સંવાદ સંભળાવો.’

પુરાણી બોલ્યા : જ્યારે ઉદ્ધવજી વૃંદાવનમાં આવ્યા ત્યારે તેમનાં દર્શન કરવા માટે ગોવાળિયાઓ અને વ્રજગોપીઓ આતુર થઈને દોડી આવ્યાં. સૌએ પૂછ્યું : ‘શ્રીકૃષ્ણ કેમ છે? એ અમને ભૂલી ગયા છે કે શું? તે અમને યાદ કરે છે?’ એમ કહીને કોઈ રડવા લાગ્યા. કોઈ તેમને વૃંદાવનમાં જુદાં જુદાં સ્થળો દેખાડવા લાગ્યા અને કહેવા લાગ્યાં કે ‘આ સ્થળે શ્રીકૃષ્ણે ગોવર્ધન ધારણ કર્યો હતો, અહીં ધેનુકાસુરને માર્યો હતો, અહીં શકટાસુરને માર્યો હતો, આ મેદાનમાં શ્રીકૃષ્ણ ગાયો ચરાવતા, આ યમુના-રેતીમાં વિહાર કરતા. અહીં ગોવાળિયાઓ સાથે રમત રમતા, આ કુંજોમાં ગોપીઓ સાથે વાર્તા-વિનોદ કરતા.’ ઉદ્ધવજી બોલ્યા : ‘તમે લોકો કૃષ્ણને માટે આટલા વ્યાકુળ થાઓ છો શા માટે? એ તો સર્વભૂતમાં રહેલા છે, એ સાક્ષાત્ ભગવાન! તેમના સિવાય આ જગતમાં બીજું કંઈ નથી ગોપીઓ કહેવા લાગી : ‘ઓધવ, અમે એવું કશું સમજી ન શકીએ. અમે ભણેલાંગણેલાં નથી. અમે તો માત્ર વૃંદાવનના કૃષ્ણને જાણીએ, કે જે અહીં જાત જાતની ક્રીડા કરી ગયા છે.’

ઉદ્ધવ બોલ્યા : ‘એ સાક્ષાત્ ભગવાન! એમનું ચિંતવન કરવાથી ફરી સંસારમાં આવવું ન પડે, જીવનમુક્ત થઈ જવાય.’ ગોપીઓ બોલી, અમે મુક્તિ-બુક્તિ અને એ બધી વાતો સમજીએ નહિ, અમે અમારા પ્રાણપ્રિય કૃષ્ણને નજરે જોવા ઇચ્છીએ.’

ઠાકુર શ્રીરામકૃષ્ણ આ બધી કથા એકધ્યાનથી સાંભળવા લાગ્યા અને ભાવ-સમાધિમાં મગ્ન થઈને કહેવા લાગ્યા કે ‘ગોપીઓએ બરાબર કહ્યું છે.’ એમ કહીને તે પોતાના મધુર કંઠે ગાવા લાગ્યા :

‘હું મુક્તિ દેવા નારાજ નહિ,
શુદ્ધભક્તિ દેવા રાજી નહિ,
મારી ભક્તિ પામે જો કોઈ,
પહોંચી શકે નવ તેને કોઈ,
તે તો સેવા પામે થઈ ત્રિલોકમાં જયી.
સુણો ચંદ્રાવલી, ભક્તિ-કથા કહું,
મુક્તિ મળે ક્યારેક, ભક્તિ મળે નહિ,
ભક્તિને કારણે પાતાળ-ભવને બલિને દ્વારે
દ્વારપાળ થાઉં

શુદ્ધ ભક્તિ છે એક વૃંદાવનમાં
ગોપગોપી વિણ અન્ય નવ જાણે
ભક્તિને કારણે નંદ-ભવને પિતા ગણી નંદના
પાટલા ઉઠાવું.

શ્રીરામકૃષ્ણ (પુરાણીને) – ગોપીઓની ભક્તિ, પ્રેમલક્ષણા ભક્તિ, અવ્યભિચારિણી ભક્તિ, નિષ્ઠા ભક્તિ. વ્યભિચારિણી ભક્તિ કોને કહે ખબર છે? જ્ઞાનમિશ્ર ભક્તિ. જેમ કે કૃષ્ણ જ સર્વ થઈ રહેલ છે, એ જ પરબ્રહ્મ, એ જ રામ, એ જ શિવ, એ જ શક્તિ. પરંતુ પ્રેમ-ભક્તિમાં એ જ્ઞાન પણ મિશ્રિત ન હોય. હનુમાનજી દ્વારકામાં આવીને કહે કે ‘મારે સીતારામનાં દર્શન કરવા છે.’ એટલે કૃષ્ણ ભગવાને રુકિમણિજીને કહ્યું કે ‘તમે સીતારૂપ ધારણ કરીને બેસો, નહિતર હનુમાનજી પાસે નહિ ચાલે!’ પાંડવોએ જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે જેટલા રાજા હતા તે બધા યુધિષ્ઠિરને સિંહાસન પર બેસાડીને પ્રણામ કરવા લાગ્યા. એટલે વિભીષણે કહ્યું, ‘હું એક રામને માથું નમાવું, બીજા કોઈને નમન કરું નહિ.’ જ્યારે કૃષ્ણ ભગવાને પોતે જમીન પર માથું નમાવીને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. ત્યારે જ વિભીષણે રાજમુકુટ સહિત સાષ્ટાંગ થઈને યુધિષ્ઠિરને પ્રણામ કર્યાં.

‘એ શેના જેવું ખબર છે? જેમ કે ઘરની વહુ હોય, તે દિયર, જેઠ, સસરો, સાસુ વગેરે બધાંની સેવા કરે; પગ ધોવાનું પાણી આપે, ટુવાલ આપે, બેસવા પાટલો નાખી દે, તેમનું બધુંય કામ કરે. પણ માત્ર સ્વામી સાથે જુદી જાતનો સંબંધ.’

‘આ પ્રેમભક્તિમાં બે વસ્તુ છે : અહંતા અને મમતા. યશોદા ચિંતા કર્યાં કરતાં કે હું નહિ સંભાળું તો ગોપાલને બીજું કોણ સંભાળશે? હું ન સંભાળું તો ગોપાલ માંદો પડી જાય. કૃષ્ણને ભગવાન તરીકે યશોદા માનતાં નહિ.’

‘બીજી વસ્તુ : મમતા, મારાપણાનું ભાન, ‘મારો ગોપાલ!’ ઉદ્ધવ બોલ્યા, મા તમારો કૃષ્ણ સાક્ષાત્ ભગવાન છે. એ જગત-ચિંતામણિ છે, એ સામાન્ય નથી.’ યશોદા બોલ્યાં : ‘અરે તમારો જગત-ચિંતામણિ નહિ, મારો ગોપાલ કેમ છે એ પૂછું છું! ચિંતામણિ નહિ, મારો ગોપાલ.’

‘ગોપીઓની કેવી નિષ્ઠા! મથુરામાં દ્વારપાળને અનેક વિનંતી કરી કરીને સભામાં ગઈ. દ્વારપાળ તેમને કૃષ્ણની પાસે લઈ ગયો. પરંતુ પાઘડી બાંધેલા શ્રીકૃષ્ણને જોઈને ગોપીઓ માથું નીચું કરી રહી, એકબીજીને બોલવા લાગી કે “આ પાઘડી બાંધેલો વળી કોણ? આની સાથે વાત કરીને છેવટે શું આપણે વ્યભિચારણી થવું? આપણો પીતાંબરધારી મોહન, ચૂડા પહેરેલ એ પ્રાણવલ્લભ ક્યાં છે?” જુઓ છો, એમની કેવી નિષ્ઠા? વૃંદાવનનો મનોભાવ જ જુદો. સાંભળ્યું છે કે દ્વારકા તરફના લોકો અર્જુનના કૃષ્ણની પૂજા કરે, તેઓને રાધા ન જોઈએ.

ભક્ત : ભક્તિ કઈ સારી? જ્ઞાનમિશ્રભક્તિ કે પ્રેમભક્તિ?

શ્રીરામકૃષ્ણ : ઈશ્વર પર અત્યંત પ્રેમ ન આવે ત્યાં સુધી પ્રેમભક્તિ આવે નહિ – અને ઈશ્વર પર મારાપણાની ભાવના.

ત્રણ ભાઈબંધો વનમાં થઈને ચાલ્યા જાય છે. એટલામાં એક વાઘ દેખાયો. એક જણે કહ્યું, ‘અલ્યા, હવે આપણા બધાનું મોત છે!’ બીજાએ કહ્યું કે કેમ, મોત શું કામ? ચાલો ઈશ્વરને બોલાવીએ! એટલે ત્રીજાએ કહ્યું, ‘ના, ઈશ્વરને શા માટે તસ્દી આપવી. ચાલોને આપણે જ આ ઝાડ પર ચઢી જઈએ.’ જેણે કહ્યું, “આપણા બધાનું મોત આવ્યું” તે જાણતો નથી કે ઈશ્વર રક્ષણહાર છે. જે બોલ્યો કે ‘ચાલો આપણે ઈશ્વરને બોલાવીએ.’ એ જ્ઞાની. તેને જ્ઞાન છે કે ઈશ્વર જ સૃષ્ટિ, સ્થિતિ, સંહાર બધું કરે છે અને જે બોલ્યો કે ‘ઈશ્વરને શા માટે કષ્ટ દેવું? ચાલો, આપણે જ ઝાડ ઉપર ચડી જઈએ.’ તેની અંદર ઈશ્વર ઉપર સ્નેહ જન્મ્યો છે, પ્રેમનો ઉદય થયો છે. અને પ્રેમનો સ્વભાવ જ એવો છે કે પ્રેમી પોતાને મોટો માને અને પ્રેમના પાત્રને નાનો માને, કદાચ પાછું તેને દુ:ખ થાય તો? તેની માત્ર એ જ ઇચ્છા હોય કે જેને તે ચાહે તેના પગમાં કાંટો સરખો ય ન વાગે.

એ પછી ઠાકુર અને ભક્તોને ઉપલે મજલે લઈ જઈને રામે વિવિધ પ્રકારના મિષ્ટાન્નોથી તેમની સેવા કરી, ભક્તોએ પણ આનંદપૂર્વક પ્રસાદ લીધો.

[શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૧ (૧૯૮૨) પૃ.સં. ૨૦૨-૨૦૪]
Total Views: 243

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.